ગુજરાત : 'ડૉલરિયા ગામ'ના નીલ ઉર્ફે હિતેશ પટેલના કરોડોના કૌભાંડની તપાસમાં પોલીસ પર સવાલ કેમ?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના 'ડૉલરિયા' ગામના પિતા-પુત્ર સામે દેશભરમાં 90થી વધુ ફરિયાદ નોંધાઈ છે. જોકે, નીલ પટેલ ઉર્ફે હિતેશ પટેલ તથા તેમના પિતા ગોરધન પટેલ સામે ગુજરાતમાં પોલીસકાર્યવાહી મંથર ગતિએ થઈ રહી હોવાનો આરોપ ભોગ બનનાર લોકો કરી રહ્યા છે. અમદાવાદ, સુરેન્દ્રનગર તથા સુરતનાં અનેક પોલીસસ્ટેશનમાં નીલ પટેલ ઉર્ફે હિતેશ પટેલ તથા તેમના પિતા ગોરધન પટેલ સામેની અરજીઓ થઈ છે, પરંતુ તેની ઉપર કાર્યવાહી નથી થઈ અને એફઆઈઆર દાખલ નથી થઈ.

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય ગુજરાત તથા અન્ય રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો સામાજિક પ્રતિષ્ઠા, નાણાકીય સ્રોત અંગે ઊભા થનારા સંભવિત સવાલ અને રકમ નાની હોવાને કારણે ફરિયાદ ન કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
નીલ પટેલ ટ્વિટર પર વૅરિફાઇડ હૅન્ડલ ધરાવતા હતા અને ગુજરાતના અનેક રાજનેતા, પોલીસ અધિકારી તથા ઉચ્ચાધિકારીઓ તેમની સાથે સાર્વજનિક સંવાદ કરતા હતા. આથી, લોકોમાં ક્રિપ્ટૉકરન્સીમાં ટ્રેડિંગ અને અમેરિકાની કંપનીઓમાં રોકાણ જેવી નીલની સ્કીમોમાં વિશ્વાસ ઊભો થયો હતો.
નીલના પિતા ગોરધનભાઈ કથિત રીતે યુગાન્ડા નાસી છૂટવાની ફિરાકમાં હતા, ત્યારે અમદાવાદ ઍરપૉર્ટ પરથી હૈદરાબાદની પોલીસે તેમની ધરપકડ કરી હતી.

'મારી વ્યથા કોને કહું?'

ઇમેજ સ્રોત, Getty Images
સુરતનાં મીનાબહેનનું (બદલેલું નામ) કહેવું છે કે તેમની સાથે પાંચ લાખની છેતરપિંડી થઈ છે, પરંતુ સંજોગોને કારણે તેઓ કોઈને કહી શકે તેમ નથી, જેથી તેમની વ્યથા બમણી થઈ ગઈ છે.
તેઓ કહે છે: "હું સુરતમાં ટ્રેડિંગ કરું છું અને મારી બચતના પાંચ લાખ ડૂબી ગયા છે. જો આ વિશે સગાં-સંબંધીઓને જાણ થાય તો મારે દરરોજ મહેણાં-ટોણાં સાંભળવા પડે તેમ છે. એટલે હું સમાજના ડરે મારી સાથે થયેલી છેતરપિંડી વિશે જાહેરમાં કશું બોલી શકતી નથી. આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય, તેની રાહ જોઈને બેઠી છું."
છેતરપિંડીની વાત સગાં કે મિત્રો સાથે પણ ન કરી હોવાથી પોલીસસ્ટેશનના ધક્કા પણ મીનાબહેને એકલાં ખાવા પડે છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ કાર્યવાહીનો પોતાનો અનુભવ વર્ણવતાં મીનાબહેન કહે છે:
"ઑગસ્ટ-2021માં મેં સુરત સાઇબર ક્રાઇમ પોલીસસ્ટેશનમાં મારી સાથે થયેલી ઠગાઈની સંપૂર્ણ વિગતો સાથેની અરજી આપી હતી, પરંતુ આજ દિવસ સુધી મારી FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવામાં નથી આવી. માત્ર અરજી લીધાની કાર્યવાહી થઈ છે. આના વિશે સુરતના પોલીસકમિશનરને પણ અરજી આપી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવતાં મીનાબહેન કહે છે, "નીલના પિતા ગોરધનભાઈ પર પણ કૌભાંડમાં સંડોવણીના આરોપ હતા. તેમની સામે અનેક અરજીઓ આવી હતી, છતાં પોલીસે કાર્યવાહી કરી ન હતી. એટલે સુધી કે અમદાવાદના ઍરપૉર્ટ પરથી ગુજરાત નહીં, હૈદરાબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી."
આ કેસ અંગે સુરત સાઇબર ક્રાઇમ પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ટી. આર. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "અરજદાર મળવા આવ્યા, ત્યારે તેમની પાસેથી કરાર વિશેના અમુક દસ્તાવેજ માગવામાં આવ્યા હતા, જે હજુ સુધી અમને મળ્યા નથી. એટલે ફરિયાદ લેવામાં નથી આવી."
મીનાબહેન ગોરધન પટેલની ભૂમિકા વિશે વાત કરે છે. જોકે પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીનું કહેવું છે કે "સમગ્ર કેસમાં તેના પિતાનો શું રોલ હતો, તેના વિશે કશું અમારા ધ્યાનમાં નથી આવ્યું. છતાં અરજીના આધારે તપાસ ચાલુ છે."

અમદાવાદીના 11 લાખ અટવાયા

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય નિશાંતનું (બદલેલ નામ) કહેવું છે કે નીલ પટેલની અલગ-અલગ સ્કીમોમાં તેમના 11 લાખ રૂ. ડૂબી ગયા છે અને નીલ સામે ફરિયાદ દાખલ થાય તે માટે તેઓ આઠ મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે પોલીસ તરફથી તપાસનું આશ્વાસન તો મળે છે, પરંતુ ફરિયાદ નોંધવામાં નથી આવી.
તેઓ કહે છે, "ઑગસ્ટ-2021માં ઓઢવ પોલીસસ્ટેશનમાં મેં નીલ પટેલ સામે છેતરપિંડીની અરજી આપી હતી, છતાં હજુ સુધી તેને એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં નથી આવી. જ્યાં સુધી કોઈ આરોપી સામે એફઆઈઆર ન થાય તે સમય સુધી તેની સામે તપાસ કેવી રીતે થાય?"
"નીલ પટેલ દ્વારા આચરવામાં આવેલા ઓનલાઇન કૌભાંડમાં મારા પણ 11 લાખ ડૂબ્યા છે. દેશભરમાં તેની વિરુદ્ધ ફરિયાદો થઈ રહી હતી, ત્યારે અમદાવાદમાં હું પણ આગળ આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અરજી આપી હતી."
"તે એફઆઈઆરમાં કન્વર્ટ થાય તે માટે હું વારંવાર પોલીસસ્ટેશનની મુલાકાત પણ લેતો અને જરૂરી ફૉલોઅપ પણ કરતો હતો."
"ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળીને નીલ પટેલ સામે એફઆઈઆર થાય તે માટે વારંવાર વિનંતી કરી હતી. મારી પાસેથી કોલ ડિટેઇલ્સ માગવામાં આવી હતી, જે પણ મેં સુપરત કરી હતી, છતાં હજુ સુધી FIR થઈ નથી કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી."
પીડિત યુવકની અરજીના સંદર્ભમાં ઓઢવ પોલીસસ્ટેશનના પીઆઈ જે. બી. અગ્રવાત જણાવે છે, "નીલ પટેલ વિરુદ્ધ અરજી મળી છે. જે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે, અરજદાર પાસેથી કૉલ ડિટેઇલ તેમજ બૅંન્ક ડિટેઇલ સહિતના પુરાવા માગવામાં આવ્યા છે, જે મળ્યેથી આગળની કાર્યવાહી થશે."

નોકરીની આડમાં છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images
સુરેન્દ્રનગરના નીલેશભાઈ (બદલેલું નામ) આઈ. ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) કંપનીમાં નોકરી કરે છે. તેઓ પોતાનાં પત્ની સાથે નીલના ટ્રેડિંગ કૉર્સમાં દાખલ થયા હતા અને કર્મચારી તરીકે ઠગાયા છે. તેઓ પોતાની વાત કરતા કહે છે:
"નીલ પટેલના ટ્રેડિંગ સર્ટિફિકેટ કૉર્સ માટે મેં તથા મારાં પત્નીએ રૂ. 90 હજાર ભર્યા હતા. નીલે અમને નોકરી આપી હતી, એટલે અમે બંનેએ પોતપોતાની નોકરીઓ છોડી દીધી હતી. ત્રણ મહિના સુધી અમે તેના માટે કામ કર્યું હતું, પરંતુ તેણે એક પણ રૂપિયાનો પગાર ચૂકવ્યો ન હતો."
નીલની અલગ-અલગ સ્કીમમાં રોકેલાં નાણાં તથા પગારપેટે બાકી નીકળતી રકમમાં કુલ દસ લાખનું નુકસાન ગયું હોવાનો પતિ-પત્નીનો આરોપ છે. તેઓ પણ પોલીસની કાર્યવાહીથી નાખુશ છે. પોતાનો અનુભવ વર્ણવતાં તેઓ કહે છે:
"અમારી સાથે છેંતરપિંડી થઈ છે, એવું લાગતાં લગભગ પાંચેક મહિના પહેલાં હું સુરેન્દ્રનગર પોલીસસ્ટેશન ગયો હતો અને નીલ પટેલની વિરુદ્ધ અરજી આપી હતી. આ કેસ માટે ચાર વખત મારું નિવેદન નોંધવામાં આવ્યું છે. છતાં આજ દિવસ સુધી તેની સામે ફરિયાદ નોંધવામાં નથી આવી."
આ અંગે સુરેન્દ્રનગર "એ" ડિવિઝન પોલીસસ્ટેશનના PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) વી. એમ. ઝાલાએ જણાવ્યું હતું, "થોડા સમય પહેલાં નીલ પટેલ વિરુદ્ધ અરજી મારી પાસે આવી છે. હું હાલમાં દ્વારકા જિલ્લામાં પોલીસ બંદોબસ્ત માટે આવેલો છું."
"અહીંથી પરત ફર્યા બાદ હું અરજદારને બોલાવવાનો છું. નીલ પટેલના પિતા ગોરધન પટેલની હૈદરાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આથી, આ અરજી સંબંધે પણ અમે પણ હૈદરાબાદ પોલીસનો સંપર્ક કર્યો છે."

પિતા પકડમાં, પુત્ર પરેદશમાં

ઇમેજ સ્રોત, Getty Images
આખજ ગામના 41 વર્ષીય નીલ પટેલે સ્ક્વીક્સ ટેકનૉલૉજી સર્વિસ કંપની સ્થાપી હતી. આ કંપની અંતર્ગત વિવિધ વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશન બનાવીને લોકોને છેતર્યા હોવાનો આરોપ છે. નીલના પિતા આ કંપનીમાં ડાયરેક્ટરપદે હતા.
આ સિવાય નીલની મૉડસ ઑપરેન્ડીમાં ટ્રેડિંગ કોર્સ, ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ અને રોકાણ, યુ.એસ.ના શૅરબજારમાં રોકાણ જેવી લાલચો આપવામાં આવતી હતી. આવા અનેક પીડિતો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી છે.
20મી ફેબ્રુઆરી 2022ની વહેલી સવારે હૈદરાબાદ પોલીસે અમદાવાદ ઍરપૉર્ટ પર ધામા નાખ્યા હતા. અહીંથી તેમણે ગોરધનભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા અને હૈદરાબાદ લઈ ગયા હતા. તેમની સામે લુકઆઉટ નોટિસ કાઢવામાં આવી હતી, તેમની પર આરોપ છે કે તેઓ યુગાન્ડા નાસી જવાની ફિરાકમાં હતા.
જ્યારે પણ ગુજરાત કે અન્ય રાજ્યમાંથી લોકો ઉઘરાણી કરવા આવતા ત્યારે પિતા ગોરધનભાઈ આખજમાં તેમની સાથે બેઠક કરીને ચુકવણી કરવાનો વાયદો કરીને મુદ્દત પાડી દેતા હતા.
અમદાવાદ શહેરથી માત્ર 70 કિલોમિટરના અંતરે આવેલું આખજ ગામ રાજ્યના 'ડૉલરિયા ગામ' તરીકે ઓળખાય છે. ગામની પાંચ હજારની વસતિ છે પણ ગામના બે હજાર લોકો અમેરિકા સહિત અન્ય વિદેશમાં વસવાટ કરે છે. આથી જ તે 'ડૉલરિયા ગામ' તરીકે ઓળખાય છે.
ગોરધનભાઈ છેલ્લાં ત્રણેક વર્ષથી વતન પરત ફર્યા હતા અને ત્યાં ઘર બનાવી રહ્યા હતા. આ સિવાય કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ જોડાયા હતા. અહીં પણ તેમની ઉપર સસ્તામાં આઇફોન આપવાની સ્કીમ કાઢી હતી, પરંતુ વાયદો પૂરો ન કરી શકતાં લોકોને તેમના પૈસા પરત કરી દીધા હતા.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












