ગામ પાસે ફરતા 10-12 વાઘથી પોતાનાં બાળકોને બચાવવાનું બીડું ઉપાડનાર મહિલાઓની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મહારાષ્ટ્ર, મહિલા

ઇમેજ સ્રોત, BHAGYASHRI RAUT

    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી મરાઠી માટે

ગામની ચારેકોર ઘનઘોર જંગલ આવેલું છે. ગામના લોકો વાઘના ભયના ઓથાર હેઠળ જીવે છે. વાઘ ક્યાંથી અને ક્યારે અણધાર્યો ત્રાટકશે, તે કહેવું મુશ્કેલ છે. વન્ય પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે ગામની ફરતે તારની વાડ લગાવી દેવામાં આવી છે. ગામની સ્થિતિ કંઈક એવી છે કે, પ્રાણીઓ જંગલમાં મુક્તપણે ઘૂમી રહ્યાં છે અને લોકો વાડની અંદર કેદ છે.

આ દ્રશ્ય ચંદ્રપુર જિલ્લાના મોહોર્લી વન વિસ્તારના સીતારામપેઠ ગામનું છે. આ ગામ તાડોબા ટાઇગર રિઝર્વ એરિયા હેઠળ આવે છે.

ગામથી બસ સ્ટેન્ડ સુધી 400 મીટરનો ધૂળિયો રસ્તો છે. એક તરફ ઘનઘોર જંગલ આવેલું છે અને બીજી તરફ ખેતર છે. આખા માર્ગ પર એકેય સ્ટ્રીટ લાઇટ નથી. આ રસ્તા પર ગ્રામજનોને અવાર-નવાર વાઘ દેખા દે છે.

કેટલીક વખત વાઘ ઢોર-ઢાંખર પર હુમલો કરે છે. કેટલીક વખત ગામના લોકો વાઘને જંગલમાંથી ગામમાં આવતો જુએ છે. આથી, આ માર્ગ પર પ્રવાસ ખેડનારા ગ્રામજનોનો ભય સ્વાભાવિક છે.

વન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ ગામના વિસ્તારમાં 10થી 12 વાઘ નિયમિતપણે ફરતા જોવા મળે છે. વાઘના જોખમને કારણે, આ ગામની ચારટ માતાએ તેમનાં બાળકો સલામત રીતે શાળાએ જઈ-આવી શકે, તે સુનિશ્ચિત કરવા માટે પહેલ હાથ ધરી હતી.

રાતના ગાઢ અંધકારમાં, કોઈપણ સમયે વાઘ હુમલો કરી શકે, તેવા માર્ગ પર આ ચાર મહિલાઓ હાથમાં લાકડીઓ અને ટોર્ચ સાથે તેમનાં બાળકોનું રક્ષણ કરે છે.

કિરણ ગેદમ, વેણુ રંદાયે, રીના નાત અને સીમા મદાવી - આ ચારેય બહાદુર મહિલાઓએ વાઘના ભયની વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે.

આ ચારેય મહિલાઓના સાહસને જોવા માટે અમે તાડોબા નજીક આવેલા સીતારામપેઠ ગામની મુલાકાત લીધી. ગામની વસ્તી આશરે 200 જેટલી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મહારાષ્ટ્ર, મહિલા

ઇમેજ સ્રોત, BHAGYASHRI RAUT

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ગામના 11 વિદ્યાર્થીઓ સાત કિલોમીટર દૂર આવેલા મુધોલીમાં ભણવા માટે જાય છે. આ માટે તેમણે બસ સ્ટેન્ડથી બસ પકડવાની રહે છે, જે ગામથી 400 મીટરના અંતરે આવેલું છે. જોકે, 400 મીટરનો આ રસ્તો વન્ય પ્રાણીઓને કારણે ભારે જોખમભર્યો બની રહે છે.

આ માર્ગ પર વાઘ જોવા મળવો સામાન્ય છે. દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુશાંત નાતે જણાવ્યું હતું, "ગયા મહિને જ્યારે અમે સ્કૂલે ગયા, ત્યારે અમે ગામની નજીક વાઘ જોયો હતો. તે ગાયની પાછળ ભાગી રહ્યો હતો. વાઘને જોતાંવેંત અમે ગામમાં ભાગી ગયા. અમે બૂમાબૂમ કરી. ગામના લોકો એકઠા થઈ ગયા અને અમને પૂછ્યું કે, શું થયું? અમે કહ્યું કે, અમે વાઘ જોયો. કેટલીક વખત વાઘ માર્ગ પર ચાલી રહ્યો હોય છે. કેટલીક વખત તે ગાય પર હુમલો કરતો દેખાય છે. અમે નાનાં બાળકો છીએ. તે અમારા પર પણ હુમલો કરી શકે છે. આ સ્થિતિમાં અમે શાળાએ શી રીતે જઈ શકીએ? અમે ગામના લોકો સાથે આ વિશે વાત કરી હતી."

અગાઉ સુશાંત અને તેના ગામનાં અન્ય બાળકો બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા પછી ગામમાં જવા દોટ મૂકતાં હતાં. પણ, તેમાં પણ જોખમ રહેલું હતું. આથી, ગામની ચાર મહિલાઓ તેમનાં બાળકોનું રક્ષણ કરવા માટે આગળ આવી.

અંધારામાં બાળકોનું રક્ષણ

સવારે 9.45 વાગ્યે, મુધોલી જતી બસ આવી પહોંચે છે. તમામ બાળકો તૈયાર થઈને ગામના ચોકમાં એકઠાં થાય છે. તે પછી આ ચાર મહિલાઓ બાળકોને બસ સ્ટેન્ડ સુધી લઈ જાય છે. બાળકો વચ્ચે હોય છે અને તેમની ચારેય બાજુ આ મહિલાઓ તેમનું રક્ષણ કરે છે.

બસ સ્ટૅન્ડ પર કાયમ વાઘ જોવા મળતા હોય છે. બસ આવી ન પહોંચે, ત્યાં સુધી આ મહિલાઓ ત્યાં ઊભી રહે છે. તમામ બાળકો વચ્ચે હોય છે અને તેમની ફરતે ચારેય મહિલાઓ એકબીજાની સામે ઊભી રહે છે, જેથી વાઘ પાછળથી આવે, તો તેને જોઈ શકાય.

બાળકો સાંજે 6.45 વાગ્યે આવતી એસટી કૉર્પોરેશનની બસમાં શાળાએથી પરત ફરે છે. ત્યાં સુધીમાં તો ભારે અંધારૂં થઈ ગયું હોય છે. ગામથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગે કોઈ લાઇટ નથી. વાઘ કે અન્ય કોઈ રાની પશુ ગમે તે સમયે આવી શકે છે. આથી ચાર મહિલાઓ હાથમાં લાકડી અને ટૉર્ચ લઈને બાળકોને લેવા માટે બસ સ્ટૅન્ડ પહોંચી જાય છે.

બસ આવે, ત્યારે મહિલાઓ બાળકોની ફરતે રક્ષણાત્મક સાંકળ રચે છે અને તેમને ગામમાં લઈ જાય છે.

રોડ પરથી પસાર થતી વખતે મહિલાઓ ટૉર્ચની મદદથી પશુઓ પર નજર રાખે છે. સાથે જ તેઓ લાકડીઓ વડે અવાજ પણ કરે છે, બૂમો પાડે છે અને ગણગણાટ કરે છે, આથી જો આસપાસમાં ક્યાંય વાઘ હોય, તો તે ભાગી જાય.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મહારાષ્ટ્ર, મહિલા

ઇમેજ સ્રોત, BHAGYASHRI RAUT

ચાર પૈકીની એક મહિલા કિરણ ગેદમ કહે છે, "રાતના અંધારામાં બસ સ્ટેન્ડથી ગામ સુધીનો 15 મિનિટનો રસ્તો ઘણો જોખમભર્યો છે. અમને બીક હોય છે કે, ક્યાંક વાઘ ન આવી પહોંચે, ક્યાંક સાપ માર્ગમાં ન આવી જાય. બાળકોને લેવા જતી વખતે અમે વાઘને જોઈએ છીએ. પણ અમે બાળકોને તે કહેતાં નથી. કારણ કે, તેમને કહીએ તો તેઓ ડરી જાય છે. આવતી વખતે અમે વાઘને જોઈએ, તો અમે હાકોટા કરવા માંડીએ છીએ અથવા તો જો તેનું ધ્યાન અન્યત્ર ક્યાંય હોય, તો અમે જતાં રહીએ છીએ. ગામમાં ન પ્રવેશીએ, ત્યાં સુધી અમારા મનમાં ડર સતાવતો હોય છે. ગામમાં પહોંચ્યા પછી અમને હાશકારો થાય છે."

પણ આ મહિલાઓએ બાળકોનું રક્ષણ કરવા માટે શા માટે પહેલ કરવી પડી?

વાઘ ગામની આસપાસ ફરતા રહે છે. બાળકો શાળાએ જતી વખતે હંમેશાં વાઘને જુએ છે.

કિરણ કહે છે, "બાળકો વાઘને ફરતો, અમુક વખત કોઈ પશુ પર હુમલો કરતો જોતાં હતાં. તેઓ ઘણાં ડરતાં હતાં. તેઓ ફરિયાદ કરતાં હતાં કે, ડરી ગયાં હોવાથી તેઓ સ્કૂલે જશે નહીં. આથી, જ્યારે વન વિભાગના લોકો ગામમાં આવ્યા, ત્યારે અમારાં બાળકોએ તેમને બસ સ્ટૅન્ડ સુધી પહોંચાડવા માટે ગાર્ડ તહેનાત કરવાની માગણી કરી. પણ અધિકારીઓએ કોઈ પગલાં ભર્યાં નહીં. આથી, અમે જાતે જ અમારાં બાળકોનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મહારાષ્ટ્ર, મહિલા

ઇમેજ સ્રોત, BHAGYASHRI RAUT

શાળાએ જતાં આ 11 બાળકોમાં આ ચાર મહિલાઓનાં બાળકો છે. પણ સાથે જ તેઓ ગામનાં તમામ બાળકોનું પણ રક્ષણ કરે છે.

કિરણ જણાવે છે, "અમારા ગામમાં બસ સ્ટૅન્ડથી ગામ સુધી વીજળીની વ્યવસ્થા હોવી જોઈએ. અમે બાળકોની સુરક્ષા માટે કામ કરીએ છીએ. વન વિભાગે આ માટેની જવાબદારી ઉઠાવવી જોઈએ. તે માટે અમને ગાર્ડ્ઝનો બંદોબસ્ત કરી આપવો જોઈએ. અમને અવાજ કરે, તેવી ઇલેક્ટ્રિક સ્ટિક્સ આપવી જોઈએ. વાઘ આવી સ્ટિકથી ડરતા હોય છે. તેનાથી અમારી હિંમત વધશે. અમે વધુ સલામતીપૂર્વક બાળકોને પરત લાવી શકીશું."

વન વિભાગની પ્રતિક્રિયા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મહારાષ્ટ્ર, મહિલા

ઇમેજ સ્રોત, BHAGYASHRI RAUT

મોહોર્લીના ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંતોષ થિપેએ બીબીસી મરાઠી સાથે વાત કરતાં કહ્યું હતું કે, તાડોબા ટાઇગર રિઝર્વ ફૉરેસ્ટે પણ આ મહિલાઓના કાર્યની નોંધ લીધી છે અને તાડોબાનાં અન્ય 105 ગામોમાં આ પ્રયોગનો અમલ કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું, "માનવ-વન્ય પ્રાણી વચ્ચેનું ઘર્ષણ ટાળવા માટેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મહિલાઓ શાળાએ જતાં બાળકોનું રક્ષણ કરવા માટે આગળ આવી છે."

"તેમના આ કાર્યની માધ્યમો થકી લોકોને જાણ થઈ, તે પછી તાડોબા અંધારી ટાઇગર રિઝર્વની સીમામાં આવતાં 105 ગામોમાં તેનો અમલ કરવામાં આવશે. આ રીતે બાળકોને લાવનારી-લઈ જનારી પ્રત્યેક વ્યક્તિને હજાર રૂપિયા આપવામાં આવશે. ચાર વ્યક્તિની ટીમને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે. આ કાર્ય કરનારી મહિલાઓને ઇલેક્ટ્રિક સ્ટિક, જૅકેટ તથા ટૉર્ચ આપવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન