ભાવનગરમાં ખેડૂતોનું બંધનું એલાન, 92 લોકો સામે ફરિયાદ

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના ભાવનગરમાં દરિયા કાંઠે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા ચૂનાના પથ્થરના ખાણકામ વિરુદ્ધ ઘણા ગામોના ખેડૂતોનો ગસ્સો ચરમ ઊપર પહોંચી ગયો છે.
ભાવનગરનાં તળાજા અને મહુવા તાલુકાના અમુક ગામોમાં ખેડૂતો લાઇમસ્ટોનના ખાણકામનો વિરોધ કરી રહ્યાં છે, તેમનું માનવું છે કે આનાથી તેમની ખેતીની જમીનને નુકશાન થશે.
સ્થાનિક પત્રકાર યશપાલ સિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે બુધવારે દરિયા કાંઠાનાં ગામોમાં શરૂ થયેલ માઇનિંગનાં વિરોધમાં સ્થાનિક લોકો ભેગા થયેલા, પોલીસે તેમને રોક્યા ત્યાર પછી સ્થિતિ વણસી ગઈ અને પોલીસે લાઠીચાર્જ કરી 90 થી વધુ લોકોની ધરપકડ કરી હતી.
પોલીસના લાઠીચાર્જ પછી ગુરુવારે પણ તળાજા તથા મહુવા તાલુકાના 10 ગામોમાં બંધનું એલાન અપાયુ હતું.
તળાજા તાલુકામાં આવેલ મેઠળા ગામના સરપંચ ઘનશ્યામ બારૈયાએ કહ્યું, ''લગભગ દસ ગામનાં લોકોએ શાંતિથી વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. બુધવારે તળાજા તાલુકાના બાંભોર ગામમાં અમે લોકો શાંતિપૂર્વક વાત કરીને માઇનિંગનું કામ બંધ કરાવવા માંગતા હતાં અને એટલે જ અમે ત્યાં ગયાં હતાં. અમે આગળ વધ્યાં પણ પોલીસે આંસુ ગેસના સેલ છોડીને લોકોને મારી-મારી પકડવાનું શરૂ કરી દીધું. પોલીસે 50-60 લોકોને પકડી લીધાં. પોલીસે ઘણી છોકરીઓને પણ માર માર્યો હતો અને તેમના કપડાં ફાડી નાખ્યાં હતાં. ત્યાં પથ્થરમારો પણ થયો હતો.''


ઘનશ્યામ બારૈયાએ કહ્યું કે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.
જ્યારે ભાવનગરના એસપી પ્રવીણ માલે કહ્યું ,'' ભાવનગર પોલીસે 92 લોકોની ધરપકડ કરી છે જેમાં 36 મહીલાઓ છે. અમુક લોકો લાઠીચાર્જને કારણે ઈજાગ્રસ્ત થયાં છે જેમાં એક વ્યક્તિને ફ્રૅક્ચર થયું છે. આ લોકો પર ધારા 307 હેઠળ તથા ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ સિવાય 5 પોલીસકર્મીઓને પણ ઇજા થઈ છે. ''
પ્રવીણ માલે એ વાતને ખોટી ઠેરવી છે કે પોલીસ સ્ટેશનમાં લાવીને ખેડૂતોને મારવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે પ્રદર્શન કર રહી રહેલાં લોકોએ પથ્થરમારો કર્યો હતો જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
તેમણે જણાવ્યું,'' તળાજા તાલુકાનાં તલ્લી તથા બાંભોર ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપનીની પથ્થરોની ખાણ છે જેની જમીન કંપનીએ ખરીદેલી છે. આ ખાણ પર કામગીરી ચાલુ કરવા માટે કંપનીએ પોલીસ પાસેથી પેઇડ બંદોબસ્ત માંગ્યો હતો. પોલીસે પેઇડ બંદોબસ્ત આપ્યો એનાં બીજા દિવસે મોટી સંખ્યામાં લોકોનું ટોળુ વિરોધ માટે ત્યારે આ બનાવ બન્યો. ''
પોલીસ પાસે કોઈ પ્રાઇવેટ કંપની કોઈ બંદોબસ્ત માંગે તો નાણાં ચુકવીને કંપનીને પોલીસ બંદોબસ્ત મળી શકે છે, તેને પેઇડ બંદોબસ્ત કહેવામાં આવે છે.
હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના એક અહેવાલ મુજબ પ્રદેશના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે તપાસના નિર્દેશ આપ્યાં છે.
યશપાલસિંહ ચૌહાણનું કહેવું છે કે ગુરુવારે સ્થાનિક અદાલતે 91 લોકોના જામીન નામંજૂર કર્યા હતાં અને એક વ્યક્તિના રિમાન્ડ આપ્યા હતાં.

ખેડૂતો શું કામ કરે છે વિરોધ?

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
આ વિસ્તારમાં ગામવાસીઓનું માનવું છે કે જો દરિયા કિનારાની આ જમીનમાં ખાણકામ કરવામાં આવે તો આજુ-બાજુની ફળદ્રુપ જમીન પણ અસરગ્રસ્ત થાય.
ઘનશ્યામ બારૈયાએ જણાવ્યું કે લગભગ 15 દિવસ પહેલાં માઇનિંગ સાઇટ પર કામ શરૂ થયું છે પરંતુ 300 થી 400 ફુટથી વધુ ખોદવા પર ચૂનાનો પથ્થર મળે છે, આ જે ખાડા કરવામાં આવે છે જેમાં પશુઓ અને માણસો પડી જવાની બીક રહે છે.
તેમણે જણાવ્યું કે એ સિવાય 10 ગામની પડતર જમીન પણ સરકારે પંચાયતની મંજૂરી વગર જ લીઝ પર આપી દીધી હતી એટલે ખેડૂતો રોષે ભરાયાં હતાં.
આ વિશે જ્યારે બીબીસીએ અલ્ટ્રાટેક કંપનીમાં સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો આ લખાય છે ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો નથી.

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
ઘનશ્યામે બારૈયાએ કહ્યું,'' નિરમા પ્લાન્ટ માટે આ જમીન 20 વર્ષ પહેલાં લેવામાં આવી હતી, જેમાં કહેવાયું હતું કે માત્ર ત્રણ ફુટ જમીન જ ખોદવામાં આવશે. પણ પછી જમીન અલ્ટ્રાટેકને વેંચી દેવામાં આવી, હવે આમાં ખાણકામ કરવામાં આવે તો ખેતીની જમીનને નુકશાન થશે. ''
જ્યારે ભાવનગરના એસપી પ્રવીણ માલે જણાવ્યું કે 1999માં આ જમીન વેચવામાં આવી હતી પણ હવે આટલાં વર્ષો પછી ખેડૂતોનો હેતુ જમીનની વધેલી કિંમત મેળવવાનો છે.
તળાજા તાલુકાથી ખેડૂત આગેવાન તથાવત જોરસંગ ગોહિલે જણાવ્યું, '' લગભગ 20 વર્ષ પહેલાં જે શરતે વેંચાણ થયું હતું તે કરારનો ભંગ થયો છે તે કારણે ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો છે કે આ જમીન સિમેન્ટ ફૅક્ટ્રી સ્થાપવા માટે આપવામાં આવી હતી પરંતુ હવે ફૅક્ટ્રી ન સ્થાપીને દરિયાકાંઠે ખાણકામ શરૂ કરવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે જો દરિયા કિનારે ખાણકામ કરવાથી ખારૂં પાણી જમીનની અંદર ભરાય છે અને ખાણકામ દરમિયાન કરવામાં આવતા ખાડાઓમાં ચોમાસાનું પાણી ભરાય જાય જેનાથી નિકળતો ગેસ સ્થાનિક લોકોના આરોગ્ય માટે નુકશાનકારક છે.

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
આ મહુવાના પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયાએ કહ્યું, '' ખેડૂતો ન્યાય માંગી રહ્યાં છે, જૂન 2016માં આ વિસ્તારમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જનસુનાવણી યોજાઈ હતી. જેમાં હજારો લોકોએ એકમતે કહ્યું હતું કે અમારે અમારી જમીન ખાણકામ માટે આપવી નથી. બધાએ કહ્યું હતું કે અહીં લીલીછમ ખેતી છે જેને જોતાં ખાણકામમાં અમારે જમીન આપવી નથી. આટલો જબરદસ્ત વિરોધ હોવા છતાં પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપી દીધી. ''
આ બાબતે પૂનાની નેશનલ ટ્રિબ્યૂનલમાં અરજી કરવામાં આવી છે પણ પરંતુ વરિષ્ઠ વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે હજુ આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં કોઈ સુનાવણી થઈ નથી.

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીએ છીએ કે ટેક્નિકલ કારણોસર ભાવનગરના ખેડૂતોની અરજી રદ્દ કરવામાં આવી હતી પણ સ્થાનિક સ્તર પર વિરોધ થઈ રહ્યો છે, અને આ લીઝ માઇનિંગ તથા એન્વાયરમેન્ટલ ક્લિયરેન્સ બન્ને માનવતા અને ખેતીની વિરુદ્ધ છે.
ચૂનાનો પથ્થર સમુદ્રના ખારા પાણી તથા જમીન એક પ્રાકૃતિક અવરોધ છે. જો આને હટાવવામાં આવે તો સૌરાષ્ટ્ર ખાસ કરીને ભાવનગરમાં તળાજા અને મહુવા વિસ્તારની ખેતીની જમીનની ફળદ્રુપતાને નુકશાન થશે.
આ અંગે જ્યારે અમે મહુવામાં ભાજપના ધારાસભ્ય આર સી મકવાણાને સંપર્ક કર્યો તો તેમણે કહ્યું, '' આ જમીન તો પહેલાં જ વેચી નાખવામાં આવી હતી અને હવે એને લઈને વિરોધ શુંકામ કરવો જોઈએ? સિમેન્ટ ફૅક્ટ્રી માટે જમીન હતી પણ માઇનિંગ પણ અહીંયા જ કરવાની હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે દ્વારા ખાણકામ માટે કોઈ સ્ટે પણ આપવામાં આવ્યો નથી એટલે એમાં કશું ખોટું નથી.''
ડૉ. કનુભાઈ કળસરિયાએ જણાવ્યું કે આ બાબતને લઈને ગ્રીન ટ્રિબ્યૂનલમાં પણ અરજી આપવામાં આવી છે. ખેડૂતો કહે છે કે આ બાબત કાયદાકીય કાર્યવાહી હેઠળ છે અને અમને ન્યાય મળશે એવો વિશ્વાસ છે પણ એ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી તમે સ્ટે ન લાવો ત્યાં સુધી આ વિરોધ ન માની શકાય.
જો ગ્રીન ટ્રિબ્યૂનલ આ બાબતમાં નકારાત્મક નિર્ણય આપે તો ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં જાય અને ખેડૂતોની તરફેણમાં આપે તો ખેડૂતોને શાંતિ થાય. પણ જ્યારે બાબત કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે ત્યારે પોલીસનું નિર્દયી અને જુલમી વર્તન બહુ ખરાબ કહેવાય. આ સરકારનાં પતનની નિશાની છે.
ગ્રામવાસીઓ મુજબ આ સિમેન્ટ કંપની બાંભોર, તલ્લી, કલસર, નિચા કોટડા, ઊંચા કોટડા, મેઠળા અને ગધુલા તાલુકામાં ખાણકામ કરવાનો પ્રૉજૅક્ટ ધરાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














