રશિયા-યુક્રેન યુદ્ધ : પુતિનના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા આતુર છે પશ્ચિમના દેશો
- લેેખક, ગૉર્ડન કોરેરા
- પદ, બીબીસી સુરક્ષા સંવાદદાતા
પશ્ચિમી દેશોના જાસૂસોનું માનવું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતે જ રચેલા જાળામાં ફસાઈ ગયા છે અને તેનાથી તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
આ જાસૂસો વર્ષોથી પુતિનના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે કોશિશ કરી રહ્યા છે, જેથી તેમના ઈરાદાઓને વધારે સારી રીતે સમજી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનમાં રશિયાના સૈનિકો યુદ્ધમાં ફસાઈ રહ્યા છે તેના કારણે પણ પુતિનની માનસિકતા જાણવી વધારે જરૂરી બની ગઈ છે. દબાણમાં આવીને રશિયા કેવો પ્રતિસાદ આપશે તે જાણવા માટે ગુપ્તચર અધિકારીઓ કોશિશ કરી રહ્યા છે.
યુક્રેનનું યુદ્ધ વધારે ખતરનાક વળાંક ના લે તે માટે પણ વ્લાદિમીર પુતિનની માનસિકતાને સમજવી જરૂરી બની ગઈ છે.
એવી અટકળો છે કે પુતિન બીમાર છે. જોકે ઘણા વિશ્લેષકોનું માનવું છે કે તેઓ ખરેખર તો હવે એકલા પડી ગયા છે અને કોઈ વિકલ્પ શોધવામાં લાગ્યા છે.
તેઓ બેઠકો કરી રહ્યા છે તેની તસવીરો બહાર આવી રહી છે તેમાં ફેરફાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દાખલા તરીકે ફ્રાંસના પ્રમુખ ઇમૈન્યુઅલ મેક્રોન સાથે તેમની બેઠક યોજાઈ ત્યારે એક બહુ લાંબા ટેબલના દૂર દૂરના છેડે બંને નેતાઓ બેઠા હતા.
યુદ્ધ પહેલાં રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજાઈ ત્યારે પણ આ રીતે પુતિન સૌથી દૂર બેઠા હતા.
પશ્ચિમના એક ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર લશ્કરી કાર્યવાહીની પ્રારંભિક યોજના કેજીબીના કોઈ અધિકારીએ તૈયાર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અધિકારીનું કહેવું છે કે વાતને ખાનગી રાખવા માટે બહુ ગુપચુપ તે સમગ્ર યોજના તૈયાર કરવી પડી હતી. પણ તેના કારણે બહુ અંધાધૂંધી જેવી સ્થિતિ પેદા થઈ છે. રશિયન સેનાના કમાન્ડરો યુદ્ધ માટે તૈયાર નહોતા અને સૈનિકો સરહદે પહોંચી ગયા પણ શું કરવાનું છે તેનો કોઈ અંદાજ તેમને નહોતો.

નિર્ણય લેનારા એક માત્ર શખ્સ

ઇમેજ સ્રોત, SPUTNIK / AFP
યુદ્ધની યોજના વિશે રશિયાના ઘણા નેતાઓ કરતાંય વધારે માહિતી પશ્ચિમી દેશોના જાસૂસો પાસે હતી. જોકે હવે આ જાસૂસો સામે પડકાર એ જાણવાનો છે કે પુતિન આગળ શું કરશે. પરંતુ હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે આવી રીતે ગુપ્તચર માહિતી મેળવવી સહેલી નથી.
અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ માટે રશિયાનો હવાલો સંભાળનારા જૉન સિફર કહે છે, "ક્રેમલિનની ભાવિ ચાલ સમજવી મુશ્કેલ છે, કેમ કે રશિયામાં નિર્ણય લેવાનું કામ કરનારા એક માત્ર પુતિન પોતે જ છે."
જાહેર નિવેદનો આપીને પુતિન પોતાના વિચારો વ્યક્ત કરતાં હોય છે ખરા, પરંતુ તે વિચારોનો અમલ તેઓ કેવી રીતે કરશે તે જાસૂસી કરીને જાણવું બહુ મુશ્કેલ હોય છે.
બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઈ-6ના ભૂતપૂર્વ વડા સર જૉન સૉવર્સે આ વિશે બીબીસીને જણાવ્યું કે, "રશિયા જેવી ચૂસ્ત ખાનગી સિસ્ટમમાં તેમના નેતાના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું ગુપ્તચર તંત્ર માટે બહુ મુશ્કેલ હોય છે."
"ખાસ કરીને તેમની આસપાસના લોકો પણ ના જાણતા હોય કે શું થવાનું છે ત્યારે માહિતી બહાર આવવી મુશ્કેલ હોય છે."
ગુપ્તચર અધિકારીઓ કહે છે કે પુતિન પોતાના બનાવેલા એક ગોખલામાં સૌથી અલગ રહીને કામ કરે છે. તેમની પાસે બહારની બહુ ઓછી માહિતી પહોંચે છે, ખાસ કરીને તેમના વિચારોની સામે પડકાર કરનારી હોય તેવી માહિતી તેમના સુધી કોઈ પહોંચાડતું નથી.

પુતિનના દિમાગને સમજવાની કોશિશ

ઇમેજ સ્રોત, DENIS SINYAKOV
સાયકોલૉજીના પ્રોફેસર અને 'ધ સાયકોલૉજી ઑફ સ્પાઇઝ એન્ડ સ્પાઇંગ' પુસ્તકના લેખક એડ્રિયન ફર્નહેમ કહે છે, "તેઓ પોતાના જ પ્રચારની જાળમાં એવી રીતે ફસાઈ ગયેલા છે કે તેઓ પોતાની પસંદગીના થોડા લોકોની જ વાત સાંભળે છે. બાકીના લોકોની અવગણના કરે છે. તેના કારણે દુનિયા વિશે તેમને અજબ પ્રકારના વિચારો જ સાંભળવા મળે છે."
પશ્ચિમના જાસૂસો માને છે કે વ્લાદિમીર પુતિન જે લોકો સાથે વાતચીત કરે છે, તે લોકો પોતે પણ બહુ વ્યાપક જાણકારી ધરાવનારા નથી. યુક્રેન પર હુમલો કરવાનો નિર્ણય કરાયો ત્યારે તેના વિશે બહુ થોડા લોકો સાથે જ ચર્ચાવિચારણા થઈ હતી. આ ગુપ્તચર અધિકારીઓ માને છે કે પુતિનને સલાહ આપનારા તેમના 'પાક્કા વિશ્વાસુ' હોવા ઉપરાંત તેમની જેવી જ વિચારસરણી ધરાવતા ઝનૂની લોકો છે.
પુતિનના અંગત વર્તુળમાં કેટલા ઓછા લોકો છે તેનો અંદાજ યુક્રેન પર આક્રમણ કરતાં પહેલાં થયેલી રાષ્ટ્રીય સુરક્ષાની બેઠકમાંથી મળે છે. તેમણે પોતાના જ વિદેશી જાસૂસી સંસ્થાના વડાને મનાવવા માટે જાહેર મંચનો ઉપયોગ કરવો પડ્યો હતો.
એ બેઠક પછી તેમણે ભાષણ આપ્યું તે પછી જ ખ્યાલ આવ્યો હતો કે યુક્રેન અને પશ્ચિમના દેશો સામે તેમની બહુ મોટી નારાજી છે.
પુતિનને જાણનારા લોકો કહે છે કે તેઓ હજીય 90ના દાયકામાં રશિયાની કથિત અપમાનજનક સ્થિતિ થઈ તેનો બદલો લેવાની મનોભાવના ધરાવે છે અને એવું પણ માને છે કે પશ્ચિમના દેશો રશિયાનું નીચું જોણું કરવા અને તેમને સત્તાથી હઠાવવા માગે છે.
પુતિનને મળનારી એક વ્યક્તિના જણાવ્યા અનુસાર લિબિયાના ભૂતપૂર્વ શાસક કર્નલ ગદ્દાફીને 2011માં સત્તા પરથી દૂર કરાયા અને તેમને બૂરી રીતે મારી નખાયા તેનો વીડિયો તેમણે વારંવાર જોયો હતો.
અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સને પુતિનની માનસિકતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ "વર્ષોથી ફરિયાદો અને મહત્ત્વાકાંક્ષાની આગમાં સળગતા રહેલા છે."
સવાલ એ છે કે શું રશિયાના પ્રમુખ સનકી માણસ છે? આવો સવાલ પશ્ચિના દેશોમાં પણ ઘણા લોકો પૂછી રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સીઆઈએની એક લીડરશિપ એનાલિસીસ ટીમ હોય છે, જે વિદેશી બાબતો અંગે નિર્ણય કરનારા નેતાઓને સમજવા માટે તેમની માનસિકતાનો અભ્યાસ કરતી હોય છે.
હિટલરને સમજવા માટે આ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારથી તેની કામગીરી ચાલુ રખાઈ છે. આ ટીમ ખાનગી માહિતીના આધારે આવા નેતાનું બ્રેકગ્રાઉન્ડ જુએ છે, તેમના સંબંધો ચકાસે છે અને આરોગ્યની બાબતોની પણ માહિતી મેળવીને વિશ્લેષણ કરે છે.
આ સિવાય આ પ્રકારના નેતાઓ સાથે જેમની મુલાકાત થઈ હોય તેમની સાથે વાતચીત કરીને પણ સમજવાની કોશિશ કરવામાં આવે છે.
દાખલા તરીકે 2014માં તે વખતના જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કેલે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને કહ્યું હતું કે પુતિન 'જુદી જ દુનિયામાં' રહે છે.

શું પુતિન એકલા પડી ગયા છે?

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY / GETTY IMAGES
ફ્રાંસના પ્રમુખ મેક્રોને હાલમાં જ પુતિનને મળ્યા હતા અને પછી જણાવ્યું હતું કે અગાઉની મુલાકાતોની સરખામણીએ આ વખતે રશિયાના નેતા 'કંઈક વધારે કઠોર અને કંઈક એકલાઅટૂલા લાગતા' હતા.
તો શું ખરેખર આવું કંઈ થયું હશે? જોકે નક્કર પુરાવા વિના ઘણા લોકો તેમની ખરાબ તબિયત અને કોઈ દવાની અસરને કારણે આવું થયું હશે તેવો અંદાજ લગાવી રહ્યા છે.
અન્ય કેટલાક લોકો જુદા જ મનોવૈજ્ઞાનિક કારણો તેના માટે જવાબદાર ગણાવે છે. આ લોકોની માન્યતા અનુસાર પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટેનો સમય પોતાના હાથમાંથી સરકી રહ્યો છે એવું પુતિનને કદાચ લાગી રહ્યું છે.
રશિયાને સુરક્ષિત કરવા અને તેને ફરીથી મહાન દેશ બનાવવા માટેનું સપનું પુતિન સેવે છે તે વાત જગજાહેર છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અન્ય કેટલાક લોકો એવું પણ કહે છે કે પુતિન કોરોનાના ચેપથી બચવા માટે બીજાથી પોતાને દૂર રાખે છે અને આ રીતે સતત એકાકી રહેવાના કારણે તેમના પર માનસિક અસરો થઈ હશે.
અમેરિકાના સરકારી ડૉક્ટર અને રાજદ્વારી તથા અમેરિકા-ચીન સંબંધો અંગેના જ્યોર્જ એચડબ્લ્યૂ બુશ ફાઉન્ડેશનના સિનિયર ફૅલો કેન ડેકલેવા આ વિશે વાત કરતા જણાવે છે કે, "પુતિન માનસિક રીતે બીમાર નથી કે નથી તેઓ બદલાયા. તેઓ બહુ ઉતાવળમાં છે અને વધારે એકાકી થતા જાય તેવી શક્યતા છે."
જોકે ચિંતાનું કારણ એ છે કે પુતિન સુધી હજી સુધી આધારભૂત માહિતી પહોંચી રહી નથી. યુક્રેન પર હુમલામાં શું થયું છે તેની સાચી માહિતી કદાચ તેમનું ગુપ્તચર તંત્ર તેમને ના પણ આપી રહ્યું હોય.
કદાચ એટલા માટે કે પુતિનને સાંભળવી ના ગમે તેવી માહિતી અધિકારીઓ તેમની સામે મૂકવા ના પણ માગતા હોય.

ઇમેજ સ્રોત, AFP
આ અઠવાડિયે જ પશ્ચિમના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયાના સૈનિકોની કેવી કફોડી સ્થિતિ થઈ છે તેની માહિતી હજી સુધી પુતિનને અપાઈ નથી. તેથી જ એ વાતની ચિંતા જાગી છે કે રશિયાની કફોડી સ્થિતિ થયાનું જાણીને રશિયા કેવી રીતે પ્રતિસાદ આપશે.
બચપણમાં પોતે એક ઉંદરનો પીછો કર્યો હતો તેની કહાની પુતિન જણાવાતા હોય છે. આ કથા અનુસાર તેમણે ઉંદરને ભગાડવાની કોશિશ કરી તો ઉંદરે સામો હુમલો કર્યો અને તેમણે ડરીને પાછું હઠી જવું પડ્યું હતું.
પશ્ચિમી દેશોના નીતિ-નિર્ધારણ કરનારાઓ એ સવાલ પૂછી રહ્યા છે કે પુતિનને એમ લાગે કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે તેઓ શું કરી બેસશે?
પશ્ચિમના એક અધિકારી કહે છે, "ખરેખર એ જ સવાલ છે કે રશિયા શું કરશે અને શું તે વધારે ક્રૂરતા સાથે આક્રમણ કરશે અને વધારે ખતરનાક શસ્ત્રોનો ઉપયોગ કરવાની નોબત આવશે?"
એવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે રશિયા રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરશે અને કદાચ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ પણ કરી બેસે.
આવી સ્થિતિમાં પશ્ચિમના જાસૂસો અને નીતિ-નિર્ધારકો માટે પુતિનના ઈરાદા શું છે અને તેમની માનસિકતા શું છે તે સમજવું સૌથી અગત્યનું થઈ પડ્યું છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













