સુપ્રીમ કોર્ટ : વ્યભિચારએ છૂટાછેડા માટેનો આધાર બની શકે, પણ ગુનો નથી

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે વ્યભિચાર (એડલ્ટ્રી)ને ગુનો ગણાવતા કાયદાની જોગવાઈને ગેરબંધારણીય ગણાવ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ આર એફ નરીમન, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા, અને જસ્ટિસ ચંદ્રચુડે પોતાના ચુકાદમાં જણાવ્યું છે કે, વ્યભિચાર સંબધિત ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ - IPC)ની કલમ 497 બંધારણ વિરુદ્ધ છે.

મુખ્ય ન્યાયાધીશ મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે કહ્યું, “અમે IPCની કલમ 497 અને ગુનાહિત દંડ સંહિતાની કલમ 198ને ગેરબંધારણીય ગણાવીએ છીએ.”

જસ્ટિસ નરીમને કહ્યું કે આ કાયદો સમાનતાના અધિકાર અને મહિલાઓને એકસમાન અધિકારોની જોગવાઈનું ઉલ્લંઘન છે.

શું તમે આ વાંચ્યું?

આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યભિચાર છૂટાછેડા માટેનો આધાર બની શકે છે, પરંતુ ગુનો નહીં.

line

કોર્ટે શું કહ્યું?

સુ્પ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

  • સ્ત્રીના દેહ પર તેનો પોતાનો અધિકાર છે. તેની સાથે બાંધછોડ ન કરી શકાય.
  • આ પિતૃસત્તાત્મક સમાજનું પરિણામ છે.
  • આ તેનો અધિકાર છે. તેને આ માટે કોઈ પ્રકારની શરતોમાં ન બાંધી શકાય.
  • પવિત્રતા માત્ર મહિલાઓ માટે જ નથી અને તે સમાન રૂપે પતિઓને પણ લાગુ પડે છે.

ઇટાલીમાં રહેતા બિન નિવાસી ભારતીય (NRI) જોસેફ શાઇને વર્ષ 2017ના ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી.

તેમની અપીલ હતી કે, IPCની કલમ 497 હેઠળ બનેલા વ્યભિચારના કાયદામાં પુરુષ અને મહિલા બન્નેને એકસમાન સજા મળવી જોઈએ.

આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વ્યભિચારના કાયદામાં પરિવર્તન કરવાનથી કાયદો હળવો થઈ જશે અને સમાજ પર તેની ખરાબ અસર પડશે.

જાણકારો માને છે કે આ ચુકાદાની અસર અન્ય ઘણા મુદ્દા પર પણ પડી શકે છે.

વર્ષ 1860માં બનેલો વ્યભિચારનો કાયદો લગભગ 158 વર્ષ જૂનો હતો. એ કાયદા હેઠળ જો કોઈ પુરુષ અન્ય કોઈ પરિણીત મહિલા સાથે તેની સહમતિથી શારીરિક સંબંધો બનાવે, તો એ મહિલાના પતિની ફરિયાદ પર પુરુષને વ્યભિચારના ગુના હેઠળ ગુનેગાર માનવામાં આવતો હતો.

આ કાયદા હેઠળ પુરુષને પાંચ વર્ષની કેદ અને દંડ અથવા બન્ને સજા કરવાની જોગવાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો