ખનીજ તેલના મામલે રશિયા અને ઈરાનને અમેરિકાની માત

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉમીદ શુકરી
    • પદ, ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંત, બીબીસી ગુજરાતી માટે

અમેરિકાની શેલ ગૅસ ઇન્ડસ્ટ્રીમાં થયેલી જોરદાર પ્રગતિના કારણે અમેરિકા ખનીજ તેલની આયાત કરનારા દેશને બદલે નિકાસ કરનારો દેશ બની ગયો છે.

શેલ ગૅસ એવો કુદરતી ગૅસ છે, જે ભૂગર્ભના પોલાણમાં મળી આવે છે.

ખનીજ અને ઊર્જાની આંતરરાષ્ટ્રીય કિંમતો પર શેલ ગૅસના કારણે મોટી અસર પડી રહી છે.

શેલ ગૅસમાં નવી ટેક્નૉલૉજી અને સંશોધનની નવી રીતોને કારણે ક્રાંતિ આવી છે.

આ ક્રાંતિ પહેલાં અમેરિકા પોતાની ખનીજ તેલ અને ઊર્જાની જરૂરિયાતો માટે વિદેશથી થતી આયાત પર આધાર રાખતો હતો.

ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશો પર આધાર રાખવો પડતો હતો અને તે નિર્ભરતા વધી રહી હતી.

અમેરિકાની ઑઇલ એન્ડ એનર્જી ઇન્સ્ટિટ્યૂટના 2018ના આંકડાં પ્રમાણે, "અમેરિકા રોજ લગભગ 1 કરોડ બેરલથી વધારે ખનીજ તેલનું ઉત્પાદન કરે છે."

"પ્રમુખ ઓબામાના કાર્યકાળ દરમિયાન, 2011માં અમેરિકાએ પોતાની તેલ ખપતના 52 ટકા અન્ય દેશો અને ખાસ કરીને ઓપેકના સભ્ય દેશોમાંથી આયાત કર્યું હતું."

"હવે 2018માં અમેરિકા રોજ લગભગ 40 લાખ બેરલ ક્રૂડ ઑઇલની નિકાસ કરે છે."

"શેલ ગેસના વિકાસ સાથે અમેરિકા હવે એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ની પણ નિકાસ કરવા લાગ્યું છે."

line

શેલ ગેસ અને અમેરિકાની વિદેશ નીતિ

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

પ્રમુખ ઓબામાના કાર્યકાળમાં અમેરિકાની વિદેશ નીતિ પર શેલ ગૅસની સૌથી વધુ અસર દેખાવા લાગી હતી.

સન 2011માં અમેરિકાએ 'ભવિષ્યની ઊર્જા સુરક્ષા રણનીતિનો ઍજન્ડા' તૈયાર કરી લીધો હતો.

તેમાં શેલ ગૅસના ઉત્પાદનનો ઉલ્લેખ કરાયો હતો અને કહેવાયું હતું કે આ ગૅસ ભવિષ્યમાં અમેરિકાની ઊર્જા જરૂરિયાતનો સૌથી મહત્ત્વનો સ્રોત હશે.

આ સ્રોતનો વિકાસ કરવાથી અમેરિકાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાની ખાતરી મળી શકશે.

ઓબામાના કાર્યકાળમાં વિદેશથી આયાત થતાં ક્રૂડ ઑઇલ પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ હતી.

પેટ્રોલનો વપરાશ ઘટે તે માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઊર્જાના વૈકલ્પિક સ્રોતનો ઉપયોગ પણ વધ્યો હતો.

ફેબ્રુઆરી 2013માં અમેરિકાની સંસદના 113માં અધિવેશનમાં એલએનજીની નિકાસના મુદ્દે જોરદાર ચર્ચાઓ થઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

line

ખનીજ તેલની રાજનીતિ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

અમેરિકાની સેનેટની ઊર્જા સમિતિના સભ્યોએ એ વાત ભારપૂર્વક કહી હતી કે અમેરિકા ક્રૂડ ઑઇલ અને શેલ ગૅસના ઉત્પાદનમાં વધારો કરી શક્યું તેના કારણે ઈરાન સામે પ્રતિબંધો મૂકવામાં આસાની થઈ હતી.

ત્યારબાદ અમેરિકાની સંસદમાં મે મહિનામાં એક ઠરાવ પસાર કરાયો હતો.

ઠરાવ અનુસાર યુરોપિયન સંઘના દેશોમાં એલએનજીની નિકાસ વધારવી, જેથી ખનીજ તેલની આયાત માટે રશિયા પરની તેમની નિર્ભરતા ઓછી થાય.

સાથે જ અમેરિકન સંસદે એવો પણ નિર્ણય કર્યો હતો કે દક્ષિણ કોરિયા અને પૂર્વ એશિયાના સાથી દેશોમાં પણ એલએનજીની નિકાસ કરવી.

અમેરિકાના આ સાથી દેશો હાલમાં ખનીજ તેલ માટે મધ્યપૂર્વના દેશો પર નિર્ભર છે.

અમેરિકન સંસદમાં પસાર થયેલા ઠરાવ પાછળનો ઉદ્દેશ એ જ હતો કે મધ્યપૂર્વ પરની આ નિર્ભરતા ઓછી થાય.

અમેરિકાએ ઊર્જા ક્ષેત્રમાં નિકાસ કરવાની ક્ષમતા હાંસલ કરી લીધી, તે પછી જ ઈરાન સાથે થયેલા અણુકરારને તોડી નાખવાનો નિર્ણય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો હતો.

એલએનજીના નિકાસનો મુદ્દો પ્રમુખ ટ્રમ્પ માટે પહેલેથી જ મહત્ત્વનો હતો.

line

ઈરાન અને રશિયા

પુટિન અને હસન રોહાની

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાએ મૂકેલા પ્રતિબંધના કારણે ઈરાનની ખનીજ તેલની નિકાસમાં રોજના દસ લાખ બેરલની ઘટ પડે તેવી શક્યતા છે.

જોકે, ઈરાનમાંથી નિકાસ ઓછી થાય તેની ખોટ અમેરિકામાંથી થતી તેલ અને ગેસની નિકાસથી પુરાઈ જાય તેવી શક્યતા પણ લાગતી નથી.

તેનું એક કારણ એ પણ છે કે અમેરિકાના શેલ ગૅસની કેમિકલ પ્રોપર્ટી ઈરાનના ક્રૂડ ઑઇલથી અલગ છે.

અમેરિકા દુનિયાભરના દેશોમાં એલએનજીની નિકાસ કરીને તથા ઊર્જાના અન્ય સ્રોતો વેચીને તેમની સાથે પોતાના સંબંધોને નવી દિશા આપવા માગે છે.

યુરોપિયન સંઘના દેશો ઊર્જા માટે રશિયા પર વધારે આધારિત થઈ ગયા છે. તે કારણે જ અમેરિકા યુરોપના ઊર્જા બજારમાં વધારે રસ લઈ રહ્યું છે.

અમેરિકા યુરોપમાં પોતાના એલએનજીની નિકાસ વધારી રહ્યું છે.

સાથે જ અમેરિકા દક્ષિણ કૉરિડોરમાં ગૅસ સપ્લાયની લાઇન ઝડપથી પૂરી કરવા માટે કોશિશ કરી રહ્યું છે, જેથી રશિયા પરનો આધાર ઓછો થાય.

પૂર્વ એશિયાના દેશો, ખાસ કરીને દક્ષિણ કોરિયા અને જાપાન મોટા પાયે લિક્વિફાઇડ ગૅસની આયાત ઈરાનમાંથી કરે છે.

હવે ઈરાન પર પ્રતિબંધ પછી અમેરિકા, કોરિયાની ગૅસની જરૂરિયાત પૂરી કરવા માટે તેને નિકાસ કરીને મહત્ત્વની ભૂમિકા ભજવશે.

કોરિયા અને જાપાનની ઈરાનમાંથી આયાત પરની નિર્ભરતા સામે અમેરિકામાંથી એનએનજીની નિકાસનો મામલો હવે ઈરાન પરના પ્રતિબંધો પછી વધારે સ્પષ્ટપણે બહાર આવશે.

line

દક્ષિણ કોરિયા

મૂન-જે-ઇન

ઇમેજ સ્રોત, REUTERS

દક્ષિણ કોરિયા ઈરાનમાંથી લિક્વિફાઇડ ગૅસની મોટાપાયે આયાત કરે છે.

ઈરાનનો 55 ટકાથી વધારે લિક્વિફાઇડ ગૅસ માત્ર દક્ષિણ કોરિયા જ આયાત કરી લે છે.

ઈરાનના તેલ મંત્રાલયના આંકડા અનુસાર દક્ષિણ કોરિયાએ 2017ના વર્ષમાં ઈરાનમાંથી રોજના 428 બેરલના હિસાબે લિક્વિફાઇડ ગૅસની ખરીદી કરી હતી.

જોકે, અમેરિકાએ ઈરાન સાથે વાટાઘાટો અટકાવી દીધી તે પછી દક્ષિણ કોરિયાની મોટાભાગની કંપનીઓએ ઈરાનમાંથી આયાત ઓછી કરી નાખી છે.

ઊર્જા બાબતોમાં કન્સલ્ટન્સીનું કામ કરતી કંપની એસએન્ડપી પ્લેટ્સના અહેવાલ અનુસાર દક્ષિણ કોરિયાની કંપની હાન્વા ટોટલ પેટ્રોકેમિકલ ઈરાનમાંથી સૌથી વધુ લિક્વિફાઇડ ગૅસની આયાત કરે છે.

આ કંપનીએ 2018ના પ્રથમ છ મહિનામાં ઈરાનમાંથી 15.92 મિલિયન બેરલ લિક્વિફાઇડ ગૅસની આયાત કરી હતી.

ઑગસ્ટ મહિનાથી હાન્વા ટોટલ પેટ્રોકેમિકલે ઈરાનથી પોતાની આયાત ત્રીજા ભાગ જેટલી ઓછી કરી નાખી હતી. તેના બદલે કતાર અને અમેરિકામાંથી આયાત કરી હતી.

line

જાપાન

શિન્ઝો આબે

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ એશિયામાં જાપાન ખનીજ તેલનો મોટો ગ્રાહક છે. જાપાનના ખનીજ તેલ વિભાગના આંકડાં અનુસાર 2017ના વર્ષમાં ઈરાનથી રોજના 1,82,216 બેરલ ખનીજ તેલની આયાત કરાઈ હતી.

આ વર્ષે તે આયાતમાં 24.2 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2018માં જાપાનની બધી ઑઈલ રિફાઇનરી દ્વારા થયેલી ક્રૂડની આયાતમાં ઈરાનમાંથી થયેલી આયાત 5.3 ટકાની હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો અટકી પડી તે પછી જાપાને ઈરાનમાંથી થતી ખનીજ તેલની આયાત ઓછી કરવા માટે પગલાં લીધાં હતાં.

જાપાન પોતાની જરૂરિયાતનું 5.5 ટકા ખનીજ તેલ ઈરાનથી આયાત કરે છે.

જાપાનના નાણાં અને વેપાર વિભાગના આંકડા અનુસાર જાપાને ઑગસ્ટ મહિનામાં ઈરાનમાંથી રોજના 1,77,675 બેરલ એટલે કે મહિને 3.39 મિલિયન બેરલની આયાત કરી હતી.

આ જ કારણે જાપાને અમેરિકાને વિનંતી કરી હતી કે ઈરાન સામે પ્રતિબંધ મૂકવામાં ના આવે પરંતુ ટ્રમ્પે તે માટે ઇનકાર કરી દીધો હતો.

એવો અંદાજ છે કે આના કારણે ઈરાની ઓઇલ માટેની જાપાનની બજારને મોટો ફટકો પડશે.

line

ઈરાન સાથે વેપારમાં જોખમ

અલી ખેમૈઇની

ઇમેજ સ્રોત, RUTERS

ઈરાનના ઊર્જા અને ખનીજ તેલના ઉદ્યોગ પર એક પછી એક પ્રતિબંધને કારણે ઈરાનમાં ગેસ અને ઑઈલનું ઉત્પાદન ઘટી ગયું છે.

સાથે જ વિશ્વની બજારમાં ઈરાનનું રોકાણ અને તેનો હિસ્સો પણ ઓછો થયો છે.

તેનું પરિણામ એ આવ્યું કે ઈરાનની ઊર્જા અને ઑઈલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરનારાનું જોખમ વધી ગયું છે.

ઈરાનમાં ઑઈલ અને ગૅસના ઉત્પાદનમાં ઘટાડો અને નિકાસમાં પણ ઘટાડાને ધ્યાનમાં રાખીને વિશ્વ બેન્ક તથા અન્ય નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ લેવામાં ઈરાનને મુશ્કેલી પડી રહી છે.

ઑઈલ અને ગૅસના વેચાણમાંથી મળનારું વિદેશી હૂંડિયામણ વિકાસ માટે જરૂરી છે.

તેમાં ઘટાડો થવાથી સ્થાનિક રીતે પણ ખરાબ અસર થવાની આશંકા છે.

હવે વિશ્વમાં ગૅસ અને એનએલજીનું ઉત્પાદન કરનારા ઘણા બધા દેશો થઈ ગયા છે.

તેના કારણે હવે ઑઈલ અને ગૅસના બજારમાં ઈરાનનો હિસ્સો માત્ર એક ટકા જેટલો રહી જશે.

તેના કારણે ઈરાનના હરીફ દેશોને આ માર્કેટ પર કબજો જમાવવાની તક મળી ગઈ છે.

વીડિયો કૅપ્શન, ધંધાપાણી: પેટ્રોલના વધતા ભાવ સામે જનતા પાસે કયા વિકલ્પો છે
line

ઓબામાના રાજમાં...

ઓબામા

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં ક્રૂડ ઑઈલ અને શેલ ગૅસનું ઉત્પાદન વધી ગયું છે તેના કારણે ઈરાને હવે નવી બજાર શોધવી પડે તેમ છે.

જોકે, અમેરિકાના શેલ ગૅસ અને ઈરાનના ક્રૂડ ઑઈલની કેમિકલ પ્રોપર્ટીઝ અલગ અલગ છે.

બીજું એલએનજીમાં ઈરાનની અમેરિકા સાથે કોઈ સ્પર્ધા નથી, કેમ કે ઈરાન હજી એનએલજીનું ઉત્પાદન કરતું નથી.

અત્યારે એ પણ સ્પષ્ટ નથી કે ઈરાન પાસે પોતાના અધુરા રહી ગયેલા એલએનજી પ્લાન્ટને પૂરા કરવા માટે પૂરતું ભંડોળ છે કે નહીં.

પ્રમુખ ઓબામાના કાર્યકાળમાં પ્રતિબંધના કારણે ઈરાનનો એલએનજી પ્લાન્ટ અધૂરો રહી ગયો હતો.

હાલમાં એવી કોઈ આશા નથી કે ઈરાન નજીકના ભવિષ્યમાં એલએનજીનું ઉત્પાદન કરી શકે.

line

ટ્રમ્પ વહીવટીતંત્રની સખતાઈ

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન પર જે પ્રતિબંધો મૂક્યા છે, તેની નકારાત્મક અસર આગામી દિવસોમાં દેખાતી થશે.

તેનાથી ઈરાનની ઑઈલ બજાર ઘટશે, તેના ઉત્પાદનમાં ઘટાડો થશે અને તેના કારણે ઈરાનમાં વિદેશી મૂડીરોકાણ પર પણ અસર થશે.

આ સ્થિતિની ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની બંને રીતની અસર થઈ શકે છે.

ભારત અને તુર્કીમાં પણ અમેરિકાના એલએનજીની નિકાસ થવા લાગે તે ઈરાન માટે વધારે જોખમની નિશાની છે.

તેના કારણે ઈરાનની સ્થાનિક બજાર પર પણ અસર થશે.

ઈરાને હવે પોતાનું સ્થાનિક તથા વૈશ્વિક બજાર બચાવવા માટે કોશિશ કરવી પડશે.

તે માટે એક જ ઉપાય છે કે તે પડોશી દેશો સાથે તથા વિશ્વના મોટા દેશો સાથે વાતચીત માટે આગળ આવે. તેનાથી બે પ્રકારને તેને ફાયદો થઈ શકે છે.

line

ઈરાન પાસેના વિકલ્પો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

વિદેશી મૂડી રોકાણ અને ટેક્નૉલૉજી વિના ઈરાન માટે વૈશ્વિક ઓઇલ બજારમાં પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ છે.

ખાસ કરીને એક નવો જ ખેલાડી આધુનિક ટેક્નૉલૉજી સાથે મેદાનમાં આવ્યો હોય ત્યારે.

બીજું કે પ્રતિબંધને કારણે ઈરાન માટે વિદેશી ટેક્નૉલૉજી અને મૂડી મેળવવાનું મુશ્કેલ બની ગયું છે.

પ્રતિબંધોને કારણે ઈરાને હાલમાં જે દેશોની બજારો ગુમાવી છે, તેને પ્રતિબંધો હટી ગયા પછી પણ ફરીથી મેળવવાનું આસાન નહીં હોય.

ઈરાનના વિદેશ નીતિ અને ઊર્જા નીતિના નિષ્ણાંતોએ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ પોતાની ભાવિ રણનીતિ તૈયાર કરવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો