રશિયા-યુક્રેન સંકટ : રશિયાનો યુક્રેન પર એવો એક હુમલો, જેમાં હથિયારોની જરૂર નથી
- લેેખક, જૉ ટીડી
- પદ, સાયબર રિપોર્ટર
"આ સાઇટ પર પહોંચી શકાતું નથી." બુધવારે બપોરે યુક્રેનની ડઝનેક વેબસાઇટો પર મુલાકાતીઓને આ સંદેશ ડિસ્પ્લે થયો હતો.
સ્થાનિક સમય મુજબ 16:00 કલાકથી બૅન્કો અને સરકારી મંત્રાલયોના વેબપેજ ડાઉન થવા લાગ્યાં હતાં.
સ્વાભાવિક રીતે મોસ્કો પર શંકા જાય - રશિયાની સાઇબર આર્મી ફરી એકવાર યુક્રેનની સરહદો પર સૈનિકો ખડકવાને પગલે ઓનલાઇન ભય અને અસમંજસ ફેલાવવા માટે હૅકિંગના આરોપનો સામનો કરી રહી છે.

બીબીસીને જાણવા મળ્યું છે કે બપોર પછી થયેલા કેટલાક સાઇબર હુમલાઓ ક્રેમલિન તરફથી નહીં, પરંતુ કહેવાતા 'દેશભક્ત' રશિયન હૅકરોનાં જૂથો તરફથી કરવામાં આવ્યા છે.
તેઓ રશિયન સરકારના હેઠળ નહીં પરંતુ નાનાં જૂથોમાં કામ કરે છે અને સાઇબર-સ્પેસમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે.
દિમિત્રી (નામ બદલ્યું છે) એક પ્રતિષ્ઠિત રશિયન સાઇબર-સિક્યૉરિટી કંપની માટે કામ કરે છે.
બુધવારે બપોરે દિમિત્રી તેમના ગ્રાહકોને ખતરનાક હૅકરોથી બચાવવાનું કામ પૂરું કરીને રાતે ઘરે ગયા.
પરંતુ યુક્રેન સામે થતા સાયબર હુમલાઓ જોઈને તેમણે તેમની હેકિંગ ટીમને એસેમ્બલ કરવાનું નક્કી કર્યું અને તેમાં રોકાઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સાઇબર હુમલાનો જવાબ

ઇમેજ સ્રોત, SSSCIP UKRAINE
દિમિત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, "બધા જ યુક્રેન સર્વર પર હુમલો કરી રહ્યા છે, એ જોઈને મને વિચાર આવ્યો કે શું મારે પણ આમાં ભાગ ન લેવો જોઈએ?"
તેઓ કહે છે કે તેમની છ હૅકરોની ટીમે ડેટા ઇન ડિનાયલ ઑફ સર્વિસ (DDoS) હુમલામાં ડેટાને સર્વરમાં ફેલાવીને અસ્થાયી રૂપે યુક્રેન સરકારની સંખ્યાબંધ વેબસાઇટ ડાઉન કરી દીધી છે.
બીબીસીના ધ્યાનમાં આવ્યું છે કે ક્રૂએ અસ્થાયી રૂપે એક યુક્રેન આર્મીના વેબપેજને ઑફલાઇન કરી દીધું.
દિમિત્રી કહે છે કે તેઓ એન્ક્રિપ્ટેડ ચૅનલ પર વાત કરે છે, તેમાંથી બે એક જ સાઇબર-સિક્યૉરિટી ફર્મમાં કામ કરતા હોવા છતાં "ક્યારેય રૂબરૂ વાત કરતા નથી".
તેઓ કહે છે, "જો અમારા એમ્પ્લોયરને ખબર પડી જાય તો મારી નોકરી જાય."
તાજેતરના દિવસોમાં જૂથે કરેલું હૅકિંગ કંઈ પહેલું હૅકિંગ નહોતું.
દિમિત્રી કહે છે કે તેમણે પાછલા અઠવાડિયે, DDoS સાઇબર હુમલાઓ કર્યા હતા, શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની 20 ધમકીઓ ઈમેઇલ કરી હતી, અજ્ઞાત યુક્રેન "રેપિડ રિસ્પોન્સ ટીમ"ના લાઇવ ડેશબોર્ડ ફીડને હેક કરી હતી અને યુક્રેન સરકારની ઈમેઇલ સેવાનો ઉપયોગ કરીને સત્તાવાર ઈમેઇલ સેટ કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે.
બીબીસી એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમની પાસે @mail.gov.ua સાથે પૂરા થતા ઓછામાં ઓછા એક ઇમેઇલ એડ્રેસ પર નિયંત્રણ છે. હૅકર્સ કહે છે કે તેઓ ફિશિંગ હુમલાઓ કરવા માટે તેનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

વધુ હુમલાઓની યોજના

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તેઓ વધુ અરાજકતા અને તકલીફની ચેતવણી પણ આપી રહ્યા છે કારણ કે તેઓ ચોરેલો અપ્રકટ ડેટા પ્રકાશિત કરી રહ્યા છે.
એક એન્ક્રિપ્ટેડ કૉલ પર, વૉઇસ ડિસ્ટૉર્ટરનો ઉપયોગ કરીને દિમિત્રી કહે છે કે "આ તો માત્ર શરૂઆત છે. સમજી લેજો કે અમે સાવધાન છીએ અને આ ક્ષણે અમારે શું કરવું તે વિચારી રહ્યા છીએ. અમે રેન્સમવેર લોન્ચ કરી શકીએ છીએ, જોકે અમે હજી સુધી તેમ નથી કર્યું."
દિમિત્રીની ટીમે અત્યાર સુધી કરેલા કાર્યોમાં સૌથી ગંભીર કમ્પ્યૂટર નેટવર્ક પરના ડેટાને અસ્તવ્યસ્ત કરી નાખતા રેન્સમવેર હુમલાઓ છે.
એથિકલ હૅકર અને સાઇબર-સિક્યૉરિટી લેક્ચરર કેટી પેક્સટન-ફિયરે હૅકર્સે શેર કરેલી સામગ્રીની તપાસ કરી.
"આ હૅકરો જ્ઞાત નબળાઈઓને નિશાન બનાવી રહ્યા હોય તેવું લાગે છે. એવું લાગે છે કે તેમની પાસે વિશાળ દૂરબીન છે અને તેઓ યુક્રેનિયન સિસ્ટમમાં નબળાં બિંદુઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
"તેઓ જે હૅકિંગ કરી રહ્યા છે તે બહુ અત્યાધુનિક નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તેમના હુમલાઓથી પહેલેથી જ વ્યસ્ત અને તણાવમાં રહેલી સુરક્ષા ટીમોને અસર નહીં થાય."
વર્ષની શરૂઆતથી જ યુક્રેન પર વારંવાર હળવા સ્તરના સાઇબર હુમલાઓનો માર પડતો રહ્યો છે.

સાઇબર હુમલાઓ પર એક નજર

ઇમેજ સ્રોત, Getty Images
- શુક્રવાર 14 જાન્યુઆરીએ લગભગ 70 સરકારી વેબસાઇટ DDoS હુમલાથી અસરગ્રસ્ત થઈ હતી. કેટલાક યુક્રેનિયનોને "સૌથી ખરાબ પરિણામો માટે તૈયાર" રહેવાની ચેતવણી આપતાં સંદેશ મળ્યા હતા. મોટાભાગની સાઇટની ઍક્સેસ કલાકોમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. કિએવે આ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું.
- 15 અને 16 ફેબ્રુઆરીના રોજ વધુ DDoS હુમલાઓએ અસ્થાયી રૂપે બે બૅંકો અને યુક્રેન આર્મીની વેબસાઇટને ડાઉન કરી દીધી હતી. યુકે અને યુએસએ કહ્યું હતું કે રશિયન મેઇન ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (જીઆરયુ) એમાં લગભગ સંડોવાયેલું છે."
- બુધવાર 23 ફેબ્રુઆરીના રોજ અસંખ્ય સરકારી મંત્રાલયો અને નાણાકીય સેવા સંસ્થાઓ માટેની વેબસાઇટ્સ પર DDoS હુમલાની બીજી લહેર આવી હતી. સુરક્ષા સંશોધકોએ એક વધુ ગંભીર 'વાઇપર' ટૂલ પણ શોધી કાઢ્યું, જેનો ઉપયોગ કેટલાંક કમ્પ્યુટર પરના તમામ ડેટાને ઉડાવી દેવા માટે કરવામાં આવે છે.
- શુક્રવાર 25 ફેબ્રુઆરીના રોજ યુક્રેનના સાઇબર ડિફેન્સ ફોર્સે દૂષિત સૉફ્ટવૅરથી નાગરિકોને આતંકિત કરવાના વ્યાપક પ્રયાસ વિશે સોશિયલ મીડિયા પર આવી ચેતવણી જારી કરી હતી: "યુક્રેનિયનો સામે ફિશિંગ હુમલો શરૂ થયો છે! નાગરિકોના ઈ-મેઇલ એડ્રેસમાં વિચિત્ર પ્રકારની ફાઇલો એટેચમેન્ટમાં આવે છે." સત્તાવાળાઓએ રશિયાના સહયોગી બેલારુસના હેકરોને દોષી ઠેરવ્યા હતા.
દિમિત્રી તેમની ચોક્કસ ઉંમર અથવા તેઓ ક્યાં રહે છે તેની પુષ્ટિ કરતા નથી.
તેઓ કહે છે કે જૂથના સભ્યોને પકડાઈ જવાની ચિંતા નથી. ઊલટા તેઓ તો ઇચ્છે છે કે રશિયન સાઇબર-મિલિટરી આ જુએ.
"મને લાગે છે કે અમારી સરકારમાં કેટલાક એવા લોકો છે જે અમે જે કરી રહ્યા છીએ તેનાથી ખૂબ જ ખુશ થશે."
"હું રશિયન સાઇબર-ઑથૉરિટી સાથે કામ કરવા માગું છું, જોકે મારે પહેલાં તેના વિશે વિચારવું રહ્યું. હું તમને કહી શકું છું કે જ્યારે તમે તેમના માટે કામ કરો છો ત્યારે તમારી એક ભૂલ તમારા જીવનનો ભોગ લઈ શકે છે."
દિમિત્રી કહે છે કે યુદ્ધથી તેમને પ્રેરણા મળી છે અને "યુક્રેનને મારા કમ્પ્યૂટરની પાછળ રહીને હરાવવામાં મદદ કરવા માગું છું".

હૅકર્સની ઇચ્છા

ઇમેજ સ્રોત, Getty Images
રૉયટર્સે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે હૅકર ફોરમ પર સ્વયંસેવકો માટેની વિનંતીઓ દેખાવાનું શરૂ થઈ ગયું છે, જેમાં લોકોને યુક્રેનમાં નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવામાં મદદ કરવા અને "સાઇબર-જાસૂસી મિશન" ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.
હૅકર જૂથના સભ્યો દ્વારા ચલાવવામાં આવતા એક લોકપ્રિય ટ્વિટર ગ્રૂપમાં ગુરુવારે એક અજ્ઞાત પોસ્ટ કરવામાં આવી હતી કે તે "રશિયન સરકાર સામે સત્તાવાર રીતે સાઇબર-યુદ્ધ જાહેર થઈ ગયું છે".
ઘણા સમયથી રશિયા વિરુદ્ધ કેટલીક નાના પ્રકારની પ્રવૃત્તિઓ ઓનલાઈન જોવા મળી રહી છે.
ઇન્ટરનેટ કનેક્ટિવિટી નિરીક્ષક નેટબ્લોક્સે ગુરુવારે સાંજે ટ્વીટ કર્યું કે "રશિયામાં ક્રેમલિન અને સ્ટેટ ડુમા સહિતની બહુવિધ સરકારી વેબસાઇટ ઑફલાઇન થઈ ગઈ છે".
ભૂગર્ભ હૅકર ફોરમથી જ્ઞાત એક સ્રોત અનુસાર, "યુક્રેનિયન સાઇબર-આર્મી અને અમુક યુક્રેનિયન હૅકટીવિસ્ટે" રશિયન આર્મી વેબસાઇટ પર વિક્ષેપ ઉભો કર્યો.
તે સ્પષ્ટ નથી કે સાઇટને વૈશ્વિક સ્તરે ઑફલાઇન થવાની ફરજ પાડવામાં આવી હતી કે માત્ર રશિયા-આધારિત કમ્પ્યૂટરોને તેમને ઍક્સેસ કરવાની મંજૂરી આપવા માટે સ્વીચ કરવામાં આવી હતી.

સાઇબર ચેતવણીઓ

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન સરકારી સાઇબર-સુરક્ષા સત્તાવાળાઓએ નાગરિકોને અને ઉદ્યોગોને એક દુર્લભ ચેતવણી જારી કરીને કહ્યું: "વર્તમાન તંગ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં, આપણે રશિયન માહિતી સંસાધનો પર કમ્પ્યૂટર હુમલાની તીવ્રતામાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ, જેમાં મહત્ત્વની માળખાકીય સુવિધાઓની માહિતીનો સમાવેશ થાય છે."
આ ચેતવણી યુકે અને યુએસ સુરક્ષા ટીમોની ચેતવણીનો પડઘો છે જેમાં કહેવાતાં "ઓવરસ્પીલ" સાઇબર-હુમલાઓ કે જે યુક્રેનમાં શરૂ થાય છે અને અન્ય દેશોમાં ફેલાય છે અને તેની વધતી સંભાવના અંગે ચેતવણી આપવામાં આવી છે.
જોકે, ગ્રે નોઇઝ ઈન્ટેલિજન્સના સ્થાપક એન્ડ્રુ મોરિસ કહે છે કે તેમના સંશોધકો હૅકરનું ધ્યાન એક જ દેશ પર કેન્દ્રિત થયેલું જોઈ રહ્યા છે.
"અમે ઇન્ટરનેટની આસપાસ ઘણાં બધાં કમ્પ્યૂટરો જોઈ રહ્યાં છીએ જે શક્ય તેટલું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને શક્ય તેટલા ચોક્કસ વિસ્તારમાં સ્થિત ઘણાં કમ્પ્યૂટરોને હૅક કરી રહ્યાં છે, અને તે ચોક્કસ વિસ્તાર યુક્રેન દેશનો છે."
તેઓ કહે છે કે સેંકડો કમ્પ્યુટરો યુક્રેનિયન નેટવર્કને સ્કેન કરી રહ્યાં છે. તેઓ નિશ્ચિતપણે કહી શકતા નથી કે તેઓ ક્યાં સ્થિત છે, પરંતુ રશિયા મુખ્ય શંકાસ્પદોમાં હોવું જોઈએ.
તેઓ ઉમેરે છે કે "રશિયા તેમના હૅકરોને એવી રીતે તહેનાત કરે છે કે જાણે કે તે 'એક મોટી સરકારી સંસ્થા' ને બદલે ગુનાખોરીમાં સંડોવાયેલા લોકોનું જૂથ છે. તેઓ રશિયાના વ્યૂહાત્મક દુશ્મનો માટે સમસ્યા ઊભી કરવામાં કુશળ છે. આ બાબત મને ડરાવી રહી છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












