પીરાણા ઇમામશાહ દરગાહ : તારની વાડથી દીવાલ અને મૂર્તિના વિવાદ સુધી - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદ શહેરથી 18 કિલોમીટર દૂર આવેલું પીરાણા ગામ દરગાહ અને મંદિર સાથે જોડાયેલા વિવાદના કારણે ચર્ચામાં છે.

ઇમેજ સ્રોત, lakshmi patel
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના અસલાલી-એસપી રિંગરોડ પર સંતપથ મંદિર સર્કલ છે, અહીં મોટો ગેટ છે, જેની પર શ્રી નિષ્કલંકી નારાયણધામ લખેલું બોર્ડ છે.
અહીંથી પાંચ કિલોમીટરના અંતરે પીરાણા ગામના બસસ્ટેન્ડની નજીક ભવ્ય તીર્થધામ છે. અહીં મંદિરની પાસે જ ઇમાશાહ દરગાહ અને ઇમામશાહી મસ્જિદ પણ આવેલી છે.
પીરાણા ગામમાં શાંતિ વર્તાતી હતી. પણ જેવા પીરાણા ગામના નિષ્કલંકી નારાયણધામ પાસે પહોંચ્યાં, તો પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો. તાજેતરનો વિવાદ પણ આ સ્થળ સાથે જ સંકળાયેલો છે.

દીવાલનો વિવાદ

ઇમેજ સ્રોત, lakshmi patel
મહિના પહેલાં બે સમુદાય એટલે કે, સતપંથી સમાજ (કચ્છી કડવા પાટીદાર) અને સૈયદ સમાજની વચ્ચે ઇમામશાહ દરગાહ/સમાધિસ્થળ નજીક એક દીવાલ બનાવવા મુદ્દે વિવાદ થયો હતો અને આ મુદ્દો શાંત પડે તે પહેલાં જ આ પરિસરમાં મૂર્તિઓ મૂકવાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.
જોકે બંને પક્ષો દ્વારા જુદા-જુદા દાવા કરાઈ રહ્યા છે. પીરાણા ગામના મોટાભાગના લોકો આ વિવાદને હિંદુ-મુસ્લિમ વચ્ચેના વિવાદ તરીકે જોતા નથી, પણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા બે સમુદાયો સાથેના વિવાદ તરીકે જુએ છે.
આ વચ્ચે ગામમાં પણ કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટી નથી, માત્ર તકેદારીના પગલારૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે પીરાણા ગામના પ્રવેશદ્વારા પાસે પહોંચી, ત્યારે જોવા મળ્યું કે સામાન્ય દિવસોની જેમ પીરાણા ગામના નિષ્કલંકી પ્રેરણાધામના ગેટને અડીને શ્રદ્ધાળુઓની ગાડીઓ ઊભી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ બાજુમાં આવેલી તમામ દુકાનો ખુલ્લી હતી, જ્યાં નજીકના બસસ્ટેન્ડ પર લોકોની અવરજવર હતી.
સમાધિસ્થળ આગળ સામાન્ય દિવસો જેવી જ શ્રદ્ધાળુઓની અવર-જવર છે, કેટલાક શ્રદ્ધાળુ એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરી રહ્યા છે, પણ પરિસરમાં હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલો, એસઆરપીના જવાનો ફરી રહ્યા છે.
આ ઇમામશાહ દરગાહને અડીને મોટી દીવાલ ઊભી કરવામાં આવી છે, જેની પાછળના ભાગે એક મસ્જિદ દેખાય છે સાથે જ અહીં કબરોની ફરતે સ્ટીલની ફ્રૅમવાળા સ્ટ્રકચર લગાડ્યાં છે, જેની ઉપરથી કબર જોઈ શકાય છે.
આ સંસ્થા સાથે જોડાયેલા એક સેવક દીવાલ તરફ આંગળી ચીંધીને કહે છે કે આ દીવાલ અંગે બીજા પક્ષવાળા વિરોધ કરી રહ્યા છે, અમે તો અમારા પરિસરમાં દીવાલ બાંધી છે તો બીજા પક્ષવાળાને શું વાંધો હોઈ શકે?

'સત્તાના જોરે દીવાલ ઊભી કરાઈ'

ઇમેજ સ્રોત, lakshmi patel
આ દીવાલની બીજી તરફ આવેલી મસ્જિદ તરફ જવાનો રસ્તો ગામની અંદરથી છે. પીરાણા તીર્થધામને અડીને આવેલા આ રસ્તા પર થઈને મસ્જિદ તરફ પહોંચ્યાં, મસ્જિદપરિસરમાં પણ હથિયારધારી પોલીસકર્મીઓ બેઠેલા દેખાયા.
મસ્જિદની આસપાસ સૈયદ પરિવારના વંશજોની કબરો છે. અહીં હજી પણ જૂની તારની વાડ દેખાય છે, જેવી વાડ પહેલાં દીવાલની જગ્યાએ હતી.
હવે મોટી દીવાલ બાનવી દેવાઈ છે, એ મુદ્દે જ વિવાદ થયો હતો તેવું મસ્જિદ દેખાડનારા ઇમામશાહ બાવાના વંશજ કહે છે.
ઇમામશાહના વંશજ હસીમ સૈયદ જણાવે છે કે, "અમે ઇમામશાહ સૈયદની 27મી પેઢીના વંશજો છીએ. આ મસ્જિદ પરિસરની આસપાસ કબ્રસ્તાન છે, જ્યાં માત્રને માત્ર ઇમામશાહ બાવાના વંશજોની દફનવિધિ થાય છે."
"પહેલાં અહીંથી સીધા દરગાહ સુધી જઈ શકાતું હતું, પણ પછી આ દરગાહ અને મસ્જિદને અલગ કરવા માટે મોટી દીવાલ ઊભી કરી દેવાઈ."
"અહીં તારની વાડ હતી પણ તેમણે બહુમતિના જોરે ટ્રસ્ટમાં ઠરાવ મંજૂર કરીને દીવાલ કરી દીધી હતી. સત્તાના જોરે આ દીવાલ ઊભી કરાઈ હતી. જ્યારે દિવાલ ઉભી કરાઇ હતી ત્યારે વિરોધ પણ થયો હતો. જોકે, હવે ઇમામ શાહ બાવાની દરગાહ સુધી જવાનો એક રસ્તો છે પણ ત્યાં રસ્તામાં મૂર્તિઓ મૂકી દેવાઇ છે."
પીરાણા ગામમાં સતપંથી સમાજના કચ્છ કડવા પાટીદાર આગેવાનો અને પીરાણા ગામ ઇમામશાહ બાવાના વંશજો વચ્ચે વિવાદ છે.
પીરાણા ગામમાં આ સિવાય લેઉવા પટેલ તેમજ રબારી સમાજનાં ધાર્મિક સ્થાનો પણ છે, તે જગ્યા અહીંથી અલગ છે અને તેમને આ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.

ગામમાં વિવાદની અસર નથી

ઇમેજ સ્રોત, BBC/Laxmi Patel
બીજી તરફ ગામમાં આ વિવાદની કોઈ અસર દેખાતી નથી.
પીરાણા ગામમાં 10 વર્ષ સુધી સરપંચ રહી ચૂકેલા અજયકુમાર બારૈયા જણાવે છે કે, "હું 10 વર્ષ પીરાણા ગામમાં સરપંચ રહ્યો હતો. પીરાણા ગામમાં હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ વિવાદ જ નથી. વર્ષોથી બધા હળીમળીને રહેતા આવ્યા છે."
"હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે કેવળ સતપંથી સમાજ અને સૈયદ સમાજ વચ્ચેનો છે, જેની સાથે ગામને કોઈ લેવાદેવા નથી. અમારા ગામમાં હિંદુ-મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે કોઈ પ્રશ્નો નથી."
તેઓ આગળ કહે છે કે, "2002માં અમદાવાદ શહેર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં કોમી રમખાણો જોવા મળ્યાં હતાં પણ પીરાણા ગામમાં કોઈ વિવાદ ન હતો."
"આ સંકુલનું બાંધકામ 100 વર્ષ કરતાં પણ જૂનું છે. જેથી આના બાંધકામની સંદર્ભે મંજૂરી આપવાની કોઈ પ્રક્રિયા ગ્રામપંચાયત હસ્તગત થતી નથી. આ તમામ મંજૂરી કલેકટર પાસે લેવાની હોય છે."

ગામમાં કોમી એખલાસ

ઇમેજ સ્રોત, lakshmi patel
પીરાણા ગામના રહેવાસીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે "વર્ષોથી પીરાણા ગામમાં દરેક ધર્મના લોકો હળીમળીને રહે છે. હાલમાં જે વિવાદ સામે આવ્યો છે તે કચ્છ કડવા પાટીદાર સતપંથી સમાજના લોકો અને સૈયદ સમાજના લોકો વચ્ચેનો છે. પરંતુ ગામમાં આ મુદ્દે કયારેય કોઈ વિવાદ જોવા મળ્યો નથી."
પીરાણા ગ્રામપંચાયતના સરપંચ નરેશ ડાભી પણ કંઈક આવું જ કહે છે, "તાજેતરમાં જે વિવાદ સામે આવ્યો, તે ગામના લોકોનો નથી પરંતુ એક સંસ્થાનો આંતરિક વિવાદ છે."
"ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો વચ્ચે કોઈ પ્રશ્ન નથી. દરેક જ્ઞાતિ અને ધર્મના લોકો હળીમળીને રહે છે. "
પીરાણા ગામ સતપંથી રબારી સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર, તેઓ પણ સતપંથી વિચારધારામાં માને છે.
સતપંથી રબારી સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી નારાયણભાઈ દેસાઈ જણાવે છે કે, "સમજણ આવી ત્યારથી હું પીરાણા ખાતે દર્શન માટે જઉં છું. પીરાણામાં હિંદુ અને મુસ્લિમ વચ્ચે કોઈ જ વિવાદ નથી. આ સતપંથી કચ્છ કડવા પાટીદાર સમાજ તેમજ સૈયદ સમાજ વચ્ચેનો જ વિવાદ છે. અમારા ટ્રસ્ટને બંને સમુદાય સાથે સારા સંબંધો છે."

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?

ઇમેજ સ્રોત, lakshmi patel
પીરાણા ગામ ઇમામશાહ બાવા રોજા સંસ્થાના ટ્રસ્ટી નાઝીર હુસૈન સૈયદ જણાવે છે કે, "અમે ઇમામશાહ બાવાના વંશજ છીએ. પીરાણા ઇમામશાહ સમાધિસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ તે ખોટો છે."
"આ સમાધિસ્થળ નથી, ઇમામશાહ બાવાની દરગાહ છે, તેઓ સૂફી સંત હતા."
"1939માં ધ ઇમામશાહ બાબા રોઝા સંસ્થા-પીરાણાના નામે ટ્રસ્ટ નોંધાયેલું છે અને આ ટ્રસ્ટમાં ઇમામશાહ બાવાના વંશજો તરીકે ત્રણ વ્યક્તિ ટ્રસ્ટની સભ્ય છે, જ્યારે તેમના અનુયાયી તરીકે સંતપથીના સાત લોકો ટ્રસ્ટના સભ્ય છે. સંતપંથીના ટ્રસ્ટીઓની સંખ્યા સાત છે, જેથી તેઓ બહુમતના જોરે ટ્રસ્ટના નિર્ણયો કરે છે. "
તેઓ વધુમાં જણાવે છે કે, "બંને સમાજના લોકો હળીમળીને રહેતા હતા. આસ્થા પ્રમાણે દરગાહ પર ઇબાદત કરતા હતા. જોકે, 2010થી આ ઇમામશાહ બાવાની દરગાહને મંદિરમાં ખપાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી."
"જેના ભાગરૂપે 2010માં દરગાહને રિનોવેટ કરવાનો ઠરાવ મંજૂર કર્યો હતો, પછી આ રિનોવેશનના સ્ટ્રક્ચરલ પ્લાનમાં ઇસ્લામિક ચિહ્નો અને ઓળખ દૂર કરવાનો પ્રયત્ન થયો."
"2010થી બંને પક્ષો વચ્ચે દાવા-પ્રતિદાવા થતા હતા. આ વિવાદનો ઉકેલ લાવવા 27-7-2021ના રોજ ઇમામશાહ બાવા રોજા ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં સતપંથી સમાજ અને સૈયદ સમાજના સભ્યોએ સર્વસંમતિથી 16 મુદ્દાનો સમજૂતીકરાર કર્યો હતો."

દરગાહ સંકુલમાં હિંદુ દેવોની મૂર્તિ મૂકવાનો મામલો

ઇમેજ સ્રોત, lakshmi patel
નાઝીર કહે છે કે બંને પક્ષો વચ્ચે થયેલા સમજૂતીકરારમાં 16 મુદ્દા હતા.
તેઓ કહે છે કે આ ઠરાવ પર સતપંથી સમાજના ચાર આગેવાન અને સૈયદ સમાજના ચાર આગેવાનોએ સહી કરી હતી, સાથે જ આ ઠરાવ પર અસલાલીના પોલીસ ઇન્સપેક્ટર અને દશક્રોઈના પ્રાંત અધિકારીએ પણ સહી કરી હતી.
આક્ષેપ એવો પણ છે કે આ 16 મુદ્દાના ઠરાવ બાદ પણ તા.31 જાન્યુઆરી 2022ના રોજ તારની વાડ તોડીને દીવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નાઝીરનું કહેવું છે કે કલેક્ટરની મંજૂરી લઈને ટ્રસ્ટમાં બહુમતીના જોરે ઠરાવ મંજૂર કરાવીને દીવાલ બનાવવાની કામગીરી શરી કરી દેવાઈ હતી. જેથી ફરી વિવાદ થયો હતો. આ અંગે અમે કલેકટર, પ્રાંત અધિકારી અને કલેકટરને ફરિયાદ કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "દીવાલ બનાવ્યા પછી ફરી વિવાદ ત્યારે થયો જ્યારે 16 માર્ચ 2022ના દિવસે દરગાહ સંકુલમાં ભગવાનની મૂર્તિઓ લગાડી દેવાઈ. આ અંગે પણ અમે પોલીસ તેમજ પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરી છે."

ટ્રસ્ટી શું કહે છે?
સમગ્ર વિવાદ અંગે સતપંથી સમાજના આગેવાન અને ટ્રસ્ટી હર્ષદ પટેલ કહે છે કે, "અમે હિંદુ છીએ. આ પરિસર હિંદુ મંદિર છે, જેથી મૂર્તિઓની સ્થાપના કરી છે. અમને કોઈથી કંઈ વાંધો નથી."
"જો કોઈને મૂર્તિ મૂકવાથી વાંધો હોય તો તે ચૅરિટીકમિશનર સમક્ષ ફરિયાદ કરી શકે છે."
દીવાલ બનાવવાના મામલે તેઓ કહે છે કે, "દીવાલ બનાવવા અંગે ટ્રસ્ટમાં બહુમતી સાથે નિર્ણય કરાયો હતો તેમજ કલેકટરની મંજૂરી બાદ દીવાલ બનાવાઈ છે."
"આ મુદ્દો પ્રશાસનનો નથી. આ મંદિર હિંદુ ધર્મના 10મા અવતાર નિષ્કલંકી ભગવાનનો છે, વર્ષોથી અમે અહીં પૂજા કરીએ છીએ."
દશક્રોઇના પ્રાંત અધિકારી એસ. જે. ચાવડાએ જણાવ્યું કે, "પીરાણા ગામમાં મંદિર અને દરગાહના વિવાદ અંગે અમને અરજી આપવામાં આવી છે."
"ટ્રસ્ટ દ્વારા મૂર્તિઓ મૂકવામાં આવી હોવા અંગે લેખિતમાં અરજી મળી છે, પરંતુ આ ટ્રસ્ટ ચૅરિટીકમિશનરમાં નોંધાયેલું સ્વતંત્ર ટ્રસ્ટ છે. જેથી આ મુદ્દે ફરિયાદી પક્ષ ચૅરિટીકમિશનરની દાદ માગી શકે છે. "

આરએસએસ અને વીએચપીના કાર્યક્રમો
અહીં તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના મોટા કાર્યક્રમો યોજાયા હતા. આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.
11થી 13 માર્ચ દરમિયાન આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિસભાની ત્રણ દિવસીય બેઠક મળી હતી, જેમાં આરએસએસ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પછી તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદની લીગલ સેલની બેઠક પણ યોજાઈ હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












