ગુજરાત બજેટ 2022: નવા કરવેરા કે કરમાળખામાં ફેરફાર વગરનું ગુજરાતનું બજેટ રજૂ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુરુવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું તથા 14મી વિધાનસભા દરમિયાન ભાજપ સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું.

ચૂંટણી વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વર્તમાન કરમાળાખામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તથા નવા કોઈ કરવેરા નાખવામાં નથી આવ્યા.

નાણા મંત્રી
ઇમેજ કૅપ્શન, સવારે લગભગ સાડા અગ્યાર આસપાસ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ગુજરાતના નાણા મંત્રાલયના અન્ય અધિકારીઓ બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા હતા.

બજેટ રજૂ કરતા તેમણે કહ્યું કે,"પડકારો અમને હંફાવી ન શક્યા. અમને પરિશ્રમથી પ્રગતિની કંડારી છે અને કર્મયોગથી લોકસેવા કરતા-કરતા અમે લોકસેવાની વાટ પકડી છે."

કનુભાઈ દેસાઈની આ પંક્તિને ટ્રેઝરી બૅન્ચના સભ્યોએ પાટલી થપ-થપાવીને વધાવી હતી.

ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નીમાબહેન આચાર્યના અધ્યક્ષસ્થાને પ્રથમ વખત ગુજરાતનું બજેટ રજૂ થયું.

ભાજપ સરકારોના કાર્યકાળ દરમિયાન ગત 20 વર્ષમાં માથાદીઠ આવક 20 હજાર આસપાસથી વધીને બે લાખ નવ હજાર આઠસોને પાર કરી ગઈ હોવાનો સરકારનો દાવો છે.

લગભગ 100 મિનિટના બજેટ વાંચન બાદ ચૂંટણી વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વર્તમાન કરમાળાખામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તથા નવા કોઈ કરવેરા નાખવામાં નથી આવ્યા. કનુદેસાઈના બજેટ વાંચન બાદ ગૃહની કાર્યવાહી શુક્રવારે સવારે દસ વગ્યા સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી.

line

બજેટની મુખ્ય જાહેરાતો

ગુજરાત વિધાનસભા

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું તથા 14મી વિધાનસભા દરમિયાન ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલ બજેટની મુખ્ય વિગતો આ મુજબ છે :

-ખરીફ ઉપરાંત રવિ અને ઉનાળુ પાક માટે ધિરાણ મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત. પશુપાલકો તથા માછીમારોને પણ કિસાન ક્રૅડિટકાર્ડની જેમ ધિરાણકાર્ડ આપવામાં આવશે,. તેમને બૅન્કિંગવ્યવસ્થા સાથે જોડવામાં આવશે અને કૃષિક્ષેત્રની જેમ જ ટૂંકી મુદ્દતના ધિરાણ મેળવી શકાશે.

-મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ અલગ-અલગ ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયોને સંભાળ લેતી સંસ્થાઓ માટે રૂ. 500 કરોડની ફાળવણી.

-'સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના' દ્વારા સગર્ભા માતા અને બાળકને પોષણ માટે એક હજાર દિવસ સુધી એક કિલોગ્રામ તુવેર દાળ, બે કિલો ચણા તથા એક લીટર તેલ આપવામાં આવશે.

-વર્ષ 2020-'21 દરમિયાન ગુજરાતમાં રૂ. એક લાખ 63 હજાર કરોડનું સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું, જે દેશના કુલ રોકાણના 37 ટકા જેટલું હોવાનો નાણામંત્રીનો દાવો.

-સપ્ટેમ્બર મહિનાના અંતભાગ સુધીમાં ખેતીલક્ષી તમામ વીજજોડાણોની અરજીનો નિકાલ કરી દેવામાં આવશે અને કનેકશન આપી દેવામાં આવશે.

-જીએસડીપીમાં 13 ટકાની ડબલ ડિજિટ વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી.

-રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને જામનગરને નર્મદાનાં નીર મળતાં પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવ્યો. આ માટે રૂ. 710 કરોડની ફાળવણી કરવામાં આવી.

-નર્મદા યોજના પર મીઠા પાણીનું સરોવર બનાવવા ભાડભૂત બૅરેજ યોજના માટે રૂ. એક હજાર 240 કરોડની ફાળવણી. આ સરોવર પાછળ કુલ રૂ. પાંચ હજાર 322 કરોડનું ખર્ચ થશે. નર્મદા યોજના માટે છ હજાર 90 કરોડની ફાળવણી.

-આંતરજ્ઞાતિય લગ્નો માટે રૂ. એક લાખની સહાય આપવામાં આવે છે, જેમાં વૃદ્ધિ કરીને રૂ. અઢી લાખ કરવામાં આવી.

-ગુજરાતમાં 93 ટકા ઘરો સુધી 'નળ દ્વારા જળ' પહોંચાડવાની સિદ્ધિ હાંસલ થઈ તથા આગામી સમયમાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવશે.

-ગ્રામ્યવિસ્તારોમાં 'મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના' શરૂ કરવામાં આવશે. ચાર હજાર ગામડાં સુધી વિનામૂલ્યે વાઈફાઈ સુવિધા પૂરી પાડવામાં આવશે.

-કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવશે. આ માટે રૂ. 1400 કરોડની ફાળવણી કરવામાં આવશે તથા એક હજાર 50 કરોડના ખર્ચે વીજજોડાણની બાકી અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

બજેટના દિવસે શું થયું ?

બજેટસત્રમાં ભાગ લેવા માટે નવા નિમાયેલા ધારાસભ્યોના પરિવારજનો તથા ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા.

સવારે લગભગ સાડા અગ્યાર આસપાસ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ગુજરાતના નાણા મંત્રાલયના અન્ય અધિકારીઓ બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. બજેટની ઉપર અશોકચિહ્ન હતું અને તેની ઉપર આદિવાસી પ્રિન્ટ ચિતરાયેલી હતી.

વિધાનસભામાં કૉંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું, "સરકારના બજેટમાં યોજનાઓની વણજાર હોય છે, પરંતુ તેના માટે પૂરતી નાણાંકીય ફાળવણી થાય અને તે પછી તેનું અમલીકરણ થાય તે જોવાની ફરજ વિપક્ષની છે. જે અમે બજાવીશું."

સુખરામ રાઠવાએ કહ્યું હતું કે અમને આશા છે કે આગામી બજેટ કૉંગ્રેસ પાર્ટી રજૂ કરશે, એટલે જ કૉંગ્રેસના નેતાઓને આકર્ષવા ભાજપના પ્રમુખ અને મોવડીઓ પ્રયાસ કરી રહ્યાં છે.

અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી
ઇમેજ કૅપ્શન, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

બજેટસત્ર શરૂ થાય તે પહેલાં કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા પાર-તાપી-નર્મદા રિવર-લિંક પ્રૉજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, અનંદ પટેલ સહિતના ધારાસભ્યો વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા. કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી ચૂકેલા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ વિરોધમાં જોડાયા હતા.

ગુજરાતમાં 14મી વિધાનસભાનું 10મું સત્ર શરૂ થયું. નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, વિધાનસભામાં પૂછાયેલા તારાંકિત પ્રશ્નોના જવાબ આપવામાં આવે, તે પછી મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા લૅન્ડ ગ્રૅબિંગ વટહુકમના સ્થાને બિલ રજૂ કરવું, આ સિવાય બહુચરાજી રેલ કૉર્પોરેશન, ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન, ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમના અહેવાલ અને તેના પર કૅગની ટિપ્પમી ટેબલ કરવામાં આવશે.

એ પછી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમૅન્ટ રિજન તથા ગુજરાત મેરીટાઇબ બોર્ડના અહેવાલો રજૂ કરવામાં આવશે.

વિધાનસભામાંથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય જણાવે છે કે, મુખ્ય મંત્રી દ્વારા નર્મદા યોજના સંદર્ભે પૂછાયેલા એક સવાલના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય નહેરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 10 કિલોમીટરની શાખા નહેરનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય વિશાખા નહેર (183 કીમી), પ્રશાખા નહેર (એક હજાર 148 કિલોમીટર) તથા પ્રપ્રશાખા નહેરનું પાંચ હજાર 337 કિલોમીટર જેટલું કામકાજ બાકી છે.

નર્મદા યોજનાને કારણે 12 લાખ 74 હજાર હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળી છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નહેરના પમ્પિંગ માટેની 97 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

line

બજેટ: પક્ષ અને વિપક્ષ

જગદીશ ઠાકોર

ઇમેજ સ્રોત, Jagdish Thakor TWITTER

ઇમેજ કૅપ્શન, વિપક્ષ દ્વારા પેપરલીક, બેરોજગારી, કોરોનાસંબંધિત સરકારની કામગીરી સહિતના મુદ્દે ચૂંટણી પૂર્વે પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ થશે.

ગુજરાતમાં વિપક્ષ કૉંગ્રેસ દ્વારા બજેટનું જીવંત પ્રસારણ કરવા માટે માગ કરવામાં આવી હતી, પરંતુ આ અંગે અદાલતમાં સુનાવણી ચાલી રહી હોય સરકારે લાઇવ ટેલિકાસ્ટ કરવાની માગ નકારી કાઢી છે.

જોકે, રાજ્યપાલનું ભાષણ અને ઍડિટેડ ચર્ચાઓ સરકારી સ્રોતના માધ્યમથી ખાનગી ચૅનલો પર પ્રસારિત થાય છે.

ચૂંટણી પહેલાંનું આ મહત્ત્વપૂર્ણ સત્ર હોય તેમાં હોબાળો થવાની શક્યતા જોવાઈ રહી છે, વિપક્ષ દ્વારા પેપરલીક, બેરોજગારી, કોરોનાસંબંધિત સરકારની કામગીરી સહિતના મુદ્દે ચૂંટણી પૂર્વે પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ થશે.

સુખરામ રાઠવાનું ગૃહમાં વિપક્ષના નેતા તરીકે આ પ્રથમ બજેટ હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસના રકાસ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સરકાર બજેટ પૂર્વે યુવાઓ, મહિલાઓ, માછીમારો તથા ખેડૂતોને આકર્ષવા માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. માળખાકીય સુવિધા અને ઉત્પાદન એકમો માટે રાહત આપતી જાહેરાત થઈ શકે છે.

ખુદ નાણામંત્રી કનુ દેસાઈએ બજેટની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથે વાત કરતા આ અંગેના અણસાર આપ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલના ભાવ વધી ગયા છે, જોકે હજુ સુધી તેનો બોજો ગ્રાહકનો ઉપર નાખવામાં નથી આવ્યો અને ઉત્તર પ્રદેશની ચૂંટણીના મતદાન પછી ભાવ વધશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

નવેમ્બર-2021માં ભાજપશાસિત રાજ્યો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન ઉપર પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડી નાખવામાં આવ્યો હતો, પરંતુ મોટા ભાગનાં વિપક્ષ શાસિત રાજ્યો તેને અનુસર્યા ન હતાં.

વડોદરા, ભરૂચ, વાપી અને અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારને જોતાં ક્રૂડના ભાવ ઘટાડવાની માગ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકાર વધુ એક વખતમાં ઘટાડાની જાહેરાત કરશે કે કેમ તે એક સવાલ છે.

ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર દરમિયાન લૅન્ડ ગ્રૅબિંગ ઍક્ટમાં સુધાર, અશાંતધારામાં સુધાર, નવી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના સંબંધિત બિલ, રખડતાં ઢોર પર નિયંત્રણ માટેનું બિલ રજૂ કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી હતી.

line

પેપરલૅસ બજેટ અને મોબાઇલ ઍપ્લિકેશન

ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે તથા 14મી વિધાનસભામાં ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ છે.

ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા પેપરલૅસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન પર અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં બજેટ મૂકવામાં આવ્યું હતું.

આ સિવાય બજેટની હાઇલાઇટ્સ, બજેટ વિશે જાણવા જેવું, બજેટ વિશેના સમાચાર અને રસપ્રદ વિગતો મૂકવામાં આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ નાણામંત્રી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા 18 વખત બજેટ રજૂ કરવાનો કીર્તિમાન ધરાવે છે.

મુંબઈ રાજ્યમાંથી પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા પછી 1960-61માં ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું.

બજેટસંબંધિત અલગ-અલગ 70થી વધુ જેટલા પ્રકાશનો ધારાસભ્યો, પત્રકારો, રાજ્ય તથા કેન્દ્ર સરકારના અલગ-અલગ વિભાગોને મોકલવામાં આવે છે.

બજેટના ડિજિટલ પ્રકાશનથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે એવું સરકારનું અનુમાન છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો