પ્રશાંતગુરુ : વડોદરાના આયુર્વેદિક ડૉક્ટરમાંથી બળાત્કારના આરોપી સુધી

ઇમેજ સ્રોત, Bhargav parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વડોદરામાં આયુર્વેદિક ડૉક્ટર પ્રશાંત ગુરુ સામે છેતરપિંડી, જાતીય શોષણની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે પ્રશાંત ઉપાધ્યાય ઉર્ફે પ્રશાંતગુરુની ધરપકડ કરી લીધી છે.
વડોદરાના ગોત્રી રોડ પર રહેતા મધ્યમ વર્ગીય પરિવારના પ્રશાંત ઉપાધ્યાયને ભણીગણીને મોટા માણસ થવું હતું.
તેઓ ભણીને આયુર્વેદિક ડૉક્ટર બન્યા અને ગોત્રી વિસ્તારમાં એમણે દવાખાનું ખોલ્યું હતું, પણ દવાખાનું બહુ ચાલતું નહોતું.
આ દરમિયાન ભણતી વખતે જ આયુર્વેદ શીખવા માટે તેઓ એમના દવાખાનાની નજીક આવેલા વારસિયા રોડ પરના બગલામુખી આશ્રમમાં જતા હતા.
અહીંના સદગુરુની સેવા કરતા અને અહીં આવનારા લોકોની સમસ્યા પણ સાંભળતા.
ગુરુજી અમુક દુખી લોકોને ભભૂત અને આયુર્વેદિક દવા પણ આપતા અને ધાર્મિક વિધિ કરતા એવું કહેવાય છે.
સદગુરુ મહારાજ તંત્રમંત્ર કરતા એવી વાતો પણ સાંભળવા મળતી હતી.
એવું પણ કહેવાતું તેમને ત્યાં મોટામોટા બિઝનેસમૅન અને સારાં ઘરનાં મહિલાઓ આવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આયુર્વેદિક ડૉક્ટર પ્રશાંત ઉપાધ્યાય ભણેલાગણેલા હોવાથી આશ્રમનો હિસાબ જોતા અને અંગ્રેજી આવડતું હોવાથી લોકોને સારી રીતે ઇમ્પ્રેસ કરી લેતા હતા.
ડૉક્ટરમાંથી ગુરુ કેવી રીતે બન્યા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ આશ્રમની એક સમયે નિયમિત મુલાકાત લેનારા અનિલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે સદગુરુના લીધે આશ્રમ જતા હતા. પહેલાં કોઈ અમારું નામ, સરનામું કે ફોન નંબર લેતા નહોતા, પણ પ્રશાંત ઉપાધ્યાય ગુરુની નજીક જવા લાગ્યા પછી એણે એક ડાયરી બનાવીને લોકોનાં નામ-નંબર લેવાના શરૂ કર્યાં."
"એણે પછી એક ડેટા-બેઝ બનાવ્યો. મોટા ભાગના લોકો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી આવતા હતા."
તેમના કહેવા અનુસાર, એક ચોક્કસ જ્ઞાતિના લોકો કે જે મોટા ભાગે ધંધામાં જોડાયેલા હોય છે અને બહુ ભણ્યા નથી હોતા, એ લોકો વધુ આવતા હતા.
તેઓ વધુમાં કહે છે, "પ્રશાંત ગોત્રીમાં પોતાનું દવાખાનું પણ ચલાવતો હતો, આશ્રમમાં એ મહારાજ જેવાં કપડાં પહેરતો અને લોકોને કહેતો ફરતો કે એ તાંત્રિકવિદ્યા જાણે છે."
"એણે જે લોકોના ફોન નંબર ભેગા કર્યા હતા, એમને સંપર્ક કરીને કહેતો હતો કે એમની ધંધાની સમસ્યા દૂર કરશે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ હોય તો એ પણ દૂર કરશે."
અનિલ પટેલ વધુમાં કહે છે કે "અમે એને એક વાર એક ટૂરિસ્ટ સ્પૉટ પર ઇમ્પૉર્ટેડ ગોગલ્સ અને ટી-શર્ટમાં મોજ કરતો જોયો."
"અમે એને મળ્યા ત્યારે એ તાંત્રિકવિધિ માટે આવ્યો હોવાનું કહી નીકળી ગયો પણ અમને ખબર પડી કે એ કોઈ મહિલા સાથે હોટલમાં રોકાયો હતો. ત્યારથી અમે આશ્રમમાં જવાનું બંધ કરી દીધું હતું."
દીકરો ગુમ થવા માટે ફરિયાદ નોંધાવી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
દેવરાજ પંડ્યા નામના બિઝનેસમૅને પ્રશાંતગુરુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના એ.સી.પી. એ.બી. રાજગોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એની (પ્રશાંતગુરુ) સામે ગોત્રી પોલીસસ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનામાં દેવરાજ પંડ્યા નામના બિઝનેસમૅને ફરિયાદ દાખલ કરી હતી કે 'પ્રશાંતગુરુએ એમને ધંધામાં નુકસાનથી ગયેલા બે કરોડ રૂપિયા પરત' લાવી દેવાનો વાયદો કર્યો હતો."
રાજગોર કહે છે કે "આવા વચન આપીને તેણે 21.80 લાખ ઠગી લીધા, પણ પૈસા પરત નહીં આવતા એમણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે જેલમાં મોકલવામાં આવ્યા હતા."
"ત્યારબાદ એની સામે જાતીય શોષણની ફરિયાદ નોંધાઈ અને એક વૃદ્ધ મહિલાએ તેની સામે એમના દીકરાને ગુમ કરવાની ફરિયાદ નોંધાવી છે."
બીબીસીએ દેવરાજ પંડ્યાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ એમનો સંપર્ક સાધી શકાયો નહોતો.
પરંતુ જેમણે દીકરો ગુમ થયાની ગોત્રી પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી છે, એ આધેડ મહિલા મીનાક્ષી શાહે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "મારો દીકરો કલ્પેશ આ પ્રશાંતગુરુના સંપર્કમાં આવ્યો ત્યારથી એનો ભક્ત બની ગયો હતો. સેવકની જેમ સેવા કરતો હતો, પછી એ અચાનક ગુમ થઈ ગયો."
"હું વારંવાર પ્રશાંતગુરુને આશ્રમમાં પૂછવા જતી તો 'આવી જશે' કહી મને ભગાડી દેતો અને કોઈને ફરિયાદ કરીશ તો તંત્રવિદ્યાથી દીકરાને મારી નાખીશ એમ કહેતો, જેથી હું ડરી ગઈ હતી."
તેઓ વધુમાં કહે છે, "ફેબ્રુઆરીમાં એની સામે ફરિયાદ થઈ અને હું આશ્રમમાં મારા દીકરા વિશે પૂછવા ગઈ, ત્યારે એના બે સાથી કિરણ ગુરુમુખ અને કોમળ ગુરુમુખે મને ઘરે આવીને ધમકાવી હતી કે તું વચ્ચે પડીશ તો તને પણ મારી નાખીશું."
"મેં જોયું કે જો આ બાવો જેલમાં હોય તો શું બગાડી શકવાનો એટલે મેં પોલીસમાં ફરિયાદ કરી છે અને મને આશા છે કે મારા દીકરાને હવે પોલીસ શોધી આપશે."
પ્રશાંતગુરુ સામે દુષ્કર્મની ફરિયાદ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મીનાક્ષીબહેનની ફરિયાદ થઈ ત્યારે પ્રશાંતગુરુ જેલમાં હતા. એ સમયે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને એના આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડી પડ્યું હતું. ત્યારે તાંત્રિકવિધિનો સમાન અને કેટલાંક પ્રતિબંધિત પક્ષી પણ મળી આવ્યાં હતાં.
થોડા સમયમાં એ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન લઈને છૂટી ગયા હતા અને ત્યારબાદ મે મહિનામાં એમના જામીન પૂરા થવાના હતા એ સમયે ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ સમયમાં એના નજીકના સાથી પ્રેક્ષા વ્યાસે પણ છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
એ ફરી જેલમાં ગયા એ પહેલાં એમનાં પૂર્વ અનુયાયીએ એમના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
એમનાં પૂર્વ અનુયાયીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટરાગ હોવાથી તેઓ સમાધાન માટે પ્રશાંતગુરુની મદદ માગી હતી.
એ સમયે પ્રશાંતગુરુએ પતિની બૂરાઈ કરતો એમનો ફોન-રેકૉર્ડ કરી એમના પતિને સંભળાવ્યા હતા અને એમના પતિએ એમની વિરુદ્ધ જે વાત કરી હતી એ રેકૉર્ડ કરીને સંભળાવી હતી, જેથી ખટરાગ વધી ગયા હતા.
આ અરસામાં એમના પતિને સુરત વિધિ કરવાને બહાને મોકલી અને એમને આશ્રમ પર બોલાવ્યાં હતાં. દવા અને પ્રસાદના નામે કંઈક ખવડાવી અર્ધબેભાન અવસ્થામાં એમની સાથે દુષ્કર્મ કર્યું હતું.
ત્યારબાદ આ સિલસિલો ત્રણ વર્ષ ચાલ્યો, પણ પતિને ખબર પડશે તો કાઢી મૂકશે એ ડરથી એમને વાત કરી નહોતી. છેવટે ઠગાઈના કેસમાં પ્રશાંતગુરુ ઝડપાયા પછી એમની હિંમત વધી અને પતિને વાત કરતાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ કઈ દિશામાં ચાલુ છે?

ઇમેજ સ્રોત, Gai Chokasi
તાંત્રિકવિદ્યાના નામે એમનાં બે મહિલા અનુયાયી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, આક્ષેપ છે કે તેઓ પ્રશાંતગુરુ પાસે મહિલાઓને મોકલતાં હતાં.
આ અંગે બીબીસી સાથે વાતચીત કરતાં વડોદરાના એ.સી.પી. રાજગોરે કહ્યું કે "બગલામુખી પ્રશાંતગુરુ પોતે આયુર્વેદિક ડૉક્ટર છે."
"પ્રશાંતગુરુ સામે અમે છેતરપિંડી અને અલગઅલગ મહિલાઓ સાથે જાતીય શોષણની ફરિયાદ નોંધી છે, પણ અમારી પાસે પોતાને મહારાજ કહેવડાવતા પ્રશાંતગુરુ સામે બીજી એક ફરિયાદ પણ છે."
પોલીસ કહે છે, "એ છોકરી દસમા ધોરણમાં ભણી રહી હતી, ત્યારે આ બગલામુખીના આશ્રમમાં સાફસફાઈની સેવા આપતી હતી, એની બીજી ત્રણ સેવિકા એના રૂમમાં સેવા કરવા મોકલતી અને એ સમયે 2015માં એને કંઈ ખબર પડતી નહોતી."
"તારા પર ઇશ્વરની કૃપા ઉતારશે, સ્નાન કરી લે એમ કહી એને પોતાના રૂમમાં નાહવા મોકલીને વીડિયો ઉતાર્યો હતો. માઉથ ફ્રૅશનરના નામે એને દવા આપી દુષ્કર્મ કર્યું હતું અને સતત 2017 સુધી બળાત્કાર કર્યો હતો."
રાજગોર કહે છે કે "એને સમજણ પડી ત્યારથી એનાં માતાપિતા સાથે આવવાનું બંધ કર્યું હતું. મહારાજનાં અનુયાયી પૈકી દિશા જોનની ધરપકડ કરવામાં આવી છે અન્યની શોધ ચાલી રહી છે."
"એમણે ફોનની તમામ ડિટેઇલ ડિલીટ કરી નાખી છે, અમે ફોન એફ.એસ.એલ.માં મોકલી આપ્યો છે."
પોલીસના કહેવા અનુસાર, પ્રશાંતગુરુને ફરીથી જેલમાંથી બહાર લાવીને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તેઓ કહે છે કે નજીકના દિવસોમાં ડૉક્ટરમાંથી મહારાજ બનેલા પ્રશાંતગુરુનાં બીજાં કૌભાંડો પણ બહાર આવશે.
પોલીસ પ્રશાંતગુરુનાં બૅન્કના વ્યવહારો, કૉમ્પ્યૂટર વગેરેની તપાસ કરી રહી છે. પોલીસે તેમના ફોનને પણ એફએસએલમાં મોકલ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












