યુક્રેન રશિયા તણાવ : પુતિને અગાઉ ક્રિમિયાને કેવી રીતે રશિયામાં સમાવી લીધું હતું

રશિયાની સેના છેલ્લા કેટલાય મહિનાઓથી યુક્રેનની સરહદે મોરચો માંડીને બેઠી છે અને બંને વચ્ચે યુદ્ધની આશંકા અંગે સમગ્ર દુનિયા ચિંતા વ્યક્ત કરી રહી છે.

ત્યારે સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વીય યુક્રેનના બે વિસ્તારોને આઝાદ ક્ષેત્ર તરીકે માન્યતા આપીને દુનિયાની ચિંતા વધારી દીધી હતી.

પુતિન

ઇમેજ સ્રોત, ALEXEY NIKOLSKY

ઇમેજ કૅપ્શન, સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વીય યુક્રેનના બે વિસ્તારોને આઝાદ ક્ષેત્ર તરીકે માન્યતા આપીને દુનિયાની ચિંતા વધારી દીધી હતી.

પુતિને પૂર્વીય યુક્રેનના બે વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે. વ્લાદિમીર પુતિને આ વિસ્તારોમાં રશિયન સૈનિકોને જવાનો આદેશ પણ આપ્યો છે.

પશ્ચિમી દેશો તરફથી આ નિર્ણયને લઈને કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકા તથા યુરોપ રશિયા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી શકે છે.

આ બે વિસ્તારો કયા છે?

દોનેત્સ્ક અને લુહાન્સ્ક
ઇમેજ કૅપ્શન, બંને વિસ્તારોમાં રશિયાના સમર્થક અલગતાવાદીઓની બહુમતી છે જેઓ 2014થી યુક્રેનની સેના સામે લડી રહ્યા છે.

રશિયા નજીક પૂર્વીય યુક્રેનની સરહદ પાસે આ બે વિસ્તારો લોકો દ્વારા સ્વઘોષિત ગણતંત્રો દોનેત્સ્ક અને લુહાન્સ્ક આવેલા છે.

બંને વિસ્તારોમાં રશિયાના સમર્થક અલગતાવાદીઓની બહુમતી છે જેઓ 2014થી યુક્રેનની સેના સામે લડી રહ્યા છે.

જોકે, દોનેત્સ્ક અને લુહાન્સ્કના વિસ્તારોમાં મોટાભાગની જગ્યાઓ પર યુક્રેનનું નિયંત્રણ છે.

પુતિનના આ પગલાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી જવા પાછળ બે મુખ્ય કારણો છે. એક તો બંને દેશોનો ઇતિહાસ.

પુતિને સોમવારે કહ્યું હતું, "યુક્રેન એક અલગ દેશ હોય તેવો કોઈ ઇતિહાસ નથી અને આધુનિક યુક્રેનનું જે સ્વરૂપ છે, તે રશિયાએ બનાવેલું છે."

બીજું કે પુતિન આ પહેલાં પણ યુક્રેનના ક્રિમિયાને રશિયામાં સમવી ચૂક્યા છે. ક્રિમિયા પર રશિયાએ કેવી રીતે કબજો જમાવ્યો હતો?

line

યુક્રેનનો એ ભાગ જેને કબજે કરવા સદીઓ સુધી સામ્રાજ્યો વચ્ચે હરિફાઈ જામતી રહી

માનચિત્ર

ક્રિમિયા ગણરાજ્ય સત્તાવાર રૂપે યુક્રેનનો ભાગ છે. એ યુક્રેનની દક્ષિણમાં આવેલા કાળા અને અઝોવ સાગર વચ્ચે ટાપુ જેવો પ્રદેશ છે.

એ રશિયાની પૂર્વમાં સ્ટ્રેઇટ કર્ચ (સાંકડી જળમધ્યરેખા)થી છૂટો પડે છે. 2014ની શરૂઆતમાં, શીતયુદ્ધ પછી ક્રિમિયા પશ્ચિમ અને પૂર્વના સંકટનું કેન્દ્ર હતું.

ત્યારે, પાટનગર કીવમાં હિંસક દેખાવો થયા પછી યુક્રેનના રશિયા સમર્થિત રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચે સત્તા છોડી દેવી પડી હતી. ત્યાર બાદ રશિયાની સેનાએ ક્રિમિયાઈ દ્વીપકલ્પ અને વિસ્તારને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધા હતા.

ક્રિમિયામાં રશિયન બોલનારી વસતિ બહુમતીમાં છે, એમણે જનમત સંગ્રહ(સરવે)માં રશિયા સાથે જોડાવા માટે મત આપ્યો હતો. ક્રિમિયાને રશિયામાં ભેળવી દેવાય તેને યુક્રેન અને પશ્ચિમના દેશો ગેરબંધારણીય માને છે.

line

ક્રિમિયાનો ઇતિહાસ

ક્રિમિયા પર રશિયાનો કબજો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 1940ના દાયકાની શરૂઆતમાં ક્રિમિયા પર નાઝીઓએ કબજો કર્યો હતો.

ક્રિમિયાને રશિયન સામ્રાજ્યના કૅથરીન ધ ગ્રેટના શાસનમાં 1783માં રશિયામાં ભેળવી દેવાયું હતું અને 1954 સુધી એ રશિયાનો ભાગ હતું. સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવે એને યુક્રેનને સોંપી દીધું હતું.

ક્રિમિયામાં રશિયન વસતિ બહુસંખ્યક છે, પરંતુ યુક્રેનિયન અને ક્રિમિયાઈ તાતાર (તુર્કોની એક જાતિ) અલ્પસંખ્યક પણ એમાં વસવાટ કરે છે. સદીઓથી ગ્રીક અને રોમન અસરના કારણે 1443માં ક્રિમિયા તાતાર ખાનેતનું કેન્દ્ર બન્યું. પછીથી એ ઑટોમન એટલે કે ઉસ્માનિયા સામ્રાજ્યનો ભાગ બની ગયું.

19મી સદીના મધ્યમાં સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાની સ્પર્ધાએ ક્રિમિયાઈ યુદ્ધને આગળ વધાર્યું.

1854નું ક્રિમિયા યુદ્ધ રશિયા અને બ્રિટન, ફ્રાંસ અને ઑટોમન સામ્રાજ્ય વચ્ચે થયું હતું. એમાં રશિયાની હાર થઈ હતી. બોલ્શેવિક ક્રાંતિ પછી રશિયાની અંદર જ ક્રિમિયાને સ્વાયત્ત ગણરાજ્યનો દરજ્જો મળ્યો હતો.

1940ના દાયકાની શરૂઆતમાં ક્રિમિયા પર નાઝીઓએ કબજો કર્યો હતો.

સ્ટાલિને તાતારો પર જર્મન હુમલાખોરો સાથે ભળેલા હોવાનો આરોપ મૂક્યો હતો અને એમને 1944માં સામૂહિક રૂપે ઘણી મોટી સંખ્યામાં મધ્ય એશિયા અને સાઇબીરિયામાં મોકલી દીધા હતા. એમાંના મોટા ભાગના લોકોનું મૃત્યુ થયું હતું.

સોવિયેત યુનિયનના પતન પછી બચી ગયેલા લોકો પાછા આવી શકેલા. 1990ના દાયકાની શરૂઆતમાં અઢી લાખ લોકો પાછા ફર્યા, પરંતુ ત્યારે યુક્રેન ભારે બેરોજગારી અને ગરીબી સામે ઝઝૂમી રહ્યું હતું. ક્રિમિયાઈ તાતારને કારણે જમીન પરના અધિકાર અને ફાળવણી બાબતે સતત તણાવભરી સ્થિતિ રહી. આ એક વિવાદિત મુદ્દો હતો.

line

યુક્રેન પર નાઝીઓનો કબજો

સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1939માં સોવિયેત સંઘે નાઝી-સોવિયેત સંધિની શરતો અંતર્ગત પશ્ચિમી યુક્રેનને પણ પોતાનામાં ભેળવી લીધો, જે પહેલાં પોલૅન્ડ પાસે હતો

જ્યારે રશિયન સામ્રાજ્યનું પતન થયું ત્યારે 1971માં કીવમાં કેન્દ્રીય રાદા પરિષદની સ્થાપના કરવામાં આવી. 1918માં યુક્રેને આઝાદીની ઘોષણા કરી પરંતુ ઘણી પ્રતિસ્પર્ધી સરકારોએ સમગ્ર યુક્રેન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને એના પરિણામે ગૃહયુદ્ધ શરૂ થયું.

તો બીજી તરફ, રશિયાની રેડ આર્મીએ યુક્રેનનો બે તૃતીયાંશ ભાગ જીતી લીધો અને 1921માં યુક્રેનિયન સોવિયેત સોશિયલિસ્ટ રિપબ્લિકની સ્થાપના કરી દીધી. યુક્રેનનો બચેલો એક તૃતીયાંશ ભાગ પોલૅન્ડમાં જોડાઈ ગયો. 1920ના દાયકામાં સોવિયેત સરકારે ઘણી બધી રાજકીય શરતો અને નિયંત્રણો સાથે યુક્રેનની ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. પરંતુ પછીના દાયકામાં આ સ્વતંત્રતા ફરી છીનવી લેવાઈ.

1939માં સોવિયેત સંઘે નાઝી-સોવિયેત સંધિની શરતો અંતર્ગત પશ્ચિમી યુક્રેનને પણ પોતાનામાં ભેળવી લીધો, જે પહેલાં પોલૅન્ડ પાસે હતો.

પરંતુ ફરી પરિસ્થિતિ પલટાઈ અને 1941માં યુક્રેન પર નાઝીઓએ કબજો કરી લીધો.

ઈ.સ. 1944 સુધી તેના પર નાઝીઓનો કબજો હતો, જેથી યુદ્ધના કારણે યુક્રેનને ઘણું નુકસાન ભોગવવું પડ્યું. યુક્રેનમાં 50 લાખથી વધારે લોકો જર્મનીના નાઝીઓ સાથેની લડાઈમાં મરાયા. અહીંના 15 લાખ યહૂદીઓમાંથી મોટા ભાગનાને નાઝીઓએ મારી નાખ્યા.

line

વિશ્વયુદ્ધ પછી…

ઈ.સ. 1954માં સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવે અચાનક પગલું ભરીને ક્રિમિયાઈ દ્વીપકલ્પને યુક્રેનમાં ભળવી દીધું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈ.સ. 1954માં સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવે અચાનક પગલું ભરીને ક્રિમિયાઈ દ્વીપકલ્પને યુક્રેનમાં ભળવી દીધું.

દરમિયાનમાં, યુક્રેનમાં સોવિયેત શાસનની વિરુદ્ધ કેટલાંક સંગઠનો સશસ્ત્ર સંઘર્ષ કરતાં હતાં.

ઈ.સ. 1954માં સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવે અચાનક પગલું ભરીને ક્રિમિયાઈ દ્વીપકલ્પને યુક્રેનમાં ભળવી દીધું.

આ દરમિયાન સોવિયેત શાસનનો વિરોધ કરી રહેલી યુક્રેનની વિદ્રોહી સેનાનો સંઘર્ષ કમાન્ડર પકડાઈ જવાના કારણે પૂરો થઈ ગયો.

પરંતુ 1960ના દાયકામાં યુક્રેનમાં સોવિયેત શાસન સામેનો વિરોધ વધતો ગયો. 1972માં સોવિયેત શાસનનો વિરોધ કરનારા લોકો સામે પગલાં ભરવામાં આવ્યાં તેથી આક્રોશ વધારે વધ્યો.

1991માં મૉસ્કોમાં સત્તાપલટાની કોશિશ થઈ. ત્યાર બાદ યુક્રેને પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધો.

90ના દાયકામાં, સોવિયેત સંઘના વિઘટન પછી, લગભગ અઢી લાખ ક્રિમિયાઈ તાતાર અને એમના વંશજ ક્રિમિયા પાછા ફર્યા. આ એ જ લોકો હતા જેમને સ્ટાલિનના સમયમાં નિર્વાસિત કરાયા હતા.

1994માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લિયોનિદ ક્રાવચુકને હરાવીને લિયોનિદ કુચમાએ પદ સંભાળ્યું હતું. એમણે પશ્ચિમના દેશો અને રશિયા સાથે સંતુલન જાળવવાની નીતિ અપનાવી હતી.

1996માં યુક્રેને નવું લોકશાહી બંધારણ અપનાવ્યું અને નવી મુદ્રા (નાણું) હરિન્વિયા જાહેર કરી.

2002ના માર્ચમાં સામાન્ય ચૂંટણીમાં કોઈને પણ બહુમત મળ્યો નહીં. પાર્ટીઓએ રાષ્ટ્રપતિ કુચમાનો વિરોધ કર્યો અને એમના પર ચૂંટણીમાં ગોલમાલ કર્યાનો આરોપ મૂક્યો.

આ જ વર્ષે મેમાં સરકારે નાટોમાં જોડાવાની સત્તાવાર પ્રકિયા શરૂ કરવાની જાહેરાત કરી. પુતિન કોઈ પણ સ્થિતમાં યુક્રેનને નાટોમાં સામેલ થવા દેવા નહોતા માગતા.

વીડિયો કૅપ્શન, યૂક્રેઇનમાં રશિયાના હુમલાની ચિંતા અમેરિકાને GLOBAL
line

રુસ સમર્થિત રાષ્ટ્રપતિ બન્યા પછી યુક્રેનનો એજન્ડા બદલાયો

સૈનિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનની આઝાદી પછી સ્થાનિક રશિયન સમુદાય ક્રિમિયાના સાર્વભૌમત્વ અને રશિયાની સાથે મજબૂત સંબંધોના પક્ષમાં ખુલ્લેઆમ બોલવા લાગ્યો.

2010ના ફેબ્રુઆરીમાં રશિયા સમર્થિત વિક્ટર યાનુકોવિચ યુક્રેની રાષ્ટ્રપતિ ચૂંટણીના બીજા ચરણમાં વિજેતા જાહેર થયા હતા.

એ જ વર્ષે જૂનમાં સંસદે નાટોમાં જોડાવાની યોજના વિરુદ્ધ વોટિંગ કર્યું. 2013ના નવેમ્બરમાં યુક્રેને યુરોપીય સંઘની સાથે જોડાવાના ઇરાદાને રદ કરવાનો નિર્ણય કર્યો.

એના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઊતરી પડ્યા.

એમનું કહેવું હતું કે રશિયાના દબાણના કારણે આવું પગલું ભરાઈ રહ્યું છે.

2014ના ફેબ્રુઆરીમાં સુરક્ષા દળોએ કીવમાં 77 પ્રદર્શનકારીઓને મારી નાખ્યા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ યાનુકોવિચ રશિયા ભાગી ગયા અને વિપક્ષ સત્તા પર આવી ગયો.

દરમિયાન, રશિયાએ શક્તિનો ઉપયોગ કરીને ક્રિમિયા પર કબજો કરી લીધો, જેના કારણે શીતયુદ્ધ પછીનો રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. અમેરિકા અને યુરોપીય સંઘે રશિયા પર આકરાં નિયંત્રણો મૂકી દીધાં.

યુક્રેનની આઝાદી પછી સ્થાનિક રશિયન સમુદાય ક્રિમિયાના સાર્વભૌમત્વ અને રશિયાની સાથે મજબૂત સંબંધોના પક્ષમાં ખુલ્લેઆમ બોલવા લાગ્યો.

રશિયન નેતાઓનાં આ પગલાંને યુક્રેનની સરકારે ગેરબંધારણીય જાહેર કર્યાં.

સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિમિયા પાસે પોતાની સંસદ છે અને એને કૃષિ, સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ પર્યટન વિષયક કાયદા બનાવવાનો અધિકાર છે.

1996માં યુક્રેનના બંધારણમાં એવું નક્કી કરાયું હતું કે ક્રિમિયાને સ્વાયત્તતાનો દરજ્જો મળશે, પરંતુ ક્રિમિયામાં કાયદાવ્યવસ્થા યુક્રેનમાંથી જ નક્કી થશે.

ક્રિમિયા પાસે પોતાની સંસદ છે અને એને કૃષિ, સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ પર્યટન વિષયક કાયદા બનાવવાનો અધિકાર છે.

બીજી તરફ, ક્રિમિયાઈ તાતારોની પણ પોતાની બિનસત્તાવાર સંસદ છે. એમનું ધ્યેય પોતાનાં અધિકારો અને હિતો માટે અવાજ ઉઠાવવાનું છે.

ક્રિમિયાઈ શહેર સેવાસ્તોપોલનું બંદર મુખ્ય નૌસૈનિક મથક છે અને 1783થી કાળા સાગર મોટાં જહાજોનું થાણું છે. સોવિયેત સંઘના પતન પછી આ જહાજો યુક્રેન અને રશિયા વચ્ચે વહેંચવામાં આવ્યાં હતાં.

સેવાસ્તોપોલમાં રશિયાનાં જહાજોની ઉપસ્થિતિ રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવનું કેન્દ્ર છે.

જ્યોર્જિયા સાથેની અથડામણો દરમિયાન, 2008માં, પશ્ચિમી દેશોના સમર્થિત યુક્રેનિયન રાષ્ટ્રપતિએ રશિયાના કાળા સાગરમાં જહાજોનો ઉપયોગ ન કરે તેવી માગ કરી હતી.

બંને દેશો વચ્ચે 2017 સુધી રશિયન જહાજોને કાળા સાગરમાં રહેવા દેવા માટેની સહમતી સધાઈ હતી, પરંતુ પાછળથી એને સસ્તા રશિયન ગૅસના બદલામાં 2017થી બીજાં 25 વર્ષ માટે વધારી દેવાઈ હતી.

line

2014નો હુમલો

પુતિન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રશિયાએ ક્રિમિયાને 18 માર્ચ, 2014ના રોજ ઔપચારિકરૂપે પોતાનામાં ભેળવી લીધો હતો.

2014ના એપ્રિલમાં રશિયા સમર્થક સશસ્ત્ર સમૂહોએ રશિયાની સીમા પાસે કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો. ત્યાર બાદ મેમાં પશ્ચિમ સમર્થક વેપારી પેત્રો પોરોશેંકો ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા.

બીજી તરફ, યુક્રેનમાં સંઘર્ષ ચાલતો હતો. જુલાઈ મહિનામાં રશિયા સમર્થક દળોએ સંઘર્ષવાળા વિસ્તારની ઉપરથી ઊડતા મલેશિયન ઍરલાઇનના એક પ્રવાસી 'વિમાનને તોડી પાડ્યું', જેનાથી વિમાનમાં સવાર બધા - 298 લોકો મૃત્યુ પામ્યા.

2014ના ઑક્ટોબરમાં યુક્રેનમાં થયેલી ચૂંટણીમાં પશ્ચિમ સમર્થક પાર્ટીઓને સ્પષ્ટ બહુમત મળ્યો.

2016 સુધીમાં યુક્રેનની અર્થવ્યવસ્થા પાટા પર પાછી આવવા માંડી હતી. 2017 જુલાઈમાં યુરોપીય સંઘ એસોસિયેશન સમજૂતી પર હસ્તાક્ષર થયા અને પહેલી સપ્ટેમ્બરથી યુક્રેને યુરોપીય સંઘ સાથે સંબંધો સ્થાપિત કરી દીધા.

ત્યાર બાદ 2018ના મેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દક્ષિણ રશિયાને ક્રિમિયા સાથે જોડતા એક પુલનું ઉદ્‌ઘાટન કર્યું.

આ પગલાને યુક્રેને ગેરકાયદેસરનું ગણાવ્યું. બંને દેશ ઘણા પ્રસંગોએ એકબીજા પર ગંભીર આરોપો મૂકતા રહ્યા છે.

હવે ફરી એક વાર રશિયા અને યુક્રેન આમનેસામને છે. અમેરિકાનું કહેવું છે કે રશિયા કોઈ પણ ક્ષણે યુક્રેન પર હુમલો કરી શકે છે.

નવ માર્ચ, 2015ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલી વાર સ્વીકાર્યું હતું કે ક્રિમિયાની સ્વાયત્તતા બાબતે થયેલા જનમત સંગ્રહના અઠવાડિયાઓ પહેલાંથી જ એને રશિયામાં ભેળવી દેવાનો આદેશ આપી દેવાયો હતો.

રશિયાએ ક્રિમિયાને 18 માર્ચ, 2014ના રોજ ઔપચારિકરૂપે પોતાનામાં ભેળવી લીધો હતો.

પુતિને ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે 22 ફેબ્રુઆરીની રાત્રે જ ક્રિમિયાને પાછું જોડી દેવાની શરૂઆત થઈ ગઈ હતી.

પુતિને આની પહેલાં કહેલું કે 80 ટકા ક્રિમિયાઈ નાગરિકોએ રશિયા સાથે જોડાવાના પક્ષમાં મત આપ્યો હતો, ત્યાર બાદ એમણે એને ભેળવી દેવાનો નિર્ણય કર્યો હતો.

(આ અહેવાલ સૌપ્રથમ 26 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો