યુવાન દીકરાના મોત બાદ હિંદુ પિતાએ મુસ્લિમોને કબ્રસ્તાન માટે જમીન કેમ આપી દીધી

ઇમેજ સ્રોત, Shahnawaz/BBC
- લેેખક, સીટૂ તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા, બક્સરથી
બિહારના બક્સર જિલ્લાના જનાર્દનસિંહના યુવાન પુત્રનું 18 નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું.
25 વર્ષીય દીકારના મૃત્યુ બાદ આજકાલ તેઓ એક કબ્રસ્તાનને સંચાલિત કરવા માટે કમિટી રચવામાં લાગેલા છે.
જનાર્દનસિંહ પોતાની એક વીઘો જમીન દીકરાના મૃત્યુ બાદ મુસ્લિમોના કબ્રસ્તાન માટે આપી દીધી છે.
જનાર્દને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારા દીકરાની માફક કોઈ પણ ધર્મ કે જાતિના માણસના અંતિમ સંસ્કાર સન્માન સાથે થવા જોઈએ. અમારા નજીકના ગામમાં મુસ્લિમ પરિવારો માટે કબ્રસ્તાન નથી. તો મારા દીકરાની યાદમાં આનાથી મોટું શું હોઈ શકે?"
શું છે મામલો?
બિહારના બક્સર જિલ્લાના ચૌસા બ્લૉકમાં રામપુર પંચાયતની હદમાં દેબી ડીહરા નામનું ગામ છે. આ ગામમાં જનાર્દનસિંહનો પરિવાર રહે છે. જનાર્દનસિંહ, દેહરાદૂનમાં આયુર્વેદિક દવાના કાચા માલનો વેપાર કરે છે.
જનાર્દનસિંહ અને તેમનાં પત્ની ગીતાદેવી ત્રણ બાળકોનાં માતાપિતા છે. જનાર્દનના સૌથી મોટા પુત્ર શિવમસિંહનું મોત દેહરાદૂન ખાતે એક માર્ગ અકસ્માતમાં થયું હતું. શિવમ એમબીએ સુધી ભણ્યા હતા અને તેઓ પોતાના પિતાનો કારોબાર સાચવતા હતા.
જનાર્દનસિંહે કહ્યું, "મારો શિવમ અત્યંત શાંત અને મળતાવડા સ્વભાવનો છોકરો હતો. બીજા ધર્મો પ્રત્યે સન્માન, પ્રાણીઓ સાથે પ્રેમ એ એના સ્વભાવમાં હતા. જ્યારે મેં બનારસના મણિકર્ણિકા ઘાટ પર તેના દાહ સંસ્કાર કર્યા તો લાગ્યું કે આ વિશ્વમાંથી દરેક મનુષ્યની વિદાય સારી રીતે થવી જોઈએ."

ઇમેજ સ્રોત, Shahnawaz/BBC
"મને પોતાના ગામની નજીકના મુસ્લિમ પરિવારો અંગે વિચાર આવ્યો કે એ લોકો એક કબ્રસ્તાન માટે પરેશાન છે. તેથી મેં આ નિર્ણય કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જનાર્દનસિંહનો પરિવાર સંપન્ન છે. તેમનાં માતા શારદાદેવી રામપુર પંચાયતનાં સરપંચ છે. જનાર્દનસિંહની દીકરી મેડિકલનું શિક્ષણ મેળવી રહી છે, તેમજ નાનો દીકરો આઠમા ધોરણમાં છે.
જનાર્દનસિંહે જણાવ્યું કે શિવમનાં હજુ લગ્ન નહોતાં થયાં.
કબ્રસ્તાન માટે હિંદુ-મુસ્લિમ કમિટી

ઇમેજ સ્રોત, Shahnawaz/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જનાર્દનસિંહના પરિવારનો સંબંધ સૈન્ય સાથે પણ રહ્યો છે.
જનાર્દનસિંહના દાદા મોતીસિંહ સૈન્યમાં હતા. પરિવાર પાસે રહેલા 1961માં ગોવાની આઝાદી માટે લડાયેલી લડાઈ સહિત ઘણા મેડલ, મોતીસિંહની સૈન્ય તાલીમ સમયની ડાયરી, આ વાતની સાક્ષી પૂરે છે.
પરંતુ જમીનને હસ્તાંતરિત કરવાની રીત શું છે?
આ સવાલના જવાબમાં જનાર્દનસિંહના ભાઈ અને વકીલ બૃજરાજસિંહે કહ્યું, "અમે લોકો એક કમિટીની રચના માટે કામ કરી રહ્યા છીએ, જેમાં કેટલાક હિંદુ હશે અને કેટલાક મુસ્લિમ. આ કમિટીનાં બે કામ હશે. પ્રથમ એ સુનિશ્ચિત કરવાનું કે જમીન કબ્રસ્તાન સિવાય કોઈ અન્ય હેતુ માટે ઉપયોગમાં ન લેવાય."
"અને બીજું એ કે તેની જાળવણી માટે કામ કરવું. હાલ આ જમીન પર પાક છે. અમે એવું પણ નક્કી કર્યું છે કે આ પાક લણીને જે રકમ મળશે તેનાથી કમિટી કબ્રસ્તાન ફરતે વાડ કરશે."
શું આ જમીન વકફ કરાશે?
આ સવાલ અંગે બૃજરાજસિંહ કહે છે કે, "કમિટી રચીને તેનાં બીજાં કાનૂની પાસાં જોવામાં આવશે, પરંતુ એટલું તો નક્કી છે કે અમારા આખા સંયુક્ત હિંદુ પરિવારનો હવે આ જમીન પર કોઈ દાવો નથી. આ જમીન અમારા ઘરના બાળકના નામથી મુસ્લિમ ભાઈઓને સદાય માટે આપી દેવાઈ છે."
'અમારા પૂર્વજોની કબર પર મેદાન બનાવી દીધું'

રામપુર પંચાયતમાં મુસ્લિમ વસતી વિશે વાત કરીએ તો ત્યાં 50-60 મુસ્લિમ પરિવારો રહે છે.
સગરા અને રસૂલપુર ગામમાં 20 મુસ્લિમ પરિવાર છે, પરંતુ આ પરિવારો પાસે પોતાના પરિવારજનોના અંતિમ સંસ્કાર માટે કોઈ કબ્રસ્તાન નહોતું.
મુહર્રમ મિયાં ઈંટની ભઠ્ઠીમાં કામ કરે છે. તેમનાં માતાનું મૃત્યુ આઠ વર્ષ પહેલાં થયું હતું. મુહર્રમના પિતા પણ વૃદ્ધ થઈ ગયા છે.
મુહર્રમ કહે છે કે, "માના મૃત્યુ બાદ તેમને ગામમાં જ દફન કરવાનાં હતાં. પરંતુ હવે એ જગ્યાએ સરકારી સ્કૂલ બની ગયું છે. બધી કબરો સપાટ થઈ ગઈ છે. અમારા પૂર્વજોની કબર પર સ્કૂલનું મેદાન બની ગયું અને છોકરા ત્યાં રમે છે. તેથી ભવિષ્ય માટે ચિંતા થયા કરે છે કે જો આગળ પરિવારમાં કોઈનું મૃત્યુ થશે તો તેનાં કફન-દફનની વ્યવસ્થા કેવી રીતે થશે?"
સગરા ગામમાં પહેલાં એક કબ્રસ્તાન હતું, પરંતુ અમુક વર્ષ પહેલાં ત્યાં સરકારી સ્કૂલ બની ગઈ. સ્થાનિકો જણાવે છે કે આ જમીન શિક્ષણ વિભાગની હતી.
જ્યારે ગામમાં સ્કૂલ ખૂલી તો એ કબ્રસ્તાનવાળી જગ્યાએ જ ઇમારત બની. પરંતુ આનાથી બે સમસ્યા પેદા થઈ ગઈ. પ્રથમ તો એ કે ગામના મુસ્લિમોના પૂર્વજોની કબરનાં કોઈ નામોનિશાન ન રહ્યાં અને બીજું એ કે મૃત્યુ બાદ મૃતદેહને પાંચ કિમી દૂર લઈ જઈને દફન કરવો પડતો.
'આ નકલી ઘર છે, અસલ ઘર કબ્રસ્તાન છે'

ઇમેજ સ્રોત, Shahnawaz/BBC
અલાઉદ્દીન એક મજૂર છે. તેઓ નિર્ગુણ પણ ગાય છે. નિર્ગુણ ગાયન એ એક પ્રકારનાં આધ્યાત્મિક ગીત છે, જે જીવન અને મૃત્યુની આસપાસ વણાયેલાં હોય છે.
અલાઉદ્દીન જણાવે છે, "અમારા બધા પૂર્વજો આ સ્કૂલ નીચે જ દફન છે. અમે રહ્યા અભણ માણસો, કોઈ કાગળ ન કરાવ્યા. બાદમાં જ્યારે સ્કૂલ બનવા લાગી તો ઘણી વાર ડીએમસાહેબ પાસે ગયા. ડીએમસાહેબે આશ્વાસન આપ્યું કે કબ્રસ્તાન મળી જશે, પરંતુ ન મળ્યું."
"હવે તો અમારા માટે તેઓ (જનાર્દનસિંહ) જ મસીહા બનીને આવ્યા છે. અમે લોકો હાલ તો નકલી ઘરમાં રહી રહ્યા છીએ, અમારું અસલ ઘર તો કબ્રસ્તાન જ છે."
બીબીસીએ સગરા ગામમાં જે મુસ્લિમ પરિવારો સાથે વાત કરી, તેમાંથી કોઈ પણ જિલ્લાધિકારી બક્સરને લખેલો કોઈ પત્ર ન રજૂ કરી શક્યો. પરંતુ તેમનો દાવો છે કે તેમણે ઘણાં વર્ષો સુધી આની ફરિયાદ કરી.
આ મુસ્લિમ પરિવારોના મોટા ભાગના લોકો ઈંટની ભઠ્ઠીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. હાલ તો પોતાનું કબ્રસ્તાન મળી જતાં મુસ્લિમ પરિવાર ખુશ છે.
32 વર્ષીય મુસ્તકીમનાં ત્રણ બાળકો છે. એ બધાં સરકારી સ્કૂલમાં ભણે છે.
મુસ્તકીમ કહે છે કે, "અમને લોકોને જે કબ્રસ્તાન મળ્યું છે, અમે તેની દેખરેખ રાખીશું, તેમાં વૃક્ષ-છોડ વગેરે ઉગાડીશું. ત્યાંની માટી લેવલ કરીશું. સ્વચ્છતા જાળવીશું."
"અમારી પાસે મસ્જિદ પણ નથી, અમે તેની માગ પણ કરી રહ્યા છીએ. પરંતુ કબ્રસ્તાન મળી ગયું, એ રાહતની વાત છે. અમે વિચારીએ છીએ કે જો અમે કબ્રસ્તાન બનાવીને રાખીશું તો બાળકોને ભવિષ્યમાં તકલીફ નહીં પડે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












