સ્વામિનારાયણ સોખડા સંપ્રદાય : સંતો અંદરોઅંદર કેમ ઝઘડી રહ્યા છે, શું છે ગાદીના વારસદારનો વિવાદ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત ચર્ચામાં છે, બે જૂથો વચ્ચેનો કજિયો હવે કોર્ટ સુધી પહોંચી શકે છે એવું સ્થાનિક મીડિયાના અહેવાલ સૂચવે છે. એક જૂથ દ્વારા એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે સંતોને મંદિર પરિસરની બહાર જતાં અટકાવવામાં આવે છે અને તેમના પાસપોર્ટ જમા કરી લેવાયા છે.
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદસ્વામીના મૃત્યુ બાદ સંપ્રદાય બે જૂથમાં વહેંચાઈ ગયો હોવાનું કહેવાય છે. થોડા વખત અગાઉ વડોદરામાં કલેક્ટરની કચેરીની બહાર છૂટા હાથની મારામારી થઈ હતી.

ઇમેજ સ્રોત, Jiya Choksi
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધજીવનસ્વામી અને પ્રેમસ્વરૂપદાસસ્વામીના સમર્થકો બે જૂથમાં વહેંચાઈ ગયા હોવાનું લાંબા વખતથી ચર્ચાઈ રહ્યું છે.

કલેક્ટર કચેરી બહાર શું થયું હતું?
માર્ચ મહિનામાં પ્રબોધજીવનસ્વામી સાથે હરિધામમાં દુર્વ્યવહાર થયો હોવાના આરોપ અંગે રજૂઆત કરવા માટે સંપ્રદાયના કેટલાક લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
પ્રબોધજીવનસ્વામીના સમર્થકોનું કહેવું હતું કે પ્રેમસ્વરૂપદાસસ્વામી હરિપ્રસાદસ્વામીના નિધન બાદ કોઈ પણ જાતના આધાર વગર પોતાની જાતને તેમના વારસદાર ગણાવી રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ બાબતને લઈને પ્રબોધજીવનસ્વામીના સમર્થકો જિલ્લા કલેક્ટરની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પ્રેમસ્વરૂપદાસસ્વામીની સરખામણીએ પ્રબોધજીવનદાસસ્વામીનું વધુ માન છે.
આ દરમિયાન રજૂઆત કરવા માટે આવેલાં બે જૂથોના સમર્થકો વચ્ચે મારામારીની ઘટના બની હતી.
એ વખતે જ જિલ્લા કલેક્ટર એ. બી. ગોરે બંને જૂથોને એકમેક સાથે મળીને પોતાના આંતરિક વિવાદનો ઉકેલવાની અપીલ કરી હતી. જ્યારે વિવાદ થાળે પાડવા માટે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સંતોની મુલાકાત લીધી હતી. જોકે હજી સુધી આ વિવાદ યથાવત્ થાળે પડ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કઈ રીતે શરૂ થયો હતો વિવાદ?

ઇમેજ સ્રોત, Jiya Choksi
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદસ્વામી પહેલાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે જોડાયેલા હતા.
તેમણે વર્ષ 1971માં મહિલાઓને સંતો સમક્ષ આવવાની મનાઈ મામલે મતભેદ ઊભો થતાં સોખડા ખાતે પ્રથમ પાંચ સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી.
જોકે જુલાઈ, 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે બે સંતો (પ્રબોધજીવનદાસસ્વામી અને પ્રેમસ્વરૂપદાસસ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરુને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે.
આ વિવાદ અત્યાર સુધી એટલી હદે વકર્યો છે કે હવે 150 સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરુની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.

સંતોના પાસપોર્ટ જમા કરી લેવાયાનો આરોપ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જે બન્ને સંતો વચ્ચે ગાદીને લઈને વિવાદની વાત છે, તેમની સાથે બીબીસી ગુજરાતીએ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંનેના પ્રતિનિધિ સાથે જ સંપર્ક સાધી શકાયો હતો.
પ્રબોધસ્વામીના પ્રવક્તા જતીન પટેલ વિવાદના મૂળનું કારણ જણાવતાં કહે છે કે, "હરિપ્રસાદસ્વામીના નિધન બાદ એમ નક્કી થયું હતું કે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામી ભેગા મળીને સંપ્રદાયને આગળ વધારશે."
તેઓ આગળ કહે છે કે, "શરૂઆતમાં બધું સારી રીતે ચાલ્યું, પણ ત્યાર બાદ પ્રબોધસ્વામીને અલગ કરવાનો કારસો શરૂ થયો."
"પ્રેમસ્વામી મૂળ કોઠારી હોવાથી મંદિરના વહીવટ સહિતની કામગીરી તેઓ જોતા હતા, પણ તેમના નજીકના ત્યાગવલ્લભસ્વામીએ પ્રેમસ્વામી ગાદીપતિ હોવાનો ખોટો પ્રચાર ચાલુ કર્યો."

ઇમેજ સ્રોત, Jiya Choksi
તેઓ આક્ષેપ કરે છે કે મંદિરમાં ભક્તો પ્રવેશી ન શકે તે માટે બાઉન્સરો રાખવામાં આવ્યા છે, સંતોના પાસપોર્ટ જમા કરી લેવાયા છે અને તેઓ મંદિર બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આનું કારણ આપતાં તેઓ કહે છે, "મોટા ભાગના હરિભક્તો અને સંતો પ્રબોધસ્વામીને અનુસરે છે. જો સંતોને મંદિર બહાર વિચરણ માટે જવાની મંજૂરી આપવામાં આવે તો સંતો પ્રબોધસ્વામીના ગુણગાન કરે અને જો આમ થાય તો પ્રેમસ્વામીએ ગાદી છોડવી પડે."
જોકે, જતીન પટેલ દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને મંદિરના પબ્લિક રિલેશન ઑફિસર સંજય પટેલ રદિયો આપે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "ખુદ હરિપ્રસાદસ્વામીએ પોતાના વારસદાર તરીકે પ્રેમસ્વામીની નિમણૂક કરી હતી. જોકે, પ્રબોધસ્વામીને ગાદી પર બેસવું હોવાથી તેઓ આવા દાવા કરી રહ્યા છે."
તેમણે વધુમાં કહ્યું કે, "પ્રબોધસ્વામીને માર મારવામાં આવ્યો હોવાની વાત પણ ઉપજાવી કાઢેલી છે અને જ્યારે અમે લોકો આ પરિસ્થિતિના નિરાકરણ માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે પ્રબોધસ્વામીના સમર્થકોએ મારામારી કરી. જે અમારા સંપ્રદાય માટે શરમજનક કહેવાય."
પ્રેમસ્વામીના પ્રવક્તા ત્યાગવલ્લભસ્વામીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કલેક્ટર કચેરીમાં થયેલી મારામારીને શરમજનક ગણાવી હતી. જોકે આ મામલે આનાથી વિશેષ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
જતીન પટેલ દ્વારા કરાયેલા આક્ષેપો પૈકી સંતોને મંદિરમાંથી બહાર ન જવા દેવાતા હોવાના આક્ષેપ અંગે તેમણે કહ્યું હતું કે, "કોરોના મહામારીના કારણે સંતોના વિચરણને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. આ સિવાય સંતો પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યા નથી."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












