ISWOTY : પલકથી માંડીને અવનિ સુધી, ભારતની વિકલાંગ મહિલા ખેલાડીઓની ઊંચી ઉડાન
- લેેખક, વંદના
- પદ, ભારતીય ભાષાઓનાં ટીવી એડિટર
પલક કોહલી 19 વર્ષનાં છે અને પહેલી નજરે તો તેઓ ચપળ, ચંચળ, ઊર્જાવાન અને સોશિયલ મીડિયા પર કોઈ નિષ્ણાતની માફક સ્ક્રીન સ્ક્રૉલ કરતાં એક સામાન્ય ટીનેજર જેવાં લાગે છે.
જોકે, તમારો આ દૃષ્ટિકોણ તમે પલકને બૅડમિન્ટન કોર્ટ પર રમતાં ન જોયાં હોય ત્યાં સુધી જ સાચો લાગે.
(બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર માટે વોટિંગ પૂરું થઈ ગયું છે. પરિણામ 28 માર્ચે જાહેર કરાશે)

બૅડમિન્ટન કોર્ટ પર પલકને રમતાં જોવાનું, તેમના ફૉરહેન્ડ, બૅકહેન્ડ શોટ્સ તથા રેલીઝ જોવાનું કોઈ અચરજથી કમ નથી. પાંપણ મટકું મારે એટલી વારમાં જ પલક એક અલગ વ્યક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. એ પરિવર્તનને વાસ્તવિક માનવામાં થોડો સમય લાગે છે.
પલકનો એક હાથ સંપૂર્ણપણે વિકસિત નથી. તેઓ એક હાથે જ બૅડમિન્ટન રમે છે. 19 વર્ષનાં પલક ટોક્યો પૅરાલિમ્પિકમાં ત્રણ વર્ગની સ્પર્ધામાં ભાગ લેનારાં એકમાત્ર ભારતીય પૅરા-બૅડમિન્ટન ખેલાડી હતાં.
આટલી નાની ઉંમરે પૅરાલિમ્પિક સુધી પહોંચવું તે પલક માટે મોટી વાત હતી. સિદ્ધિ મોટી હોવાની સાથે તેમણે જબરો અને આકરો સંઘર્ષ પણ કર્યો હતો.
વિકલાંગ લોકો માટેની પૅરા-સ્પૉર્ટ્સ બાબતે લોકો એટલી ઓછી માહિતી ધરાવે છે કે પલક તથા તેમનાં માતા-પિતાએ 2016 સુધી આ શબ્દ સુધ્ધાં સાંભળ્યો ન હતો. એ વખતે તેઓ પંજાબના જલંઘર શહેરમાં રહેતાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પલકના જણાવ્યા મુજબ, એક અજાણી વ્યક્તિએ તેને રસ્તા વચ્ચે રોકીને સવાલ કર્યો કે તમે પૅરા-બૅડમિન્ટન શા માટે રમતાં નથી એ ઘટના એક અકસ્માત જ હતી. 2016માં પ્રથમ વાર પલકને પૅરા-બૅડમિન્ટન વિશે જાણકારી મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેલી અજાણી વ્યક્તિના કહેવાથી પલકે 2017માં પહેલી વાર બૅડમિન્ટનનું રૅકેટ હાથમાં લીધું હતું અને આ રમત રમવાનું શરૂ કર્યું હતું. પેલી અજાણી વ્યક્તિ એટલે કે ગૌરવ ખન્ના. પલકના કોચ બન્યા અને માત્ર બે વર્ષમાં જ પલક વિશ્વસ્તરીય સ્પર્ધાઓમાં વિજેતા બનવા લાગ્યાં હતાં.
પલક કહે છે કે "દરેક વ્યક્તિ મારી વિકલાંગતાની વાત જ કરતી હતી. બાળપણમાં કોઈ મને પહેલી વાર મળતું ત્યારે એક જ સવાલ કરતું કે તારા હાથને શું થયું છે? હું તેમને એવું કહેતી કે જન્મથી જ મારો હાથ આવો છે. ત્યારે હું બહુ નાની હતી અને મને ખબર ન હતી કે જન્મથી આવું હોય તેનો અર્થ શું થાય? મને એટલી ખબર હતી કે જે સવાલ કરે તેને આ રટેલો જવાબ આપવાનો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"શરૂઆતમાં મેં સ્પૉર્ટ્સમાં ભાગ લેવાનું ક્યારેય વિચાર્યું ન હતું, કારણ કે હું કોઈ રમત રમવા જતી ત્યારે દરેક વ્યક્તિ કહેતી કે તું વિકલાંગ છે. આ તારા માટે નથી."
પલકના જણાવ્યા મુજબ, લોકોના નકારાત્મક વલણ છતાં તેમણે પોતાની જાત સામે પડકાર ફેંકવાનો નિર્ણય કર્યો હતો.
પલક કહે છે કે "મેં મારી ડિસેબિલિટીને સુપર-ઍબિલિટીમાં પરિવર્તિત કરી દીધી. પૅરા-બૅડમિન્ટને મારું જીવન જ બદલી નાખ્યું."
પલક એકલાં નથી. તેમના જેવાં અનેક વિકલાંગ ભારતીય મહિલા ખેલાડીઓ છે, જેઓ રમતગમત ક્ષેત્રે ખ્યાતિ મેળવી રહ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એ મહિલાઓ પોતાનાં સ્પૉર્ટ્સથી માત્ર ઇતિહાસ રચવા ઉપરાંત ચંદ્રક પણ જીતી રહ્યાં છે. તેનાથી વધારે મહત્ત્વની વાત એ છે કે આ વિકલાંગ મહિલા ખેલાડીઓ તેમની આસપાસના લોકોને વિકલાંગતા વિશેનો તેમનો દૃષ્ટિકોણ બદલવા માટે પ્રેરિત તેમજ મજબૂર કરી રહી છે.
ભારતમાં આજે ઘણા ખેલાડીઓએ તેમના પરિવાર તથા સમાજના વિરોધનો સામનો કરવો પડે છે.
ગરીબી અને વિકલાંગતા વિશે લોકોનું વલણ આવા ખેલાડીઓની પ્રગતિનો માર્ગ વધારે વિકટ બનાવે છે. એમાં પણ વિકલાંગ ખેલાડી મહિલા હોય તો તેણે બમણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સીમરને લગ્ન બાદ સપનાં સાકાર કર્યાં
23 વર્ષનાં સીમરન ભારતનાં સૌપ્રથમ મહિલા ઍથ્લીટ છે, જેમણે ટોક્યો પૅરાલિમ્પિક્સ માટે 100 મિટર દોડમાં ક્વૉલિફાય કર્યું હતું. સીમરનનો જન્મ અધૂરા મહિને થયો હતો અને તેમની આંખોમાં બાળપણથી જ તકલીફ હતી.
ટોક્યો પૅરાલિમ્પિક્સ પહેલાં મારી સાથેની વાતચીતમાં સીમરને કહ્યું હતું કે "મારી આંખો બરાબર નથી. હું એક ચીજ પર યોગ્ય રીતે ફૉકસ કરી શકતી નથી. તેથી બાળપણમાં મારાં સગાં મને દમદાટી આપતાં હતાં અને મારી મજાક ઉડાવતાં હતાં. તેઓ વારંવાર કહેતાં હતાં કે આ છોકરીની નજર ક્યાંક હોય છે અને વાત બીજે ક્યાંક જોઈને કરે છે. એ સાંભળીને મને બહુ ખરાબ લાગતું હતું."
સીમરનની વિશેષતા એ છે કે તેઓ બાળપણથી જ ઝડપભેર દોડી શકે છે, પરંતુ તેમનાં માતા-પિતા પાસે પૈસા ન હતા. 18 વર્ષની ઉંમરે તો સીમરનને પરણાવી દેવામાં આવ્યાં હતાં.
જોકે, તેમના કોચના માર્ગદર્શન પછી સીમરનને તેમનું સપનું સાકાર કરવાની વધુ એક તક લગ્ન પછી પણ મળી હતી. સીમરનના કોચ તેમના પતિ જ હતા. અલબત્ત, સીમરનના સાસરાના ગામમાં એ મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો કે એક નવવધૂ ઘર સંભાળવાને બદલે બહાર જઈને રોજ દોડવાની પ્રૅક્ટિસ કરી રહ્યાં છે.
સીમરન અને તેમના પતિએ કોઈની પરવા કરી ન હતી. સીમરને 2019 અને 2021ની વર્લ્ડ પૅરા-ઍથ્લેટિક્સ ગ્રાંડ પ્રીમાં સુવર્ણચંદ્રક જીત્યા હતા.
સીમરને જણાવ્યું હતું કે જે પરિવાર તેમને તેમની વિકલાંગતા બદલ મશ્કરી કરતો હતો એ જ પરિવાર આજે તેમની વાહવાહી કરે છે. મહિલા પૅરા-ઍથ્લીટો ધીમે-ધીમે પણ મક્કમ રીતે પોતાનું સ્થાન બનાવી રહ્યાં છે.

અવનિ લેખરા- પૅરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા

ઇમેજ સ્રોત, REUTERS/ISSEI KATO
પૅરા-શૂટર અવનિ લેખરા વિશે તો લોકો ઘણુંબધું જાણે છે. 19 વર્ષનાં અવનિ એવાં સૌપ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે કે જેમણે પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
અવનિ 2021ના બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પુરસ્કાર માટે નામાંકન પણ મેળવી ચૂક્યાં છે. દસ વર્ષની ઉંમરે અકસ્માત થયો ત્યારથી અવનિ વ્હિલચૅર પર છે. પૅરા-શૂટિંગે તેમને નવજીવન આપ્યું છે.
વ્હિલચૅર પર તેઓ જે શૂટિંગ રેન્જમાં પ્રૅક્ટિસ માટે જતાં હતાં ત્યાં વિકલાંગ ખેલાડીઓ માટે રેમ્પની વ્યવસ્થા ન હતી. તેમણે જાતે ખર્ચ કરીને એ રેમ્પની વ્યવસ્થા કરાવી છે.
પૅરાશૂટર્સ માટે ખાસ પ્રકારનાં ઉપકરણો જરૂરી હોય છે અને તે ઉપકરણો ક્યાંથી મેળવવા તેની ખબર અવનિનાં માતા-પિતાને પહેલાં ન હતી.
વ્હીલચૅરે અવનિના હલનચલનને ભલે મર્યાદિત કર્યું હોય, પરંતુ તેમનાં સપનાની ઉડાનને અટકાવી શકી નથી.
જયપુરની શૂટિંગ રેન્જમાં અવનિને રમતા જોવાની તક મને મળી હતી અને તેમની ગેઇમ જોઈને સમજી શકાય કે તેઓ પૅરા-શૂટિંગમાં ટોચના સ્થાને શા માટે છે.
અદભુત એકાગ્રતા, હંમેશ પરફેક્ટ રહેવાની ઝંખના અને સૂફી જેવી વિચારધારા. આ બધું તેમને બધાથી અલગ બનાવે છે.
અવની કહે છે કે "વિકલાંગ ખેલાડીઓ કોઈની પાસેથી સહાનુભૂતિ ઝંખતાં નથી. લોકો એવું માનતા હશે કે અમે વ્હિલચૅર પર બેસીને રમીએ છીએ એટલે અમારા માટે બધું આસાન હશે. હું એટલું જ કહેવા ઇચ્છું છું કે અમે પણ એક સામાન્ય ખેલાડી જેટલી જ મહેનત કરીએ છીએ. અમને પણ સમાન તક મળવી જોઈએ."

ફેરફાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
થોડાં વર્ષ પહેલાં સુધી, આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવા છતાં વિકલાંગ ખેલાડીઓને તથા ખાસ કરીને મહિલા ખેલાડીઓને મીડિયામાં બહુ ઓછું કવરેજ મળતું હતું.
જોકે, હવે તેમાં ધીમું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ગુજરાતનાં પારૂલ પરમાર વર્લ્ડ પૅરા-બૅડમિન્ટન ચૅમ્પિયન બન્યાં ત્યારે ઘણી ચર્ચા થઈ હતી.
ભારતીય બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ 2019માં પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીત્યાં હતાં. બરાબર એ જ સમયે પૅરા-બૅડમિન્ટન ખેલાડી માનસી જોશી પણ વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં ત્યારે પૅરા-બૅડમિન્ટન અને વિકલાંગ ખેલાડીઓ વિશે જોરશોરથી ચર્ચા થવા લાગી હતી. એક માર્ગ અકસ્માત પછી માનસીનો એક પગ કાપી નાખવો પડ્યો હતો.
પૅરા સ્પૉર્ટ્સ બાબતે નાનાં શહેરો, ગામોમાં જાણકારીનો અભાવ, જાતિના નામે મહિલા ખેલાડીઓ સાથે ભેદભાવ, વિકલાંગ ખેલાડીઓને અનુકૂળ પડે તેવાં સ્ટેડિયમોની મર્યાદિત સંખ્યા. આ એવાં કેટલાંક કારણો છે, જેના કારણે વિકલાંગ મહિલા ખેલાડીઓ સ્પૉર્ટ્સમાં પાછળ રહી જાય છે.
કોચ એટલે કે પ્રશિક્ષકોની અછત પણ એક મોટો પડકાર છે. માનસી જોશીના કોચ તરીકે સેવા આપી ચૂકેલા ગોપીચંદે બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "વિકલાંગ ખેલાડીને તાલીમ આપવાની ઉત્તમ રીત શું છે એ સમજવા માટે મારે અનેક વીડિયો જોવા પડ્યા હતા. એ સમજવા માટે મેં એક પગના સહારે રમવાનો પ્રયાસ પણ કર્યો હતો. એ પછી મેં મારા સ્ટાફ સાથે મળીને માનસી માટે સ્પેશિયલ ટ્રેનિંગ શેડ્યૂલ બનાવ્યું હતું."
પડકારો તો અનેક છે, પરંતુ ભારતનાં વિકલાંગ મહિલા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે તેમને તક અને પૂરતી સુવિધાઓ આપવામાં આવે તો તેઓ પણ કોઈથી ઊતરતાં નથી.
દીપા મલિક પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયાનાં અધ્યક્ષ છે અને પૅરાલિમ્પિકમાં મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ છે. તેમણે 2016માં કાંસ્યચંદ્રક જીત્યો હતો.
2021નું વર્ષ આવતાં સુધીમાં અનેક મહિલા ખેલાડીઓએ તે કાંસ્યચંદ્રકને રજત તથા સુવર્ણચંદ્રકમાં પરિવર્તિત કરી નાખ્યો છે.

ભાવિના પટેલ- ટેબલ ટેનિસમાં મેડલ જીતનર પ્રથમ ભારતીય

ઇમેજ સ્રોત, ITTF
34 વર્ષનાં ભાવિના હસમુખભાઈ પટેલ ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં મેડલ જીતેલાં સૌપ્રથમ ભારતીય બન્યાં હતાં.
તેમના કોચ લલ્લનભાઈ દોશીએ જણાવ્યું હતું કે ભાવિના 13 વર્ષથી ટેબલ ટેનિસ રમી રહ્યાં છે. એ દરમિયાન નોકરી કરવાની સાથે તેમણે તેમનું ઘર પણ સંભાળ્યું છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.
વિકલાંગ ખેલાડીઓ બાબતે નકારાત્મક ધારણા બનેલી હોવાની સાથે પરિવર્તનનો પગરવ પણ દેખાઈ અને સંભળાઈ રહ્યો છે.
વ્હિલચૅર પર બેસીને ટેબલ ટેનિસ રમતાં ભાવિનાને તેમના પતિ તથા પિતા બન્નેનો ભરપૂર સહયોગ મળ્યો છે.

રુબિના- વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનાર પૅરાશૂટર
21 વર્ષનાં રુબિનાની કહાણી પણ અલગ નથી. રુબિનાના પિતા મધ્ય પ્રદેશના જબલપુરમાં મિકૅનિક તરીકે કામ કરે છે અને માતા નર્સ છે.
રુબિના ગયા વર્ષે પેરુમાં યોજાયેલા પૅરા-શૂટિંગમાં વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યાં છે.
રુબિના કહે છે કે "પૈસાની કમી અને જાગૃતિના અભાવે બાળપણમાં મારો ઇલાજ થઈ શક્યો ન હતો. તેથી હું કાયમ માટે વિકલાંગ થઈ ગઈ. અમારી આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી, પરંતુ મારાં માતા-પિતાએ મારો ઉછેર રાજકુમારીની જેમ કર્યો છે. પૅરા-શૂટિંગમાં આગળ વધવાનું મારું સપનું તેમના માટે સર્વસ્વ છે. શૂટિંગે મારી જિંદગી બદલી નાખી છે."
મેં જે વિકલાંગ મહિલા ખેલાડીઓ સાથે વાત કરી એ પૈકીની મોટા ભાગની મહિલાઓ માને છે કે પૅરા-સ્પૉર્ટે તેમની જિંદગી બદલી નાખી છે.
સીમરન કહે છે તેમ, "વાસ્તવમાં પૅરા-સ્પૉર્ટે જ મારો જીવ બચાવ્યો છે. મને એક નવી ઓળખ આપી છે. એક વિકલાંગ વ્યક્તિ અને મહિલા હોવા છતાં આ રમતે મને આ પુરુષપ્રધાન સમાજમાં બહુ આદર અપાવ્યો છે."
ગત વર્ષની ટોક્યો પૅરાલિમ્પિકમાં પુરુષ ખેલાડીઓની સરખામણીએ મહિલા ખેલાડીઓની સંખ્યા બહુ ઓછી હતી, પરંતુ અવનિ લેખરાને તેમાં પણ આશાનું નવું કિરણ દેખાય છે.
અવનિ કહે છે કે "એક મહિલા ખેલાડી હોવાની થોડી મુશ્કેલી તો છે. પરિવારના લોકો સલામતીનાં કારણસર છોકરીઓને ક્યાંય એકલી જવા દેતા નથી. તેથી મહિલા ખેલાડીઓને ઓછી તક મળે છે, પરંતુ તેમને જેટલી તક મળી રહી છે એ બધામાં ભારતીય મહિલા ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરી રહી છે. તેમાં વિકલાંગ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે."
"આગામી દિવસોમાં પુરુષ તથા મહિલા ખેલાડીઓ સમાન પ્રમાણમાં ચંદ્રક જીતી લાવશે. રસ્તો લાંબો છે, પરંતુ આપણે સાચા રસ્તે આગળ વધી રહ્યા છીએ."
અવનીની આ વાત મનમાં પ્રેમાળ આશા જાગૃત કરે છે.
પલક કહે છે તેમ, "તમે મહિલા છો કે તમે વિકલાંગ છો તેથી તમે તમારાં સપનાં ક્યારેય સાકાર નહીં કરી શકો એવું આખી દુનિયા ભલે કહે, પરંતુ તમારે તમારી જાતને સતત કહેવાનું છે કે દુનિયામાં બધું જ શક્ય છે. જે હું કરી શકું તે તમે પણ કરી શકો."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














