જાપાનમાં બે વર્ષ વહેલાં ‘જવાન’ થઈ જશે યુવક-યુવતીઓ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનમાં સરકારે પુખ્તતાની ઉંમર 20 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાનો કાયદો બનાવતું બિલ રજૂ કર્યું છે. વર્ષ 2022માં જ્યારે આ કાયદો અમલી બનશે ત્યારે દેશના લાખો યુવક-યુવતીઓને તેની અસર થશે.

છેલ્લે વર્ષ 1876માં આ માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો.

18 વર્ષનાં યુવાનોને કેવી છૂટ મળશે?

આ કાયદાથી સૌથી મોટો બદલાવ આવશે એ છે કે 18 વર્ષનાં યુવાનો માતાપિતાની પરવાનગી વિના લગ્ન કરી શકશે.

હાલમાં અહીં યુવકની ઉંમર 18 વર્ષ અને યુવતીની ઉંમર 16 વર્ષથી વધુ હોય તો લગ્ન કરવા માટે માતાપિતાની પરવાનગી લેવી જરૂરી છે.

પરંતુ આ કાયદો લાગું થતા કોઈપણ 18 વર્ષના યુવાઓને લગ્ન કરવા માટે માતાપિતાની પરવાનગીની જરૂર પડશે નહીં.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બીજી એક ખાસ વાત કે આ કાયદા અંતર્ગત યુવાઓને લૉન અને ક્રેડિટ કાર્ડ લેવા માટે માતાપિતાની મંજૂરીની જરૂર પડશે નહીં. તેઓ દસ વર્ષ માટે પાસપોર્ટ પણ મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જાપાનમાં સગીર વયના બાળકોને પાંચ વર્ષ માટે પાસપોર્ટ આપવામાં આવે છે.

એમાં પણ માતાપિતા અથવા વાલીની સહી હોય તો જ ઈશ્યૂ કરવામાં આવે છે.

પુખ્તતામાં થયેલા સુધારાને કારણે જાપાનના બીજા 20 કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ કાયદા અંતર્ગત જે લોકોએ પોતાની જાતિમાં ફેરફાર કર્યો હોય તેઓ 18 વર્ષની ઉંમરે આ અંગે નોંધણી કરાવી શકશે.

line

લોકોની પ્રતિક્રિયાઓ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ કાયદા અંતર્ગત 18 વર્ષના યુવાનો દારૂ, ધૂમ્રપાન કરવા, જુગાર રમવો કે બાળકોને દત્તક લેવા જેવી પ્રવૃત્તિઓ કરી શકશે નહીં.

આ અંગે સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ જોઈએ તો તેઓ ઉત્સાહી નથી લાગી રહ્યા.

ટ્વીટર પર એક યૂઝરે લખ્યું, "હું 18 વર્ષનો થઈશ તો દારૂ નહીં પી શકું અને ગેમ્બલિંગ નહીં કરી શકું? આ વાજબી નથી લાગતું."

તમે આ વાંચ્યું કે નહીં?

બીજા એક યૂઝરે લખ્યું,"હું 18 વર્ષે લૉન લઈ શકીશ પરંતુ દારૂ નહીં પી શકું."

ઉલ્લેખનીય છે કે જાપાનમાં જે બાળકો 20 વર્ષના થાય છે તેમના માટે દર વર્ષ જાન્યુઆરીમાં એક દિવસ રજા જાહેર કરવામાં આવે છે જેને 'કમિંગ ઑફ એજ સેરેમની' કહેવાય છે.

એક ટ્વિટર યૂઝરે લખ્યું, "તો શું 20 વર્ષે પણ અમારી 'એજ સેરેમની' ઉજવાશે?"

line

બદલાવ શા માટે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દાયકાઓથી જાપાનમાં આ પુખ્તતાની ઉંમર અંગે ચર્ચાઓ થતી આવી છે.

ન્યાય મંત્રાલયની લેજિસ્લેટિવ કાઉન્સિલે વર્ષ 2009માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં પુખ્તતાની ઉંમર 18 વર્ષથી ઘટાડવાની ભલામણ કરી હતી.

આ કાયદાના અમલ માટે વર્ષ 2022ની રાહ જોવી પડશે. મતલબ કે જે યુવાનો હાલમાં 18 વર્ષના છે તેઓ 20 વર્ષના થશે ત્યારે બંધારણીય રીતે પુખ્ત બનશે.

જે યુવાનો હાલમાં 14 વર્ષના છે તેઓ વર્ષ 2022માં નવા કાયદા પ્રમાણે પુખ્ત ગણાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો