અમદાવાદ : 'પત્ની મોજશોખ માટે સ્ત્રીબીજ દાન કરી પૈસા કમાય છે' - પતિની પોલીસ ફરિયાદ, શું કહે છે કાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી

- બે બાળકોનાં માતા કહે છે કે, મારો પતિ મને છોડીને જતો રહ્યો, કોરોનામાં કોઈ કામ મળતું ન હતું, મેં દીકરીઓના પેટ ભરવા મારા શરીરના સ્ત્રીબીજ ડોનેટ કર્યા એમાં ખોટું શું કર્યું?
- જ્યારે તેમના પતિનો આરોપ છે કે તેમણે મોજશોખ પુરા કરવા ગેરકાયદેસર સ્ત્રીબીજ દાન કર્યા હતા
- અનિતા કાયદેસર સ્ત્રીબીજનું દાન કરતા હતા કે ગેરકાયદેસર તેની પોલીસ તપાસ કરી રહી છે
- શું છે સમગ્ર કહાણી? આવો જોઈએ...

“હું સાત ચોપડી ભણેલી છું, મારા પતિ મને છોડીને જતા રહ્યા, કોરોનામાં કોઈ કામ મળતું ન હતું, મેં દીકરીઓનાં પેટ ભરવાં મારા શરીરના સ્ત્રીબીજ ડોનેટ કર્યા એમાં ખોટું શું કર્યું?”
આમ કહે છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતાં બે બાળકોનાં માતા અનિતા ચાવડા.
જ્યારે તેમના પતિનો આરોપ છે કે તેમણે મોજશોખ પૂરા કરવા ગેરકાયદેસર સ્ત્રીબીજ દાન કર્યાં હતાં.
આ કહાણી છે આર્થિક સંકડામણ અને ઘરકંકાસમાંથી સ્ત્રીબીજ દાન તરફ એક મહિલનાના વળવાની.
અનિતા કાયદેસર સ્ત્રીબીજનું દાન કરતાં હતાં કે ગેરકાયદેસર તેની પોલીસ તપાસ કરી રહી છે. શું છે સમગ્ર કહાણી? આવો જોઈએ...

‘સ્ત્રીબીજ ડોનેટ કરે તો પૈસા મળે એટલે મેં...’

ઇમેજ સ્રોત, PA Media
અનિતા ચાવડાના લગ્ન 2010માંં થયા હતા. તેમના પતિ રસિક સાણંદમાં એક ફેકટરીમાં કામ કરતા હતા.
અનિતા કહે છે, “લગ્નજીવનના શરૂઆતના દિવસો સારા ગયા હતા. દીકરીના જન્મ પછી તેમનાં રમકડાં અને કપડાં પાછળના ખર્ચને લઈને મારાં સાસુ સસરા સાથે અણબનાવ થવા લાગ્યો. અમે દીકરીને લઈને અમે મારા પિયર પાસે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.”
તેઓ કહે છે, “અહીં મારા પતિ મારા પર શંકા કરતા અને રોજ ઘરમાં ઝઘડા થતા અને મારાં લીધે માતાપિતાને છોડ્યા એમ કહીં તેઓ પિયરથી દહેજના પૈસાની માગણી કરતા. ઝઘડા વધી જતા એક દિવસ તેઓ બંને દીકરીઓ સાથે મને મૂકીને જતા રહ્યા. મારે ઘર કેમ ચલાવવું? મેં શરૂઆતમાં છૂટક કામ કર્યું પછી કોરોના આવ્યો અને કામ છૂટી ગયું. ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. મને એક બહેન મળ્યાં અને કહ્યું કે સ્ત્રીબીજ ડોનેટ કરે તો પૈસા મળે એટલે મેં દવાઓ કરાવી સ્ત્રીબીજ ડોનેટ કર્યા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ઉમેરે છે, “2022માં સમાજના લોકોની મદદથી સમાધાન થયું અને અમે ફરી પાછા સાથે રહેવા લાગ્યા. મારા પતિએ એક દિવસ પૂછ્યું કે ઘર કેવી રીતે ચાલતું હતું તો મેં એને સાચી વાત કરી. એ માનવા તૈયાર નહોતા કારણકે તેમને મારા ચારિત્ર્ય પર શંકા હતી. તેમણે હૉસ્પિટલમાં તપાસ કરી અને મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી.”

‘ગેરકાયદે સ્ત્રીબીજ વેચી મોજમજા કરે છે’

ઇમેજ સ્રોત, SPL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે તેમના પતિ રમેશની રજૂઆત અનિતાની રજૂઆત કરતા એકદમ વિરુદ્ધ દિશામાં જાય છે.
અનિતાના પતિ રમેશ ચાવડાએ પોતાને સાસરિયાઓ તરફથી જીવનો ખતરો હોવાનો દાવો કરતા બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મારી પત્ની ખૂબજ ખર્ચાળ સ્વાભાવની છે, મારા ટૂંકા પગારમાં એના મોજશોખ હું પૂરા કરી શકતો નહોતો એટલે એ મારાં માતાપિતા સાથે ઝઘડા કરતી હતી. છેવટે રોજના કંકાસથી બચવા મેં લગ્નનાં સાત વર્ષે 2017માં માતાપિતાથી જુદા રહેવાનું નક્કી કર્યું.”
તેઓ ઉમેરે છે, “2018માં અમારે ત્યાં બીજી દીકરીનો જન્મ થયો અને મારી પત્નીના ખર્ચ વધવા લાગ્યા. હું જાત નીચોવીને કામ કરતો મારા બધા શોખ બાજુએ મૂકી દીધા હતા. રોજના કંકાસથી કંટાળી હું મારી પત્નીને મૂકીને 2019માં માતાપિતા સાથે જતો રહ્યો હતો. ફેમિલી કોર્ટમાં મારા પર દહેજના ઉત્પીડન અને ઘરેલુ હિંસાનો કેસ કર્યો. ત્રણ વર્ષ અલગ રહ્યા પછી સમાજના લોકોએ સમાધાન કરાવ્યું અને અમે સાથે રહેવાં લાગ્યાં.”
રમેશ ચાવડા વધુમાં કહે છે, “એ ગુજરાન કેવી રીતે ચલાવતી તેની તપાસ કરતા મને ખબર પડી કે એ ખોટા આધારકાર્ડ અને મારી ખોટી સહીઓ કરીને સ્ત્રીબીજ ડોનેટ કરી પૈસા કમાતી હતી. એ ગેરકાયદે સ્ત્રીબીજ વેચી ખૂબ પૈસા કમાઈને મોજશોખમાં ઉડાવે છે. મેં વાંધો ઉઠાવ્યો તો મને મારી સાસુ અને સાળાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એટલે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.”
અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.વી. રાઠોડે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અમારી પાસે આ કેસ આવ્યો છે, એમાં પતિનો આરોપ છે કે ખોટા આધાર કાર્ડ અને એના પતિની ખોટી સંમત્તિની સહીઓ કરીને એને સ્ત્રીબીજ ડોનેટ કર્યા છે. અમે પુરાવા એકત્ર કરી રહ્યા છીએ. જાન્યુઆરી 2023થી અમલી નવા કાનૂન પ્રમાણે, સ્ત્રી એક જ વાર સત્રીબીજ ડોનેટ કરી શકે છે. મહિલાએ નવા નિયમ પહેલા સ્ત્રીબીજ ડોનેટ કર્યા છે કે કેમ તેની પણ તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું."

‘એજન્ટો વધુ પૈસા લઈ ગેરકાયદેસર સ્ત્રીબીજનું દાન કરાવવા લાગ્યા છે’

ઇમેજ સ્રોત, HTTPS://EGAZETTE.NIC.IN
ગુજરાતમાં સૌથી પહેલા આઈવીએફ સેન્ટર ચાલુ કરનાર ડૉક્ટર તુષાર શાહ ધ સરોગેસી રેગ્યુલેશન ઍક્ટ વિશે બીબીસી સાથે વાત કરતા કહે છે, “સ્ત્રીબીજના દાન માટે સ્ત્રી પુખ્ત વયની અને સંતાનની માતા હોવી જોઈએ તેમજ માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. જૂના નિયમ પ્રમાણે, સ્ત્રીબીજનું એક સ્ત્રી 6 મહિનામાં એકવાર દાન કરી શકતી હતી. પરંતુ નવા કાયદા અનુસાર, કોઈપણ સ્ત્રી જીવનમાં એકવાર જ સ્ત્રીબીજનું દાન કરી શકે છે. જેથી સ્ત્રીબીજના ગેરકાયદેસર વેપાર પર અંકુશ લાગી શકે.”
તેઓ ઉમેરે છે, “સ્ત્રીબીજને પરિપક્વ કરવા માટે દવા આપવામાં આવે છે. સ્ત્રીબીજનું દાન કરનાર મહિલાને પૈસા આપવાની જોગવાઈ નથી પરંતુ સ્ત્રીબીજ પરિપક્વ થાય એના માટે દવા અને ખોરાકનું વળતર આપી શકાય છે જેથી એ સારો ખોરાક અને આરામ લઇ શકે. સ્ત્રીબીજને પરિપક્વ કરવા માટેની દવાથી ઘણી વખત પેટ ફૂલી જવું, સતત પેટમાં દુખાવો થવો જેવી આડઅસરો થાય છે અને ઘણીવાર હોર્મોનલ ચેન્જથી ઝડપથી સ્ત્રી મૅનોપોઝમાં આવી શકે છે.”
મેડિકો લીગલ ઍક્સપર્ટ ડૉ. મુકેશ જોશી બીબીસી સાથે વાત કરતા કહે છે, “નવા કાયદાથી સ્ત્રીબીજનો વેપાર અટકશે. પરંતુ હવે એક જ વાર સ્ત્રીબીજનું દાન કરવાની સરકારે મંજૂરી આપી છે એટલે હવે ગરીબ મહિલાઓ પાસેથી સ્ત્રીબીજના દાનના નામે કમિશન ખાનારા એજન્ટ તગડી કમાણી કરશે.”
બીબીસી આ આરોપોની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ કરતું નથી.














