ગુજરાત ચૂંટણી માટે કૉંગ્રેસનો વાયદો : ખેડૂતોનાં દેવાં માફ, સસ્તી વીજળી, સસ્તો ગૅસ
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હિલચાલ શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં દેવભૂમિ દ્વારકામાં કૉંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ જોડાયા હતા.

ઇમેજ સ્રોત, Jitendra Baghel/Twitter
આ શિબિરમાં ગુજરાતમાં કૉંગ્રેસની હાલની પરિસ્થિતિ અને આગામી સમયની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ચર્ચા બાદ ગુજરાત કૉંગ્રેસ દ્વારા 'સંકલ્પપત્ર'ની જાહેરાત કરવામાં આવી હતી. આ સંકલ્પપત્રમાં આગામી ચૂંટણીમાં જો તેમની સરકાર બનશે તો કયા-કયા લાભ આપવામાં આવશે, તેની જાહેરાત કરવામાં આવી હતી.

છેલ્લાં પાંચ વર્ષમાં થયેલાં આંદોલનો પર ધ્યાન કેન્દ્રિત

ઇમેજ સ્રોત, Amit Chavda/ Twitter
પાછલાં પાંચ વર્ષમાં ગુજરાતમાં શિક્ષણના વેપારીકરણથી લઈને સરકારી ભરતીઓમાં ગેરરીતિ થઈ હોવાના આરોપો સાથે વિવિધ આંદોલનો થયાં છે.
આ આંદોલનોને ધ્યાનમાં રાખીને ગુજરાત કૉંગ્રેસે પોતાના 'સંકલ્પપત્ર'માં તેને લગતા મુદ્દા સમાવ્યા છે.
ભાજપના શાસન દરમિયાન વિવિધ સરકારી ભરતીમાં થયેલી ગેરરીતિ તેમજ પેપર ફૂટવાના આરોપો અંગે કૉંગ્રેસે પોતાના સંકલ્પપત્રમાં જણાવ્યું છે કે, "આ તમામ કિસ્સામાં હાઈકોર્ટના સીટિંગ જજના વડપણ હેઠળ તપાસપંચની નિમણૂક કરીને તમામ દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે."
આ ઉપરાંત ભાજપના શાસનમાં ગ્રામ્ય કક્ષાથી લઈને સચિવાલય સુધી થયેલા તમામ ભ્રષ્ટાચારની તપાસ કરીને જવાબદારો સામે ત્વરિત પગલાં લેવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય રાજ્યમાં દર વર્ષે શાળાઓની ફી અને આરટીઈ કાયદાના પાલનને લઈને વિવાદ સર્જાતો રહે છે.
જેને લઈને કૉંગ્રેસે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ માટે 'મહાત્મા ગાંધી શિક્ષણ' નામથી મૉડલ સંકુલ શરૂ કરવાની જાહેરાત કરી છે.
જેમાં વિદ્યાર્થિનીઓ માટે તમામ શિક્ષણ સંપૂર્ણપણે મફત રાખવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વ્યવસાયલક્ષી શિક્ષણ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોલીસમાં ગ્રેડ પે અને શોષણને લઈને થયેલા આંદોલનને અનુલક્ષીને કૉંગ્રેસે રાજ્યના પોલીસદળના આધુનિકીકરણ સાથે પૂરતી નિમણૂક કરવાની અને પોલીસકર્મીઓના શોષણ પર રોક લગાવીને પૂરતા પગાર ગ્રેડ અને સુવિધાઓ ઊભી કરવાની જાહેરાત કરી છે.
જોકે, 2020ના સૌથી ઉગ્ર એવા રાષ્ટ્રવ્યાપી ખેડૂતઆંદોલન બાદ ખેડૂતોના હિત માટે કૉંગ્રેસે જાહેરાત કરી છે કે,
- ખેડૂતોના દેવા માફ કરાશે અને વીજળી બિલ અડધાં કરી દેવામાં આવશે.
- વર્તમાન જમીનમાપણી પહેલી કૅબિનેટ મિટિંગમાં રદ કરાશે.
- તમામ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાશે.
- દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસીડી આપવામાં આવશે.
- ખેતીનાં સાધનો, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પર જીએસટી રદ કરવા કેન્દ્ર પર દબાણ કરાશે.

કોરોના સમયની કામગીરી પર પ્રહારો

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે પોતાના સંકલ્પપત્રમાં જણાવ્યું છે કે, "ભાજપ સરકારની બેદરકારીના કારણે ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. તેમ છતાં સરકાર આંકડા છુપાવી રહી છે."
રાજ્યમાં ભાજપની સરકારમાં હૉસ્પિટલો, દવાઓ અને મેડિકલ સ્ટાફની અછત હોવાનું જણાવીને કૉંગ્રેસે જો તેમની સરકાર આવશે તો તમામ હૉસ્પિટલોમાં પૂરતાં સાધનો અને માનવ સંસાધનો પૂરાં પાડવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને ચાર લાખની સહાય અને કોરોનાથી મૃત્યુ પામનારા સરકારી કર્મચારીના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે.

વિકાસનાં દિલ્હી મૉડલ અને સસ્તાં ગૅસ સિલિન્ડરના વાયદા

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે પોતાના સંકલ્પપત્રમાં બે એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે લગભગ દરેક રાજ્યની ચૂંટણીમાં થતી આવે છે.
તેમાંની એક છે સસ્તાં ગૅસ સિલિન્ડર. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશ અને ગોવાની ચૂંટણી દરમિયાન મફત ગૅસ સિલિન્ડર આપવાની વાત કહી હતી.
આ માત્ર એક કિસ્સો નથી. લગભગ દરેક ચૂંટણીમાં લગભગ તમામ પક્ષના નેતાઓ મફત તેમજ સસ્તા ગૅસ સિલિન્ડરો આપવાની વાત કરતા હોય છે.
એવામાં ગુજરાત કૉંગ્રેસે પોતાના સંકલ્પપત્રમાં ગુજરાતના લોકોને ગૅસ સિલિન્ડરના 500 રૂપિયાથી વધુ ન ચૂકવવા પડે તે સુનિશ્ચિત કરવાનો વાયદો કર્યો છે.
આ ઉપરાંત જે રીતે દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તે રીતે ગુજરાતમાં રહેણાક વિસ્તારમાં વપરાશ આધારિત મફત અથવા તો રાહત દરે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે
વિકાસના દિલ્હી મૉડલમાંથી માત્ર મફત અથવા તો રાહતદરે વિજળી આપવાની જ નહીં, પરંતુ જે રીતે દિલ્હીમાં 'મહોલ્લા ક્લિનિક' ચાલે છે. તે જ રીતે ગુજરાતના શહેરી વિસ્તારોમાં સેવા, નિદાન અને સારવાર આપતા 'ત્રિરંગા ક્લિનિક' શરૂ કરાશે, તેવો વાયદો કરવામાં આવ્યો છે.

કૉંગ્રેસનું 'સંકલ્પ પત્ર' એક નજરમાં...

ઇમેજ સ્રોત, Getty Images
- વર્ષે દસ લાખ નવી રોજગારીની તકોનું સર્જન કરાશે.
- 'ન્યાય યોજના' અંતર્ગત વાર્ષિક 70 હજાર રૂપિયાની સીધી મદદ કરવામાં આવશે.
- જૂની 2004ની પેન્શન યોજના પુનઃ લાગુ કરવામાં આવશે.
- અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ફાળવવામાં આવતાં નાણાં સંપૂર્ણપણે તેમના માટે જ ઉપયોગમાં લેવાશે.
- જંગલના જમીનના કાયદાનું સંપૂર્ણ અમલીકરણ કરાશે.
- સામાજિક સુરક્ષા યોજનાઓને પારદર્શકતા સાથે અમલ કરાવાશે.
- સાગરખેડૂતોને તમામ સ્તરે ન્યાય અપાવવા વિશેષ નીતિ અપનાવવામાં આવશે.
- સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પાંચ લાખ જગ્યાઓ માટે 'સમયબદ્ધ રીતે ભરતી કૅલેન્ડર જારી કરવામાં આવશે.'
- ભ્રષ્ટાચાર નાબૂદી માટે 100 ટકા પારદર્શિતા લાગુ કરવામાં આવશે.
- લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સજીવન કરવા ચોક્કસ નીતિ ઘડવામાં આવશે.
- ગુજરાતની મહિલાઓનાં સ્વાભિમાન, સ્વાવલંબન, શિક્ષણ, સન્માન, સુરક્ષા અને આરોગ્યને સુનિશ્વિત કરવા માટે યોજના લાગુ કરાશે.
- આઉટસોર્સિંગ કરાર પદ્ધતિ નાબૂદ કરાશે અને લઘુતમ વેતન સુનિશ્ચિત કરાશે.
- દસ વર્ષથી વધુ સમયથી નોકરી કરતા તમામ કર્મચારીઓને કાયમી કરાશે.
- શહેરી વિકાસ માટે ઇન્ટિગ્રેટેડ પૉલિસી રજૂ કરાશે.
- પ્રદૂષિત નદીઓના શુદ્ધિકરણ અને વાયુ પ્રદૂષણમાંથી મુક્તિ માટે પારદર્શક નીતિઓ લવાશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












