ગુજરાત સરકાર શાળાના અભ્યાસક્રમમાં ભગવદગીતાને કેમ સમાવી રહી છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત સરકારે નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભગવદગીતાને અભ્યાસક્રમમાં સમાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી આવનારા દિવસોમાં વિવાદનું થશે તેવું જાણકારો માની રહ્યા છે.
ગુજરાત સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ સૂચન કર્યું છે કે ગુજરાતની જેમ દરેક રાજ્યની સરકારોએ સ્કૂલોમાં ભગવદગીતા ભણાવવા અંગે વિચાર કરવો જોઈએ.

ઇમેજ સ્રોત, TWITTER/JITUVAGHANI
સમાચાર એજન્સી એએનઆઈને કેન્દ્રીયમંત્રીએ કહ્યું, "ભગવદગીતા આપણને નૈતિકતા શીખવે છે. એ આપણને સમાજકલ્યાણ પ્રત્યે આપણી જવાબદારી દર્શાવે છે. તેમાં અનેક નૈતિક કહાણીઓ છે, જે આપણા વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકે છે. દરેક રાજ્યની સરકારોએ આ અંગે વિચાર કરી શકે છે."
ગુજરાતમાં અભ્યાસક્રમમાં ભગવદગીતાને સામેલ કરવાની જાહેરાત બાદ હવે કર્ણાટક સરકાર આ અંગે વિચારણા કરી રહી છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, કર્ણાટકના શિક્ષણમંત્રી બી. સી. નાગેશે કહ્યું હતું કે, આ અંગે હાલમાં મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ સાથે વિચારણા ચાલી રહી છે.
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુરુવારે વિધાનસભામાં શિક્ષણ બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે આગામી શૈક્ષણિક સત્રથી પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી ભાષા અને છઠ્ઠા ધોરણથી અભ્યાસક્રમમાં ભગવદગીતાનો સમાવેશ કરવામાં આવશે.
સરકારના નિર્ણય પ્રમાણે, અભ્યાસક્રમમાં ગીતાનાં બોધપાઠ અને પઠન બન્નેનો સમાવેશ કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે સમાચારપત્ર ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં તબક્કા વાર ગીતા અંગે ભણાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એમ પણ કહ્યું કે ભગવદગીતા માટે કોઈ અલગ વિષય નહીં હોય. માત્ર જે-તે વિષયમાં તેના પાઠનો ઉમેરો કરવામાં આવશે.
જોકે, સરકારના આ નિર્ણયથી બાળકોના માનસ પર પડનારી અસર અને ધાર્મિક લાગણીઓના મુદ્દાને લઈને જાણકારો વિવાદ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

બાળકોના માનસ પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
બાળકો પર સરકારના આ નિર્ણયની અસર જણાવતાં શિક્ષણશાસ્ત્રી પ્રફુલ ગઢવી કહે છે, "બાળકોને ગીતાના શ્લોક ભણાવવામાં કંઈ ખોટું નથી પણ તેના લીધે વિવાદ થવાથી લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની વિપરીત અસર પડવા સુધીની શક્યતાઓ ઊભી થાય છે."
બાળકો પર પડતી અન્ય અસરો અંગે પ્રફુલ ગઢવી કહે છે કે આમ કરવાથી અન્ય ધર્મનાં બાળકોમાં લઘુતાગ્રંથી અથવા તો પોતાનું ઓછું મહત્ત્વ હોવાનો અહેસાસ થવાની સંભાવના છે.
તેઓ આગળ કહે છે, "ઉપરાંત વિવાદ થવાથી બાળકોમાં પોતાના ધર્મને લઈને અસમંજસ પણ ઉદ્ભવી શકે છે. તેઓ આગળ જતાં પોતે ભારતીય હોવાની જગ્યાએ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે જૈન હોવાની માનસિકતા ધરાવતાં થઈ જશે, કારણ કે બાળપણથી જ તેમનામાં ધાર્મિકપણાનાં બીજ જુદી રીતે રોપાયાં હશે.

'નૈતિકતા'ના પાઠ

ઇમેજ સ્રોત, Getty Images
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શિક્ષણ વિભાગ કઈ રીતે અભ્યાસક્રમમાં ભગવદગીતાને ઉમેરશે તે અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "ધોરણ છથી આઠમાં ભગવદગીતાની વાર્તાઓ પઠન સ્વરૂપે લેવામાં આવશે. ધોરણ નવથી 12માં પાઠ્યપુસ્તકમાં ગીતાનો પરિચય આવશે. વાર્તાપઠન ઉપરાંત નાટ્ય સ્વરૂપની સ્પર્ધા, શ્લોકપૂર્તિ, નિબંધ જેવી સ્પર્ધાઓ પણ રાખવામાં આવશે."
આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે બાળકોમાં મૂલ્યો, ભારતીય સંસ્કૃતિનું યોગ્ય સિંચન કરવા અને 'નૈતિકતા' વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "અભ્યાસમાં ગીતાનો સમાવેશ થાય તેનાથી કોઈ વાંધો નથી પણ જો ભાજપ બાળકોને નૈતિકતાના પાઠ શીખવવાના નામે આવાં ગતકડાં કરે તે યોગ્ય નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, આમ કહેવા પાછળ તેમનો કંઈક જુદો તર્ક છે. તેમના જણાવ્યા પ્રમાણે, "ભાજપના શાસન પહેલાં અમે જ્યારે ભણતા હતા ત્યારે અભ્યાસમાં મહાભારત અને રામાયણની વાતો આવતી હતી. જેનાથી નૈતિકતાનાં મૂલ્યો શીખવા મળતાં હતાં. આ સિવાય ધોરણ આઠમાં સંસ્કૃત ફરજિયાત હતું અને દસમા ધોરણમાં સંસ્કૃત વૈકલ્પિક વિષય હતો."
જોકે, ભાજપનું શાસનમાં આવ્યા બાદ આ તમામ બાબતોને અભ્યાસમાંથી દૂર કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
શિક્ષણવિદ્ હસમુખ ક્રિશ્ચિયનના જણાવ્યા પ્રમાણે, પાછલા બારણે અભ્યાસક્રમમાં ધર્મને ઘુસાડીને વિદ્યાર્થીઓ પર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના નિવેદનને ટાંકીને તેઓ કહે છે, "તેઓ (શિક્ષણમંત્રી) ગીતાને અભ્યાસમાં લાવીને વિદ્યાર્થીઓને નૈતિકતાના પાઠ ભણાવવાની વાત કરી રહ્યા છે, તો શું અત્યાર સુધી બાળકોને નૈતિકતા નહોતી ભણાવવામાં આવતી?"
તેઓ આગળ કહે છે, "શું માત્ર ભગવદગીતામાં જ નૈતિકતાના પાઠ છે, કુરાન, બાઇબલ કે ગુરુ ગ્રંથસાહિબમાં નૈતિકતાની વાત જ નથી."
નૈતિકતાના નામે શિક્ષણમાં ધર્મને લાવવા અંગે હસમુખભાઈ ચિંતા વ્યક્ત કરે છે. તેઓ કહે છે, "જો આમ થતું રહેશે તો આપણે આવનારી પેઢીને ધર્મના નામે વિકાસ નહીં પરંતુ વિનાશના દ્વારે મોકલીશું."

કાયદાકીય અસરો

ઇમેજ સ્રોત, Getty Images
પ્રફુલ ગઢવીના કહેવા પ્રમાણે ઍજ્યુકેશન સિસ્ટિમમાં કોઈ એક ધર્મના પ્રચાર હેતુ કંઈક ઉમેરવામાં આવે તો તે બંધારણની વિરુદ્ધ છે. ભણતરમાં બાઇબલ, ગીતા કે કુરાન ન આવી શકે.
તેઓ આગળ જણાવે છે, "જો બાળકોને અભ્યાસમાં ભગવદગીતા ભણાવવામાં આવશે તો અન્ય ધર્મના લોકો તેનો વિરોધ કરશે અથવા તો પોતાના ધર્મનો પણ સમાવેશ કરવા રજૂઆતો કરી શકે છે અને આ નિર્ણય સામે કોર્ટમાં પણ જઈ શકે છે. મામલો કોર્ટમાં જવાથી તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડશે."
બંધારણની જોગવાઈ પ્રમાણે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જેથી આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડકારી શકાય તેવું પ્રફુલ ગઢવીનું માનવું છે.
જ્યારે હસમુખ ક્રિશ્ચિયનના કહેવા પ્રમાણે, ભારતમાં 16 હજાર ખ્રિસ્તી સ્કૂલ અને 400 જેટલી ખ્રિસ્તી કૉલેજો છે. લઘુમતી તરીકે તેમને પોતાના ધર્મનું શિક્ષણ આપવાનો અધિકાર છે, પરંતુ તેઓ આમ કરતા નથી, કારણ કે તેમની ત્યાં અન્ય ધર્મના પણ વિદ્યાર્થીઓ હોય છે અને શિક્ષણનો ઉદ્દેશ કોઈ ધર્મને પ્રાધાન્ય આપવાનો નથી.

'બીજા ધર્મની વાતો પણ શીખવવી જોઈએ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમદાવાદ સ્કૂલ બોર્ડના પૂર્વ સભ્ય ઇલિયાસ કુરેશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભગવદગીતા ભણાવાય તેનાથી અમને કોઈ વાંધો નથી, પણ તેની સાથેસાથે બીજા ધર્મની વાતો પણ શીખવવી જોઈએ.
આ પાછળ તેઓ કારણ આપે છે કે જે વાત ગીતામાં છે, તે જ વાત કુરાન અને બાઇબલમાં પણ છે. ગુરુ ગ્રંથસાહિબમાં પણ આવા જ ઉદ્દેશો આપવામાં આવ્યા છે.
આવું જ કંઈક ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમમાંથી ચૂંટાઈને આવેલા અમદાવાદના કૉર્પોરેટર ઝૈનાબ શેખનું કહેવું છે. તેઓ જણાવે છે, "શાળામાં ગીતા ભણાવો પણ સાથેસાથે બીજા ધર્મો પણ ભણાવવા જોઈએ."
જોકે, અભ્યાસક્રમમાં માત્ર ભગવદગીતા ભણાવીને બાળકોના માનસ પર માત્ર હિન્દુ ધર્મ જ સર્વોપરી હોવાનું ચિત્ર ઊભું કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ બન્ને દ્વારા કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ઍજ્યુકેશન ગ્રૂપપના સલાહકાર ઝંકૃત આચાર્ય આ બન્નેની વાત સાથે સહમત નથી.
તેઓ કહે છે, "શિક્ષણ વિભાગ મોડેથી જાગ્યો છે. તેમણે પહેલેથી ગીતાના પાઠ અભ્યાસક્રમમાં રાખવા જોઈતા હતા, કારણ કે ગીતામાં મૅનેજમૅન્ટના એવા બોધપાઠ છે, જે બાળકોને નાનપણમાં શીખવવામાં આવે તો તેમના જીવનની લડત સરળ થઈ જાય."
ટીકાકારોને તેઓ કહે છે, "લોકોએ તેને ધાર્મિક ગ્રંથના બદલે બિનસાંપ્રદાયિક ગ્રંથ તરીકે જોવો જોઈએ. જેથી બાળકોને સારું શિક્ષણ મળી રહે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












