હાર્દિક પટેલ ચૂંટણી ન લડે એનાથી ભાજપ અને કૉંગ્રેસમાંથી કોને, કેટલો ફાયદો?

હાર્દીક પટેલ

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાના નથી, કૉંગ્રેસે તેના તમામ ઉમેદવારો નક્કી કરી દીધા અને તમામે ફૉર્મે પણ ભરી દીધાં છે.

લોકસભા ચૂંટણી લડી શકાય તે માટે વીસનગર કેસમાં તેમને દોષિત ઠેરવતા ચુકાદા પર સ્ટે મૂકવાની માગણી કરતી રિટ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે નકારી કાઢી હતી.

હુલ્લડ ફેલાવવાના મામલે વીસનગર કોર્ટે હાર્દિક સહિત કુલ ત્રણ વ્યક્તિને વર્ષ 2018માં દોષિત ઠેરવતા બે-બે વર્ષની સજા સંભળાવી હતી.

હાર્દિક પટેલ 12 માર્ચે કૉંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડશે એવી અટકળ પણ વહેતી થઈ હતી. જોકે કૉંગ્રેસે હવે ઉમેદવાર તરીકે મૂળુભાઈ કંડોરિયાનું નામ જાહેર કરી દીધું છે.

હાર્દિક પટેલ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે તો પાર્ટીને વધારે ફાયદો થાય કે ન લડે તો વધારે ફાયદો થાય? એ વિશે કૉંગ્રેસના નેતા અને રાજકીય સમીક્ષકો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

ચૂંટણી લડે તો લાભ?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે કહ્યું, "દેખીતી વાત તો એવી છે કે હાર્દિક પટેલ જો ચૂંટણી લડી શકે એના કરતા ન લડે તો સરવાળે કૉંગ્રેસને વધારે ફાયદો થઈ શકે."

"ચૂંટણી ન લડે તો એ વ્યાપક પ્રચાર કરી શકે. હાર્દિક પટેલ જો ચૂંટણી લડે તો ભાજપ તેને હરાવવા પૂરતા પ્રયાસ કરે તેથી પોતાની બેઠક પર હાર્દિકનું વધુ ફોકસ રહે."

"રાજ્યમાં અન્ય બેઠક પર પૂરતો પ્રચાર ન કરી શકે. તે ચૂંટણી ન લડે તો સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરી શકે જેનો સરવાળે કૉંગ્રેસને ફાયદો થાય. 2017માં વિધાનસભા ચૂંટણી વખતે હાર્દિકે ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો જેનો આડકતરો ફાયદો કૉંગ્રેસને થયો જ હતો."

તેમણે કહ્યું, "એક વાત એ પણ છે કે હાર્દિક જો ચૂંટણી ન લડી શકે તો હાર્દિકના કારણે કૉંગ્રેસને તેના નામનો જે ફાયદો થવાનો હતો તેનું નુકસાન નહીં જાય, કારણ કે પ્રચાર માટે તે વધુ મુક્ત રહેશે. વધારે મોકળાશથી પ્રચાર કરી શકશે."

"હાર્દિક પટેલ પણ અગાઉ કહી ચૂક્યા છે કે જો તેઓ લોકસભાની કોઈ બેઠક પર ઉમેદવારી નહીં નોંધાવી શકે તો બાકીની 26 બેઠક પર લડશે એટલે કે પ્રચાર કરશે."

લાઇન
લાઇન
line

પીડાનો પ્રચાર

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા સમાજશાસ્ત્રી અને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ પણ માને છે કે હાર્દિક ચૂંટણી લડી શકે એના કરતાં ન લડે તો કૉંગ્રેસને ફાયદો છે.

શાહ કહે છે, "જો હાર્દિક ન લડી શકે તો એને પોતાને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, ભાજપ દ્વારા સતાવવામાં આવ્યો છે એ પ્રકારનો સંદેશ વહે."

"એને લીધે સહાનુભૂતિનું મોજું હાર્દિક અને કૉંગ્રેસ તરફી ઊભું થાય. તેથી હાર્દિક લડી શકે એના કરતાં ન લડી શકે એનો ફાયદો કૉંગ્રેસ પક્ષને વધુ મળી શકે એમ છે."

ગોહિલ કહે છે કે જો હાર્દિક ચૂંટણી ન લડી શકે તો પોતાને નિશાન બનાવવામાં આવ્યો છે એ વાત પ્રચારમાં વધારે પ્રબળ રીતે કહી શકે. વધારે લોકોની સહાનુભૂતિ મેળવી શકે.

ગોહિલ કહે છે, "પોતે શક્તિશાળી નેતા છે અને ભાજપ સામે અવાજ ઉઠાવ્યો તેથી રોકવામાં આવ્યો એ વાત વધારે બળવત્તર રીતે કહી શકે."

"આનો ફાયદો એ થાય કે ભાજપને મત આપવો કે નહીં એવી અવઢવવાળા જે મતદારો હોય એ કૉંગ્રેસ તરફ ઢળી શકે."

line

'હાર્દિકભાઈ સ્ટારપ્રચારક'

કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, EPA

કૉંગ્રેસનો મત જાણવા બીબીસી ગુજરાતીએ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી સાથે વાત કરી.

દોશીએ કહ્યું, "હાર્દિકભાઈ ચૂંટણી લડે કે ન લડે એમાં નફા કે નુકસાનની કોઈ વાત નથી. હાર્દિકભાઈ ભાજપને લડત આપતા રહ્યા છે."

"કૉંગ્રેસના માધ્યમથી વધુ મજબૂતાઈથી લડત આપશે. સમજવાની વાત એ છે કે હાર્દિકભાઈએ સંઘર્ષની રાજનીતિ પસંદ કરી છે. 'સંવિધાન બચાવો, દેશ બચાવો'એ કૉંગ્રેસનો નારો છે."

"હાર્દિકભાઈ પણ એ જ કામ કરી રહ્યા છે. તેથી કૉંગ્રેસ સાથે જોડાઈને કૉંગ્રેસના માધ્યમથી હાર્દિકભાઈ સંવિધાન અને દેશને બચાવવાની લડાઈમાં મજબૂતીથી આગળ વધી રહ્યા છે."

"કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ઇચ્છે છે કે વધારે ને વધારે યુવા સક્રિય રાજકારણમાં આગળ આવે. કાયદાકીય મર્યાદાને લીધે કે ભાજપની કિન્નાખોર રાજનીતિને લીધે હાર્દિકભાઈ ચૂંટણી ન લડે તો પણ ગુજરાતની 26 બેઠક અને સમગ્ર દેશમાં સ્ટારપ્રચારક તરીકે કામ કરીને ભાજપના ચહેરાને ઉઘાડો પાડશે."

કૉંગ્રેસના નેતા જિતુભાઈ પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ જેવા યુવા નેતા જો લોકસભામાં જાય તો બેરોજગારી, ખેડૂતોની દુર્દશા વગેરે મુદ્દા લોકસભામાં ઉઠાવી શકે. દેશના યુવાનોની જે સમસ્યા છે એનો પડઘો સંસદમાં પાડી શકે.

જિતુભાઈ કહે છે, "હાર્દિક લોકસભામાં જાય એ અત્યારની અને આવનારી પેઢી માટે આવકાર્ય છે. હાર્દિક પટેલ ન લડી શકે તો પણ ફાયદો જ છે, કારણ કે હાર્દિક સમગ્રતયા સઘર્ષની વાત કરી રહ્યો છે."

"આખરે તો તાનાશાહી સરકારને હરાવવા બધાએ સાથે કામ કરવાનું છે. હાર્દિક ચૂંટણી લડે કે ન લડે, પરંતુ મહત્ત્વનું એ છે કે તે દબાયેલા લોકો, ખેડૂતો અને બેરોજગાર યુવાનોનો પ્રતિનિધિ છે."

"હાર્દિક પટેલ કૉંગ્રેસ સાથે હોય કે કૉંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવે તો પણ કૉંગ્રેસને ઊડીને આંખે વળગે એવો ફાયદો થાય એવું ઘનશ્યામ શાહને લાગતું નથી. તેમણે કહ્યું કે પાટીદારોનો જે પૈસેટકે સુખી વર્ગ છે તે ભાજપ સાથે છે."

"આ વર્ગની વગ અને પૈસાને લીધે પાટીદારોનો બાકીનો જે સમાજ છે તેના પર પણ આ પૈસેટકે સંપન્ન વર્ગની અસર રહેવાની. પાટીદાર મતોની વાત કરીએ તો કૉંગ્રેસને પરંપરાગત રીતે 20થી 25 ટકા પાટીદરોના મત મળે છે."

"હાર્દિક પટેલ કૉંગ્રેસમાંથી ઉમેદવારી કરે કે ન કરે એ બંને સ્થિતિમાં તે પાટીદારોના માત્ર 5થી 10 ટકા મત તે કૉંગ્રેસ તરફ વાળી શકે. એટલે કે કૉંગ્રેસને પાટીદારોના મત 25 ટકા મળતા હતા તે વધીને 30 કે 35 ટકા થાય. પાટીદારોના આનાથી વધારે મત કૉંગ્રેસને મળે એવું મને લાગતું નથી."

લાઇન
લાઇન
line

મતદાનને અસર

અલ્પેશ ઠાકોર સાથે રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિક પટેલ કૉંગ્રેસ માટે એક એવો ચહેરો સાબિત થઈ શકશે ખરો જે માસ મોબિલાઇઝેશન એટલે કે વ્યાપક જનજુવાળ પાર્ટી તરફ લાવી શકશે?

આ સવાલનો જવાબ આપતાં દિલીપ ગોહિલે કહ્યું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત વગેરે શહેરી પાટીદારો ભાજપની પડખે રહ્યા છે. છેલ્લા ત્રણેક દાયકાથી પાટીદાર કૉંગ્રેસના કોરવોટર્સ એટલે કે 'પ્રતિબદ્ધ મતદારો' રહ્યા નથી.

ગોહિલે કહ્યું, "હાર્દિક પટેલના માધ્યમથી 'પાટીદાર પાવર' પર વધારે ભાર મૂકવામાં આવશે તો કૉંગ્રેસને ઝાઝો ફાયદો થવાનો નથી. આને લીધે નુકસાન જરૂર જશે."

"ઓબીસી- અધર બૅકવર્ડ ક્લાસ, આદિવાસી, દલિત વગેરે કૉંગ્રેસના પ્રતિબદ્ધ મતદાર રહ્યા છે. કૉંગ્રેસ જો પાટીદાર મત આકર્ષવા હાર્દિકને જ હાઇલાઇટ કર્યા કરશે તો તેમની પરંપરાગત પ્રતિબદ્ધ વોટબૅન્કનું નુકસાન ખમવું પડશે."

"યાદ રહે કે હાર્દિક પટેલે જ્યારે આંદોલનની શરૂઆત કરી ત્યારે તેની મુખ્ય માગ હતી કે પાટીદારોને ઓબીસીમાં સમાવવામાં આવે. તેથી કૉંગ્રેસ તરફી વલણ ધરાવતા ઓબીસીને હાર્દિક પટેલ પસંદ હોય એ માનવાને કોઈ કારણ નથી. "

ગોહિલે કહ્યું, "ભાજપથી નોખો ચોકો રચીને 2012માં કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી' નામનો અલગ પક્ષ રચ્યો, ત્યારે પટેલ પાવર શબ્દ પર તેમણે ખૂબ જોર મૂક્યું હતું. પ્રચાર કર્યો હતો."

"એની નકારાત્મક અસર એ થઈ હતી કે ઓબીસી સમુદાયે બહોળા પ્રમાણમાં ભાજપ તરફી મતદાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતે ઓબીસી વર્ગમાંથી આવે છે એ ઇમેજ પ્રસ્થાપિત કરવાની શરૂઆત પણ ત્યારથી જ કરી હતી."

line

હાર્દિકનો કોર્ટ કેસ શું છે?

પાટીદાર આંદોલન

ઇમેજ સ્રોત, TWITTER/HARDIK PATEL

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો વીસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા.

આવેદન સમયે પાંચ હજાર લોકોનું ટોળું એકઠું થયું હતું અને ટોળું બેકાબૂ બનતા ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.

આ ઘટનામાં ટોળાંએ એક કારને પણ સળગાવી દીધી હતી અને અન્ય જગ્યાએ પણ નુકસાન કર્યું હતું. તેમજ એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો. વીસનગર પોલીસે આ ઘટનામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વીસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં દોષિત હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો