ઉત્તર પ્રદેશ ચૂંટણી 2022 : મોદી-શાહની જોડીની એ રણનીતિ જેણે 2017માં ઉત્તર પ્રદેશનો ગઢ જીત્યો
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી બીજી બધી ચૂંટણીઓ કરતાં અલગ હોય છે, કેમ કે એ ચૂંટણમાં ભારતીય રાજકારણની બધી જ ગૂંચવણો એકસાથે જોવા મળે છે.
23 કરોડની વસ્તી ધરાવતું આ રાજ્ય વસ્તીની બાબતમાં આફ્રિકા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના કોઈ પણ દેશ કરતાં આગળ છે.

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
2014ની લોકસભાની ચૂંટણીનાં ત્રણ વર્ષ પછી થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અગાઉ સૌનાં મનમાં એક જ સવાલ હતો કે, શું અમિત શાહ 2014ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોનું ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પુરાવર્તન કરી શકશે કે નહીં?
2017ની વિધાનસભા ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અખિલેશ યાદવ હતા, એમનો ચહેરો એમના પિતા જેવો જરૂર હતો પરંતુ અનુભવની બાબતમાં એમણે કેટલાંક વર્ષો અગાઉ જ શરૂઆત કરી હતી.
ત્યાં સુધીમાં મુલાયમસિંહ નિવૃત્તિના શરૂઆતના તબક્કામાં પ્રવેશી ચૂક્યા હતા અને એમનો ઘણો સમય હૉસ્પિટલોમાં પસાર થતો હતો. અખિલેશના મંત્રીમંડળમાં રહેલા એમના કાકા શિવપાલ પોતાના ભત્રીજાની નેતૃત્વક્ષમતા સામે સવાલો ઉઠાવી રહ્યા હતા. માત્ર પાર્ટી સંગઠન પર જ એમની સંપૂર્ણ પકડ હતી એવું નહોતું બલકે અમલદારશાહી પર પણ તેઓ પ્રભાવ ધરાવતા હતા.
અખિલેશના બીજા કાકા અને રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવ અખિલેશને સાથ જરૂર આપતા હતા પરંતુ પરિવારમાં ચાલી રહેલો આંતરિક કલહ ચૂંટણી સમયે મતદારોની સામે એક સારા વિકલ્પ તરીકેની સમાજવાદી પાર્ટીની ક્ષમતાઓ પર પ્રશ્નાર્થચિહ્ન મૂકી રહ્યો હતો.

માયાવતી અને રાહુલ ગાંધી પણ નબળી વિકેટ પર

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ પોતાના નેતા કાંશીરામની જેમ જ સંગઠન મજબૂત કરવાના બદલે માયાવતી કોઈ પણ કિંમતે સત્તા પ્રાપ્ત કરવા પર ભાર મૂકી રહ્યાં હતાં. સફેદ શર્ટ, ચોળાયેલું પાટલૂન અને વિખરાયેલા વાળવાળા કાંશીરામથી વિપરીત સરસ સિવડાવેલો સલવાર સૂટ પહેરેલાં, હીરાના ટૉપ્સ અને લક્ઝુરી હૅન્ડબૅગ સાથેનાં માયાવતી એક જુદી જ છાપ ઊભી કરતાં હતાં. એટલું જ નહીં, તેઓ આવક કરતાં વધારે સંપત્તિ ધરાવતાં હોવાના આરોપોનો સામનો પણ કરતાં હતાં.
1998 પછી સતત ચૂંટણી હારી રહેલી કૉંગ્રેસ ત્યાં સુધીમાં પૂરેપૂરી હાંસિયામાં જતી રહી હતી. શરૂઆતમાં ચૂંટણીપ્રચારને ગંભીરતાથી લઈ રહ્યા હોવાનો આભાસ ઊભો કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ પીછેહઠ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસનાં વર્તુળોમાં કહેવાતું હતું કે સોનિયા ગાંધી એવું માનતાં હતાં કે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રીપદનાં ઉમેદવાર બનાવી દેવાથી ભાવિ કૉંગ્રેસ અધ્યક્ષ બનવાની રાહુલ ગાંધીની ઝુંબેશ એટલી મજબૂત નહીં રહે.
કૉંગ્રેસે દિલ્હીનાં પૂર્વ મુખ્ય મંત્રી શિલા દીક્ષિતને મુખ્ય મંત્રીના ઉમેદરવાર બનાવવાની સાથે 'સત્તાઇસ સાલ, યુપી બેહાલ' સૂત્ર પણ આપ્યું હતું.
પરંતુ થોડાંક જ અઠવાડિયાં પછી કૉંગ્રેસે પોતાની રણનીતિ બદલીને સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણીલક્ષી ગઠબંધન કરી લીધું હતું. પછી એમનાં પોસ્ટરો પર નવું સૂત્ર લખાતું હતું, 'યુપી કો યે સાથ પસંદ હૈ.'

ભાજપાએ 2014થી જ 2017ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ભાજપાના અધ્યક્ષ અમિત શાહ માટે 'મિશન યુપી 2017'ની શરૂઆત ત્યારથી જ થઈ ગઈ હતી જ્યારથી એમની પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણીમાં જોરદાર જીત મેળવી હતી.
મે 2014માં ચૂંટણીપરિણામ આવ્યાંના થોડા દિવસો પછી એમણે સંઘ પરિવારના નેતા સુનીલ બંસલને ફોન કર્યો હતો. ભૂતકાળમાં બંસલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયુક્ત મહાસચિવ હતા જેમને 2014ની લોકસભાની ચૂંટણીમાં અમિત શાહની મદદ કરવા મોકલવામાં આવેલા.
અમિત શાહે સુનીલ બંસલને કહ્યું કે, 'હું ઇચ્છું છું કે તમે ફરી વાર યુપી જાઓ અને 2017ની વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દો.'
2014માં ઉત્તર પ્રદેશમાંથી રેકૉર્ડ 73 સીટો જીત્યા પછી એવી ધારણા સહજ હતી કે યુપીમાં ભાજપાની જીતનું કારણ મોદી લહેર હતું. જ્યાં સુધી સંગઠનની વાત હતી, તો પાર્ટી હજુ પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી કરતાં ઘણી પાછળ હતી. ભાજપાના ખરેખરા સમર્થકો તો હજુ પણ શહેર પૂરતા જ સીમિત હતા.

ભાજપાનું સભ્ય બનાવવાનું જોરદાર અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images
પ્રખ્યાત પત્રકાર રાજદીપ સરદેસાઈએ પોતાના પુસ્તક '2019 હાઉ મોદી વોન ઇન્ડિયા'માં લખ્યું છે કે, "ગુજરાતના રાજકારણમાં પોતાના પ્રારંભિક દિવસોમાં જ શાહને અંદાજ આવી ગયો હતો કે ભાજપાના રાજકીય પુનરુત્થાન માટે પંચાયતો પર કબજો કરવો ખૂબ જરૂરી છે."
ઉત્તર પ્રદેશમાં 58,000થી વધુ પંચાયત અને 7 લાખ ગ્રામ પંચાયતના સભ્યો હતા. નવેમ્બર 2014માં મળેલી બેઠકમાં અમિત શાહે બંસલને જવાબદારી સોંપતાં કહેલું કે હું ઇચ્છું છું કે તમે આગામી 30 દિવસમાં ભાજપાના એક કરોડ નવા સભ્ય બનાવો.
એ સમયે રાજ્યમાં ભાજપાના માત્ર 14 લાખ સભ્ય હતા. એ ખૂબ જ મોટું લક્ષ્ય હતું. બંસલને ખબર હતી કે એ લક્ષ્યને પૂરું કરવામાં ખૂબ જ મુશ્કેલી પડશે, પરંતુ એમણે અમિત શાહને કશું ના કહ્યું.
ભાજપાએ થોડા દિવસ પહેલાં જ સભ્યો બનાવવા માટે મહત્ત્વાકાંક્ષી દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું હતું, જેમાં કહેવાયું હતું કે, એક ખાસ નંબર પર મિસ કૉલ કરીને તમે પાર્ટીના સભ્ય બની શકો છો.
બંસલે નક્કી કર્યું કે બૂથ સ્તરે સભ્યોની સક્રિયતા વધારવા માટેનો એકમાત્ર રસ્તો એ હતો કે લોકોમાં ભાજપાના સભ્ય બનવાનું અભિયાન ચલાવાય.

ઉપેક્ષિત વર્ગોનો સાથ લેવાનું ભાજપાનું અભિયાન
કુલ 1 લાખ 20 હજાર બૂથ નક્કી કરવામાં આવ્યાં અને ભાજપાની બૂથ કમિટીઓને કહેવામાં આવ્યું કે તેઓ પોતાના ક્ષેત્રમાં ઓછામાં ઓછા 100 નવા સભ્ય બનાવે.
લખનૌમાં ચોવીસે કલાક કામ કરે એવું એક કૉલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું, જેને નવા સભ્યોની ચકાસણી કરવાની અને એમના સંપર્કમાં રહેવાની જવાબદારી સોંપવામાં આવી.
આ થયું ત્યાં સુધી ઉત્તર પ્રદેશમાં ભાજપા માત્ર એક શહેરી પક્ષ હતો, પરંતુ પંચાયતની ચૂંટણીમાં મજબૂતીથી ભાગ લીધા પછી પાર્ટીના ગ્રામીણ નેતૃત્વએ પણ પોતાના પાયા મજબૂત કરી લીધા. આ રાજકીય વિસ્તરણની એક મહત્ત્વપૂર્ણ કડી હતી - સોશિયલ ઇજનેરીનો ખૂબ સારો ઉપયોગ.
અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદીએ પોતાના પુસ્તક 'અમિત શાહ ઍન્ડ ધ માર્ચ ઑફ બીજેપી'માં લખ્યું છે કે, "અમિત શાહે નૉન-યાદવ ઓબીસી અને નૉન-જાટવ દલિતો પર કામ કરવાનો નિર્ણય કર્યો. એમની સંખ્યા તો ખૂબ વધારે હતી પરંતુ એની તુલનાએ એમની રાજકીય શક્તિ ઘણી ઓછી હતી. અમિત શાહ ઉત્તર પ્રદેશના જાતિ આધારિત રાજકારણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી એવા તારણ પર પહોંચ્યા હતા કે ભાજપાને સારી તક ત્યારે મળશે જ્યારે તે પોતાના પરંપરાગત જાતિઓના આધારથી ઉપર ઊઠીને જેમને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ટિકિટ નથી આપી એવા પછાત જાતિઓ અને દલિત સમૂહોના નેતાઓનો પોતાની પાર્ટીમાં સમાવેશ કરશે."
સમાજવાદી પાર્ટીએ યાદવો અને મુસલમાનોનું ગઠબંધન તો કરી લીધું હતું પરંતુ ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાં યાદવો નવ ટકા જ હતા.

અમિત શાહનું વ્યૂહાત્મક બયાન

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશ ભાજપાનું બીજું એક લક્ષ્ય હતું. બિન-જાટવ દલિત, જેઓ રાજ્યની 21 ટકા દલિત વસ્તીના 50 ટકા હતા, પરંતુ જાટવબહુલ બહુજન સમાજ પાર્ટીમાં એમને એમની સંખ્યાના પ્રમાણમાં વધારે મહત્ત્વ નહોતું મળ્યું.
ભાજપાએ ઉત્તર પ્રદેશનાં બધાં 403 વિધાનસભા મતક્ષેત્રોમાં અનુસૂચિત અને પછાત જાતિનાં સમ્મેલન કર્યાં.
અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદીએ લખ્યું છે કે, "અમિત શાહે વીસથી વધારે જાતિઓ બધેલ, ચૌહાણ, રાજભર, મૌર્ય, માળી અને નિષાદને મહત્ત્વ આપવાનો નિર્ણય કર્યો અને એક રણનીતિ અંતર્ગત ઓછા મતદારોનો આધાર ધરાવતા અનુપ્રિયા પટેલના અપના દળ સાથે ચૂંટણીલક્ષી ગઠબંધન કર્યું."
31 માર્ચ, 2015 સુધી ભાજપા પાસે 1 કરોડ 13 લાખ નવા પાર્ટી સભ્યોનો ડેટા આવી ગયો હતો, જેમાંથી 40 લાખ લોકો પાર્ટીનાં કામ સાથે સીધી રીતે સંકળાયેલા હતા. ત્યાં સુધીમાં ભાજપાના કાર્યકર્તાઓની સંખ્યા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને ટક્કર આપે એટલી થઈ ગઈ હતી.
વર્ષ 2016ના આરંભના દિવસોથી જ અમિત શાહ ઉત્તર પ્રદેશની ચૂંટણી પર માત્ર નજર જ નહોતા રાખતા, બલકે દર મહિને ઓછામાં ઓછું એક અઠવાડિયું રાજ્યમાં વિતાવતા હતા. ચૂંટણીપ્રચારના શરૂઆતના દિવસોમાં જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં એમના મુખ્ય પ્રતિદ્વંદ્વી કોણ છે? તો એમણે જાણીબૂઝીને એનો જવાબ ન આપ્યો.
અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદીએ લખ્યું છે, "પછીનાં ચરણોમાં જ્યારે પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં મતદાન થવા લાગ્યું તો અચાનક જ એક દિવસ પત્રકારો સાથે વાત કરતાં શાહે કહ્યું કે ભાજપાનો સીધો મુકાબલો બીએસપી સાથે છે. ત્યાં સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મતદાન થઈ ચૂક્યું હતું. શાહનું આ બયાન ભાજપાવિરોધી મતદારોમાં ભ્રમ ઊભો કરવામાં સફળ રહ્યું."

નરેન્દ્ર મોદીનો ધારદાર ચૂંટણીપ્રચાર

ઇમેજ સ્રોત, Getty Images
આ ચૂંટણી પ્રબંધન પિરામિડની ટોચે સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. જેવો એમણે વારાણસીથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો કે તરત જ એમને 'વિકાસ પુરુષ'રૂપે રિ-પૅકેજ કરવામાં આવ્યા.
જો 2014ની લોકસભા ચૂંટણીમાં એમણે મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારના કથિત ગોટાળાને પોતાની તાકમાં લીધા હતા, તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ અને માયાવતી એમના રડાર પર હતાં.
પ્રખ્યાત પત્રકાર રુચિર શર્માએ પોતાના પુસ્તક 'ડેમૉક્રસી ઑન ધ રોડ'માં લખ્યું છે કે, "જોકે ઉત્તર પ્રદેશ નવા મુખ્ય મંત્રી માટે મત નાખી રહ્યો હતો પરંતુ નરેન્દ્ર મોદીએ રાજ્યની ચૂંટણીને રાજ્યનું નેતૃત્વ કોણ કરશે એવા જનમત સંગ્રહ તરીકે બદલી નાખી હતી. ભાજપાએ મુખ્ય મંત્રી પદના પોતાના ઉમેદવારની જાહેરાત ન કરી. એમણે રાજ્યના લોકોને ભાજપાને વોટ આપવા કહ્યું જેથી મોદી ઉત્તર પ્રદેશના નવા નેતા ચૂંટી શકે."
એમના નોટબંધીના નિર્ણયનું અપેક્ષા પ્રમાણે પરિણામ ન મળવા છતાં તેઓ એ દેખાડવામાં સફળ થયા હતા કે નોટબંધી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એમનું મુખ્ય હથિયાર છે.
એક ભાષણમાં અમિત શાહે કહેલું હતું, "ભાઈઓ અને બહેનો, શું કોઈ ગરીબ કે મધ્યમ વર્ગની પાસે કાળું નાણું હોય છે? હું જાણું છું, 500 અને 1000ની નોટો બંધ કરવાથી તમને તકલીફ પડી છે પરંતુ કેટલાક બેઇમાન લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ એવો દંડ મોદીએ એમને આપ્યો છે."
રાજદીપ સરદેસાઈએ લખ્યું છે કે, "ઉત્તર પ્રદેશની 2017ની ચૂંટણીની પહેલાં મોદી નોટબંધી એક ક્લાસ વૉર છે એ નેરેટિવ ગઢ જીતી જવામાં કામિયાબ થઈ ગયા. એમણે પોતાને એક દેશી રૉબિન હૂડ તરીકે રજૂ કર્યા જેઓ દેશના વંચિત લોકો માટે ઊભા થયા છે."

2014ની જીત કોઈ તુક્કો નહોતો

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે 11 માર્ચ, 2017એ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં ત્યારે ઘણા લોકો ભાજપાની જીતના કારણે આશ્ચર્યચકિત થઈ ગયા. ભાજપાને વિધાનસભાની 403 સીટોમાંથી રેકૉર્ડ 312 સીટો મળી, જ્યારે સમાજવાદી પાર્ટી માત્ર 47 સીટ જીતી શકી.
બહુજન સમાજ પાર્ટી 19 સીટ જીતીને ત્રીજા નંબર પર રહી અને કૉંગ્રેસને માત્ર 7 સીટોથી સંતોષ માનવો પડ્યો. ભાજપાને 41.5 ટકા વોટ મળ્યા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો જેવા કે દેવબંદ, બરેલી, મુરાદાબાદ અને બિજનૌરમાં ભાજપા જીતી ગયો અને તે પણ એણે એક પણ મુસલમાને ટિકિટ નહોતી આપી તેમ છતાં.
નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી નંબર વને એ સાબિત કરી દીધું હતું કે 2014ની લોકસભા ચૂંટણીમાં મળેલી જીત કોઈ તુક્કો નહોતો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












