રાજમૌલી : RRR ફિલ્મના દિગ્દર્શક સિનેમાના 'બાહુબલિ' કઈ રીતે બની ગયા?
- લેેખક, ચિત્તૂર હરિક્રિષ્ના
- પદ, બીબીસી તેલુગુ
ફિલ્મક્ષેત્રે સફળતા સર્વોચ્ચ મહત્ત્વની બાબત ગણાય છે. તમારી ફિલ્મને પારાવાર સફળતા મળે તો તમારાં ચિકાર વખાણ થાય છે, પણ એક-બે ફિલ્મો ફ્લૉપ થાય તો કોઈ ભાવ પૂછતું નથી.
પણ હવે આ આંકડાઓ પર નજર કરો : 20 વર્ષમાં ટોચના સાત અલગ-અલગ અભિનેતાઓ સાથે 12 ફિલ્મો અને એ તમામને બોક્સ-ઑફિસ પર મળેલી પારાવાર સફળતા. આ એસ. એસ. રાજમૌલીની ઓળખ છે, જેમની નવી ફિલ્મ આરઆરઆર સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે.

ઇમેજ સ્રોત, RRRMOVIE/FB
તેમનું આખું નામ કોદુરી શ્રીસલા શ્રી રાજમૌલી છે. રાજમૌલીએ એડ એટલે કે જાહેરાતની ફિલ્મોના એડિટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તેમણે એડ ફિલ્મો અને સોપ ઓપેરાઝનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે તેમની કારકિર્દી તબક્કાવાર ઘડી છે.
ફિલ્મદિગ્દર્શક બન્યા પછી છેલ્લાં 20 વર્ષમાં એક પછી એક હિટ ફિલ્મો આપીને તેલુગુ સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું છે.
રાજમૌલીએ તેલુગુ સિનેમા ઉપરાંત અન્ય ભાષાઓમાં સતત સંખ્યાબંધ બ્લોકબસ્ટર ફિલ્મો આપીને ભારતીય સિનેમાક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
ચુસ્ત કથનશૈલી અને અદ્ભુત પિક્ચરાઈઝેશન. આ છે રાજમૌલીની ફૉર્મ્યુલા. રાજમૌલી ભારપૂર્વક માને છે કે તેમની ફિલ્મોમાં સ્ટાર નહીં, પણ પાત્રોનો દબદબો હોય છે.
ફિલ્મની કથાની પસંદગીમાં રાજામૌલીની કુશળતા એ વાતનો પુરાવો છે કે તેમની કોઈ પણ બે ફિલ્મોની સ્ટોરી એકસરખી હોતી નથી કે ફિલ્મો સમાન પ્રકારની હોતી નથી. તેમ છતાં બધી ફિલ્મોએ બોક્સ-ઑફિસ પર ભવ્ય સફળતા મેળવી છે.
રાજમૌલીએ અત્યાર સુધીમાં બનાવેલી ફિલ્મો, તેના હીરો અને બીજી વિગત પર નજર કરવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ નંબર વન 2001ની 27 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી અને તેમાં એનટીઆર જુનિયર હીરો હતા. બીજી ફિલ્મ સિંમ્હાદ્રી પણ એનટીઆર જુનીયર જ હીરો હતા અને એ ફિલ્મ 2003ની 9 જુલાઈએ રિલીઝ થઈ હતી. સ્યે નામની તેમની ત્રીજી ફિલ્મ 2004ની 23 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી અને તેમાં નીતિન હીરો હતા. પ્રભાસને હીરો તરીકે ચમકાવતી તેમની ફિલ્મ છત્રપતિ 2005ની 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી.
2006ની 23 જૂને રજૂ થયેલી તેમની ફિલ્મ વિક્રમાર્કુડુમાં રવિ તેજા હીરો હતા, જ્યારે 2007ની 15 ઑગસ્ટે રિલીઝ થયેલી યામા ડોંગા ફિલ્મના હીરો એનટીઆર જુનીયર હતા. 2009ની 30 જુલાઈએ રજૂ થયેલી તેમની ફિલ્મ માગાધીરાના હીરો રામ ચરન તેજા હતા, જ્યારે 2010ની 23 જુલાઈએ રજૂ થયેલી ફિલ્મ મર્યાદા રમન્નામાં અને 2012ની 6 જુલાઈએ રજૂ થયેલી ફિલ્મ એગામાં હીરો તરીકે અનુક્રમે સુનિલ તથા નાનીએ કામ કર્યું હતું. તેમની સફળતમ ફિલ્મો પૈકીની એક બાહુબલિ - ધ બીગિનિંગના હીરો પ્રભાસ હતા અને એ ફિલ્મ 2015ની દસ જુલાઈએ પ્રદર્શિત કરવામાં આવી હતી.
એ પછીની બાહુબલિ - ધ કન્ક્લુઝનના હીરો પણ પ્રભાસ હતા અને એ ફિલ્મ 2017ની 28 એપ્રિલે પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમની લેટેસ્ટ ફિલ્મ આરઆરઆરમાં બે હીરો - એનટીઆર જુનિયર અને રામ ચરણ તેજા છે તથા આ ફિલ્મ 2022ની 25 માર્ચે પ્રદર્શિત થઈ છે.

ફિલ્મ એડિટર તરીકે કારકિર્દીની શરૂઆત

ઇમેજ સ્રોત, TWITTER/RRR MOVIE
અભ્યાસ પૂર્ણ કર્યા પછી કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા એવો સવાલ પિતા વી. વિજયેન્દ્ર પ્રસાદે પૂછ્યો ત્યારે પુત્ર રાજમૌલીએ જણાવ્યું હતું કે તે ફિલ્મ ડિરેક્ટર બનવા ઇચ્છે છે. ફિલ્મ દિગ્દર્શક બનતાં પહેલાં ફિલ્મનિર્માણના અન્ય વિભાગોમાં કામ કરવાનો અનુભવ લેવો જોઈએ, એવી પિતાની સલાહને અનુસરીને રાજમૌલી એડિટિંગ શીખ્યા હતા. ફિલ્મસર્જનનાં વિવિધ પાસાં પર પકડ મેળવ્યા બાદ તેઓ દક્ષિણના સફળ દિગ્દર્શક કે. રાઘવેન્દ્ર રાવના આસિસ્ટન્ટ બન્યા હતા.
તેમના પિતા સ્ટોરી રાઇટર હતા ત્યારે રાજમૌલીએ તેમના આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતું. રાજમૌલીના પિતાએ સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ બજરંગી ભાઈજાનની કથા પણ લખી હતી.
કે. રાઘવેન્દ્ર રાવના માર્ગદર્શન હેઠળ કેટલીક એડ ફિલ્મો બનાવ્યા પછી રાજમૌલીએ શાંતિ નિવાસમ્ નામની ટીવી સીરિયલનું દિગ્દર્શન કર્યું હતું. એ સીરિયલ કે. રાઘવેન્દ્ર રાવે ઈટીવી માટે બનાવી હતી.
રાજમૌલીનું દિગ્દર્શક બનવાનું સપનું 2001માં સ્ટુડન્ટ નંબર વન ફિલ્મ સાથે સાકાર થયું હતું. તે ફિલ્મની પટકથા લખીને અને ડિરેક્શનનું સુપરવિઝન કરીને રાઘવેન્દ્ર રાવે તેમને મદદ કરી હતી.
રાજમૌલીએ તેમની મળેલી સૌપ્રથમ તકને સફળતામાં પરિવર્તિત કરવામાં જરાય પાછી પાની કરી ન હતી. તેઓ તેમની યામાહા મોટરસાઇકલ પર રોજ સવારે રાઘવેન્દ્ર રાવના ઘરે જતા. ફિલ્મ માટે ડેવલપ કરેલાં દૃષ્યો વિશે ચર્ચા કરતા તેમજ રાઘવેન્દ્ર રાવનાં સૂચનો મેળવતા. એ પછી તેઓ શૂટિંગ કરવા સેટ પર જતા હતા.
રાજમૌલી તેમની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ નંબર વનને એક એવો પ્રોજેક્ટ માને છે કે જેમાં બન્નેએ એકમેકને તક આપી હતી. એ પછી બીજી ફિલ્મ બનાવવા માટે રાજમૌલીએ બે વર્ષ રાહ જોઈ હતી અને બીજી ફિલ્મ સિંમ્હાદ્રી બનાવવા માટે વધારે આકરી મહેનત કરી હતી.
તેમાં તેમણે એનટીઆર જુનિયરને ફરી હીરો બનાવ્યા હતા. એનટીઆર જુનિયરને તેમની અદી નામની ફિલ્મને કારણે ત્યાં સુધીમાં વ્યાપક લોકપ્રિયતા મળી ચૂકી હતી. તેથી રાજમૌલી પર પોતાની ફિલ્મને અદી જેવી જ બ્લોકબસ્ટર બનાવવાનું જોરદાર દબાણ હતું. તેમને બ્લોકબસ્ટરના સ્વરૂપમાં સૌપ્રથમ સફળતા સિંમ્હાદ્રી વડે મળી હતી. એ ફિલ્મની સ્ટોરી તેમના પિતાએ લખી હતી. સિંમ્હાદ્રી પછી રાજમૌલીએ ક્યારેય પાછું વાળીને જોયું નથી.
એ પછી સફળ દિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત થઈ ગયેલા રાજામૌલી દર વર્ષે એક ફિલ્મ આપવા લાગ્યા હતા. તેની શરૂઆત નીતિનને ચમકાવતી સ્યે ફિલ્મ સાથે થઈ હતી અને એનટીઆર જુનિયરને ચમકાવતી યામાડોંગા સુધી એ સિલસિલો ચાલતો રહ્યો હતો.
પાવરફૂલ પોલીસ સ્ટોરી સાથેની વિક્રમાર્કુડુ જેવી પાક્કી મસાલા ફિલ્મે રાજમૌલીની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં વધુ એક ફિલ્મનો ઉમેરો કર્યો હતો. એ પછી રાજમૌલી દેશની અન્ય ભાષાઓની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજરમાં પણ આવી ગયા હતા. એ ફિલ્મની તામિલ, કન્નડ અને હિન્દી રીમેકને પણ બોક્સ ઓફિસ પર પારાવાર સફળતા મળી હતી.
એ પછીના વર્ષે પોતાના લકી સ્ટાર એનટીઆર જૂનીયર સાથેની યામાડોંગા ફિલ્મ સાથે રાજામૌલીએ સફળતાની હેટ્રિક મેળવી હતી. એ ફિલ્મ તેમની છઠ્ઠી બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી.

ફિલ્મોદ્યોગમાં વિક્રમ સર્જ્યા

ઇમેજ સ્રોત, ARKA MEDIA WORKS
બાહુબલિ ફિલ્મ બનાવી તે પહેલાં રાજમૌલી તેમના ચાહકો માટે માગાધીરા ફિલ્મ માટે જાણીતા હતા. રાજમૌલીના જણાવ્યા મુજબ, માગાધીરા ફિલ્મ બનાવવા માટે તેમણે 15 વર્ષ રાહ જોઈ હતી. એ ફિલ્મની સ્ટોરી પણ તેમના પિતા વિજયેન્દ્ર પ્રસાદે લખી હતી. શતાયુ યોદ્ધાનું કેન્દ્રીય કથાનક ધરાવતી આ ફિલ્મે રામ ચરણ તેજાને સ્ટારડમ અપાવવા ઉપરાંત ફિલ્મોદ્યોગમાં વિક્રમો સર્જ્યા હતા.
માગાધીરા જેવી જોરદાર બ્લોકબસ્ટર પછી લોકો તેમની આગામી ફિલ્મની રાહ જોતા હતા ત્યારે તેમણે મર્યાદા રામન્ના ફિલ્મની જાહેરાત કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. રાજમૌલીના જણાવ્યા મુજબ, તેમણે બનાવેલી તમામ ફિલ્મોમાં આ ફિલ્મ તેમની ફેવરિટ છે.
તેઓ કહે છે તેમ, તેમની બાકીની તમામ ફિલ્મો જોતી વખતે તેઓ પછીના દૃષ્યની રાહ જોતા હોય છે, જ્યારે મર્યાદા રામન્ના ફિલ્મના પ્રત્યેક દૃષ્યને ભરપૂર માણે છે.
રાજમૌલી સ્પષ્ટ જણાવે છે કે તેમને કોઈની સાથે ટકરાવ ક્યારેય થતો નથી. તેઓ સ્ટારડમનું મૂલ્ય સમજે છે અને તેને આધાર બનાવીને જ તેઓ આટલા ઊંચા સ્તરે પહોંચ્યા છે.
જોકે, ઈગા નામની ફિલ્મની જાહેરાત કરીને તેમણે બધાને ચોંકાવી દીધા હતા. પોતે માખી વિશે પણ બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી શકે છે એ પુરવાર કરવા જ રાજમૌલીએ ઈગા ફિલ્મ બનાવી હોવાની ટીકા પણ થઈ હતી, પરંતુ એ પછીના અનેક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે એ વાત ખોટી છે. સ્ટોરી પરફેક્ટ હોય તો કોઈ પણ વિષય સાથે બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી શકાય છે.
રાજમૌલી આ ફિલ્મને બાહુબલી કરતાં પણ વધારે મહેનત માગી લેનારી માને છે. આ ફિલ્મે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હોવાનું તેઓ કહે છે.

સ્ટાર નહીં, સ્ટોરી જ સર્વોચ્ચ

ઇમેજ સ્રોત, SS RAJAMOULI/FB
પોતે સ્ટારડમનું મૂલ્ય સમજતા હોવાનું કહેતા રાજમૌલી માને છે કે સ્ટારડમ કરતાં ફિલ્મની સ્ટોરી વધારે મહત્ત્વની હોય છે. તેથી તેઓ રજનીકાંત અને આમિર ખાન જેવા સ્ટારની ઑફર નકારે છે. રાજમૌલી કહે છે કે સ્ટારને અનુકૂળ હોય તેવી સ્ટોરી પણ હોવી જોઈએ.
રાજમૌલી અભિનેતાઓના સ્ટારડમની સરખામણી એકડા પાછળના મીંડા સાથે કરે છે અને કહે છે કે આગળ કોઈ આંકડો હોય ત્યારે જ પાછળના શૂન્યનું મૂલ્ય હોય છે અને મારા મતે સ્ટોરી તે આંકડો હોય છે. સ્ટોરી પાછળ સ્ટારડમનું મૂલ્ય જોડાય છે.
રાજમૌલી ભારપૂર્વક માને છે કે સારી સ્ટોરી વિના, માત્ર અભિનેતાના સ્ટારડમ પર આધાર રાખીને તેઓ ક્યારેય ફિલ્મ બનાવી શકે નહીં. રાજમૌલી લેખકની કલ્પનાશક્તિને અતિક્રમીને અદ્ભુત ફિલ્મો બનાવતા હોવાથી તેમના પિતા પણ તેમને વખાણે છે.
અભિનેતાઓને રાજમૌલી પર એટલો ભરોસો છે કે તેઓ ફિલ્મની સ્ટોરી સાંભળ્યા વિના તેમની ફિલ્મોમાં કામ કરવા હંમેશાં તૈયાર હોય છે. એનટીઆર જુનિયર તથા રામ ચરણ તેજાએ તેમના તાજેતરના ઇન્ટરવ્યૂમાં આ વાતને સમર્થન આપ્યું હતું.
આ અભિનેતાઓએ જણાવ્યું હતું કે રાજામૌલીએ આરઆરઆર માટે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્ટોરી સાંભળવાની દરકાર કરી ન હતી. સાથે ફોટોગ્રાફ ક્લિક કર્યા હતા અને પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

બાહુબલિની સનસનાટી

ઇમેજ સ્રોત, SS RAJAMOULI/FB
રાજમૌલીની અત્યાર સુધીની કારકિર્દીમાં બાહુબલી ભવ્યતમ અને સૌથી વધુ કમાણી કરી ચૂકેલી ફિલ્મ છે.
આ ફ્રેન્ચાઈઝીના પહેલા ભાગ બાહુબલી - ધ બિગિનિંગની રજૂઆત પછી કટ્ટપાએ બાહુબલિની હત્યા શા માટે કરી, એવા એકમાત્ર સવાલના સથવારે તેઓ ફિલ્મના બીજા ભાગ માટે દર્શકોને બે વર્ષ આતુરતાપૂર્વક રાહ જોવડાવી શક્યા હતા.
બાહુબલિ ફ્રેન્ચાઈઝી સાથે રાજમૌલીએ તેલુગુ ફિલ્મોદ્યોગને આંતરરાષ્ટ્રીય દરજ્જો અપાવ્યો છે. તેમણે બાહુબલિ નામનો સુપર હીરો વિશ્વમાં રજૂ કર્યો છે. અલબત્ત, તેઓ કહે છે કે તેમણે બાહુબલિ ફ્રેન્ચાઈઝી માત્ર તેલુગુ ક્યારેય ગણી નથી.
તેમના જણાવ્યા મુજબ, તેમણે તેલુગુ ફિલ્મોદ્યોગને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું ક્યારેય વિચાર્યું ન હતું તેમણે તો બાહુબલિનું સર્જન એક ભારતીય ફિલ્મ તરીકે કર્યું હતું. તેથી તેમણે તદ્દન અલગ જ માર્કેટિંગ મૉડલ અપનાવવું પડ્યું હતું.
રાજમૌલી આજે પણ માને છે કે બાહુબલિ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે બહુ વખણાઈ હોય, પરંતુ ફિલ્મમાંના લાગણીના તત્ત્વને વધુ સારી રીતે રજૂ કરી શકાયું હોત. આ કબૂલાત તેમણે અનેક ઇન્ટરવ્યૂમાં કરી છે.
બાહુબલિ ફિલ્મ બહાદુરીભર્યું સાહસ હોવાની વાત સાથે રાજામૌલી જરાય સહમત નથી. તેઓ કહે છે કે તેમનો માર્કેટિંગ સિદ્ધાંત, બધા કેળાં વેચતા હોય ત્યારે કેરી વેચવાનો છે. તેમાં તેઓ સફળ થયા છે.

પરિવાર છે શક્તિદાતા

ઇમેજ સ્રોત, RRRMOVIE/FB
આ વર્ષની 10 ઑક્ટોબરે રાજમૌલી 50 વર્ષના થઈ જશે. આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં આવેલું કોવ્વુરુ ગામ રાજામૌલીનું વતન છે, પરંતુ તેમનો જન્મ 1973માં કર્ણાટકના રાઈચુર જિલ્લામાં થયો હતો.
રાજમૌલી કહે છે કે તેમની સફળતા પાછળની શક્તિનો સ્રોત તેમનો પરિવાર છે. પુત્રની ફિલ્મો માટેની સ્ટોરી પિતા લખે છે. મોટાભાઈ એમ એમ કીરવાણી નાનાભાઈની ફિલ્મો માટે શરૂઆતથી જ સંગીત આપતા રહ્યા છે.
રાજમૌલીનાં પત્ની રમા પતિની ફિલ્મો માટેનાં કોસ્ચ્યુમ ડિઝાઈન કરે છે. કીરવાણીનાં પત્ની શ્રીવલ્લી અને પુત્ર કાલ ભૈરવ પણ રાજામૌલીની ટીમમાં જોડાયા છે.
શ્રીવલ્લી અને રમા બહેનો છે. રમાનાં રાજમૌલી સાથેનાં બીજાં લગ્ન છે. રમાને પહેલાં લગ્નથી થયેલા પુત્ર કાર્તિકેય પણ રાજમૌલીની ટીમમાં લાઇન પ્રોડ્યૂસર તરીકે કામ કરે છે. તેમનું કામ કોઈ પણ સમસ્યા વિના રોજ ફિલ્મનું શૂટિંગ સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવાનું છે. રાજમૌલીએ એક પુત્રી દત્તક લીધાં છે અને તેમનું નામ મયુરા છે.
રાજમૌલીના જણાવ્યા મુજબ, તેઓ દરેક ફિલ્મની શરૂઆત પહેલાં અને ફિલ્મની રજૂઆત પછી એ વિશે તેમના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરે છે. પરિવારના બધા સભ્યોને સ્ટોરી પસંદ પડે એ પછી જ કોઈ ફિલ્મ સેટ પર જાય છે. પરિવારની મંજૂરી મળે પછી રાજમૌલી ફિલ્મના પ્રકાર કે તેના કદ વિશે ચિંતા કરતા નથી. ફિલ્મનો હીરો કોણ હશે તેનો અને માર્કેટિંગનો વિચાર તેઓ એ પછી કરે છે.

ઇમેજ સ્રોત, SS RAJAMOULI/FB
હાથ પરની ફિલ્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજામૌલી બીજી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી. તેઓ કહે છે કે હાથ પરની ફિલ્મ પૂર્ણ થાય પછી થોડો સમય હળવા થયા બાદ જ બીજી ફિલ્મ વિશે વિચારું છું.
બે ફિલ્મો વચ્ચે રાજામૌલી ઘણો લાંબો સમય લેતા હોવાની ટીકાનો જવાબ આપતાં તેઓ કહે છે કે નવી ફિલ્મ બનાવવાનું વિચારવા માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમયગાળો હોવો જરૂરી છે.
રાજમૌલીએ ફિલ્મનિર્માતાઓમાં એવી છાપ સર્જી છે કે તેઓ જે ફિલ્મ બનાવશે તે સારું વળતર આપશે જ. જોકે, રાજમૌલી કહે છે કે તેમનો હેતુ એકમાત્ર પૈસા બનાવવાનો હોતો નથી. વળી તેઓ પૈસાની જરૂર ન હોય એવા કોઈ યોગી પણ નથી.
રાજમૌલી ઇચ્છે છે કે તેમની ફિલ્મોના નિર્માતાઓએ પૈસા બનાવવાની સાથે ફિલ્મની સ્ટોરીને ઓછામાં ઓછું એક ટકા જેટલું મહત્ત્વ આપવું જોઈએ. સારી ફિલ્મ બનાવવાની ખેવના નિર્માતાને પણ હોવી જોઈએ.
રાજમૌલીને ફિલ્મો બનાવવા બદલ કેટલું મહેનતાણું મળે એ વિશે તેમના ચાહકો આજે પણ અંધારામાં છે. પોતાને કેટલા પૈસા મળે છે તે રાજમૌલીએ પણ ક્યારેય જાહેર કર્યું નથી. પોતે ફિલ્મના નફામાંથી અમુક ટકા હિસ્સો લેતા હોવાનું તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

મહાભારતની મહત્ત્વાકાંક્ષા

ઇમેજ સ્રોત, SS RAJAMOULI/FB
રાજમૌલીને આશા છે કે આરઆરઆર તેમની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થશે. આ ફિલ્મના બે હીરો એનટીઆર જુનિયર અને રામ ચરણ તેજા એકમેકનાં વિરોધી પાત્રો ભજવી રહ્યા છે. 'રૌદ્રમ્, રુધિરમ્, રણમ્' ટૅગલાઇન સાથેની બ્રિટિશ કાળની આ ફિલ્મે અત્યારથી જ ઉત્સુકતા વધારી દીધી છે.
કોવિડને કારણે આ ફિલ્મની રજૂઆત પાછી ઠેલવી પડી હતી. રાજમૌલી, એનટીઆર જુનિયર અને રામ ચરણ તેજાએ સાથે ફોટોગ્રાફ ક્લિક કરાવીને 2017ની 18 માર્ચે આરઆરઆરની જાહેરાત કરી હતી. ફિલ્મની સત્તાવાર જાહેરાત 2018ની 22 માર્ચે કરવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું અને ફિલ્મ રજૂઆત માટે તૈયાર હતી ત્યાં કોવિડ-19 ફાટી નીકળ્યો હતો. તેથી ફિલ્મની રિલીઝ વારંવાર લંબાતી રહી હતી. ફિલ્મની રિલીઝ ડેટ છ વખત કૅન્સલ કરવી પડી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ ફિલ્મનું બજેટ 300થી 400 કરોડ રૂપિયાનું હોવાનું માનવામાં આવે છે. ડીવીવી એન્ટરટેઇન્મેન્ટના ડી વી વી દાનૈયા આ ફિલ્મના નિર્માતા છે. તેલંગણા અને આંધ્ર પ્રદેશ એમ બન્ને રાજ્યોની સરકારોએ વધારેલા દરે ફિલ્મની ટિકિટ વેચવાની પરવાનગી આપી છે.
હવે રાજમૌલીએ મહાભારતને કેન્દ્રમાં રાખીને ફિલ્મના દિગ્દર્શનની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું તેઓ ઘણીવાર કહી ચૂક્યા છે. તેઓ મહાભારતની વિવિધ કથાઓ બાળપણથી જ સાંભળતા રહ્યા છે અને એ કથાઓ આ મેગા પ્રોજેક્ટ માટે તેમના દિમાગમાં સંઘરાયેલી છે. તેઓ માને છે કે આ ફિલ્મ તેમની કલ્પના અનુસાર જ વાસ્તવમાં આકાર પામશે તો બ્લોકબસ્ટર પુરવાર થશે.
રાજમૌલી માને છે કે આવો મેગા પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ઓછામાં ઓછાં દસ વર્ષ તો થાય જ. પોતે આટલો સમય ફાળવી શકશે કે કેમ એ વિશે તેમને શંકા છે, પરંતુ તેમને આવી એક ફિલ્મ બનાવવી છે તે નક્કી છે.

કામઢા દિગ્દર્શક

ઇમેજ સ્રોત, SS RAJAMOULI/FB
રાજમૌલીએ પારાવાર સફળતા મેળવી છે, પરંતુ તેઓ આકરી ટીકાથી બચી શક્યા નથી. તેમની ફિલ્મોમાં લોહિયાળ હિંસા પ્રદર્શિત કરવામાં આવતી હોવાની ટીકા કરવામાં આવે છે. કેટલાક ફિલ્મ સમીક્ષકો એવું માને છે કે ફિલ્મોમાં પાત્રોના ભવ્ય ચિત્રણ માટે રાજામૌલી વધુ પડતી સિનેમેટિક લિબર્ટી લે છે.
તેમના પ્રશંસકો અને બીજાઓની સર્વસામાન્ય ટીકા એ છે કે રાજમૌલી ફિલ્મ બનાવવામાં બહુ સમય લે છે.
રાજમૌલી કહે છે કે ફિલ્મ બનાવવામાં ઓછામાં ઓછું એક વર્ષ તો થાય જ. પહેલી ફિલ્મ પછી સિંમ્હાદ્રી ફિલ્મ બનાવવામાં બે વર્ષ લાગ્યાં હતાં. એ પછી યામાડોંગા અને માગાધારી વચ્ચે પણ બે વર્ષનો સમયગાળો હતો.

ઇમેજ સ્રોત, SS RAJAMOULI/FB
એગા અને બાહુબલી - ધ બિગિનિંગ ફિલ્મો વચ્ચે બરાબર ત્રણ વર્ષનો સમયગાળો હતો, જ્યારે બાહુબલી - ધ કન્ક્લુઝન તૈયાર થવામાં બે વર્ષ લાગ્યાં હતાં. તમિળ ફિલ્મ ઉદ્યોગ અને દર્શકવર્ગમાં એવું સાંભળવા મળે છે કે રાજમૌલીની બે ફિલ્મો વચ્ચેના આટલા લાંબા સમયગાળાને કારણે તેમની ફિલ્મોના કળાકારોની કોલ શીટમાં અન્ય પ્રોજેક્ટ ઘૂસી જાય છે.
રાજમૌલીની ફિલ્મોના કળાકારો કહે છે કે અમે તેમની ફિલ્મોનો હિસ્સો બનવા માટે જેટલા આતુર હોઈએ છીએ એટલા જ આતુર ફિલ્મમાં મહેનત કરવા માટે હોઈએ છીએ. પોતાની ઇચ્છા મુજબના દૃશ્યનું ફિલ્માંકન ન થાય ત્યાં સુધી રાજમૌલી કળાકારોને શાંતિથી બેસવા દેતા નથી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













