'ભાજપના નેતા દ્વારા દલિતને માર મારવાનું' સત્ય શું છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, SM VIRAL POST
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, ફૅક્ટ ચેક ટીમ, સિદ્ધાર્થનગર (યૂપી)થી
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લા હૉસ્પિટલમાં દાખલ 37 વર્ષીય રામુસિંહ લોધીને ગોરખપુરની મોટી હૉસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આંખના ડૉક્ટરે તેમની જમણી આંખમાં ઈજા જોઈને તેમને ગોરખપુર રિફર કરી દીધા.
આ તરફ જિલ્લા હૉસ્પિટલમાં હાડકાં તેમજ નસરોગ નિષ્ણાત ડૉક્ટર કૃષ્ણકુમાર યાદવે રામુને જણાવ્યું છે કે તેમના બન્ને પગે ફ્રૅક્ચર છે.
10 દિવસની સારવાર બાદ પણ રામુની ફરિયાદ છે કે તેઓ પોતાનો પગ ઊંચો કરી શકતા નથી.

65 વર્ષીય તેમના પિતા ઝીનક લોધી તેમની સારવારમાં લાગ્યા છે.
રામુના નાના ભાઈ અનિલની પીઠ પર હજુ પણ લાકડીથી માર માર્યાનાં નિશાન જોઈ શકાય છે.
આ એ જ પરિવાર છે જેમનો એક વીડિયો લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલાં સોશિયલ મીડિયા પર એ દાવા સાથે વાઇરલ થયો કે 'સિદ્ધાર્થનગરના ભાજપ નેતા આશુતોષ મિશ્રએ એક દલિત પરિવારને નિર્દયતાથી માર માર્યો અને યોગી સરકારના દબાણમાં યૂપી પોલીસ નેતા વિરુદ્ધ કોઈ પગલાં નથી લઈ રહી.'

ઇમેજ સ્રોત, SM VIRAL POSTS
ટ્વિટર અને ફેસબુકના ઘણાં મોટાં ગ્રૂપ્સમાં એ દાવા સાથે આ વીડિયો સેંકડો વખત શૅર કરવામાં આવ્યો અને તે લાખો વખત જોવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીની ફૅક્ટ ચેક ટીમે ગ્રાઉન્ડ પર (સિદ્ધાર્થનગર) જઈને આ વીડિયોની તપાસ કરી.
અમારી તપાસમાં જાણવા મળ્યું કે મારપીટની આ ઘટના 9 મે, 2019ના રોજ ઘટી હતી, પરંતુ જે દાવા સાથે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે તે ભ્રામક છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું પીડિત પરિવાર દલિત છે?

આ ઘટના સિદ્ધાર્થનગર જિલ્લામાં દક્ષિણની તરફ સ્થિત ખેસરહા બ્લૉકના ટોલા ટિકુહિયાંની છે કે જે કપિયવાં ગામની હદમાં આવે છે.
અહીં આશરે 90 ઘર છે, જેમાં ત્રણ ઘર સુથારના અને બાકી બધાં ઘર પછાત સમુદાયના છે.
ગ્રામજનોએ જણાવ્યું કે તેમના ગામમાં એક પણ દલિત પરિવાર નથી. ગામના પ્રધાન અને બ્લૉક સ્તરના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.
ટોલા ટિકુહિયાંમાં પ્રવેશ કરતા જ અમારી મુલાકાત કેટલાંક બાળકો સાથે થઈ કે જેઓ મરાઠી સ્ટાઇલમાં હિંદી બોલી રહ્યાં હતાં.
તેમના વિશે ગામની એક વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું, "જૂની પેઢી નજીકના ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવી લેતી હતી, પરંતુ હવે એટલી મહેનતથી ઘર ચાલતું નથી."
"રોજગારનો અભાવ છે માટે છેલ્લા દોઢ દાયકાથી ગામનાં બાળકો રોજગારી માટે કેરળ અને મહારાષ્ટ્રના પુણે-મુંબઈ જેવાં શહેરોમાં જઈ રહ્યાં છે અને તેમનાં બાળકો ત્યાં જ ભણે છે."
રામુ લોધી અને તેમના ભાઈ અનિલ પણ મુંબઈની કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં મજૂરી કરે છે અને બન્ને રજાઓમાં ઘરે આવ્યા હતા.
ટોલા ટિકુહિયાંને સરકારી આવાસ યોજના અંતર્ગત કપિયવાં ગામની ઉજ્જડ જમીન પર વર્ષો પહેલાં વસાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી આ ગામમાં એક પણ પાક્કો રસ્તો નહોતો.
થોડા દિવસ પહેલાં જ ગામમાં ઈંટોનો રસ્તો બનાવાયો છે. આ મામલે ગામમાં હિંસા અને વિવાદ થયો હતો.


કઈ વાત પર ઝઘડો શરૂ થયો?

9 મેની ઘટનાને યાદ કરતા રામુ લોધી કહે છે, "12 મેના રોજ અમે અમારા નાના ભાઈ વિજયના લગ્ન માટે મુંબઈથી ઘરે આવ્યા હતા."
"મારપીટની આ ઘટના 9 મેના રોજ સવારે સાડા આઠ વાગ્યા પછીની છે. ગામમાં રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. અમારા ઘરની સામે એક ઝૂંપડી હતી, જેનો બે ફૂટનો ભાગ રસ્તામાં આવતો હતો."
"ઘરે આવેલા મહેમાનો માટે અમે ઘાસની ઝૂંપડી બનાવી હતી, પરંતુ ગામના પ્રધાન બબલુ મિશ્રનું કહેવું હતું કે અમે ઝૂંપડીને તુરંત ખસેડી લઈએ."
"તેમની સાથે વાત ચાલતી હતી કે શું અમને લગ્ન સુધીનો સમય મળી શકે છે? ત્યારે જ કેટલાક લોકોએ આરી લઈને છાપરું કાપવાનું શરૂ કરી દીધું."

ઇમેજ સ્રોત, Vishal Lodhi
મુંબઈમાં ભણેલા રામુના 17 વર્ષીય દીકરા વિશાલે આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઇલ કૅમેરામાં શૂટ કરી હતી.
તેમના બનાવાયેલા વીડિયોમાં દેખાય છે કે છાપરા મામલે ચાલી રહેલી વાતચીત થોડી વાર બાદ ઉગ્ર બોલાચાલીમાં પરિવર્તિત થઈ જાય છે.
રામુના ઘરની મહિલાઓને લોકો અપશબ્દો કહેવા લાગે છે અને ત્યારે જ ગ્રામપ્રધાન દેશી તમંચો કાઢીને રામુના નાના ભાઈ અનિલ લોધીના મોઢામાં ઘૂસાડી દે છે. તેમને ગાળો આપે છે.

ઇમેજ સ્રોત, Vishal Lodhi
28 વર્ષીય અનિલ લોધી જણાવે છે, "બબલુ મિશ્રએ બંદૂક કાઢી ત્યારે જે ગ્રામજનો તેમની સાથે આવ્યા હતા, તેમણે અમને મારવાનું શરૂ કરી દીધું."
"તેઓ મારા ભાઈને ઘરમાંથી ખેંચીને નજીકના ખેતરમાં લઈ ગયા અને તેને વીજળીના થાંભલા સાથે બાંધીને તેમની સાથે મારપીટ કરી."
પોતાના હાથ અને ચહેરા પર થયેલી ઈજા બતાવતા રામુનાં માતા કહે છે, "અમે હાથ જોડીને લોકો પાસે માત્ર ત્રણ દિવસનો તો સમય માગ્યો હતો."
આ જ ગામમાં રહેતા 55 વર્ષના ઇન્દ્રજિત સિંહ કહે છે, "રસ્તા મામલે સમગ્ર ગામ એક તરફ હતું અને રામુ લોધીનો પરિવાર એક તરફ હતો."
"તેમણે ખોટી રીતે જમીન પર કબજો જમાવ્યો હતો, પરંતુ જ્યારે તેમને જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યું તો તેઓ હોબાળો કરવા લાગ્યા."
27 વર્ષીય રામસૂરત સિંહ ઇન્દ્રજિત સિંહની વાત સાથે સહમત છે.
ઇન્દ્રજિત સિંહનું નામ એ 17 લોકોની યાદીમાં સામેલ છે કે જેમને સ્થાનિક પોલીસે આ હિંસા મામલે ચેતવણી આપી છે.
તેઓ માને છે કે ગામના લોકો રામુ અને તેમના પરિવારજનો સાથે મારપીટ કરવામાં સામેલ હતા.


યૂપી પોલીસે શું કાર્યવાહી કરી?

ખેસરહા બ્લૉકના પોલીસ સ્ટેશનના અધ્યક્ષ વિજય દુબે આ મામલાની તપાસ કરી રહ્યા છે.
તેઓ જણાવે છે કે ડાયલ-100ની મદદથી સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણકારી મળી હતી.
એમએલસી રિપોર્ટનો હવાલો આપી વિજય દુબેએ બીબીસીને જણાવ્યું કે રામુના શરીર પર ડૉક્ટરોને આઠ જગ્યાએ ઘાનાં સ્પષ્ટ નિશાન મળ્યાં હતાં, પરંતુ તેમની આંખે ઈજા સૌથી ગંભીર બતાવવામાં આવી હતી.

વિજય દુબેના જણાવ્યા અનુસાર પીડિત પરિવારની ફરિયાદ પર આ હિંસાના ત્રણ આરોપીઓ (મોહનલાલ, સોનુ અને દયારામ)ની પોલીસે ધરપકડ કરી છે.
બે અન્ય આરોપીઓ (ગ્રામપ્રધાન બબલુ મિશ્ર અને સોહન)ને સ્થાનિક પોલીસે વૉન્ટેડ-લિસ્ટમાં રાખ્યા છે.
બધા આરોપીઓ વિરુદ્ધ બળવો કરવો, કોઈને ઘેરીને મારવો અને મારી નાખવાની ધમકી આપવા જેવી કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પણ શું પોલીસને બબલુ મિશ્રના 'તમંચાવાળા વીડિયો'ની જાણકારી નથી? અને ટોલા ટિકુહિયાંથી માત્ર 5 કિલોમિટરના અંતર સ્થિત ઘોસિયારી બજારમાં રહેતા બબલુ મિશ્રની ઘટનાના 11 દિવસ બાદ પણ પોલીસ ધરપકડ કેમ કરી શકી નથી?
સ્થાનિક પોલીસે આ સવાલોનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.


વૉન્ટેડ બબલુ ક્યાં છે?
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે જે ગામમાં બબલુ મિશ્ર રસ્તાનું કામ કરાવી રહ્યા હતા તેઓ એ ગામના પ્રધાન છે જ નહીં.
કપિયવાં અને ટોલા ટિકુહિયાંનાં ગ્રામપ્રધાન સંગીતા મિશ્ર છે કે જેઓ બબલુ મિશ્રનાં ભાભી પણ છે. સંગીતા મિશ્રને ટોલા ટિકુહિયાંમાં કોઈ જાણતું નથી.
બબલુ મિશ્ર પાડોશના એક ગ્રામસભામાં પ્રધાન છે અને તેમના નાના ભાઈ આશુતોષ મિશ્ર અન્ય એક ગ્રામસભાના પ્રધાન છે.
બન્ને ભાઈઓ સાથે ઘોસિયારી બજાર સ્થિત તેમના ઘરે અમારી મુલાકાત થઈ.

બબલુ મિશ્ર અનુસાર તેમના પરિવારે ચાર ગ્રામસભાઓમાંથી પ્રધાનની ચૂંટણી લડી હતી, તેમાંથી ત્રણ જગ્યાએ તેમને જીત મળી હતી.
ટોલા ટિકુહિયાંની ઘટનાને બન્ને ભાઈઓ રાજકારણથી પ્રેરિત ગણાવતા કહે છે કે રામુનો પરિવાર ઢોંગી છે.
સ્થાનિક બ્રાહ્મણ મહાસંઘના અધ્યક્ષ રહી ચૂકેલા આશુતોષ મિશ્ર એ માનવાથી ઇન્કાર કરે છે કે રામુને કોઈ ગંભીર ઈજા પહોંચી છે.
તેમના ભાઈ બબલુ મિશ્રએ પોતાના હાથની એક આંગળી પર બંધાયેલી પટ્ટીને દેખાડીને જણાવ્યું કે મધ્યસ્થી દરમિયાન તેમને ઈજા પહોંચી હતી અને રામુ લોધીને જે ઈજા પહોંચી છે તે છાપરું પડવાથી થઈ છે.
જ્યારે અમે બબલુ મિશ્રને પૂછ્યું કે સ્થાનિક સ્તરે તમારો એક વીડિયો વૉટ્સઍપ પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તમે ટોલા ટિકુહિયાંમાં તમંચો બતાવતા જોવા મળી રહ્યો છો?
તો બબલુ મિશ્રે સ્મિત સાથે જવાબ આપ્યો, "રામુએ ડરાવવા માટે તમંચો કાઢ્યો હતો. પરંતુ ગ્રામજનોએ તમંચો છીનવી લીધો અને હું પ્રધાન હોવાથી મારા હાથમાં મૂકી દીધો. તે તમંચો મારો નહોતો."

આરોપીઓનો ભાજપ સાથે શો સંબંધ છે?

ઇમેજ સ્રોત, SM Viral Post
સોશિયલ મીડિયા પર રામુ લોધીના પરિવારનો જે વીડિયો વાઇરલ થયો છે તેની સાથે એ દાવો કરવામાં આવ્યો છે કે તેમની સાથે ભાજપ નેતા આશુતોષ મિશ્રે મારપીટ કરી.
ગ્રામપ્રધાન આશુતોષ મિશ્રને સ્થાનિક સ્તરે લોકો ભાજપના નેતા તરીકે ઓળખે છે. ટોલા ટિકુહિયાંમાં પણ ગ્રામજનો આ જ માને છે.
આશુતોષ મિશ્ર એ દાવો કરે છે કે ભાજપના સમર્થનથી તેઓ ગત જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. જોકે, ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.
પરંતુ તેમના આ દાવાની તપાસ કરવા માટે અમે સિદ્ધાર્થનગરના ભાજપ જિલ્લાધ્યક્ષ લાલજી ત્રિપાઠી સાથે વાત કરી.
તેમણે કહ્યું, "પહેલી વાત તો એ કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ રાજકીય પાર્ટી ક્યારેય પ્રતીક જાહેર કરતી નથી અને બીજી વાત એ કે આશુતોષ મિશ્ર નામની કોઈ વ્યક્તિ આ જિલ્લામાં ભારતીય જનતા પક્ષના કોઈ જવાબદાર પદ પર નથી."

વીડિયોને કોણે ખોટો સંદર્ભ આપ્યો?

અમારી તપાસમાં જાણવા મળ્યું કે પીડિત પરિવારનો સંબંધ દલિત સમાજ સાથે નથી, પણ પછાત વર્ગ સાથે છે.
જે ગ્રામપ્રધાનનું આ મામલે નામ લેવામાં આવી રહ્યું છે તેમનો કે તેમના ભાઈનો ભાજપ સાથે કોઈ સત્તાવાર સંબંધ નથી.
સિદ્ધાર્થનગર સંસદીય બેઠક પર છઠ્ઠા તબક્કામાં એટલે કે 12 મેના રોજ મતદાન થયું હતું.
સ્થાનિક લોકો જણાવે છે કે 9 મેની ઘટનાનો આ વીડિયો મતદાન પહેલાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
પોલીસ સ્ટેશનના અધ્યક્ષ વિજય દુબેનું કહેવું છે કે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે એક સ્થાનિક ઘટનાને ખોટી રીતે રાજકીય રંગ આપવાનો પ્રયાસ કોણે કર્યો.
સાથે જ ઝીનકસિંહ લોધીને ચિંતા છે કે તેમના દીકરા રામુની હાલત સારી નહીં થાય અને તેઓ ફરી મજૂરી કરવાને લાયક નહીં રહે તો પરિવારનું શું થશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












