રફાલ ચર્ચા : અનિલ અંબાણીને ડીલ કોણે કરાવી, એનો જવાબ રક્ષામંત્રીએ ન આપ્યો-રાહુલ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Lok Sabha tv

રફાલ મામલે લોકસભામાં આજે પણ ચર્ચા થઈ રહી છે. નિર્મલા સીતારામને આપેલા જવાબ બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી રક્ષામંત્રીની ટિપ્પણી અંગે સ્પષ્ટતા માગી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું, "રફાલ ડીલમાં અનિલ અંબાણીને લાવવાનો નિર્ણય કોના કહેવા પર કરાયો હતો અને સરકારની ડીલમાં રફાલની કિંમત અલગ કેમ છે, આ પ્રશ્નોનો જવાબ રક્ષામંત્રીએ આપ્યો નથી. અમને એનો જવાબ જોઈએ છે."

તેમણે કહ્યું, હું રક્ષામંત્રીને કે અન્ય કોઈને નહીં પણ વડા પ્રધાન મોદીને રફાલ મામલે જવાબદાર ઠેરવું છું.

રક્ષામંત્રીએ એવું પણ કહ્યું કે સંસદમાં મને જુઠ્ઠી કહેવામાં આવી અને વડા પ્રધાન મોદીને ચોર કહેવામાં આવ્યા, ત્યારે પોતાના નેતાઓને શાંત નહીં કરાવનાર કૉંગ્રેસ આજે અમારા સાંસદોને ચૂપ રહેવા કહી રહ્યા છે.

રાહુલ ગાંધીના પ્રશ્નનો જવાબ આપતા રક્ષામંત્રીએ કહ્યું કે ઑફસેટ પાર્ટનરની પસંદગી અંગેની નીતિ અમે નથી બનાવી, 2013માં યૂપીએની સરકાર દરમિયાન જ બની હતી.

નિર્મલા સીતારામન

ઇમેજ સ્રોત, Lok Sabha TV

આજે કૉંગ્રેસ તરફથી થયેલા આક્ષેપોનો રક્ષામંત્રી નિર્મલા સીતારમન જવાબ આપી રહ્યાં હતાં.

રફાલ પર ચર્ચામાં જવાબ આપતાં નિર્મલા સીતારમને કહ્યું કે આપણી સીમાઓને સુરક્ષિત રાખવા માટે આપણે સેનાને મજબૂત કરવી પડશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપતા રક્ષા મંત્રીએ કહ્યું કે રફાલ મામલે અમે કોર્ટને ગુમરાહ નથી કરી.

તેમણે કહ્યું, "મામલો સંવેદનશીલ હોવાથી અને દેશની સુરક્ષાનો મામલો હોવાથી અમે દેશહિતમાં કિંમત જણાવી નહીં શકીએ."

તેમણે ઉમેર્યું કે કોર્ટે પણ કિંમત બતાવવા પર ટિપ્પણી કરી છે અને કોર્ટે સમગ્ર પ્રક્રિયા જોઈને જ આ નિર્ણય આપ્યો છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

તેમણે એવું પણ કહ્યું, "પહેલું રફાલ યુદ્ધ વિમાન 2019માં આવી જશે એટલે કે સોદો થયાના માત્ર ત્રણ વર્ષની અંદર આવી જશે."

"કૉંગ્રેસ આ કામ કરી શકી ન હતી. સરકાર તમામ જવાબ આપવા માટે તૈયાર છે પરંતુ કૉંગ્રેસે સોદાની ગોપનિયતા સમજવી જોઈએ."

આ પહેલાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રફાલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા.

રાહુલ ગાંધીએ લોકસભામાં ગોવાના મુખ્ય મંત્રીની રફાલ મામલે કથિત ઑડિયો ટેપ પ્લે કરવાની પણ મંજૂરી માગી હતી. જોકે, મંજૂરી મળી ન હતી.

એ બાદ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે અને રણદીપ સુરજેવાલાએ રફાલ ડીલ મામલે પીએસીના રિપોર્ટની સાથે અન્ય દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.

line

'2022 સુધી તમામ વિમાન ભારતને મળી જશે'

રફાલ વિમાન

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE

રક્ષામંત્રી નિર્મલા સીતારમને કૉંગ્રેસ પર ડીલ ન કરી શકવાનો આરોપ કરતા કહ્યું કે 2022 સુધીમાં તમામ વિમાનો ભારતને મળી જશે.

તેમણે કહ્યું, "યૂપીએના સમયમાં 10 વર્ષ સુધી કરારની પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી, જ્યારે અમે માત્ર 3 મહિનામાં આ ડીલ કરી બતાવી."

"યૂપીએનાં 18 વિમાનોની સંખ્યા વધારીને અમે 36 કરી છે."

"કૉંગ્રેસ દેશ સમક્ષ ખોટું બોલી રહી છે કે મોદીજીએ વિમાનોની સંખ્યા ઘટાડી દીધી છે."

line

'કૉંગ્રેસ મગરનાં આસું સારી રહી છે'

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ સતત આક્ષેપ કરી રહી હતી કે HAL પાસેથી કરાર લઈને અનિલ અંબાણીને સામેલ કરવામાં આવ્યા હતા.

કૉંગ્રેસનો એવો આક્ષેપ હતો કે સરકારી કંપની પાસેથી કામ લઈને ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે ફ્રાન્સની કંપનીને મજબૂર કરવામાં આવી હતી.

કૉંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતાં સીતારમને કહ્યું કે ડસૉ અને એચએએલ વચ્ચે કોઈ કરાર જ થયા ન હતા. હવે કૉંગ્રેસ મગરનાં આંસુ સારી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો