'ડુગ ડુગ' : રાજસ્થાનના 'બુલેટબાબા' મંદિર પરથી બનેલી ફિલ્મમાં શું ખાસ છે?
- લેેખક, ફૈઝલ ખાન
- પદ, બીબીસી માટે
મોટર સાઇકલને દેવ માનીને તેના પરથી બનેલા મંદિરમાંથી પ્રેરણા લઈને બનેલી નવી ફિલ્મની આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ સર્કિટમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ફિલ્મનું નામ સાવ સામાન્ય એવું 'ડુગ ડુગ' છે, જે રૉયલ એનફીલ્ડ મોટર સાઇકલના થડકદાર ઠક ઠક ઠક... એવા અવાજ પરથી આવેલું છે.
બુલેટ તરીકે ઓળખાતી મોટર સાઇકલ ઇંગ્લૅન્ડના વૉર્સેસ્ટરશાયરના રેડિચનગરમાં આજથી સો વર્ષ પહેલાં બની હતી. આ બુલેટની આસપાસ સમગ્ર ફિલ્મની કથા વણાયેલી છે.

ઇમેજ સ્રોત, Toronto International Film Festival
દારૂ પીને મોટર સાઇકલ ચલાવી રહેલો એક માણસ ટ્રક સાથે અથડાઈને માર્યો ગયો. મોટર સાઇકલને પોલીસે કબજે લઈને થાણામાં રાખ્યું, પણ બીજા દિવસે રહસ્યમય રીતે તે ફરી એ જ જગ્યાએ પહોંચી ગયું, જ્યાં તેનો ચાલક અકસ્માતે માર્યો ગયો હતો.
મોટર સાઇકલને પાછી પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવી, પણ વારંવાર એ મોટર સાઇકલ અકસ્માતના સ્થળે જ કોઈક રીતે પહોંચી જતું હતું.
ગામના લોકોના મનમાં ભારે કુતૂહલ જાગ્યું હતું અને અંધશ્રદ્ધાને કારણે લોકો એ ચાલકને હવે કોઈ મોટો પ્રતાપી સાધુ માનવા લાગ્યા હતા અને મોટર સાઇકલને જ હવે દેવ માની લેવામાં આવ્યું. આ બનાવ રાજસ્થાનના એક નાનકડા ગામ પાસે બન્યો હતો.
આ હિન્દી ફિલ્મ આમ તો જાતભાતની માન્યતાઓ અને ધર્મના વ્યાપારીકરણ પર કટાક્ષ કરતી ફિલ્મ છે.
બહુ સાદગીપૂર્ણ રીતે વાત કહેવાઈ છે, પણ તેમાં ભરપુર નાટ્યતત્ત્વ સાથે લોકો કેવી રીતે વિચિત્ર માન્યતાઓને પણ રહસ્યમય રીતે વળગી રહેતા હોય છે તે દેખાડવાની કોશિશ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

46મા ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા મહિને ફિલ્મનું પ્રીમિયર

ઇમેજ સ્રોત, Courtesy Bottle Rocket Pictures
રાજસ્થાનના જયપુરમાં જ જન્મેલા અને 'ડુગ ડુગ' ફિલ્મના ડિરેક્ટર ઋત્વિક પરીખ કહે છે, "તમે કોઈક વાત પર દિલથી વિશ્વાસ મૂકી દેતા હો છો ત્યારે તે તમને ફળતો હોય છે."
107 મિનિટની આ ફિલ્મનું પ્રીમિયર 46મા ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા મહિને થયું.
જોધપુરથી 75 કિમી દૂર પાલી ગામ પાસે આવેલા મોટર સાઇકલના મંદિર પરથી આ ફિલ્મ બની છે. રાજસ્થાન ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ પણ ભારે રસ સાથે આ મંદિર જોવા જતા હોય છે.
મંદિરમાં દેવની મૂર્તિ તરીકે જૂના જમાનાની રૉયલ એનફીલ્ડ બુલેટ મોટર સાઇકલ જ સ્થાપિત કરવામાં આવેલું છે. આ મોટર સાઇકલ સ્થાનિક રહેવાસી ઓમસિંહ રાઠોડનું હતું.
ત્રણેક દાયકા પહેલાં જોધપુરથી જયપુર જતા હાઈવે પર અકસ્માત થયો તેમાં ઓમસિંહ રાઠોડનું મૃત્યુ થયું હતું.

ડ્રાઇવર કરે છે આ મંદિરમાં પ્રાર્થના

ઇમેજ સ્રોત, Toronto International Film Festival
બુલેટબાબાના મંદિર તરીકે જાણીતા આ સ્થળે ટ્રક ડ્રાઇવરો ખાસ દર્શને આવતા હોય છે. પાલી પાસેના હાઈવે પરથી ટ્રક લઈને નીકળે ત્યારે અચૂક અહીં ઊભા રહે અને પોતાની મુસાફરી સલામત રહે તે માટે બુલેટબાબા મંદિરમાં ડ્રાઇવરો પ્રાર્થના કરતા હોય છે.
વિશ્વમાં અકસ્માતમાં માર્યા જતા લોકોમાં 11 ટકા ભારતના હોય છે અને તે રીતે દુનિયામાં ટોચના સ્થાને છે.
માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલયના છેલ્લે ઉપલબ્ધ આંકડા અનુસાર 2019માં અકસ્માતમાં 151,113 લોકો માર્યા ગયા હતા.

ક્યાંથી આવ્યો બુલેટબાબા મંદિર પર ફિલ્મ બનાવવાનો આઇડિયા?

ઇમેજ સ્રોત, Courtesy Bottle Rocket Pictures
પરીખ મુંબઈમાં એડવર્ટાઇઝિંગમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરતાં હતા.
છ વર્ષ પહેલાં તેમણે એ નોકરી છોડી દીધી અને ફિલ્મનિર્માતા બન્યા. ફિલ્મઉદ્યોગની રાજધાની મુંબઈનો મોહ છોડીને વતન જયપુરમાં રહેવા આવી ગયેલા પરીખ કહે છે, "ભારતમાં અનેક મંદિરો છે અને એક એકથી ચડિયાતાં જાતભાતનાં મંદિરો છે."
માણસની શ્રદ્ધા વિશે લખેલા બ્રિટિશ બાયોલૉજિસ્ટ રિચર્ડ ડૉકિન્સના 2006માં લખાયેલા પુસ્તક "ધ ગૉડ ડેલ્યૂઝન" તેઓ વાંચી રહ્યા હતા ત્યારે તેમને જોધપુરમાં આવેલું બુલેટબાબાનું મંદિર યાદ આવ્યું.
તેઓ કહે છે, "તે વખતે જ ડુગ ડુગ ફિલ્મનો વિચાર પ્રગટ્યો હતો." પરીખ પોતે પણ બુલેટબાબાના દર્શને પહોંચ્યા અને તે પછીના પાંચ મહિના સુધી બીજા આવા જ મંદિરોમાં ફરી વળ્યા.

ફિલ્મ બનાવવાની સફર

ઇમેજ સ્રોત, Mint via Getty Images
પરીખ કહે છે, "નાનપણમાં હું પાલી મંદિરે ગયો હતો અને મારા દાદી મને જ્યારે પણ કોઈ મંદિરના દર્શને જાય ત્યારે સાથે લઈ જતા. તેમને ધાર્મિક રીતરિવાજોમાં બહુ શ્રદ્ધા હતી." રાઠોડના પરિવાર સાથે આ ફિલ્મ બનાવવા વાત કરવા માટે તેમણે પોતાના પિતાને મોકલ્યા હતા.
પરિવારે હા પાડી પણ બે શરત રાખી હતી કે રાઠોડના મૂળ નામનો ઉપયોગ ના કરશો અને તેમની જ્ઞાતિ વિશેના કોઈ ઉલ્લેખો ના કરતા.
ફિલ્મની પટકથા તૈયાર કર્યા પછી હવે એકસોથી વધુ નૉન-પ્રોફેશનલ અભિનેતાઓનું ઑડિશન શરૂ કર્યું. જયપુરથી 40 કિમી દૂર રામગઢમાં ફિલ્મનું શૂટિંગ થયું હતું અને તેની આસપાસનાં ગામોના લોકોમાંથી જ તેમણે કલાકારોને પસંદ કર્યા.
રાઠોડના પાત્ર માટે સ્થાનિક રહેવાસી ઠાકુર લાલની પસંદગી કરવામાં આવી હતી, પણ તેમણે ના પાડી દીધી કે પોતે રાઠોડબાબામાં બહુ જ શ્રદ્ધા ધરાવે છે અને તેમનું પાત્ર ના ભજવે.
રાઠોડની બુલેટ મોટર સાઇકલની જગ્યાએ ફિલ્મમાં એક જમાનાનું લૂના મોપેડ કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. લૂના ઇટાલીના પિયાજીયો વેલો પરથી તૈયાર થયેલું મોપેડ હતું.

ઇમેજ સ્રોત, Mint
ડિરેક્ટરની બહેન અને ફિલ્મની નિર્માત્રી પ્રેરણા ઋત્વિક કહે છે, "આ રીતે અમે જોધપુરના મંદિર પરથી અમારી થોડી અલગ કથા તૈયાર કરી લીધી હતી. ભારતમાં લગભગ દરેક પાસે પોતાની નાનપણમાં કેવો ચમત્કાર જોયો હતો તેની કથા હોય જ."
ફિલ્મ માટે સંગીત આપનારા સાલ્વેજ ઑડિયો કલેક્ટિવ મ્યુઝિકલ ગ્રૂપના સભ્ય રોહન રાજાધ્યક્ષ કહે છે, "ફિલ્મમાં કોઈની મજાક ઊડાવવામાં નથી આવી, પણ શ્રદ્ધામાં કેટલી શક્તિ છે તે જ દર્શાવાયું છે."
ફિલ્મનિર્માતાઓ હવે અન્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મને પ્રદર્શિત કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલના પ્રોગ્રામર પિટર કુપ્લોવ્સ્કીએ ફેસ્ટિવલના ડિસ્કવર વિભાગ માટે ફિલ્મને પસંદ કરી હતી. વિશ્વભરમાં વિવિધ રસપ્રદ વિષયો પર બનતી ફિલ્મો આ વિભાગ માટે પસંદ કરનારા કુપ્લોવ્સ્કી કહે છે,
"દરેક સંસ્કૃતિમાં કેટલીક બાબતો એવી હોય છે, જે અન્યોને વિચિત્ર લાગે."

રૉયલ એનફીલ્ડ - બુલેટની સફર

ઇમેજ સ્રોત, Getty Images
1893. એનફીલ્ડમાં આવેલી રૉયલ સ્મોલ આર્મ્સ ફેક્ટરી માટે જે કંપની નાના નાના પૂરજા બનાવતી હતી, તેને તેના પરથી રૉયલ એનફીલ્ડ નામ રાખીને સાયકલ બનાવવાનું શરૂ કર્યું હતું.
1901. કંપનીએ પ્રથમ વાર મશીન સાથેની સાયકલ - બાઇક્સ બ્રિટનમાં બનાવી.
1914-18. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે રેડિચમાં આવેલી આ કંપનીએ બ્રિટિશ, બેલ્જિયમ, ફ્રેન્ચ, અમેરિકન અને રશિયન સેનાને પોતાનાં મોટર સાઇકલો પૂરી પાડી હતી.
1932. "બુલેટ" તરીકે પ્રખ્યાત થયેલા મોટર સાઇકલ તૈયાર કરી, જેમાં પ્રથમ વાર "સ્લોપર" એન્જિન હતું.
1939-45. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ કંપનીએ મોટર સાઇકલ ઉપરાંત સાયકલો, જનરેટરો અને ઍન્ટી-એરક્રાફ્ટ ગનનું ઉત્પાદન કર્યું હતું. તેમાં પેરાશૂટ અને ગ્લાઇડર ટુકડીના સૈનિકો વાપરી શકે તેવી આ ગન "ફ્લાઇંગ ફ્લિયા" બહુ જ પ્રચલિત બની હતી.
1960. ક્લાસિક મોટર સાઇકલ માટેનો આ સર્વોત્તમ દાયકો હતો, પણ તે દરમિયાન રૉયલ એનફીલ્ડ સહિતની આવી બાઈક્સ બનાવતી કંપનીઓ માટે કપરા દિવસો પણ હતા.
1970. યુકેમાં તેનું ઉત્પાદન બંધ પડ્યું, પણ ભારતમાં તેની સબ્સિડરીમાં બુલેટ બનતું રહ્યું
1994. ભારતની આઈશર મોટર્સે એનફિલ્ડ ઇન્ડિયા ખરીદી લીધી અને તેને નવું નામ આપ્યું રૉયલ એનફીલ્ડ મોટર્સ લિમિટેડ.
2020. યુકેમાં હજીય આ કંપનીનું મોટર સાયકલ લોકપ્રિય છે. કંપનીની Interceptor 650 બ્રાન્ડનનું મોટર સાઇકલ મિડલવેઇટમાં સૌથી વધુ વેચાતું બાઇક બન્યું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












