બઢતીમાં અનામતના ચુકાદાનો સૂચિતાર્થ શું છે?

સુપ્રીમ કોર્ટની ઈમારતની તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ-જનજાતિ(એસ.સી.-એસ.ટી.)ના કર્મચારીઓ માટે બઢતીમાં અનામતનો રસ્તો સાફ થઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિઓની એક બંધારણીય ખંડપીઠે બુધવારે આપેલા એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે સરકારી નોકરીમાં સમાન તકની બંધારણીય જોગવાઈ મુજબ બઢતીમાં પણ અનામત આપી શકાય છે.

વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ કુરિયન જૉસેફ, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ સંજય કૌલ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની બનેલી પાંચ જજોની ખંડપીઠે આ સુનાવણીમાં એ નક્કી કરવાનું હતું કે 2006ના 'એમ. નાગરાજ વિરુદ્ધ ભારત સરકાર'ના કેસમાં તત્કાલીન બંધારણીય ખંડપીઠ દ્વારા 'બઢતીમાં અનામત' બાબતે આપવામાં આવેલા ચુકાદા વિશે અદાલતે પુનર્વિચારણા કરવી જરૂરી છે કે નહીં.

line

એમ. નાગરાજ વિરુદ્ધ ભારત સરકારના કેસનો આજના ચુકાદા સાથે શું સંબંધ?

સુપ્રીમ કોર્ટની ઈમારતની તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

એમ. નાગરાજ વિરુદ્ધ ભારત સરકારના કેસની સુનાવણી કરતાં પાંચ જજોની એક બંધારણીય ખંડપીઠે એવો ચૂકાદો આપ્યો હતો કે સરકારી નોકરીમાં બઢતીના મામલે એસ.સી.-એસ.ટી. વર્ગને બંધારણના અનુચ્છેદ 16(4) તથા 16(4ખ) હેઠળ અનામત આપી શકાય છે.

જોકે, અનામતની આ જોગવાઈ સાથે કેટલીક શરતો જોડતાં અદાલતે એમ પણ જણાવ્યું હતું કે બઢતીમાં અનામત આપવા માટે કોઈ પણ સરકારે નીચે મુજબના માપદંડને અનુસરવાનું રહેશે.

એ માપદંડોમાં સમુદાયનું પછાતપણું, વહીવટી સમૂહમાં તેમનું અપૂરતું પ્રતિનિધિત્વ અને કુલ વહીવટી ક્ષમતાનો સમાવેશ થતો હતો.

2006માં આ કેસમાં ચુકાદો આપતાં અદાલતે એવું પણ જણાવ્યું હતું કે એસ.સી.-એસ.ટી. વર્ગો માટે બઢતીમાં અનામતની જોગવાઈ કરતા પહેલાં સરકારે આ વર્ગો કેટલા પછાત રહ્યા છે, તેમનું પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે અને તેની વહીવટીતંત્રની કામગીરી પર શું અસર થશે તેના યોગ્ય આંકડા એકત્ર કરવા પડશે.

એ ચુકાદા પછી તરત જ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને ચુકાદાની સમીક્ષાની માગણી કરવામાં આવી હતી.

આ કેસમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે બઢતીમાં અનામતની તરફેણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સાત સભ્યોની એક બંધારણીય ખંડપીઠે પ્રસ્તુત ચુકાદાની સમીક્ષા કરવી જોઈએ.

line

આજનો ચુકાદો

બહુજન સમાજ પક્ષનાં અધ્યક્ષ માયાવતી

ઇમેજ સ્રોત, Getty Images

બંધારણીય ખંડપીઠે બુધવારના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે એમ. નાગરાજ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં તત્કાલીન બંધારણીય ખંડપીઠે આપેલા ચુકાદાની સમીક્ષા માટે તેને એક વધુ મોટી બંધારણીય ખંડપીઠ પાસે મોકલવાની જરૂર નથી.

અદાલતે એમ પણ જણાવ્યું હતું કે હવે 'બઢતીમાં અનામત' આપવા માટે 2006ના ચુકાદાના માપદંડોને અનુસરવાની અને એ સંબંધી માહિતી એકઠી કરવાની કોઈ જરૂર નથી.

અત્રે એ નોંધવું જરૂરી છે કે એમ. નાગરાજ કેસના ચુકાદાના 12 વર્ષ પછી પણ સરકાર એસ.સી.-એસ.ટી. વર્ગના અપૂરતા પ્રતિનિધિત્વ સંબંધી સરકારી આંકડા આજ સુધી અદાલત સમક્ષ રજૂ કરી શકી નથી.

તેથી આ વર્ગના લોકોની બઢતીમાં અનામતની પ્રક્રિયા એક રીતે અટકી ગઈ હતી.

અદાલતે આજે, તેણે 2006માં આપેલા આપેલા દિશાનિર્દેશને રદ્દ કરવા ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે એમ. નાગરાજ કેસમાં આપવામાં આવેલા દિશાનિર્દેશ 1992ના ઐતિહાસિક ઇંદિરા સહાની કેસના ચૂકાદાની વિરુદ્ધના છે.

મંડલ કમિશન કેસના નામથી વિખ્યાત 1992ના ઐતિહાસિક ઈંદિરા સહાની કેસના ચુકાદામાં 9 જજોની ખંડપીઠે ડૉ. બી.આર. આંબેડકરે બંધારણ સભામાં આપેલા વકતવ્યને આધાર બનાવતાં સામાજિક સમાનતા તથા તકોની સમાનતાને સર્વોપરી ગણાવી હતી.

બહુજન સમાજ પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ અદાલતના ચુકાદા વિશે પ્રતિભાવ આપતાં કહ્યું હતું,

"આ ચૂકાદાની ઝીણવટભરી બાબતોને યોગ્ય રીતે સમજ્યા બાદ જ એ વિશે કશું નક્કર કહી શકાય, પણ મીડિયામાં પ્રસારિત થતા સમાચારો પરથી તો એવું લાગે છે કે બઢતીમાં અનામતનો રસ્તો સાફ થયો છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ."

દલિત મુદ્દાઓ પર લાંબા સમયથી લખતા રહેલા જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર વાય. એસ. અલોને પણ આ ચુકાદાને આશાવર્ધક ગણાવ્યો હતો.

પ્રોફેસર અલોને એક ટેલિફોનિક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું, "બઢતીમાં અનામત માટે એસ.સી.-એસ.ટી સમુદાયના નાગરિકોની સામાજિક પૃષ્ઠભૂમિની માહિતી એકઠી કરવાનો એમ. નાગરાજ કેસનો ચુકાદો બંધારણની ભાવના વિરુદ્ધનો હતો."

"આમ પણ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની માગણી આટલાં વર્ષોથી થતી રહી છે.

એ દિશામાં કશું થયું નથી. હવે કમસેકમ એવી આશા છે કે બઢતીમાં અનામતની શરૂઆત થઈ શકશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો