દ્વારકા : કૉંગ્રેસ માટે સૌરાષ્ટ્રથી ગાંધીનગર જવાનો રસ્તો સરળ બનશે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ત્રણ દાયકાથી ગુજરાતમાં ગાંધીનગરની ગાદી સુધી પહોંચવાનો સરળ રસ્તો સૌરાષ્ટ્ર સાબિત થયું છે. ભાજપે ચાતરેલા આ ચીલાનું કૉંગ્રેસ પણ અનુકરણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા ખાતે કૉંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતનશિબિર યોજાઈ હતી. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ દ્વારકામાં હાજરી આપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
કદાચ તેથી જ કૉંગ્રેસે આ વખત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું સૌરાષ્ટ્રથી ફૂંકવાનું નક્કી કર્યું છે.
રાજકીય પંડિતોનું પણ માનવું છે કે કૉંગ્રેસ આ બાબત જાણે છે અને તેથી જ તેમણે પોતાના ચૂંટણીઅભિયાનની શરૂઆત દ્વારકાથી કરી છે.
તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સેફોલૉજિસ્ટ ડૉક્ટર એમ. આઈ. ખાને ગુજરાતના રાજકારણના પોતાનાં અવલોકન વિશે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, " ગુજરાતમાં ભાજપ 1995માં જયારે એકલા હાથે ચૂંટણી લડ્યો ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ ધ્યાન આપ્યું અને ભાજપ માટે ગાંધીનગરની ગાદી સુધી પહોંચવું સરળ બની ગયું."
ત્યારબાદ 1998થી સૌરાષ્ટ્ર અને કચ્છને ભાજપે ગઢ બનવ્યાં અને ગાંધીનગરમાં સત્તાના સર્વોચ્ચ સ્થાને પહોંચવાનો માર્ગ ખૂલી ગયો.
ડૉ. એમ. આઈ. ખાનની જેમ અન્ય રાજકીય વિશ્લેષકો સાથે પણ બીબીસી ગુજરાતીએ ગુજરાતના રાજકારણ અને સૌરાષ્ટ્રના મહત્ત્વ વિશા વાત કરી હતી.

કૉંગ્રેસને ઉત્તર ગુજરાતથી શરૂઆત કરવું ન ફળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના રાજકારણના નજીકના ભૂતકાળ અંગે કેટલીક રસપ્રદ વાતો જણાવતાં ડૉ. એમ. આઈ. ખાન કહે છે કે, "2002માં લોકોનું માનવું હતું કે કોમી હિંસા બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી કૉંગ્રેસને ફાયદો થશે એટલે એ સમયના કૉંગ્રેસપ્રમુખ શંકરસિંહ વાઘેલાએ મધ્ય ગુજરાતના ફાગવેલથી ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું. પણ કોઈ મોટો ફાયદો થયો નહી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એ પછી 2007ની ચૂંટણીમાં કૉંગ્રેસને બેઠકોમાં સામાન્ય ફાયદો થયો, પણ એમની પરંપરાગત વોટ બૅંકમાં કોઈ મોટો ફાયદો થયો નહી, 2012માં કૉંગ્રેસની બેઠકો વધીને 61 થઈ, પણ કૉંગ્રેસે 2017માં સૌરાષ્ટ્ર પર ધ્યાન આપ્યું અને એમને મોટો ફાયદો થયો. તેમનો વોટ શેર 38.93%થી વધીને 41.44% થયો અને બેઠકો 61થી વધીને 77 થઈ. વધારાની 16માંથી 15 બેઠક સૌરાષ્ટ્ર કચ્છમાંથી મળી હતી."

'સત્તાવિરોધી' લહેરનો લાભ લઈ શકશે કૉંગ્રેસ?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસને પહેલી વાર 1995 પછી સૌરાષ્ટ્ર અને કચ્છની 53 બેઠકોમાંથી 30 બેઠકો મળી. જેના કારણે ભાજપને 99 બેઠકો પર લાવી દીધો. એટલે આ વખતે ચૂંટણીનું રણશિંગુ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રથી ફૂંક્યું છે.
જાણીતા રાજકીય વિશ્લેષક પ્રોફેસર ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "2017ની ચૂંટણીમાં પટેલ, દલિત અને ઓબીસી એમ ત્રણ આંદોલન ભાજપની સામે હતાં, જેનો કૉંગ્રેસને ફાયદો થયો હતો પરંતુ તેની સરખામણીએ સૌરાષ્ટ્રમાંથી કૉંગ્રેસને મોટો ફાયદો થયો છે."
"કારણકે 2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રનો પ્રવાસ વધુ કર્યો હતો, આ પહેલાંની ચૂંટણીઓમાં કૉંગ્રેસના નેતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને વધુ લક્ષ્યમાં રાખતા હતા."
"પણ ગઈ ચૂંટણીમાં સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવાથી કૉંગ્રેસને ફાયદો થયો છે એટલે આ વખતે દ્વારકાથી ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે."
ઘનશ્યામ શાહ કહે છે કે "આ વખત કૉંગ્રેસ પાસે મોંઘવારી, બેરોજગારી, કોરોના અને કાયદો-વ્યવસ્થા ઉપરાંત ઘટેલા વ્યાજદરને કારણે સોશિયલ સિક્યૉરિટી જેવા ઘણા મુદ્દા છે, જે ભાજપની મધ્યમવર્ગની વોટ બૅન્કને અસર કરી શકે એમ છે."
"મોટા પાયે સત્તાવિરોધી લહેર છે, પણ કૉંગ્રેસ એનો કેવી રીતે ફાયદો ઉઠાવે છે એ મહત્ત્વનું છે. કારણકે રાહુલ ગાંધીના આ પ્રવાસથી કૉંગ્રેસને કેટલો ફાયદો થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે."
"સોશિયલ ઇજનેરીનો વ્યસ્થિત ઉપયોગ કરવામાં આવે તો કૉંગ્રેસને ફાયદો થશે. પણ સમય વધુ હોવાથી અત્યારે શું થશે એ કહેવું મુશ્કેલ છે."

'સોશિયલ ઇજનેરી મહત્ત્વનો ભાગ ભજવશે'

ઇમેજ સ્રોત, Getty Images
આ વાત સાથે સમાચારપત્ર ફૂલછાબના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા પણ સહમત છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કૌશિક મહેતા કહે છે કે, "એ વાત સાચી છે કે 30 વર્ષથી ગુજરાતમાં સત્તા મેળવવા માટે સૌરાષ્ટ્રની 53 બેઠકમાંથી વધુ બેઠક મેળવવી પડે, કારણકે સૌરાષ્ટ્રની અસર દક્ષિણ ગુજરાતનાં સુરત અને અમદાવાદની મળીને કુલ બીજી નવ બેઠક પર પડે છે."
"આ જોતાં કૉંગ્રેસે ચૂંટણીપ્રચારનો પ્રારંભ અહીંથી કર્યો હોય એમ લાગે છે. કારણ કે સૌરાષ્ટ્રમાં પટેલ મતદાતા, કોળી અને આહીર મતદાતાઓમાં હજુ કૉંગ્રેસનાં મૂળિયાં છે, અલબત્ત ઘણા નેતા કૉંગ્રેસ છોડીને ગયા છે પણ કૉંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બૅંકને જાળવવાનું આયોજન કરે તો ફરક પડી શકે."
"બીજી તરફ સૌરાષ્ટ્રના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે ત્યારે કૉંગ્રેસે સોશિયલ ઇજનેરીનો ઉપયોગ કરવાની જરૂર છે."
તેઓ આગળ કહે છે કે, "આહીર અને કોળી સમાજના મતો અંકે કરવા પડશે, કારણ કે 2012ની ચૂંટણી કરતાં કૉંગ્રેસને માત્ર 2.70% વધુ વોટ સ્વિંગ મળ્યો અને કૉંગ્રેસે સૌરાષ્ટ્ર કચ્છમાંથી 15 બેઠક વધુ મેળવી છે."
"2012ની ચૂંટણીમાં કૉંગ્રેસે સૌરાષ્ટ્ર કચ્છમાંથી 15 બેઠક મેળવી હતી અને બે બેઠક જી.પી.પી. સાથેના ગઠબંધનની હતી. પરંતુ અત્યારે એ કહેવું ઘણું વહેલું છે કારણકે કૉંગ્રેસ 2017 પછી થયેલી પેટાચૂંટણીઓમાં પોતાની બેઠક ગુમાવી ચૂક્યું છે."
"આ સંજોગોમાં ભાજપમાં સૌરાષ્ટ્રમાં નેતાઓમાં રહેલો અસંતોષ અને સોશિયલ ઇજનેરી મહત્ત્વનો ભાગ ભજવશે."

કૉંગ્રેસ આપશે વિકલ્પ કે ભાજપ જાળવશે સત્તા?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આગામી ચૂંટણીલક્ષી પાર્ટીના આયોજન અંગે કહ્યું હતું કે, "ગુજરાતમાં અમે કાયમ પવિત્ર જગ્યાએથી ચૂંટણીનો પ્રારંભ કરીએ છીએ. ઇંદિરા ગાંધી હતાં ત્યારે તેઓ કાયમ અંબાજીથી ચૂંટણીનો પ્રારંભ કરતાં હતાં. ત્યારે અમે દ્વારકાથી કરી રહ્યા છીએ, એમાં રાહુલ ગાંધી દ્વારા ચૂંટણીનું આયોજન કરાશે. જેમાં કોરોનામાં સરકારની નિષ્ફળતા, મહિલાઓની અસુરક્ષા, બેરોજગારી જેવા સંખ્યાબંધ મુદ્દાને લઈને અમે ચૂંટણીમાં બહાર આવીશું."
હેમાંગ રાવલ કહે છે કે, "માત્ર સૌરાષ્ટ્ર જ નહીં આખા ય ગુજરાત માં અમે સોશિયલ ઇજનેરીનો ઉપયોગ કરીશું. 2017માં ભાજપને 99 બેઠકોએ અટકાવ્યો હતો, આ વખતે સત્તાથી દૂર કરીશું. કારણકે કૉંગ્રેસના કેટલાક નેતાઓ ભલે અમને છોડીને ગયા હોય પણ કોળી, આહીર, પટેલ અને બીજી અન્ય જ્ઞાતિના આગેવાનો કૉંગ્રેસ સાથે છે અને આ વખતે અમે યોગ્ય આયોજન કરી રહ્યા છીએ."
તો ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ કૉંગ્રેસના સત્તા પ્રાપ્ત કરવાના દાવાને પોકળ ગણાવતાં કહ્યું કે, "ગુજરાતમાં કૉંગ્રેસે જમીન ગુમાવી દીધી છે, એમના પક્ષના લોકો કૉંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. રાહુલ ગાંધીના ગુજરાત આવવાથી કોઈ ફાયદો નહીં થાય. કારણકે દિશાહીન નેતૃત્વને કારણે 2019ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે કારમી હાર જોઈ છે અને કોરોનામાં સરકારની સફળ કામગીરીને જોઈને લોકોએ મીની વિધાનસભા ગણાય એવી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે. એ જ બતાવે છે કે ગુજરાતને કૉંગ્રેસ કરતાં ભાજપ પર વધુ ભરોસો છે."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












