ડેલ્ટાક્રૉન વિશે આપણે કેટલું જાણીએ છીએ? WHO તેને ચિંતાનું કારણ શા માટે માનતું નથી?
- લેેખક, આંદ્રે બિયરનેથ
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) નવમી માર્ચે જાહેરાત કરી હતી કે વિજ્ઞાનીઓએ કોવિડ-19ના નવા વૅરિયન્ટની ઓળખ કરી છે.
આ નવા સ્વરૂપને બિનસત્તાવાર રીતે "ડેલ્ટાક્રૉન" નામ આપવામાં આવ્યું છે, કારણ કે તે ડેલ્ટા અને ઓમિક્રૉન વૅરિયન્ટનું મિશ્રણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
WHOના અધિકારીઓ તેને AY.4/BA.1 વૅરિયન્ટ તરીકે ઓળખાવે છે અને અત્યાર સુધી તેને ચિંતાનું કારણ એટલે કે જાહેર આરોગ્ય પર માઠી અસર કરી શકે તેવું વૅરિયન્ટ ગણતા નથી.
યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ડેલ્ટાક્રૉનના કેટલાક કેસો નોંધાયા છે.
જોકે, આ નવા વૅરિયન્ટનાં મહત્ત્વનાં પાસાં અને ખાસ કરીને તે ઝડપથી પ્રસરે તેવું, વૅક્સિનને દાદ ન આપે તેવું અથવા તેનાં લક્ષણો ગંભીર હોય છે કે કેમ તે બાબતે વિજ્ઞાનીઓ અને આરોગ્ય નિષ્ણાતો ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી.

અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ડેલ્ટાક્રૉનનો સૌપ્રથમ કેસ ફ્રાન્સમાં જાન્યુઆરી-2022માં નોંધાયો હતો અને તેની પુષ્ટિ કરવામાં આવી છે.
વિશ્વભરના વિજ્ઞાનીઓ કોરોના વાઇરસ વિશેની જેનેટિક માહિતી જિસેઈડ (Gisaid) નામના ઓનલાઇન પ્લૅટફૉર્મ પર શૅર કરે છે અને જીસેઈડ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ફ્રાન્સ પછી બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક અને નેધરલૅન્ડ્ઝમાં પણ ડેલ્ટાક્રૉનના કેસો નોંધાયા છે.
તાજેતરમાં અમેરિકા, બ્રિટન અને બ્રાઝિલમાં પણ ડેલ્ટાક્રૉનના કેસો નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વૅરિયન્ટ સાથે સંકળાયેલા કેસોનું પ્રમાણ અત્યારે તો બહુ ઓછું છે. 15 માર્ચ સુધીમાં AY.4/BA.1ના માત્ર 47 સૅમ્પલ જ જીસેઈડ પર સબમિટ કરવામાં આવ્યા હતા, જે પૈકીના 36 ફ્રાન્સથી મળ્યા હતા.
આ માહિતી નિર્ણાયક નથી, પરંતુ હકીકત એ છે કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ડેલ્ટાક્રૉનના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો નથી અને તેને એવો સંકેત માની શકાય કે વાઇરસનો આ વૅરિયન્ટ ડેલ્ટા તથા ઓમિક્રૉનથી વધારે સંક્રમણ ક્ષમતા ધરાવતો નથી.
અમેરિકામાં આનુવાંશિક સિક્વન્સિંગ ક્ષેત્રે કાર્યરત્ હેલિક્સ નામની કંપનીના સંશોધકોના અભ્યાસના હજુ સુધી અપ્રકાશિત તારણો ઉપરોક્ત દૃષ્ટિકોણને સમર્થન આપે છે.
વિજ્ઞાનીઓએ નવેમ્બર-2021થી ફેબ્રુઆરી-2022 દરમિયાન એકત્ર કરાયેલા પૉઝિટિવ કોવિડ-19ના 29,000થી વધુ સૅમ્પલનું વિશ્લેષણ કર્યું હતું. આ સમયગાળામાં ડેલ્ટા અને ઓમિક્રૉન વેરિઅન્ટ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં ફેલાયા હતા.
જોકે, એ બધા પૉઝિટિવ કોવિડ-19 કેસોમાંથી માત્ર બે કેસ ડેલ્ટાક્રૉન સંકળાયેલા હતા.
અભ્યાસના લેખકોએ એવું તારણ કાઢ્યું હતું કે કેસોની સંખ્યા હાલ તો "નહિવત્" છે અને "ઓમિક્રૉન સ્ટ્રેઇનની સરખામણીએ ડેલ્ટા-ઓમિક્રૉનનું મિશ્રણ વધારે ઝડપથી ફેલાઈ શકે તેવું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી."

વૅરિયન્ટનું મિશ્રણ કઈ રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝિલની મોટી જાહેર આરોગ્ય સંશોધન સંસ્થા ફિઓક્રુઝ ખાતે કાર્યરત્ વાયરોલૉજિસ્ટ ફેલિપે નવેકાએ બીબીસીને જણાવ્યું હતું કે નવા સ્વરૂપના સર્જન માટે વાઇરસના વિવિધ સ્વરૂપોનું સંયોજન એ કોઈ દુર્લભ કે અનપેક્ષિત ઘટના નથી.
તેમણે કહ્યું હતું કે "અન્ય સ્વરૂપો સાથે ભૂતકાળમાં આવું અનેકવાર બની ચૂક્યું હોય તે શક્ય છે, પરંતુ કોરોના વાઇરસના વૅરિયન્ટમાં બહુ મોટી ભિન્નતા હોતી નથી તેને ધ્યાનમાં લેતાં નવા સ્વરૂપને ઓળખવાનું વધારે મુશ્કેલ બની જાય છે."
તેમણે ઉમેર્યું હતું કે "વાઇરસોનાં સ્વરૂપમાં સતત પરિવર્તન થતું રહે છે અને તેના નવા સ્વરૂપનો ઉદ્ભવ ખરાબ બાબત જ હોય એ જરૂરી નથી. તે સ્વરૂપની રોગચાળા પરની સંભવિત અસરનું આપણે આકલન કરવું જોઈએ અને તેને સમજવી જોઈએ."
સવાલ એ છે કે વાસ્તવમાં આ સંયોજન કેવી રીતે આકાર પામે છે?
સૌપ્રથમ તો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોરોના વાઇરસના બે વૅરિયન્ટ ડેલ્ટા તથા ઓમિક્રૉનનું છેલ્લા કેટલાક મહિનાઓમાં વ્યાપક સંક્રમણ જોવા મળ્યું છે.
આ સંદર્ભમાં વાત કરીએ તો કોઈ વ્યક્તિ હોટેલ કે બારમાં, જાહેર પરિવહન પર અથવા અન્ય કોઈ ભીડવાળી જગ્યાએ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવે ત્યારે વાઇરસનાં બંન્ને સંસ્કરણો પૈકીના એકનો ચેપ તેને લાગી શકે છે.
બન્ને વૅરિયન્ટનો ચેપ એક જ સમયે એક કોષને લાગી શકે. પરિણામે ડેલ્ટા તથા ઓમિક્રૉન બન્નેનાં લક્ષણો ધરાવતા વાઇરસનું નવું સ્વરૂપ સર્જાઈ શકે છે.
ડેલ્ટાક્રૉનના કેસમાં વિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે વાઇરસનું આ સ્વરૂપ ઓમિક્રૉનની સંક્રમણક્ષમતા તથા ડેલ્ટા જેવી 'દેહાકૃતિ' ધરાવે છે.
અલબત્ત, કોરોના વાઇરસના આ બે મહત્ત્વનાં સ્વરૂપોનું 'મિશ્રણ' વધારે ગંભીર છે કે કેમ અને તેમાં દર્દીના હૉસ્પિટલાઇઝેશન કે મૃત્યુનું જોખમ છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
અગાઉના ઇન્ફેક્શન કે વૅક્સિનેશનથી પ્રાપ્ત થયેલી પ્રતિકારક શક્તિને આ નવું સ્વરૂપ થાપ આપી શકે કે કેમ તે વિશે પણ કોઈ ચોક્કસ માહિતી નથી.

ચિંતાનું કોઈ કારણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાહેર આરોગ્ય ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓએ આ નવા વૅરિયન્ટ બાબતે ચિંતિત નહીં થવાની હાકલ કરી છે. WHO અથવા અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલે (સીડીસી) આ વૅરિયન્ટને "ડેલ્ટાક્રૉન" એવું નામ આપ્યું નથી.
WHO આ સ્વરૂપને "નિરીક્ષણ હેઠળના વૅરિયન્ટ" તરીકે વર્ગીકૃત કર્યું છે.
WHOનાં કોવિડ-19 વિશેનાં ટેક્નિકલ લીડ મારિયા વેન કેર્ખોવે નવમી માર્ચની પત્રકારપરિષદમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે "આ વૅરિયન્ટ સંબંધે રોગચાળા અથવા તો રોગની તીવ્રતામાં કોઈ વધારો જોવા મળ્યો નથી."
તેમણે ઉમેર્યું હતું કે "સમય પસાર થવાની સાથે આવા વાઇરસનાં સ્વરૂપોનું સંયોજન થતું હોય છે અને અમને, કમનસીબે, વાઇરસના એવાં વધારે સંયોજિત સ્વરૂપોની અપેક્ષા છે."
ફેલિપે નવેકાએ જણાવ્યું હતું કે વાઇરસના નવા સ્વરૂપનો ઉદ્ભવ વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવી રહેલા જેનેટિક સર્વેલન્સના મહત્ત્વનો પુનરોચ્ચાર કરે છે.
તેમણે કહ્યું હતું કે "વ્યક્તિગત દૃષ્ટિકોણથી કહું તો વૅક્સિનના જેટલા ડોઝ લેવાની ભલામણ કરવામાં આવી છે તેટલા ડોઝ લઈ લેવા તે બહુ જ મહત્ત્વનું છે."
તેમણે ઉમેર્યું હતું કે "હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવાં તકેદારીનાં પગલાં કોરોના વાઇરસના કોઈ પણ સ્વરૂપથી સંક્રમિત થવાનું જોખમ ઘટાડશે તે નિશ્ચિત છે."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












