યુક્રેન યુદ્ધ: રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષની પાછળ દબાઈ ગયેલો ધાર્મિક બળવો શું છે?
- લેેખક, ફર્નાન્ડા પૉલ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ભલે જમીન ઉપર સેનાઓની લડાઈ ચાલી રહી છે, પણ બહાર ઓછો દેખાતો એક બીજો સંઘર્ષ ભૂગર્ભમાં ચાલી રહ્યો છે.
આ સંઘર્ષ એટલે ધાર્મિક બળવાખોરી જેને જાણકારો અનુસાર અભૂતપૂર્વ ગણી શકાય અને તે કિએવ પર પ્રભાવ ધરાવતા રશિયન ઑર્થોડૉક્સ ચર્ચને અસર કરી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
સંઘર્ષના મંડાણ થયા તે પછી ઘણા બધા બિશપ અને પાદરીઓએ આ ચર્ચના મૉસ્કોમાં બેઠેલા કિરિલના વડપણને સ્વીકારવાની ના પાડી દીધી છે.
ઘણા બધા યુક્રેનિયન શ્રદ્ધાળુઓએ સર્વિસ (ચર્ચમાં પ્રાર્થનાસભા)માં હવે તેમના માટે પ્રાર્થના પણ બંધ કરી દીધી છે, જે ઑર્થોડૉક્સ ચર્ચમાં બહુ મોટી અવજ્ઞા મનાય છે.
આ પ્રકારની નારાજગી કેટલી મહત્ત્વપૂર્ણ છે? યુદ્ધના સંદર્ભમાં તેનો શો સંદર્ભ છે? અને શા માટે રશિયન ઑર્થોડૉક્સ ચર્ચ માટે યુક્રેન અગત્યનું છે?
આ લેખમાં તે વિશે જ વાત કરીશું.

કિરિલ છે પુતિનના સાથી

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનમાં બે ઑર્થોડૉક્સ સમુદાયો છે: યુક્રેનિયન ઑર્થોડૉક્સ ચર્ચ - મૉસ્કો પેટ્રિયાક્ટે (યુઓસી-એમપી) અને બીજો સમુદાય છે યુક્રેનિયન ઑર્થોડૉક્સ ચર્ચ (યુઓસી).
યુક્રેનિયન ઑર્થોડૉક્સ ચર્ચ (યુઓસી)ની સ્થાપના 2018માં થઈ હતી. રશિયા સાથે 300 વર્ષનો નાતો તોડીને અલગથી આ ચર્ચ બન્યું હતું. ધાર્મિક રીતે પણ રશિયાની ઘૂંસરી ફગાવી દેવા માટે આ પરિવર્તન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે સત્તાવાર આંકડા પ્રમાણે હજીય યુઓસી-એમપી સૌથી મોટું ચર્ચ છે, જેની સાથે 12,000 પેરીશ (વિસ્તારો) જોડાયેલા છે. સામી બાજુ યુઓસી હેઠળ 7,000 પેરીશ છે.
તેનો અર્થ એ થયો કે યુક્રેનમાં ધાર્મિક બાબત પર પણ રશિયાનો ઘણો પ્રભાવ હતો. પ્યૂ રિસર્ચના આંકડા અનુસાર વિશ્વમાં ઑર્થોડૉક્સ ચર્ચના અનુયાયીઓનો (રશિયા અને ઇથિઓપિયા પછી) ત્રીજો સૌથી મોટો સમુદાય યુક્રેનમાં છે અને તેના કારણે પણ આ સ્થિતિ અગત્યની છે.
યુક્રેનમાં દર દસ વયસ્કોમાંથી આઠ પોતાને ઑર્થોડૉક્સ ગણાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ પુતિને આક્રમણ કર્યું અને તેમાં હવાઈ હુમલામાં સેંકડો ચર્ચ નાશ પામ્યાં છે તેના કારણે મૉસ્કોની આગેવાની હેઠળના ઑર્થોડૉક્સ ચર્ચ યુઓસી-એમપીની સ્થિતિ નબળી પડી ગઈ છે.
સંઘર્ષ પછી ચર્ચના મૉસ્કો ખાતેના વડા કિરિલે તેની નિંદા ના કરી તેના કારણે અનુયાયીઓમાં ભાગલા પડી ગયા. ઊલટાનું તેમણે રશિયાના સૈનિકોને આશીર્વાદ આપ્યા અને હજી સુધી યુદ્ધવિરામ માટે પણ અનુરોધ કર્યો નથી.
કિરિલ પોતે ભૂતકાળમાં પુતિનની સાથે કામ કરી ચૂક્યા છે. 2012માં તો તેમણે એવું કહ્યું હતું કે પુતિનની સરકાર એ "ઇશ્વરીય ચમત્કાર" છે.
જર્મનીની મુન્સ્ટર યુનિવર્સિટીના સંશોધક થૉમસ બ્રેમર કહે છે, "રશિયન ચર્ચના અધિપતિ યુક્રેન સાથેના યુદ્ધને પશ્ચિમની સંસ્કૃતિ અને પૂર્વની જીવનશૈલી વચ્ચેના ટકરાવ તરીકે જુએ છે."
ઘણા જાણકારો કહે છે કે પુતિનની જેમ કિરિલ પણ માને છે કે રશિયન અને યુક્રેનિયન લોકો એ "એક જ પ્રજા" છે.
તેમનું મિશન પણ આ પ્રજાને એક કરીને રશિયન વિશ્વનું સર્જન છે, જેથી વિદેશી આક્રમણ સામે એક થઈને લડી શકાય.
સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં અધ્યયન કરતા અને યુક્રેનિયન ઑર્થોડૉક્સ ચર્ચના પાદરી સિરિલ હોવોરન કહે છે, "કિરિલે જ પુતિનને આ પ્રકારના વિચારો અને સિદ્ધાંતો આપ્યા છે".
તેઓ ઉમેરે છે કે "વ્યક્તિગત રીતે મને લાગે છે કે રશિયન ઑર્થોડૉક્સ ચર્ચની મદદ વિના આ યુદ્ધ શક્ય ના બન્યું હોત. ચર્ચના પ્રોત્સાહનને કારણે જ પુતિનને આત્મવિશ્વાસ આવ્યો છે."

આંતરિક બળવો

ઇમેજ સ્રોત, Getty Images
કિરિલ તથા તેમના જેવા અન્ય ધાર્મિક અગ્રણીઓએ આ રીતે પુતિનને ટેકો આપ્યો છે તેના કારણે યુક્રેનમાં રહેલા શ્રદ્ધાળુઓમાં નારાજગી છે.
યુક્રેનમાં યુઓસી-એમપીના પ્રતિનિધિ તરીકે રહેલા કિએવના બેરેઝોવ્સ્કીએ રશિયાના આક્રમણને વખોડી કાઢ્યું છે અને પુતિન સામે માગણી કરી છે કે આક્રમણને તાકીદે અટકાવી દેવામાં આવે. તેમણે સીધી કિરિલને પણ વિનંતી કરી છે કે તેમણે યુદ્ધનો અંત લાવવા સહાય કરવી જોઈએ.
હોવોરન કહે છે, "આ આંતરિક રીતે થયેલો બળવો છે અને ચર્ચમાં તેના કારણે ભાગલા પડી ગયા છે".
તેઓ વધુમાં કહે છે, "કિરિલને જાણે કે જાણકારી જ નથી કે કેટલા લોકો માર્યા ગયા છે અને કેટલી તબાહી થઈ રહી છે. તેમણે યુક્રેનના ભોગ બનેલા લોકો માટે સહાનુભૂતિનો એક શબ્દ પણ કહ્યો નથી."
આના કારણે જ અનેક ડાયોસિસમાં કિરિલ માટે પ્રાર્થના કરવાનું બંધ થઈ ગયું છે, જે આ ચર્ચની પરંપરામાં મોટી અવજ્ઞા માનવામાં આવે છે.
થૉમસ બ્રેમર કહે છે, "સામાન્ય રીતે પંથના વડાનો નામોલ્લેખ પ્રાર્થનામાં થતો હોય છે. પણ ઘણાએ તેમ કરવાનું બંધ કરી દીધું છે. મેં એવા વીડિયો જોયા છે જેમાં પાદરીઓ કહી રહ્યા છે કે તેમણે અમારી સાથે દગો કર્યો અને તેઓ હવે અમારા વડા નથી."
તેઓ ઉમેરે છે, "આવું કહેવું એ બહુ હિંમતનું કામ છે."

ઇમેજ સ્રોત, Getty Images
કિરિલ સામેનો અસંતોષ યુક્રેનના સીમાડા વટાવીને અન્યત્ર પણ પહોંચી રહ્યો છે અને રશિયન ઑર્થોડૉક્સ ચર્ચમાં પણ આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.
હાલમાં જ 300 જેટલા રશિયન પાદરીઓએ એક પત્ર લખ્યો હતો, જેનું શીર્ષક હતું "શાંતિ ઇચ્છતા રશિયન પાદરીઓ" અને તેમાં જણાવાયું હતું કે "તાકીદે યુદ્ધવિરામ" થવો જોઈએ.
પત્રમાં તેઓએ લખ્યું હતું કે "રશિયા અને યુક્રેનમાં આપણાં બાળકો અને પૌત્રો વચ્ચેની ફાટ ભરાવી જોઈએ અને તેઓએ મિત્રો બનવું જોઈએ અને એક બીજાને સન્માન અને સ્નેહ આપવાં જોઈએ."
સિરિલ હોરોવન કહે છે, "સમગ્ર રશિયન ચર્ચને આઘાત લાગ્યો છે. ઘણા યુદ્ધને સમર્થન પણ આપે છે, પરંતુ પંથના વડાની નીતિઓ સામે અસંતોષ વધી રહ્યો છે."
તેઓ વધુમાં જણાવે છે કે "રશિયાની બહાર રહેલા રશિયન ચર્ચમાં પણ અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. બાલ્ટિક દેશોમાં અનુયાયીઓ મૉસ્કોથી પોતાને અલગ કરવા માગે છે, કેમ કે તેમને મૉસ્કોના પંથના વડા પર વિશ્વાસ રહ્યો નથી."
ચર્ચ માટે યુક્રેન શા માટે અગત્યનું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પુતિન અને રશિયન ઑર્થોડૉક્સ ચર્ચ માટે યુક્રેન કોઈ સામાન્ય દેશ નથી. રશિયન રાષ્ટ્રવાદના કેન્દ્રમાં એવો વિચાર છે કે યુક્રેન એ સાથી દેશ છે અને તે 'રશિયન રાષ્ટ્ર'ના હાર્દમાં છે. ખાસ કરીને ઑર્થોડૉક્સ ચર્ચ માટે રાજધાની કિએવનું આગવું મહત્ત્વ છે.
રશિયન ટીએએસએસ સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, 2019માં કિરિલે વૈશ્વિક ખ્રિસ્તીઓ માટે કિએવના માહાત્મ્યની સરખામણી યેરુસલેમ સાથે કરી હતી.
થૉમસ બ્રેમર કહે છે, "વાત સાચી છે. ખ્રિસ્તીઓ માટે જેટલું મહત્ત્વ યેરુસલેમનું છે એટલું જ મહત્ત્વ રશિયન ઑર્થોડૉક્સ ચર્ચ માટે કિએવનું છે."
સિરિલ હોરોવન પણ કહે છે, "રશિયન પરંપરા માટે યુક્રેન બહુ અગત્યનું છે. તેમના માટે પંથની સ્થાપના સાથે જોડાયેલું આ કેન્દ્ર છે."
આ મહત્ત્વના કારણને લીધે જ કિરિલે યુક્રેન પર આક્રમણને યોગ્ય ઠરાવ્યું છે અને તેને "વિશેષ લશ્કરી કાર્યવાહી" ગણાવી છે, જેથી યુક્રેનને પશ્ચિમનાં મૂલ્યોથી બચાવી શકાય.
પોતાના એક પ્રવચનમાં કિરિલે એવું પણ કહ્યું હતું કે અહીં લોકો "ગે પરેડ" કરી રહ્યા છે તેના કારણે પણ યુદ્ધ કરવું પડે તેમ છે.
હોરોવન કહે છે, "કિરિલની આગેવાની હેઠળનું ચર્ચ માને છે કે રશિયા પરંપરાગત પારિવારિક મૂલ્યોનું રક્ષક છે અને એલજીબીટી સમુદાય સહિતની બાબતોથી ભ્રષ્ટ થયેલા પશ્ચિમ સામે તેણે ઊભા રહેવાનું છે."
તેઓ ઉમેરે છે, "તેમના માટે પશ્ચિમ એટલે શેતાની તત્ત્વોનું પ્રતીક. પુતિનના મનમાં પણ પશ્ચિમની આવી જ છાપ છે."

આગળ શું થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન ઑર્થોડૉક્સ ચર્ચ યુઓસી-એમપી સાથે સંકળાયેલા ઘણા ડાયોસિસે તેનાથી અલગ થઈ જવાની વાત ઉચ્ચારી છે.
કેટલાકે ઇચ્છા વ્યક્ત કરી છે કે બિશપ કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવે અને તે રીતે કિરિલની આગેવાની હેઠળની સંસ્થાથી અલગ થઈ જવાનો નિર્ણય લઈ લેવામાં આવે.
જોકે બીબીસી યુક્રેનિયન સર્વિસના જણાવ્યા અનુસાર કેટલાક એવા પણ છે જે હાલમાં યથાસ્થિતિ જાળવી રાખવા માગે છે, કેમ કે યુદ્ધની સ્થિતિ વચ્ચે નવું કેથેડ્રલ બાંધવું શક્ય નથી.
પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ યુદ્ધને કારણે રશિયન અને યુક્રેનિયન ઑર્થોડૉક્સ ચર્ચ વચ્ચે પણ ભાગલા પડી ગયા છે.
થૉમસ બ્રેમર કહે છે, "શક્યતા એવી લાગે છે કે, જો રશિયા યુક્રેન પર કબજો કરી લેશે તો પછી ત્યાં એવું ચર્ચ હશે જે તેમના પર ભરોસો નહીં કરતું હોય. એવા બિશપ હશે જે કહેશે કે અમે તમારા પર ભરોસો કરી શકીએ તેમ નથી."
તેઓ અંતમાં જણાવ છે કે "ચર્ચે ઘણા બધા બિશપને પણ બદલવા પડે એવું બને. મને લાગે છે કે ઘણા બધા પાદરીઓ અને અનુયાયીઓ ચર્ચમાં જવાનું બંધ કરી દેશે, કેમ કે તેમને હવે રશિયન ઑર્થોડૉક્સ ચર્ચ પર ભરોસો રહ્યો નથી."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












