ઐશ્વર્યા રેડ્ડી : ‘મારું શિક્ષણ એક બોજ છે. હું ભણતર વિના જીવી નહીં શકું’ એક ટૉપરના છેલ્લા શબ્દો

- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
તેઓ સિવિલસર્વિસમાં જવા માગતાં હતાં, કૉલેજનું ભણવાનું પૂર્ણ કરવા માગતાં હતાં, ઑનલાઇન ક્લાસમાં ભાગ લેવા માગતાં હતાં... પરંતુ તેમની પાસે કોચિંગ માટે પૈસા નહોતા. એક વર્ષ પછી હૉસ્ટેલથી નીકળી જવાની ચિંતા સતાવી રહી હતી અને ઓનલાઇન ક્લાસ માટે લેપટૉપ ખરીદવા માટે તેઓ લડાઈ લડી રહ્યાં હતાં...
આ હતી એશ્વર્યા રેડ્ડીની ભણવાની તમન્ના અને તેના પર જકડાઈ ગઈ પરિસ્થિતિની સાંકળ. આ સાંકળે એક હોનહાર વિદ્યાર્થિનીને પોતાનો જીવ લેવા માટે મજબૂર કરી.
ક્યારેક શહેરમાં ટૉપર રહેલી આ છોકરી આર્થિક મજબૂરીઓથી લડતાં-લડતાં હારી ગઈ.
ક્યારેક શહેરમાં ટૉપ કરનારાં ઐશ્વર્યાએ તંગી સામે લડતાં-લડતાં છેવટે બે નવેમ્બરે આત્મહત્યા કરી લીધી.
તેમના છેલ્લા શબ્દો હતો, "હું પોતાના ઘરમાં અનેક ખર્ચાઓનું કારણ છું. હું તેમની પર બોજ બની ગઈ છું. મારું શિક્ષણ એક બોજ છે. હું ભણતર વિના જીવિત રહી શકતી નથી."
ઐશ્વર્યાનો શિક્ષણ માટેનો સંઘર્ષ માત્ર એક બે મહિનાનો નહીં પરંતુ લાંબા સમયનો છે.
હૈદરાબાદથી 50 કિલોમીટર દૂર શાદનગરમાં ઐશ્વર્યા રેડ્ડીનું ઘર છે. જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા તો એક-બે ઓરડાના ઘરની બહાર મીડિયાનો જમાવડો થવા લાગ્યો હતો. પત્રકાર ઐશ્વર્યાનાં માતા સાથે વાત કરવા માગતા હતા.
પરિવારને સાંત્વના આપવા માટે રાજકીય પક્ષના નેતાઓની ઘર પર અવરજવર ચાલુ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઐશ્વર્યાના પિતા ગાંતા શ્રીનિવાસ રેડ્ડી એક મિકૅનિક છે અને તેમનાં માતા સુમતિ ઘરે સિલાઈનું કામ કરે છે.
ઐશ્વર્યા બાળપણથી જ હોશિયાર વિદ્યાર્થિની હતાં. તેમણે મફતમાં શિક્ષણ મેળવીને બારમું ધોરણ પૂર્ણ કર્યું હતું. તેમણે બારમામાં 98 ટકાથી વધારે માર્ક લાવીને આખા શહેરમાં ટૉપ કર્યું હતું.

દિલ્હીમાં રહેવાનો અને ભણવાનો ખર્ચ

બારમા ધોરણમાં તેમના માર્ક જોઈને પરિવારના એક પરિચિતે નવી દિલ્હીમાં લેડી શ્રીરામ કૉલેજમાં પ્રવેશ લેવાનું સૂચન કર્યું.
તેમણે ઐશ્વર્યાને પ્રવેશ અપાવવામાં મદદ કરવાનો વાયદો પણ કર્યો. ઐશ્વર્યા સિવિલસર્વિસમાં જવા ઇચ્છતા હતાં.
ઐશ્વર્યાને બીએસસી ઑનર્સ મૅથેમૅટિક્સમાં લેડી શ્રીરામ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ કૉલેજનો નિયમ છે કે કોર્સના પહેલા વર્ષ પછી હૉસ્ટેલની સુવિધા પરત લઈ લેવામાં આવે છે. ઐશ્વર્યાને આ વાતની જાણકારી હતી અને એક વર્ષ પછીની ચિંતા તેમને સતાવતી હતી.
તેઓ ગ્રેજ્યુએશન પછી સિવિલસર્વિસની તૈયારી કરવા માગતાં હતાં, પરંતુ કોચિંગ માટે પૈસા એકઠા કરવા પણ તેમના માટે પડકાર બની ગયો હતો.
ઐશ્વર્યાનાં માતાપિતા તેમનું ભણતર ચાલુ રાખવા માટે દિવસ-રાત પ્રયત્નોમાં લાગેલાં હતાં. તેમણે પોતાની દીકરીના શિક્ષણ માટે ઘરનાં ઘરેણાં પણ ગિરવી મૂકી દીધાં હતાં, તેમ છતાં કાંઈ ન થયું.

ગિરવે મૂકેલાં ઘરેણાં

ઐશ્વર્યાનાં માતા સુમતિ રુંધાયેલા અવાજમાં કહે છે, "મેં તેના દિલ્હી જવા માટે ઘરનાં ઘરેણાં વેચીને 80 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી હતી. ઐશ્વર્યાને આગળ થનારા ખર્ચની ચિંતા રહેતી હતી. મેં તેને કહ્યું કે જો જરૂર પડે તો અમે સોનું વેચી દઈશું અને તેનું લેપટૉપ ખરીદવાના પ્રયત્ન કરીશું."
"અમે તેને ત્યાં સુધી કહ્યું હતું કે જરૂર પડશે તો તેના ભણતર માટે અમે પોતાનું ઘર પણ વેચીશું. અમે તેને સિવિલસેવાના લક્ષ્ય પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. "
"મારી દીકરી ભણવામાં હોશિયાર હતી. તે સિવિલસેવામાં ન પણ જાત તો ઊંચા રેન્કની નોકરી તો જરૂર મેળવી લેત."
"પરંતુ ઐશ્વર્યા અમને ઘર અને સોનું વેચવાની હંમેશાં ના પાડતી હતી. હું તેને કહેતી હતી કે જ્યારે તે અધિકારી બનશે ત્યારે આપણે આવાં 10 ઘર ખરીદી શકીશું."
"તે ઓનલાઇન ક્લાસ શરૂ થયા પછી લેપટૉપની માગ કરી રહી હતી અને તેણે કહ્યું કે 70 હજાર રૂપિયાનું લેપટૉપ સારું રહેશે. મેં તેને ભરોસો અપાવ્યો કે તેને લેપટૉપ લઈ આપવામાં આવશે."
જોકે, પરિવારની સ્થિતિ એવી હતી કે તેમને બીજી દીકરીને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં મૂકવાનો નિર્ણય કરવો પડ્યો. પરંતુ તે એવું ન કરી શક્યા.
તેમણે સ્કૂલ ટ્રાન્સફર સર્ટિફિકેટ લેવા માટે 7000 રૂપિયાની જરૂર હતી. આટલા પૈસા ન હોવાના કારણે તેમણે પુત્રીની સ્કૂલ છોડાવી પડી.

કેમ કરી આત્મહત્યા?

પોતાના ગ્રૅજ્યુએશનના શિક્ષણ ઉપરાંત ઐશ્વર્યા ફ્રેન્ચ ભાષા શીખી રહ્યાં હતાં. તેઓ લૉકડાઉનના કારણે પોતાના ઘરે પરત આવ્યાં હતાં.
ઘરમાં તેઓ ફ્રેન્ચ શીખવા માટે રાત્રે ફ્રેન્ચ ફિલ્મ જોયાં કરતાં અને સવારે મોડે સુધી સૂતાં રહેતાં. ઐશ્વર્યાનો પરિવાર તેમને ઘરના કામથી દૂર રાખતો હતો અને માત્ર ભણવા પર ધ્યાન આપવાનું કહેતો હતો.
તેઓ દરરોજ ફોન પર ઓનલાઇન ક્લાસ, ફ્રેન્ચ ક્લાસ લેતા અને મિત્રો સાથે વાત કરતાં. તેઓ મોટે ભાગે પોતાના રૂમમાં જ રહેતાં હતાં અને ત્યાં જ ખાવાનું ખાતાં હતાં.
ઐશ્વર્યાના ફોન પર ઓનલાઇન ક્લાસ લેવામાં પરેશાની થતી હતી એટલા માટે તેઓ એક લેપટૉપ ખરીદવા માગતાં હતાં.
આ દરમિયાન ઐશ્વર્યાની વારંગલમાં એક મિત્ર સાથે મુલાકાત થઈ અને તેમને ઍજ્યુકેશન લૉન વિશે ખબર પડી. તેઓ એક નવેમ્બરે મિત્રને મળવા ગયાં હતાં.
મિત્રને મળીને આવ્યાં પછી ઐશ્વર્યાએ પોતાના માતાને ઍજ્યુકેશન લૉન વિશે કહ્યું.
સુમિત કહે છે, "તે પરત આવ્યા પછી ઘણી ખુશ લાગી રહી હતી. તેણે ઘર આવીને ડાન્સ પણ કર્યો. તેણે મને કહ્યું કે તેના મિત્રનાં મમ્મીએ તેને ઍજ્યુકેશન લૉન વિશે કહ્યું છે અને તેમની મદદ કરવાની વાત પણ કહી છે."
ઐશ્વર્યા પોતાના પરિવારનું બે લાખનું દેવું ચુકવી દેવા માગતાં હતાં, જે તેમના શિક્ષણ માટે લીધું હતું. બાકીના રૂપિયાથી તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરવા માગતાં હતાં.

એ છેલ્લી લડાઈ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, આ દરમિયાન ઐશ્વર્યા અને તેમનાં માતા વચ્ચે કૉલેજ પ્રવેશ માટે દિલ્હી જવા, ત્યાં રહેવા અને પ્રવેશની ફીમાં થયેલા ખર્ચને લઈને ઝઘડો થયો.
પછી ઐશ્વર્યા પોતાના રૂમમાં ચાલ્યાં ગયાં અને દરવાજો બંધ કરી દીધો. તેમણે રોજની જેમ ફિલ્મ જોઈ અને ભોજન લેવાની ના પાડી દીધી.
તેઓ બીજા દિવસે ઊઠ્યાં પણ બીજા દિવસે પણ ખાવાનું ખાવાની ના પાડી દીધી.
ઐશ્વર્યાના પિતાએ બહારથી ખાવાનું મંગાવવા માટે કહ્યું પરંતુ તેણે ના પાડી દીધી.
જોકે ઐશ્વર્યાએ પોતાના પિતાને તેમના ડાયટ વિશે કહ્યું કારણ કે તેમને કમળો થયો હતો. તેમણે પોતાના પિતાને ખાવાનું પણ ખવડાવ્યું.
પછી ઐશ્વર્યા પોતાના રૂમમાં ચાલ્યાં ગયાં.
તેમના રૂમમાંથી કેટલાક સમય સુધી કોઈ અવાજ આવ્યો નહીં. તેમનાં બહેને પગલૂછણિયું લેવા માટે જ્યારે રૂમ ખોલ્યો ત્યારે ઐશ્વર્યાએ રૂમના પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
સુમતિ રોતાં કહે છે, "અમે જમીન પર સુવાડી અને ઑટો લેવા માટે દોડ્યા. અમે તેને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમે વિચારી રહ્યા હતા કે આ બધું ખોટું હોય."

ઐશ્વર્યાની સ્યૂસાઇડ નોટ

ઐશ્વર્યાએ પોતાની પાછળ એક સ્યૂસાઇડ નોટ પણ છોડી છે. તેઓએ લખ્યું છે-
"મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. મારા કારણે પરિવારને ઘણો ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે. "
"હું તેમના પર બોજ બની ગઈ છું. મારું શિક્ષણ તેમના માટે બોજ બની ગયું છે. આ વિશે લાંબા સમયથી વિચારી રહી છું. "
"મને લાગે છે કે મૃત્યુ જ મારી આ સમસ્યાનું એકમાત્ર સમાધાન છે. લોકો મારા મૃત્યુ માટે અનેક કારણ બતાવી શકે છે. જોકે મારો કોઈ ખરાબ ઇરાદો નથી. "
"કૃપા કરીને મને એક વર્ષ માટે ઇન્સ્પાયર સ્કૉલરશિપ મળી જાય. કૃપા કરી મને માફ કરી દો. હું સારી દીકરી નથી."
ઐશ્વર્યાએ આ સ્યૂસાઇડ નોટના અંતે અંગ્રેજીમાં પોતાની સહી કરી છે.
એવી અનેક સંસ્થાઓ અને લોકો છે જે હોનહાર અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરે છે, પરંતુ ઐશ્વર્યાનો પરિવાર તેમના સુધી પહોંચી ન શક્યો.
સુમતિએ બીબીસીને કહ્યું, "અમે કોઈને ઓળખતા નથી. અમે નથી જાણતા કે કોને મદદ માગવી જોઈએ. કેટલાક લોકોએ અમને સલાહ આપી કે તે વૉટ્સએપ દ્વારા પણ મદદ માગી શકે છે. "
"પરંતુ અમને તેમને આવું કરવાથી ના પાડી દીધી, કારણ કે અમને ડર હતો કે વૉટ્સઍપ પર અમારી દીકરીનો ફોટો બધા સુધી પહોંચી જશે અને અમારી આબરૂ જશે. મેં તેમને રોકી દીધા."
ઐશ્વર્યાએ મદદ માટે મુખ્ય મંત્રી કે. સી. રામારાવના દીકરા અને આઈટીમંત્રી કેટી રામારાવને ટ્વીટ કર્યું હતું અને ઍક્ટર સોનુ સુદ પાસે પણ લેપટૉપની મદદ માગી હતી.
આંસુઓની સાથે પોતાની દીકરીને યાદ કરતાં સુમતિ કહે છે, "મેં જ તેને દબાણ કર્યું હતું કે તે વારંગલથી ઘરે આવી જાય અને સ્કૉલરશિપ માટે બૅન્ક એકાઉન્ટ ખોલી નાખે. કદાચ હું તેને ન બોલાવતી તો તે જીવિત હોત."
"અમે તેને હંમેશાં ભરોસો અપાવ્યો હતો કે ભણવા માટે ડરવાની જરૂરિયાત નથી. એક દિવસ પહેલાં થયેલા ઝઘડાથી ખૂબ જ દુ:ખી હતી."
હવે અનેક સંગઠનો અને સામાજિક કલ્યાણ વિદ્યાર્થીસંઘ, આર્થિક રૂપે નબળા ઉચ્ચ જાતિના સંઘોએ પરિવારને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે. હાલમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસએફઆઈ) કેસને જોઈ રહ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












