કેન્યા: કોણ છે પટેલ ડેમના માલિક, જે ડેમ તૂટતા 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે

ઇમેજ સ્રોત, AFP
કેન્યાના જળ વિભાગના સત્તાધીશોએ જણાવ્યું હતું કે જે પટેલ ડેમ તૂટી પડવાને કારણે 40થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં એ ડેમ ગેરકાયદે બાંધવામાં આવ્યો હતો.
પટેલ ડેમ પાટનગર નાઇરોબીથી 190 કિલોમીટર દૂર આવેલા સોલાઈ નજીકનાં અનેક વિશાળ ફાર્મ હાઉસીસમાં બાંધવામાં આવેલા ડેમો પૈકીનો એક હતો.
જળસ્રોત મેનેજમેન્ટ ઑથૉરિટી(વાર્મા)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ ડેમનું નિર્માણ પરવાનગી વિના કરવામાં આવ્યું હતું.
બુધવારની દૂર્ઘટના બાદ અનેક લોકો હજુ પણ લાપતા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
શુક્રવારે મૃત્યુઆંક 45 થયો હતો. અત્યાર સુધીના મૃતકો પૈકીના મોટાભાગનાં બાળકો છે. આ સંબંધે તપાસ શરૂ કરવામાં આવી છે.

કોણ છે ડેમના માલિક?

કેન્યાના સ્થાનિક મીડિયા અનુસાર આ ડેમ મનસુકુલ પટેલની માલિકીનો હતો.
કેન્યાની ન્યૂઝ વેબસાઇટ www.nation.co.keના એક અહેવાલ મુજબ મનસુકુલ પટેલ કેન્યાના સોલાઈમાં એક મોટા ખેડૂત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત તેઓ પટેલ કોફી એસ્ટેટ લિમિટેડના માલિક પણ છે. તેઓ ડેરી ઉદ્યોગ અને પશુ ઉછેરના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.
અહેવાલ મુજબ તેમણે પોતાની 6000 એકર જમીનમાં સાત ગેરકાયદે ડેમ બાંધ્યા છે.
આ જ ડેમોમાંથી એક 2015માં તૂટ્યો હતો પરંતુ તેનાથી કોઈ જાનહાની થઈ ન હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
વાર્માનાં પ્રવક્તા ઇલિઝાબેથ લુવોંગાએ જણાવ્યું હતું કે ફાર્મ હાઉસમાંના ડેમ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. તમામ ડેમ ગેરકાયદે છે.
ઇલિઝાબેથે કહ્યું, "એ બધા ડેમોનું નિર્માણ આશરે 15-20 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને બધા ગેરકાયદે છે."
જોકે, ફાર્મના જનરલ મેનેજર વિનોદ કુમારે તમામ આક્ષેપોનો ઇનકાર કર્યો હતો.
તૂટી પડેલા પટેલ ડેમમાંથી 70 મિલિયન લિટર પાણી તેના નીચાણવાળા વિસ્તારમાં વહી ગયું હોવાના અહેવાલ છે.
'ડેઇલી નેશન' ના જણાવ્યા અનુસાર, વહેલાં પાણીનો પ્રવાહ આશરે દોઢ મીટર ઊંચો અને 500 મીટર પહોળો હતો.
એ પાણીના પ્રવાહમાં એક પ્રાથમિક શાળા અને પાવર લાઇન્સ સહિતનું તમામ તણાઈ ગયું હતું.

ઘટનાસ્થળે શું ચાલી રહ્યું છે?

ઇમેજ સ્રોત, AFP
બીબીસી ન્યૂઝ, કેન્યાનાં એન સોયના અહેવાલ અનુસાર, સોલાઈમાં તૂટી પડેલા બંધમાંથી પાણી જે વિસ્તારમાં ફરી વળ્યું હતું એ સમગ્ર પ્રદેશમાં કેન્યાનું સૈન્ય તથા રેડક્રોસના સ્વયંસેવકો શોધખોળ કરી રહ્યા છે.
એક સ્વયંસેવકે કહ્યું , "ગઈકાલે અમને જમીન પરથી મૃતદેહો મળ્યા હતા, પણ હવે વધુ શબ શોધવા માટે કાદવને ખોદવાનું શરૂ કર્યું છે."
મૃતદેહોની ઓળખના કામમાં સ્થાનિક પરિવારો મદદ કરી રહ્યા છે.

'હું ઝાડને વળગેલો રહ્યો હતો'

ઇમેજ સ્રોત, Reuters
જોસેફાટ કિમેલીએ બીબીસીને કહ્યું હતું, "અચાનક પૂર આવ્યું હતું. હું ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યાં મારી બે દીકરીઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી."
"હું મારી પત્ની તથા બે દીકરાઓને બચાવી શક્યો, પણ હવે મને મારી દીકરીઓને ગૂમાવ્યાનું દુઃખ થાય છે."
ઘાયલો પૈકીના એક નુગી જોરોગેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારથી વિખૂટા પડી ગયા છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નુગી જોરોગેએ કહ્યું હતું, "ઘટના બની ત્યારે હું મારાં માતા-પિતા તથા નાના ભાઈ સાથે હતો. એ લોકો અત્યારે ક્યાં છે એ હું જાણતો નથી."
"હું પાણીના પ્રવાહમાં ખેંચાયો હતો, પણ એટલો સદભાગી હતો કે પાણી ઓસર્યું નહીં ત્યાં સુધી એક ઝાડને વળગેલો રહી શક્યો."
નાકુરુ કાઉન્ટીના ગવર્નર લી કિન્યાનજુઈએ જણાવ્યું હતું કે 40 લોકોનો કોઈ પત્તો નથી.
પટેલ ડેમ જે ફાર્મ હાઉસમાં આવેલો હતો તેમાં ફૂલો, મેકેડેમિયા નટ્સ અને કોફીની ખેતી કરવામાં આવતી હતી.
આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમ તૂટી પડ્યો હતો અને ગુરુવારે પણ વરસાદ ચાલું રહેતાં બચાવ કાર્ય વધુ મુશ્કેલ બન્યું હતું.
આ વિસ્તારમાંના અન્ય ડેમની સલામતી બાબતે ભય સેવાઈ રહ્યો છે. નાકુરુ કાઉન્ટીના ગવર્નરે ચેતવણી આપી હતી કે બીજી દૂર્ઘટના અટકાવવા કમસેકમ એક ડેમ ખાલી કરવો પડશે.
સત્તાવાર આંકડા અનુસાર, પટેલ ડેમની દૂર્ઘટના પહેલાં માર્ચથી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને લીધે 132 લોકો મૃત્યુ પામ્યાં છે. 2.20 લાખથી વધુ લોકોના ઘરોનો વિનાશ થયો છે.
આકરા દુકાળ પછી પડેલા ભારે વરસાદનું બધું પાણી જમીનમાં શોષાઈ શકે તેમ નથી. લાખો લોકો માટે ભોજનની સમસ્યા સર્જાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















