ભાવનગર : પૃથ્વીરાજસિંહ જાડેજાએ આખરે આવું અંતિમ પગલું શું કામ ભર્યુ?

ઇમેજ સ્રોત, Pradip Shukla
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભાવનગરના વિજયનગરમાં બુધવારે નિવૃત્ત ડી.વાય.એસ.પીના પુત્રનો સમગ્ર પરિવાર ઘરમાં જ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
વિજયનગરમાં આવેલા તેમના મકાનમાં બુધવારની સાંજે અચાનક ફટાકડા ફૂટ્યા હોય એવો અવાજ આવ્યો અને એક પછી એક બે-ત્રણ કાર મકાનની બહાર આવીને ઊભી રહી ત્યારે પાડોશીઓને કંઈક અજૂગતી ઘટના બની હોવાની જાણ થઈ હતી.
પોલીસને મકાનમાંથી પૃથ્વીરાજસિંહ જાડેજા (45 વર્ષ), એમના પત્ની બીનાબા જાડેજા (38 વર્ષ) અને બે દીકરીઓ યશસ્વીબા જાડેજા (11 વર્ષ) તથા નંદિનીબા જાડેજા (15 વર્ષ) મૃત સ્થિતિમાં મળી આવ્યા હતાં.
આ ઉપરાંત પોલીસને પરિવારના પાલતું શ્વાન ટૉમીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. પોલીસના કહેવા મુજબ આ સામૂહિક આત્મહત્યાનો બનાવ છે અને તેની હાલ તપાસ ચાલી રહી છે.
(આત્મહત્યા એ એક ગંભીર મનૌવૈજ્ઞાનિક સામાજિક સમસ્યા છે. આપ જો કોઈ તણાવથી પરેશાન હો તો આપે નજીકના મિત્રો, સંબંધીઓને અને જરૂર પડ્યે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. જો તમે ગુજરાતમાં હો તો તમે 24 કલાકની જીવન આશરા હેલ્પલાઇન 1800 233 3330 ઉપર કૉલ કરી શકો છો. આ ઉપરાંત તમે સાથ સંસ્થા દ્વારા સંચાલિત હેલ્પલાઇન પર +91 79 26305544 , +91 79 26300222 દિવસ દરમિયાન કૉલ કરી શકો છો. સમગ્ર દેશમાં કાર્યરત આશરા હેલ્પલાઇનનો નંબર 91-9820466726 છે જે 24 કલાક કાર્યરત હોય છે અને તે હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.)
જાણવા મળ્યું છે કે તેમણે એક વાક્યની સુસાઇડ નોટ લખી છે જેના આધારે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ડિપ્રેશનને કારણે આપઘાત કર્યો હતો.
જોકે પોલીસ હજી આ બાબતની તપાસ કરી રહી છે. પરિવારજનોનું કહેવું છે કે પરિવારમાં બધું બરાબર ચાલતું હતું એટલે આત્મહત્યાનું કોઈ કારણ પણ નહોતું.
પૃથ્વીરાજ સિંહ ભાવનગરમાં પોતાનાં પત્ની, બે પુત્રીઓ અને એક પાળેલા કૂતરા સાથે રહેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પત્ની, પુત્રીઓ અને પોતાનાં પાળેલાં કૂતરાને ગોળી મારી પછી પોતે પણ આત્મહત્યા કરી હતી.

ઇમેજ સ્રોત, Pradip Shukla
તેમણે અભ્યાસ પૂરો કર્યા બાદ શરુઆતમાં અખબારની એજન્સી લીધી હતી અને એક સાંધ્ય દૈનિકમાં પત્રકાર તરીકે કામ કર્યું.
તે દરમિયાન તેમના લગ્ન બીનાબા સાથે થયા હતા, એમના પિતા એન. બી. જાડેજા પોલીસમાંથી નિવૃત્ત થઈ કાલાવાડના કાલમેઘડા ગામમાં પૈત્રૃક જમીન પર ખેતી કરે છે.
નિવૃત્ત ડી.વાય.એસ.પી. એન. બી. જાડેજા પોલીસમાં કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પણ મળ્યો હતો.
તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું, હું પોલીસમાં હતો, હું નિવૃત્ત થયા પછી અમારા વતનમાં ખેતી કરું છું. મારો દીકરો અને તેના સાઢુભાઈ સાથે અહીં કન્સ્ટ્રક્શનનો ધંધો કરતો હતો.
તેઓ કન્સ્ટ્રક્શનના ધંધામાં ધમકીઓ મળી હોવાની કે પછી હથિયાર ખરીવાની વાતને નકારતા કહે છે, "એ પત્રકાર હતો ત્યારે પણ ધમકી મળી નથી. એની ઇચ્છા હતી એટલે એણે હથિયાર ખરીદ્યું હતું. એને ક્યારેય કોઈ ધમકી મળી નથી. તેમને નાનપણથી હથિયારનો શોખ હતો એટલે રિવૉલ્વર ખરીદી હતી."
એન.બી. જાડેજા કહે છે, "તે એક કંપની ખોલીને પોતાના સાઢુ ભાઈ યશવંતસિંહ સાથે કૉન્ટ્રક્ટર તરીકે કન્સ્ટ્રક્શનનો ધંધો કરતો હતો . ધંધો પણ સારો ચાલતો હતો, પતિ-પત્ની વચ્ચે સારું બનતું. તે પત્નીને સામાજિક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરતો, આર્થિક તકલીફ પણ નહતી. એણે એક બિલ પર બે લાઇનની જે સુસાઇડ નોટ લખી છે કે 'હું મારા પરિવાર સાથે આત્મહત્યા કરૂં છું, ઘરના દરવાજા ખુલ્લા છે '. "
તેઓ કહે છે, "આ જ બતાવે છે કે આત્મહત્યાનો કોઈ મોટિવ નથી. મેં પોલીસ ખાતામાં ક્રાઇમબ્રાન્ચમાં કામ કર્યું છે, સામૂહિક આત્મહત્યાનો મોટિવ ન દેખાતા હું પણ મૂંઝવણમાં છું એટલેજ પોલીસને તપાસમાં મદદ કરી રહ્યો છું પરંતુ હજુ કોઈ કારણ મળ્યું નથી. "

'પુત્રીએ રાઇફલ શૂટિંગમાં મેડલ જીત્યો હતો'

ઇમેજ સ્રોત, Pradip Shukla
પૃથ્વીરાજ સિંહના સાળા જયદીપસિંહ ગોહિલે કહ્યું, "અમારા બનેવીને કોઈ સમસ્યા નહોતી, ગામમાં ખેતી અને અમારા બીજા બનેવી સાથે ધંધો પણ સારો ચાલતો હતો. એ પ્રેમાળ હતા એટલે દુશ્મનો હોય એવું પણ નહોતું. તેમને મહેમાનગતિ કરવી ગમતી એટલે તેમનું ઘર મહેમાનોથી ભરેલું રહેતું. "
"ભૂતકાળમાં પત્રકાર હતા એટલે આધુનિક વિચારોવાળા અને બંને પુત્રીઓને આગળ વધવાની તક આપતા. એટલે જ મોટી પુત્રીને રાયફલ શૂટિંગ શીખવ્યું, અને એમાં તેમણે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીત્યો હતો. એને ઘોડેસવારી પણ શીખવતા. એટલું જ નહીં મારાં બહેન બીનાબાને પણ રાજપૂત સમાજમાં મહિલા અગ્રણી તરીકે આગળ લાવ્યા હતા, એમને કરણીસેનામાં સામાજિક કામ કરવા માટે પ્રોત્સાહન આપતા હતા."
ગોહિલ કહે છે, "અમને જયારે સાંજે 5.39 વાગ્યે મેસેજ મળ્યો ત્યારે અમને એમ કે એમને બચાવી લઈશું પણ 5.45 વાગ્યે અમે પહોંચ્યા તો જોયું તો બંને પુત્રીઓનો મૃતદેહ બૅડરૂમમાં હતો. બહેન બીનાબાનો મૃતદેહ રસોડામાં હતો અને એ ઉપરના રૂમમાં સોફા પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી હતી. ઘરમાં કોઈ આર્થિક અથવા સામાજિક તકલીફ નહોતી."
પૃથ્વીરાજસિંહના મિત્ર મિલનભાઈએ કહ્યું કે "અમને મિત્રોને પણ એ નથી સમજાતું કે આ પગલું કેમ ભર્યું કારણકે એમના સ્વભાવમાં એવું હતું જ નહીં કે કોઈની સાથે ઝગડો કે બોલાચાલી થાય. એમના પિતા પોલીસમાં હતા પણ ક્યારેય એને રોબ ઝાડ્યો નથી, એને કોઈ સમસ્યા હોય એવી વાત પણ કરી નહોતી. કાયમ દીકરીની સિદ્ધિઓ અને પત્નીનાં વખાણ કરતા. આર્થિક સમસ્યાનો સવાલ નથી, એ બીજાને મદદ કરતા પણ આવું પગલું ભર્યું એ સમજાતું નથી."

શું કહે છે પોલીસ?

ઇમેજ સ્રોત, Safin Hassan/FB
ભાવનગરના ડી.એસ.પી સફિન હસને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમને આ મેસેજ મળ્યો અને અમે તપાસ શરુ કરી છે. એફ.એસ.એલની મદદ લીધી છે, એમને કોઈ આર્થિક તકલીફ નહોતી, સામાજિક તકલીફ પણ જણાઈ નથી. પતિ-પત્ની વચ્ચે સંબંધો પણ સારા હતા."
"તેમણે માત્ર બે વાક્યની સુસાઇડ નોટ ગુજરાતીમાં લખી છે. તેના પરથી ડિપ્રેશનમાં કે ક્ષણિક આવેગમાં આવીને સામૂહિક આત્મહત્યા કરી હોય એવું લાગે છે. જોકે એ પણ ચોક્કસ રીતે ન કહી શકાય કારણકે એ કોઈ ડિપ્રેશનની દવા લેતા નહોતા, અમે હાલ તમામ પાસા ચકાસી રહ્યા છીએ."
"એમના અંગત મિત્રો સંબંધીઓ અને ધંધાકીય સંપર્કોની પણ તપાસ કરી રહ્યા છીએ અત્યારે કંઈ કહેવું વહેલું ગણાય તપાસ પૂર્ણ થયા પછી જ કોઈ નિર્ણય પર આવી શકાશે."

ઇમેજ સ્રોત, MohFW, GoI



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












