મહેન્દ્ર કડિયાએ પિતાના વિરોધ વચ્ચે કલા ક્ષેત્રે કારકિર્દી બનાવી અને પરિવારના 11 સભ્યોને રાહ ચીંધી

મહેન્દ્ર કડિયા

ઇમેજ સ્રોત, Mahendra kadia - A retrospective lines to strokes

ઇમેજ કૅપ્શન, મહેન્દ્ર કડિયા
    • લેેખક, અસ્મિતા દવે
    • પદ, બીબીસી ગુજરાતી, નવી દિલ્હી

મધ્યમર્ગીય પરિવારમાંથી આવતા મહેન્દ્ર કડિયાના ચિત્ર પ્રેમને ટકાવી રાખવા માટે પિરાજી સાગરા જેવા જાણીતા કલાકારનો મોટો ફાળો છે.

પિરાજી સાગરા અને શિક્ષણવિદ્દ હિમ્મત કપાસી ના કહેવાથી એક દરજી પિતાના પુત્રને ચિત્રો દોરતાં રહેવાની પરવાનગી મળી.

એ ચિત્રકારે આગળ જઈને અનેક યુવા કલાકારો સહિત પોતાના પરિવારના અગિયાર લોકો માટે કલા ક્ષેત્રની નવી કેડી કંડારી.

1956માં અમદાવાદની પોળમાં જન્મેલા દેશના જાણીતા ચિત્રકાર મહેન્દ્ર કડિયાનું 17 જાન્યુઆરી, ગુરુવારા રોજ વહેલી સવારે સ્થાનિક હૉસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર દરમિયાન હાર્ટઍટેકથી અવસાન થયું.

line

'એને ચિત્ર દોરવા દો, ચિત્રમાં જ એનું ભલું થશે'

મહેન્દ્ર કડિયા

ઇમેજ સ્રોત, K D Bhatt

મહેન્દ્ર કડિયાના ભત્રીજા અને હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના પૂર્વ સેક્રેટરી ગિરિરાજ કડિયાએ મહેન્દ્ર કડિયાના જીવન પર આધારિત એક પુસ્તક તૈયાર કર્યું છે.

આ પુસ્તક 'મહેન્દ્ર કડિયા - એ રેટ્રોસ્પેક્ટિવ લાઇન્સ ટુ સ્ટ્રૉક'માં તેમના જીવનના પ્રસંગો અને સફર વિશે લખ્યું છે. તેની સાથે મહેન્દ્ર કડિયાના મિત્રો દ્વારા તેમના વિશે પણ લખાયું છે.

આ પુસ્તક મુજબ, દરજી પિતા અને ગૃહિણી માતાના પાંચ સંતાનોમાં સૌથી મોટા મહેન્દ્ર કડિયાએ વિદ્યાનગર હાઇ સ્કૂલમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું.

જ્યાં શાળાના આચાર્ય અને શિક્ષણવિદ્દ હિમ્મતભાઈ કપાસી અને ચિત્રના શિક્ષક કિશન કાંબલેએ તેમની કારકિર્દી ઘડતરમાં મોટી ભૂમિકા ભજવી.

મહેન્દ્રભાઈ શાળામાં ભ્યાસ કરતા હતા ત્યારે એક વખત સાતમાં ધોરણમાં તેઓ આઠમાંથી 6 વિષયમાં નાપાસ થયા.

તેઓ પાસ થયાં તે વિષયો હતાં ચિત્ર અને પી.ટી.

સામાન્ય સંજોગોમાં આવા વિદ્યાર્થીથી શિક્ષકો ગિન્નાતા હોય છે, પરંતુ આ શાળાના શિક્ષક હિમ્મતભાઈ કપાસી હતા.

તેમને આ બાબતની જાણ થતાં તેમણે શિક્ષકોને સૂચના આપી કે, કડિયા પર પાઠ્યપુસ્તકના અભ્યાસનું કોઈ જ દબાણ ન મુકીને ચિત્રો દોરવા દેવા.

બાળક મહેન્દ્રના જીવનમાં આ નિષ્ફળતા એક અગત્યનો વળાંક સાબિત થઈ. જે તેમને કલાની દુનિયા સુદી દોરી ગઈ.

છેક 1970-75ના સમયમાં એક મધ્યમવર્ગના પરિવારમાં જ્યાં માતા પિતા મુશ્કેલીથી ઘર ચલાવતાં હોય ત્યાં સૌથી મોટું સંતાન ભણીને નોકરી શોધવાને બદલે ચિત્રકાર બનવાનું પસંદ કરે છે.

મહેન્દ્ર કડિયાના પિતા જયંતિભાઈએ આ વાતનો વિરોધ કર્યો.

તેઓ ઇચ્છતા હતાં કે તેમનો દિકરો નોકરી કરીને ઘરમાં આર્થિક સંકળામણ દૂર કરવામાં મદદ કરે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

ચિત્ર દોરવા દેવાની ભલામણ

પરંતુ હિમ્મતભાઈ કપાસી અને કિશન કાંબલે તેમને એક અલગ દીશામાં જતાં જોઈ શકતા હતા.

તેઓ સમજતા હતા કે મહેન્દ્રને એક સારા કલાકાર અને માર્ગદર્શકની જરૂર છે.

તે સમયે પિરાજી સાગરાનું નામ કલા ક્ષેત્રે જાણીતું હતું. તેમજ તેઓ યુવા કલાકારો પ્રત્યે પ્રેમ-ભાવ માટે જાણીતા હતા.

તેથી મહેન્દ્રના બંને શિક્ષકોએ પિરાજી સાગરાને સમજાવ્યા, અને તેમને પણ મહેન્દ્રની પ્રતિભા પરખતાં વાર ન લાગી.

ત્યાર બાદ પિરાજી સાગરા અને હિમ્મત કપાસી મહેન્દ્ર કડિયાના પિતાને મળ્યા.

પિરાજી સાગરાએ જયંતિભાઈને કહ્યું કે "આને ચિત્ર દોરવા દો, એમાં જ એનું ભલુ થશે." અને તેમના પિતા માની ગયા.

line

જ્યાં ભણ્યાં ત્યાં જ ભણાવ્યું

મહેન્દ્ર કડિયા

ઇમેજ સ્રોત, Girirraj Kadia

ઇમેજ કૅપ્શન, મહેન્દ્ર કડિયા અને ગિરિરાજ કડિયા

ગિરિરરાજ કડિયા જણાવે છે કે તેમના પહેલાં અમારા પરિવારમાં ક્યારેય કોઈએ કલાક્ષેત્રે કામ નહોતું કર્યુ.

મારા દાદાના વિરોધ પછી તેઓ સી.એન. ફાઈન આર્ટ્સમાં ભણ્યા.

પરંતુ તેમણે અમારા પરિવારને એક નવી દિશા ચીંધી.

તેમના પછી આજે અમારા પરિવારમાંથી 11 સભ્યો કલાક્ષેત્રે આગળ વધ્યા છે.

તેઓ વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણ્યા, અને ત્યાં જ આગળ જતાં ચિત્રના શિક્ષક તરીકે જોડાયા.

તેમણે સી.એન. ફાઇન આર્ટ્સમાંથી તાલીમ મેળવી અને ત્યાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા.

તેમની દિકરીઓએ પણ ત્યાં જ તાલીમ મેળવી.

લાઇન
લાઇન

તેઓ કલા અને સાહિત્ય વચ્ચેનો બ્રીજ બન્યા

મહેન્દ્ર કડિયા

ઇમેજ સ્રોત, K D Bhatt

જાણીતા ચિત્રકાર અમિત અંબાલાલ જણાવે છે કે તેમની કલા પ્રત્યેનો સમર્પણ ભાવ અને ધગશ એવા હતાં કે, તેઓ પિરાજી સાગરા પાસે તાલીમ મેળવીને તેમને ટૂંક સમયમાં આસિસ્ટ કરતા થઈ ગયેલા.

તેઓ કહે છે, "અમે પિરાજી સાગરાને ત્યાં મળતાં. મેં મારા ઘર પાછળ આર્ટ ગૅલેરી શરૂ કરી ત્યારે પિરાજી સાગરાએ જ મને તેની સંભાળ માટે કડિયાનું નામ સૂચવેલું."

અમિત અંબાલાલ જણાવે છે, "સાહિત્ય અને કળા વચ્ચે તેઓ એક બ્રીજ સ્વરૂપ હતા. ચિનુ મોદી અને સુભાશ શાહ તેમના મિત્રો હતા. એ બધાની બેઠક ચાલતી હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે."

અમિત અંબાલાલ જણાવે છે કે, મહેન્દ્રભાઈમાં એ કૌશલ્ય હતું કે કોઈ પણ વ્યક્તિને સમજાવીને તેને પોતાની વાત માટે સહમત કરી શકતા.

જ્યારે ચિત્રકાર અને સી.એન. ફાઇન આર્ટ્સમાં વીસ વર્ષ સુધી મહેન્દ્ર કડિયા સાથે કામ કરનાર મનહર કાપડિયા જણાવે છે, "તેમના સ્ટ્રૉક્સ અને લાઇન્સમાં પંખીઓની પાંખનો ફફડાટ અને સ્વાતંત્ર્યની છાપ જોઈ શકાય છે."

line

ફાઇન આર્ટ્સમાં એટીકેટીની શરૂઆત

મહેન્દ્ર કડિયા

ઇમેજ સ્રોત, K D Bhatt

'મહેન્દ્ર કડિયા - એ રેટ્રોસ્પેક્ટિવ લાઇન્સ ટુ સ્ટ્રૉક'માં જાણીતા કવિ અને ચિત્રકાર માધવ રામાનુજ લખે છે, "1980માં ત્રીજા વર્ષની પેઇન્ટિંગની પરિક્ષામાં બેઠેલાં 27માંથી 22 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતાં."

એ વખતે ફાઇન આર્ટ કૉલેજના અધ્યાપકોના આંતરિક કલહનો ભોગ વિદ્યાર્થીઓએ બનવું પડે એ અંગે અખબારોમાં પણ અહેવાલો આવેલા.

આ પ્રસંગ ટાંકતા માધવ રામાનુજ લખે છે, "22 વિદ્યાર્થીને નાપાસ કર્યા હતા, એના વિરોધમાં એમણે કૉલેજમાં હડતાલ પડાવેલી, રાજ્ય પરિક્ષા બૉર્ડ સામે આંદોલન કરેલું."

"એ આખો વર્ગ જાણે કશું ભણ્યો જ ન હોય એવું વલણ પરિક્ષકોએ પ્રગટ કરેલું."

"તેની સામે પરિક્ષા બૉર્ડને એ પરિણામ સુધારવાના સવિનય અનુરોધ માટે એ આંદોલન હતું. છેવટે એ વર્ષથી પહેલી વખત ફાઇન આર્ટ્સની પરિક્ષામાં એટીકેટીની પદ્ધતિ શરૂ થઈ."

માધવ રામાનુજ લખે છે, "પરિવારમાં કુદરતી આફતો, સ્વજનોની વિદાયના પહાડ તૂટી પડ્યા, પોતે પણ અકસ્માતોમાં ઘેરાતો રહ્યો પણ આત્મબળમાં ઉણપ ન આવી અને સર્જનમાં ઓટ પણ ન આવી."

"પ્રસન્નચિત્ત અને આંખોમાંથી અમી વર્ષાવતાં માતા, પત્ની, દીકરીઓ, ભાઈ અને પરિવારના બાળકો. કોઈને ક્યારેય નિરાશ થઈને બેઠેલાં નથી જોયાં."

લાઇન
લાઇન
line

અદધી રાત સુધી સ્ટેશનમાં બેઠા રહેતા

'મહેન્દ્ર કડિયા - એ રેટ્રોસ્પેક્ટિવ લાઇન્સ ટુ સ્ટ્રૉક'માં લખ્યું છે કે મહેન્દ્ર કડિયા એક કાલાકાર તરીકે સતત પોતાની કળાને નીખારવા પ્રયત્નશીલ રહેતા.

તે દરરોજ સાંજે પોતાનું કામ પતાવીને કાલુપુર રેલ્વે સ્ટેશન જતા અને આસપાસના લોકોનું અવલોકન કરવામાં કલાકો વિતાવતા.

જે લોકોનાં ચિત્રો દ્વારા તેમણે રેખાચિત્રોમાં પોતાના ભાવો અને લાગણીઓ વ્યક્ત કરવામાં મહારથ હાંસલ કર્યું.

મહેન્દ્ર કડિયા તેમનાં પક્ષીઓ પરના ચિત્રો માટે ખાસ જાણીતા હતા.

તેમણે દેશ-વિદેશમાં 20થી વધુ સોલો ઍક્ઝિબિશન અને 40થી વધુ ગ્રુપ ઍક્ઝિબિશન કર્યાં છે. તેમણે લલિત કલા અકાદમીના રાષ્ટ્રિય કક્ષાના ઍવોર્ડ સહીત અનેક પુરસ્કાર મળ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો