રશિયા, યુક્રેન અને નેટો સંબંધિત દસ સવાલ અને તેના જવાબ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો કરવાની પોતાની કોઈ યોજના હોવાનો મહિનાઓ સુધી ઇનકાર કરતા રહ્યા હતા. તેમણે વારંવાર જણાવ્યું હતું કે યુક્રેનની સીમા નજીકના પ્રદેશમાં રશિયન સૈનિકો યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે.
જોકે, ગુરુવારે તેમણે યુક્રેનમાં 'વિશેષ લશ્કરી કાર્યવાહી' હાથ ધરવાની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત પછી યુક્રેનના પાટનગર કિએવ સહિતના દેશના અન્ય હિસ્સાઓમાંથી વિસ્ફોટના અવાજ સંભળાવા લાગ્યા હતા.

ઇમેજ સ્રોત, AFP
પુતિને 'મિન્સ્ક શાંતિ કરાર'ને ફગાવીને યુક્રેનના બે અલગતાવાદી પ્રદેશોમાં સૈન્ય મોકલવાની સોમવારની જાહેરાત પછી રશિયાએ ઉપરોક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
અલગતાવાદી પ્રદેશોમાં 'શાંતિ સ્થાપનાના હેતુસર' સૈન્ય મોકલવામાં આવ્યું હોવાનું રશિયાએ જણાવ્યું હતું.
એ પહેલાં રશિયાએ ગત કેટલાક મહિનાઓથી યુક્રેનની સીમા પર સૈનિકોને તહેનાત કરી દીધા હતા. યુક્રેન પર હુમલો થવાની અટકળ તે સમયથી જ કરવામાં આવતી હતી.

1. રશિયા યુક્રેનથી નારાજ શા માટે થયું?

ઇમેજ સ્રોત, EWA
યુક્રેનના યુરોપનાં સંગઠનો અને ખાસ કરીને નાટો સાથેના જોડાણનો રશિયા લાંબા સમયથી વિરોધ કરતું રહ્યું છે.
યુક્રેનની સીમા પશ્ચિમમાં યુરોપના દેશો સાથે અને પૂર્વમાં રશિયા સાથે આવેલી છે. જોકે, ભૂતપૂર્વ સોવિયેટ સંઘનું સભ્ય અને કુલ વસતીનો છઠ્ઠો હિસ્સો રશિયન મૂળના લોકોનો હોવાને કારણે યુક્રેનને રશિયા સાથે ગાઢ સામાજિક તથા સાંસ્કૃતિક સંબંધ છે.
યુક્રેને તેના રશિયાતરફી રાષ્ટ્રપતિને 2014માં પદભ્રષ્ટ કર્યા તેનાથી નારાજ થઈને રશિયાએ દક્ષિણ યુક્રેનના ક્રિમિયા દ્વીપકલ્પને પોતાના કબજામાં લઈ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઉપરાંત, જે અલગતાવાદીઓએ પૂર્વ યુક્રેનનો મોટો હિસ્સો કબજે કર્યો હતો એ અલગતાવાદીઓને રશિયાએ ટેકો આપ્યો હતો. એ વખતથી રશિયાતરફી વિદ્રોહીઓ અને યુક્રેનના સૈન્ય વચ્ચે ચાલી રહેલી લડાઈમાં 14,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

2. પુતિન આખરે શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, EPA
યુક્રેન પર હુમલો કરવાની યોજના વિશેના અનુમાનને રશિયા સતત નકારતું રહ્યું હતું, પરંતુ હવે યુક્રેનનાં અનેક શહેરો પર રશિયા દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે બધાનાં મનમાં એક સવાલ છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આખરે શું ઇચ્છે છે?
આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે 2014ના ઘટનાક્રમને સમજવો પડશે. રશિયાએ ત્યારે પણ યુક્રેન પર હુમલો કર્યો હતો.
એ વખતે રશિયાનું સમર્થન કરતા વિદ્રોહીઓએ યુક્રેનના પૂર્વ પ્રદેશમાં એક મોટો વિસ્તાર કબજે કરી લીધો હતો અને તે સમયથી માંડીને અત્યાર સુધી તે બળવાખોરો અને યુક્રેનના સૈન્ય વચ્ચે વારંવાર ટક્કર થતી રહી છે.
બન્ને દેશો વચ્ચે આવી ટક્કર ટાળવા માટે 'મિન્સ્ક શાંતિ કરાર' કરવામાં આવ્યો હતો, પરંતુ એ પછી પણ બન્ને દેશો વચ્ચે ટકરાવ ચાલતો જ રહ્યો હતો. આ કારણસર ત્યાં સૈન્ય મોકલવા પોતે મજબૂર હોવાની દલીલ વ્લાદિમીર પુતિન કરતા રહ્યા છે.
અલબત્ત, સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે, યુક્રેનમાં અલગતાવાદીઓના અંકુશ હેઠળના વિસ્તારોમાં 'શાંતિ સ્થાપનાના હેતુસર' સૈન્ય મોકલવાની રશિયાની દલીલને ધરમૂળથી ફગાવી દીધી છે.
રશિયા યુક્રેન પર હુમલો કરશે તે નક્કી જ છે અને એ માટે રશિયા 'ફોલ્સ ફ્લેગ' અભિયાનનો ઉપયોગ કરશે, એવી આશંકા પશ્ચિમના દેશો પહેલેથી જ વ્યક્ત કરતા રહ્યા હતા.
ફોલ્સ ફ્લેગ અભિયાન એવી રાજકીય કે સૈન્ય કાર્યવાહી હોય છે કે જેમાં જાણીજોઈને પરોક્ષ રીતે પગલાં લેવામાં આવે છે, જેથી હુમલો કરવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે સામેના પક્ષને દોષી ઠરાવી શકાય.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં યુક્રેનને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે યુક્રેન તેના પૂર્વ વિસ્તારોમાં યુદ્ધની કાર્યવાહી અટકાવશે નહીં તો ભવિષ્યમાં થનારા ખૂનખરાબા માટે યુક્રેન જ જવાબદાર ગણાશે.

3. રશિયાની માગ શું છે?
રશિયાએ 1994માં એક કરાર પર હસ્તાક્ષર કરીને યુક્રેનનાં સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વનો આદર કરવા સહમતિ દર્શાવી હતી.
જોકે, રશિયાએ 2014માં એવું કહીને ક્રિમિયા કબજે કર્યું હતું કે તે દ્વીપકલ્પ પર તેનો ઐતિહાસિક દાવો છે. એક સમયે યુક્રેન પણ સોવિયેટ સંઘનો હિસ્સો હતું.
હવે પુતિન એવો દાવો કરી રહ્યા છે કે યુક્રેનની રચના સામ્યવાદી રશિયાએ કરી હતી. પુતિન માને છે કે 1991માં રશિયાનું વિઘટન ઐતિહાસિક રશિયાના તૂટવા જેવું હતું.
ગત વર્ષે લખેલા એક લાંબા લેખમાં પુતિને રશિયા તથા યુક્રેનના નાગરિકને 'સમાન રાષ્ટ્રીયતાવાળા' ગણાવ્યા હતા.
જાણકારો માને છે કે આ કથનથી પુતિનની વિચારધારા સમજી શકાય છે. તે લેખમાં પુતિને એમ પણ જણાવ્યું હતું કે યુક્રેનના વર્તમાન નેતા 'રશિયાવિરોધી પ્રોજેક્ટ' ચલાવી રહ્યા છે.
પૂર્વ યુક્રેનમાં ચાલતા સંઘર્ષના અંત માટે 2015માં કરવામાં આવેલા મિન્સ્ક શાંતિ કરારનો અમલ ન થયાને કારણે પણ રશિયા નારાજ છે.
મુખ્ય ભૂમિથી અલગ વિસ્તારોમાં સ્વતંત્ર દેખરેખ હેઠળ ચૂંટણી બાબતે હજુ સુધી કોઈ કરાર થઈ શક્યો નથી. પોતે લાંબા સમયથી ચાલતા આ સંઘર્ષનો હિસ્સો હોવાના આક્ષેપોનો રશિયા સતત ઇનકાર કરતું રહ્યું છે.
હાલના ઘટનાક્રમ સંબંધે પુતિનની એક દલીલ એવી પણ છે કે યુક્રેન એક સંપૂર્ણ દેશ ક્યારેય હતું જ નહીં. યુક્રેન પશ્ચિમના દેશોના હાથની કઠપૂતળી બની ગયું હોવાનો આક્ષેપ પણ પુતિને કર્યો હતો.
ભૂતકાળમાં સોવિયેટ સંઘનો હિસ્સો હોવાને કારણે યુક્રેનનો રશિયન સમાજ તથા સંસ્કૃતિ સાથે ગાઠ સંબંધ રહ્યો છે. યુક્રેનમાં રશિયાભાષી લોકોની સંખ્યા પણ સારી એવી છે, પરંતુ 2014માં રશિયાએ હુમલો કર્યો એ પછી બન્ને દેશ વચ્ચેનો સંબંધ બહુ ખરાબ થઈ ગયો છે.
રશિયાના સમર્થક ગણાતા યુક્રેનના તત્કાલીન રાષ્ટ્રપતિએ 2014માં સત્તા છોડવી પડી હતી. એ પછી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો.

4. અલગતાવાદી પ્રદેશોને સ્વીકૃતિ આપવાનું ખતરનાક શા માટે?

ઇમેજ સ્રોત, EPA
અલગતાવાદીઓના પ્રભાવવાળા લુહાન્સ્ક અને દોનેત્સ્ક બન્ને પ્રદેશોમાં પોતાના ટેકેદોરો મારફત રશિયા અત્યાર સુધી પરોક્ષ રીતે શાસન કરતું હોવાનું માનવામાં આવે છે.
આ બન્ને પ્રદેશોને આઝાદ ક્ષેત્ર તરીકે સ્વીકૃતિ આપવાની પુતિનની જાહેરાતનો અર્થ એ છે કે તે વિસ્તારોમાં પોતાના સૈનિકો મોજૂદ હોવાની કબૂલાત રશિયાએ સૌપ્રથમ વાર કરી છે. તેનો બીજો અર્થ એ પણ છે કે રશિયા તે પ્રદેશોમાં પોતાનું લશ્કરી થાણું સ્થાપી શકે છે.
મિન્સ્ક કરારની જોગવાઈ અનુસાર, યુક્રેન તે પ્રદેશોને ખાસ દરજ્જો આપવાનું હતું, પરંતુ રશિયાની કાર્યવાહીને કારણે હવે એવું થવાની શક્યતા નહિવત્ છે.
પરિસ્થિતિ ખતરનાક હોવાનું માનવાનું બીજું કારણ એ છે કે બળવાખોરો માત્ર દોનેત્સ્ક અને લુહાન્સ્કમાંના પોતાના કબજા હેઠળના વિસ્તારો પર જ નહીં, પણ સમગ્ર રાજ્ય પર પોતાનો દાવો કરી રહ્યા છે.
વ્લાદિમીર પુતિને પણ તેમના નિવેદનમાં કહ્યું હતું કે "અમે તેમને સ્વીકૃતિ આપી દીધી છે. તેનો અર્થ એ છે કે અમે તેમના તમામ દસ્તાવેજોને પણ સ્વીકૃતિ આપી છે."
યુક્રેનના પૂર્વ હિસ્સામાં "માનવસંહાર" કરવામાં આવતો હોવાના આક્ષેપ કરીને રશિયા યુદ્ધનો માહોલ લાંબા સમયથી તૈયાર કરી રહ્યું હતું.
બળવાખોરોના અંકુશ હેઠળના વિસ્તારોમાં લગભગ સાત લાખ લોકોને રશિયાએ ખાસ પાસપૉર્ટ પણ આપ્યા હતા. આમ કરવા પાછળનો રશિયાનો હેતુ પોતાના નાગરિકોના રક્ષણના બહાને યુક્રેન પરની કાર્યવાહીને યોગ્ય ગણાવવાનો હોવાનું પણ માનવામાં આવે છે.

5. રશિયા નેટો પાસેથી શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા ઇચ્છે છે કે યુક્રેન માત્ર નેટોમાં જ નહીં, પરંતુ યુરોપની કોઈ અન્ય સંસ્થામાં પણ ન જોડાય. નેટો સંબંધે રશિયાની બે માગ છે. તેમાં પહેલી માગ, યુક્રેન નેટોનો સભ્ય ન બને તે અને બીજી માગ નેટોનું સૈન્ય 1997 પહેલાંની સ્થિતિમાં પર ચાલ્યું જાય તે છે.
રશિયા નેટોને સતત કહી રહ્યું છે કે તેણે પૂર્વમાં તેના સૈન્યનો વિસ્તાર ન કરવો જોઈએ અને પૂર્વ યુરોપમાંની તમામ પ્રવૃત્તિઓ અટકાવી દેવી જોઈએ. રશિયા આ સંબંધે નક્કર અને કાયદાકીય રીતે મજબૂત ખાતરી પણ ઇચ્છે છે.
રશિયાની માગ સ્વીકારવાનો અર્થ એ થશે કે નેટોએ પોલૅન્ડ તથા બાલ્ટિક દેશો એસ્ટોનિયા, લાતવિયા તથા લિથુઆનિયામાંથી તેનું સૈન્ય પાછું બોલાવી લેવું પડશે. એ ઉપરાંત પોલૅન્ડ અને રોમાનિયા જેવા દેશોમાં પણ નેટો પોતાની મિસાઇલો ગોઠવી શકશે નહીં.
નેટોના સભ્ય દેશો રશિયા એવો આક્ષેપ કરતું રહ્યું છે કે આ દેશો યુક્રેનને સતત હથિયારો પૂરાં પાડી રહ્યાં છે અને રશિયા તથા યુક્રેન વચ્ચેની તંગદિલીને અમેરિકા ભડકાવી રહ્યું છે.
યુક્રેનને નેટોનું સભ્ય ન બનાવવા સંબંધે રશિયાના નાયબ વિદેશમંત્રી સર્ગેઈ રિબકોવે તાજેતરમાં જ કહ્યું હતું કે "યુક્રેન નેટોનો સભ્ય ક્યારેય ન બને તે અમારી માટે બહુ જરૂરી છે." પુતિને પણ કહ્યું હતું કે અમે પીછેહઠ કરવાના નથી. શું તેઓ એમ માને છે કે અમે બધું શાંતિથી જોતા રહીશું?
પુતિનનો એક તર્ક એવો છે કે યુક્રેન નેટોનો હિસ્સો બનશે તો તે ક્રિમિયાને ફરી કબજે કરવાના પ્રયાસ કરી શકે છે.

6. પુતિનની માગ બાબતે નેટોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANADOLU VIA GETTY
હાલ 30 દેશો નેટોના સભ્ય છે. તેમની નીતિ 'બધા માટે દરવાજા ખુલ્લા રાખવાની છે.' નેટોના તમામ સભ્ય દેશો આ નીતિમાં જરાય ફેરફાર કરવા તૈયાર નથી.
બીજી તરફ યુક્રેન નેટોમાં સામેલ થવા સંબંધે એક નિશ્ચિત સમયમર્યાદા અને શક્યતાની સ્પષ્ટતાની માગ લાંબા સમયથી કરી રહ્યું છે, પરંતુ જર્મનીનાં તત્કાલીન ચાન્સેલર એંજેલા માર્કેલે નજીકના સમયમાં એવું કશું થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
નેટોનો હાલનો એકેય સભ્ય દેશ તેનું સભ્યપદ છોડે તે શક્ય જણાતું નથી.
પશ્ચિમી દેશોએ 1990માં વચન આપ્યું હતું કે નેટો પૂર્વમાં એક ઇંચ વિસ્તાર પણ નહીં કરે, પરંતુ એ વચનનું પાલન કરવામાં આવ્યું નથી, એવું રશિયાના રાષ્ટ્રપતિ માને છે.
પુતિન જે સમયની વાત કરી રહ્યા છે એ સમયે સોવિયેટ સંઘનું અસ્તિત્વ હતું. સોવિયેટ સંઘના તત્કાલીન રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવ સમક્ષ પૂર્વ જર્મનીના સંદર્ભમાં આ વાત કરવામાં આવી હતી. ગોર્બાચેવે બાદમાં એવું પણ કહ્યું હતું કે તેમની બેઠકમાં નેટોના વિસ્તાર બાબતે કોઈ ચર્ચા થઈ ન હતી.

7. રશિયા હવે બીજું શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલ તો આ કિસ્સામાં કોઈ રાજદ્વારી નિરાકરણ થશે તેવું જણાતું નથી. રશિયાની હાલની કાર્યવાહી પછી એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રશિયાનું સૈન્ય યુક્રેનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણના વિસ્તારો પર હુમલા ચાલુ રાખીને યુક્રેનની ચૂંટાયેલી સરકારને હઠાવવાના પ્રયાસ કરી શકે છે.
યુક્રેનમાં આગામી કાર્યવાહી માટે ક્રિમિયા, બેલારુસ અને યુક્રેનની ઉત્તર સીમા નજીક રશિયા મોટા પ્રમાણમાં સૈન્ય તહેનાત કરી શકે છે, પરંતુ આ દરમિયાન રશિયાએ પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે, કારણ કે યુક્રેને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેના સૈન્યને અગાઉ કરતાં ઘણું મજબૂત બનાવ્યું છે.
એ સિવાય રશિયાએ લોકોના જોરદાર વિરોધનો સામનો પણ કરવો પડશે. યુક્રેનના સૈન્યે 18થી 60 વર્ષની વયના તેના તમામ રિઝર્વ સભ્યોને ફરજ પર બોલાવી લીધા છે.
અમેરિકાના ટોચના લશ્કરી અધિકારી માર્ક માઇલીનું કહેવું છે કે રશિયાની સૈનિકોની મોટી સંખ્યાને કારણે શહેરી વિસ્તારોમાં 'ખતરનાક' પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
અલબત્ત, રશિયા પાસે બીજા વિકલ્પ પણ છે. દાખલા તરીકે તે યુક્રેનને 'નો ફ્લાય ઝોન' જાહેર કરી શકે છે. યુક્રેનનાં બંદરોને બ્લોક કરી શકે છે અથવા તો પાડોશી દેશ બેલારુસમાં પોતાનાં અણુશસ્ત્રો ગોઠવી શકે છે.
રશિયા, યુક્રેન પર સાઇબર હુમલો કરે તે પણ શક્ય છે. આ વર્ષે જાન્યુઆરીમાં યુક્રેન સરકારની વેબસાઇટ ઠપ થઈ ગઈ હતી. ફેબ્રુઆરીની મધ્યમાં યુક્રેનની બે સૌથી મોટી બૅન્કોની વેબસાઇટોને પણ નિશાન બનાવવામાં આવી હતી.

8. પશ્ચિમના દેશો પાસે કયા વિકલ્પો છે?

ઇમેજ સ્રોત, REUTERS/JONATHAN ERNST
રશિયાની કાર્યવાહીને નિયમ વિરુદ્ધની ગણાવીને પશ્ચિમના દેશોએ તેની ઝાટકણી કાઢી હતી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ રશિયાની કાર્યવાહીની ટીકા કરી હતી અને તેને યુક્રેનની ક્ષેત્રીય અખંડિતતા તથા સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવી હતી.
તાજેતરની ઘટનાઓ પછી નેટો ગઠબંધન તરફથી ચોખવટ કરવામાં આવી હતી કે યુક્રેનમાં સૈનિકો મોકલવાની તેની કોઈ યોજના નથી. યુક્રેનને સલાહ, હથિયાર આપવાની અને ફિલ્ડ હૉસ્પિટલ મારફત મદદ કરવાની ઑફર તેમણે જરૂર કરી છે.
આ બધું ધ્યાનમાં લીધા પછી હવે એવું લાગે છે કે રશિયાની કાર્યવાહી પછી દુનિયા પાસે હવે તેના પર માત્ર પ્રતિબંધ લાદવાનો વિકલ્પ જ બાકી રહ્યો છે.
જર્મનીએ રશિયાની નોર્ડ સ્ટ્રીમ-2 પાઇપલાઇન માટે મંજૂરી હાલ સ્થગિત કરી દીધી છે.
યુરોપિયન યુનિયન પણ રશિયા પર આકરા પ્રતિબંધ લાદવાનું છે. યુક્રેનના અલગતાવાદી વિસ્તારોને સ્વીકૃતિ આપવા સંબંધે રશિયાની સંસદમાં જે 351 સંસદસભ્યોએ પુતિનને સાથ આપ્યો હતો એમને પણ નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
અમેરિકાએ જણાવ્યું હતું કે તે પશ્ચિમની નાણાકીય સંસ્થાઓનો રશિયા સાથેનો સંપર્ક કાપી રહ્યું છે. એ સિવાય રશિયામાં ઉચ્ચ પદો પર બેઠેલા લોકો સામે પણ પગલાં લેવાની તૈયારી ચાલી રહી છે. રશિયાની પાંચ મોટી બૅન્કો અને ત્રણ અબજોપતિઓ સામે બ્રિટન કાર્યવાહી કરી રહ્યું છે.
રશિયાની નાણા સંસ્થાઓ અને મુખ્ય ઉદ્યોગો પર અમેરિકાની નજર છે, જ્યારે યુરોપિયન યુનિયનની નજર ફાઇનાન્શિયલ માર્કેટ પર છે.
બ્રિટન તરફથી એવી ચેતવણી આપવામાં આવી છે કે ક્રેમલિન સાથે નજીકના સંબંધ રાખતા લોકોને મોં સુધ્ધાં છુપાવવાની જગ્યા નહીં મળે. બ્રિટને રશિયાના ઉદ્યોગોના ડૉલર તથા પાઉન્ડમાંના વ્યવહારો પર મર્યાદાની લગામ તાણવાના પ્રયાસ પણ કર્યા છે.
આમ તો રશિયા સામે લેવામાં આવેલાં આ પગલાંથી તેની બૅન્કિંગ સિસ્ટમના ઇન્ટરનેશનલ સ્વિફ્ટ પેમેન્ટ સાથેના કનેક્શન કપાઈ જશે, પરંતુ અમેરિકા તથા યુરોપનાં અર્થતંત્ર પર પણ તેની ઘણી માઠી અસર થઈ શકે છે.
અહીં બાલ્ટિક દેશો તથા પોલૅન્ડમાં નેટોએ 5,000 સૈનિકો તહેનાત કર્યા છે. એ સિવાય રોમાનિયા, બલ્ગેરિયા, હંગેરી અને સ્લોવેકિયામાં પણ તે 4,000 સૈનિકો મોકલી રહ્યું છે.

9. પશ્ચિમના દેશો યુક્રેનને ક્યાં સુધી સાથ આપશે?
અમેરિકાએ પહેલાં જ કહ્યું હતું કે તે યુક્રેનના 'સાર્વભૌમત્વ'ના રક્ષણ માટે તેને મદદ કરવા કટિબદ્ધ છે, પરંતુ યુક્રેન પર આક્રમણ થયા બાદ અમેરિકા રશિયા પર પ્રતિબંધ લાદવા અને યુક્રેન સુધી હથિયારો પહોંચાડવા તેમજ બીજી સલાહ આપવા જેવી મદદ જ કરી રહ્યું છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડને રશિયાને ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેના પર એવા પ્રતિબંધ લાદવામાં આવશે કે જેના વિશે તેણે ક્યારેય જોયું કે સાંભળ્યું નહીં હોય. હવે રશિયા હુમલો કરી ચૂક્યું છે ત્યારે એવા પ્રતિબંધથી શું હાંસલ થઈ શકશે એ સવાલ છે.
પોતાની બૅન્કિંગ સિસ્ટિમનું આંતરરાષ્ટ્રીય સ્વિફ્ટ પેમેન્ટ સાથેનું કનેક્શન કાપી નાખવામાં આવે તે રશિયા માટે સૌથી મોટો ફટકો હોઈ શકે છે. એ અંતિમ ઉપાય હોઈ શકે, પરંતુ લાતવિયાએ જણાવ્યું છે કે આવું કરવાથી રશિયાને આકરો સંદેશો મળશે.
જર્મનીમાંની રશિયાની નોર્ડ સ્ટ્રીમ-2 ગૅસ પાઇપલાઇનને લાંબો સમય અટકાવી રાખીને રશિયા સામે વધુ એક આકરું વલણ લઈ શકાય. જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેરબોકે સ્પષ્ટ કહ્યું છે કે રશિયા કોઈ સૈન્ય કાર્યવાહી કરશે તો આ ગૅસ પાઇપલાઇનનું કામ શરૂ થઈ શકશે નહીં.
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કે રશિયાના ચલણ રુબલને વિદેશી ચલણમાં પરિવર્તિત કરતી બૅન્કો પર પ્રતિબંધ લાદવાનું પગલું પણ લઈ શકાય.

10. પશ્ચિમના દેશો આકરાં પગલાં લઈ શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અગાઉ જ કહી ચૂક્યું છે કે તે તેના સહયોગીઓ સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે, પરંતુ અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે વ્યાપક મતભેદ છે.
યુરોપના નેતાઓ ભારપૂર્વક કહે છે કે રશિયા તેનું ભવિષ્ય માત્ર અમેરિકા સાથે મળીને નક્કી ન કરી શકે. ફ્રાન્સે એવી દરખાસ્ત મૂકી છે કે યુરોપના દેશોએ નેટો સાથે આગળ વધવું જોઈએ અને રશિયા સાથે મંત્રણા કરવી જોઈએ.
યુક્રેનના રાષ્ટ્રપતિએ વર્તમાન સંકટના નિરાકરણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવાની દરખાસ્ત અગાઉ રજૂ કહી હતી. એ સંમેલનમાં રશિયા ઉપરાંત ફ્રાન્સ તથા જર્મનીને સામેલ કરવાની વાત પણ તેમણે કરી હતી.
આ ચાર દેશોના નેતાઓ નિયમિત રીતે મળતા રહ્યા છે. તેમને 'નોરમેન્ડી ચોકડી' નામે ઓળખાવવામાં આવતા રહ્યા છે.
જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની માગ છે કે નેટો સંબંધી અમારી માગ સ્વીકારવામાં આવશે ત્યારે જ યુક્રેન બાબતે કોઈ સમજૂતી કરી શકાશે. નેટો હાલ તો રશિયાની માગનો સ્વીકાર કરતું હોય એવું લાગતું નથી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












