આઈફોન 14 : શું છે ઍપલના નવા ફોનનાં ખાસ ફીચર?

ઍપલ આઈફોન 14

ઇમેજ સ્રોત, APPLE

    • લેેખક, શિઓના મૈક્કલમ
    • પદ, ટેકનૉલૉજી રિપોર્ટર

ઍપલે ઇમર્જન્સી સેટેલાઇટ કનેક્ટિવિટી અને કાર ક્રૅશ ડિટેક્શન ટેકનૉલૉજી જેવાં ફીચર ધરાવતા આઈફોન 14 અને આઈફોન 14 પ્રો લૉન્ચ કરી દીધા છે.

કંપનીએ અમેરિકાના કપર્ટિનોસ્થિત પોતાના હેડક્વાર્ટરમાં આ નવા હૅન્ડસેટનાં ચાર વર્ઝન ઔપચારિકપણે લૉન્ચ કર્યાં હતાં.

કોરોના મહામારી બાદ પહેલી વખત એવું થયું છે કે ઍપલના કોઈ ઇવેન્ટમાં આટલા લોકો લૉન્ચિંગમાં સામેલ થયા હતા.

આઈફોનની નવી સિરીઝ સિવાય ઍપલે દુનિયાની સામે વધુ એક નવી વસ્તુ રજૂ કરી. તે હતી સ્પૉર્ટ્સ વેરેબલ વૉચ અલ્ટ્રા.

આ લૉન્ચિંગ ઇવેન્ટમનાં નેક્સ્ટ જનરેશનનાં આઈફોન, વૉચ અને ઍરપૉડ્સ પ્રોડક્ટ પર લોકોનું ખાસ ધ્યાન રહ્યું હતું.

ઍપલના કૅલિફોર્નિયાના કૅમ્પસના સ્ટીવ જોબ્સ થિયેટરમાં કંપનીના સીઈઓ ટિમ કૂક સ્ટેજ પર હતા પરંતુ તેમનું પ્રેઝન્ટેશન પ્રી-રેકૉર્ડેડ હતું.

line

આઈફોન 14

ઍપલ આઈફોન 14
ઇમેજ કૅપ્શન, ઍપલના સીઈઓ ટિમ કૂકે બીબીસીને જણાવ્યું કે લૉન્ચિંગ ઇવેન્ટમાં લોકોની વચ્ચે હાજર રહેવું સારું લાગ્યું

ઍપલ આઈફોન 14ને બે સાઇઝોમાં લાવી રહ્યું છે. પહેલા મૉડલનું નામ આઈફોન 14 અને બીજાનું નામ આઈફોન 14 પ્લસ રાખવામાં આવ્યું છે.

નવું મૉડલ સેટેલાઇટની મદદથી ઇમર્જન્સીમાં કૉલ કરવામાં સક્ષમ હશે. આ ફોન માથા પર આકાશમાં પસાર થઈ રહેલા સેટેલાઇટનું લૉકેશન ટ્રૅક કરી શકશે.

એક સામાન્ય એવો સંદેશ મોકલવામાં આ ડિવાઇસને 15 સેકંડથી કેટલીક મિનિટ લાગી શકે છે. કંપનીના ચીફ ઍનાલિસ્ટ બેન વૂડે કહ્યું, "સેટેલાઇટ ક્ષમતા વિકસિત કરવા માટે કરવામાં આવેલા રોકાણની અવગણના કરી ન શકાય."

"ઍપલને આ પહેલીનું સમાધાન શોધવામાં ઘણાં વર્ષ લાગ્યાં છે. સેટેલાઇટ પ્રોવાઇડર ગ્લોબલસ્ટારની સાથે વ્યાપારિક સમજૂતી કરવામાં આવી છે. ઇમર્જન્સી સેવાઓને સંદેશ મોકલવા માટે જરૂરી પાયાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે."

ટેક ઍનાલિસ્ટ પાઓલો પેસ્કાટોરનું માનવું છે કે આ નવું ફીચર વિપરીત પરિસ્થિતિ ધરાવતા વિસ્તારોમાં રહેતા ઉપભોક્તાઓ માટે સારા સમાચાર છે.

"એ જોવું સારું લાગે છે કે સર્વિસ પ્રોવાઇડર સેટેલાઇટના ઉપયોગને લઈને ગંભીર બની રહ્યા છે. ભરોસાપાત્ર અને મજબૂત કનેક્ટિવિટીની ઉપભોક્તાઓમાં ખૂબ માગ છે."

line

આઈફોન 14નો કૅમેરા

ઍપલ આઈફોન 14

ઇમેજ સ્રોત, APPLE INC/REUTERS

ઍપલે તેની સાથે જ 12 મેગાપિક્સેલના એક નવા કૅમેરાને રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે આ કૅમેરા ઝડપથી મૂવ થતી કોઈ વસ્તુની પણ તસવીર લેવામાં સક્ષમ છે.

કંપનીનો એ પણ દાવો છે કે ઓછી રોશની ધરાવતા વિસ્તારમાં તસવીર લેવાના મામલે આ કૅમેરા પહેલાંની સરખામણીએ 49 ટકા ઉત્તમ છે.

ફ્રન્ટ કૅમેરામાં પહેલી વખત ઑટો ફોકસ ફીચર સામેલ કરવામાં આવ્યું છે જેથી સેલ્ફી લેનારા આઈફોન યુઝરોનો અનુભવ વધુ સારો બનાવી શકાય.

ઍપલે જણાવ્યું કે આઈફોન યુઝરો છેલ્લા 12 મહિના દરમિયાન ત્રણ ટ્રિલિયન કરતાં પણ વધારે તસવીરો લીધી છે.

આઈફોન 14ની અમેરિકામાં કિંમત 799 ડૉલર રાખવામાં આવી છે.

line

આઈફોન 14 પ્રો

ઍપલ આઈફોન 14

ઇમેજ સ્રોત, APPLE

આઈફોન 14 પ્રો અને આઈફોન 14 પ્રો મૅક્સની ડિઝાઇનમાં જે સૌથી મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે, તે છે તેની સ્ક્રીન. હવે તે કૅપ્સ્યૂલ જેવી લાગે છે.

ઍપલ યૂઝર મોટાભાગે બ્લૅક નૉચ ફીચરની ટીકા કરતા હતા. કંપનીએ હવે તેની જગ્યાએ ડાયનામિક આઇલૅન્ડ ફીચર લૉન્ચ કર્યું છે.

નોટિફિકેશન પ્રમાણે તે પોતાનું લે-આઉટ બદલી શકશે. બીજું મોટું પરિવર્તન એ કરવામાં આવ્યું છે કે આ હૅન્ડસેટ હવે હંમેશાં ઓન રાખી શકાય છે.

જ્યારે ફોનનો ઉપયોગ નહીં થાય ત્યારે સ્ક્રીન ઝાંખી પડી જશે અને તેનો રિફ્રેશ રેટ પણ ઓછો કરવામાં આવ્યો છે.

ગાઢ પર્પલ કલર સિવાય બ્લૅક, સિલ્વર, અને ગોલ્ડ કલરના ઑપ્શનમાં પણ આ હૅન્ડસેટ ઉપલબ્ધ હશે.

આઈફોન 14 પ્રોની અમેરિકામાં કિંમત 999 ડૉલર રાખવામાં આવી છે જે ભારતીય કરન્સીમાં આશરે 80 હજાર રૂપિયા હશે.

line

ઍરપૉડ્સ પ્રો

ઍપલ આઈફોન 14

ઇમેજ સ્રોત, APPLE

ઍરપૉડ્સ પ્રોને શોધવું તેના પહેલાંના વર્ઝનની સરખામણીએ સહેલું છે. દરેક જોડીમાં એક નવી સિસ્ટમ રાખવામાં આવી છે જેની મદદથી કોઈ એક ઍરપૉડને શોધી શકાશે.

જો તે કેસની બહાર રહી જશે તો તેની અંદરથી હળવો એવો અવાજ આવતો રહેશે. આ સિવાય કેસમાં સ્પીકર પણ લગાવવામાં આવ્યા છે જે ફાઇન્ડ માય ઍપ પર શોધવા પર વધુ અવાજ પેદા કરશે.

નવા ઍરપૉડ્સ પ્રોની કિંમત અમેરિકામાં 249 ડૉલર રાખવામાં આવી છે જે ભારતીય કરન્સીમાં 20 હજાર રૂપિયા જેટલી હશે.

line

ઍપલ વૉચ સિરીઝ 8

ઍપલ આઈફોન 14

ઇમેજ સ્રોત, APPLE

ઍપલ વૉચ સિરીઝ 8માં ઘણાં નવાં ફીચર ઉમેરવામાં આવ્યાં છે. તેને કાર ક્રૅશ ડિટેક્શન, પિરિયડને ટ્રૅક કરતા ટેમ્પરેચર સેન્સર અને ઓછી ઍનર્જીનો ઉપયોગ કરે તેવાં ખાસ ફીચર છે. અમેરિકામાં ગર્ભાપત સાથે જોડાયેલા કાયદામાં પરિવર્તન બાદ જ પિરિયડ પર દેખરેખ રાખતા ફીચર મામલે કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી છે.

એ વાત મામલે ચિંતા છે કે તંત્ર આ ડેટાનો ઉપયોગ કરી શકે છે. જોકે, ઍપલનું કહેવું છે કે તેના ડિવાઇસ પર ઉપલબ્ધ ડેટા ઍન્ક્રિપ્ટેડ હશે અને તેને માત્ર પાસકોડ કે બાયૉમૅટ્રિકથી જ પ્રાપ્ત કરી શકાશે.

ઍપલના ચીફ ઑપરેટિંગ ઑફિસર જેફ વિલિયમ્સે કહ્યું, "મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે અમે અમારી પ્રતિબદ્ધતાને વધારે આગળ લઈ જઈ રહ્યા છીએ."

ઍપલે કહ્યું છે કે તે મહિલાઓ જે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરી રહી છે, તેમને પાછલા પિરિયડ સાથે જોડાયેલા ઑટોમેટિક નોટિફિકેશનથી મદદ મળી શકે છે. જો આ ફીચરને ઍક્ટિવેટ કરવામાં આવે તો આ ઘડીયાળ દરેક પાંચ સેકંડ પર શરીરના તાપમાનને રેકૉર્ડ કરશે અને પિરિયડના સંકેત આપતા કોઈ પણ પરિવર્તનને ડિટેક્ટ કરી લેશે.

તેમાં હજુ પણ એક નવું ફીચર લાવવામાં આવ્યું છે અને તે છે કાર ક્રેશ ડિટેક્શન ટેકનૉલૉજી. સેન્સરનો ઉપયોગ કરીને આ ઘડીયાળ ગંભીર દુર્ઘટનાને ઓળખી શકે છે અને તેને પહેરનારાને ઇમર્જન્સી સેવાઓ સાથે કનેક્ટ કરી દેશે. આ ઘડીયાળ પહેરનારાના લૉકેશન અને તેના ઇમર્જન્સી કૉન્ટેક્ટ વિશે પણ જાણકારી આપશે.

આ સિવાય તેમાં વધુ એક નવું ફીચર છે અને તે ઓછી ઍનર્જી વાપરતી ટેકનૉલૉજી જેનાથી બૅટરી વધારે ચાલી શકે. ઍપલ વૉચમાં આ ફીચર આઈફોનથી લેવામાં આવ્યું છે. ત્યારબાદ વૉચ સિરીઝ 8 ફુલ ચાર્જ થયા બાદ 36 કલાકનું બૅટરી બૅક-અપ આપી શકશે. ઍપલ વૉચ સિરીઝ 8ની અમેરિકામાં કિંમત 399 ડૉલર હશે જે ભારતીય રૂપિયામાં 32 હજાર આસપાસ હશે.

line

ઍપલ વૉચ અલ્ટ્રા

ઍપલ આઈફોન 14

ઇમેજ સ્રોત, APPLE

સ્વિમ પ્રૂફ, ડસ્ટ પ્રૂફ અને ક્રેક રેઝિઝટન્સ... ઍપલે આ નવી સ્પૉર્ટ્સ વેરેબલ વૉચ અલ્ટ્રામાં આવાં જ કેટલાંક નવાં ફીચર્સની જાહેરાત કરીને પોતાના પ્રતિદ્વંદ્વીઓને સંદેશ આપી દીધો છે.

ગારમીન, પોલર અને બીજી ઘણી કંપનીઓ આવાં ફીચરથી સજ્જ ઘડીયાળો બનાવતી રહી છે.

મૅરેથૉન દોડવીર સ્કૉટ જ્યુરેક આ નવી ઘડિયાળના પ્રેઝન્ટેશનમાં જોવા મળ્યા. એક્સ્ટ્રીમ સ્પૉર્ટ્સમાં ઉપયોગ માટે આ ઘડીનું ડાયલ મોટું રાખવામાં આવ્યું છે.

સિંગલ ચાર્જમાં અલ્ટ્રા વૉચ 36 કલાકનું બૅકઅપ આપશે. તેમાં 60 કલાકની એક્સટેંડેટ બૅટરી લાઇફનું પણ ફીચર આપવામાં આવ્યું છે.

જોકે, ઍપલે સ્વિમિંગ, સાઇકલિંગ અને રનિંગ માટે વૉચ યુઝર્સને તેમની જરૂરત પ્રમાણે બૅટરી બૅક-અપ આપવાનો વાયદો કર્યો છે.

અમેરિકામાં ઍપલ વૉચ અલ્ટ્રાની કિંમત 799 ડૉલર રાખવામાં આવી છે જે ભારતીય મુદ્રામાં 63,705 રૂપિયા જેટલી હશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન