ભારતીય મૂળના ગુપ્તા બંધુ ઇચ્છે તે કરવા જેકબ ઝુમા તત્પર હતા, તપાસપંચનું તારણ
- લેેખક, લેબો ડિસેકો
- પદ, બીબીસી ન્યૂઝ, જોહનિસબર્ગ
ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી રહેલા અધિકારીઓ એવું તારણ કાઢ્યું છે કે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેકબ ઝુમા તેમના પ્રથમ કાર્યકાળની શરૂઆતથી જ ભારતીય મૂળનો શ્રીમંત બિઝનેસમેન ગુપ્તા પરિવાર 'તેમની પાસેથી જે કરાવવા ઈચ્છે તે કરવા તત્પર હતા.'

ઇમેજ સ્રોત, SA GOVERNMENT
ઝુમાના કાર્યકાળના નવ વર્ષ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં સ્ટેટ કેપ્ચર એટલે કે સુયોજિત રાજકીય ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી રહેલા પંચે જણાવ્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખે તેમના દેશના હિતને બદલે તેમના ભ્રષ્ટ સાથીઓના હિતને પ્રાધાન્ય આપ્યું હતું.
તપાસપંચે એમ પણ જણાવ્યું છે કે ગુપ્તા પરિવારે દક્ષિણ આફ્રિકાના લોકોને કોરાણે મૂકીને પોતાના ધંધાકીય હિતને આગળ ધપાવવા માટે જેકબ ઝુમાની વગનો ઉપયોગ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના વડા ન્યાયમૂર્તિ રેમન્ડ ઝોન્ડોના વડપણ હેઠળના તપાસપંચ દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા તપાસના અહેવાલના 1000થી વધુ પાનાંના ચોથા ભાગમાં આવાં આઘાતજનક તારણો બહાર આવ્યાં હતાં.
પંચની તપાસના કેન્દ્રમાં એવો દાવો છે કે એક પરિવારે જેકબ ઝુમાના માધ્યમથી દેશના સૌથી વધુ વગદાર વર્તુળોમાં પગપેસારો કર્યો હતો.
જેકબ ઝુમાએ 2009થી 2018 સુધી રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરજ બજાવી હતી, જ્યારે 1993માં દક્ષિણ આફ્રિકામાં શ્વેત લઘુમતીના શાસનનો અંત થવામાં હતો ત્યારે ગુપ્તા પરિવાર દક્ષિણ આફ્રિકામાં વસવાટ અર્થે આવ્યો હતો.
પોતે કંઈ ખોટું કર્યું હોવાનો ઝૂમા અને ગુપ્તા પરિવાર બન્નેએ ઈનકાર કર્યો છે.
આ તપાસપંચને કોઈની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની સત્તા નથી, પરંતુ વર્તમાન રાષ્ટ્રપ્રમુખ સીરિલ રામફોસાએ ગયા વર્ષે બનાવેલા કાયદા હેઠળ, કાયદાનું પાલન કરાવતી એજન્સીઓને પંચે એકત્ર કરેલી માહિતી મેળવવાનો અધિકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'પ્રધાનોની છટણી અને નિમણૂક'

ઇમેજ સ્રોત, Getty Images
દેશના અર્થતંત્રના વહીવટમાં કેન્દ્રસ્થાને રહેલા મંત્રીઓને ઝુમાએ ગુપ્તા પરિવારના કહેવાથી કઈ રીતે જવાબદારી સોંપી હતી અને પછી ફરજ પરથી કાઢી મૂક્યા હતા તેની વિગત ઝોન્ડો પંચના તાજા અહેવાલમાં આપવામાં આવી છે.
2015માં તત્કાલીન નાણામંત્રી એન્વાય નેનેને બરતરફ કરવાના કિસ્સાની વિગત પંચના અહેવાલમાં આપવામાં આવી છે.
એન્વાય નેને ગુપ્તા પરિવારની ઈચ્છા મુજબ કામ કરવા તૈયાર ન હતા. તેથી તેમના સ્થાને ગુપ્તા પરિવારના 'હિતેચ્છુ' ડેસ વાન રૂયેન અને માલુસી ગિગાબાની નિમણૂક કરવામાં આવી હતી.
ઝોન્ડો પંચનો અહેવાલ જણાવે છે કે નેનેની બરતરફી માટે "ઝુમાએ આપેલાં કારણો વાહિયાત હતાં."
સરકારી વીજળી કંપની એસ્કોમમાંની ભ્રષ્ટાચારની જાળની વિગત પણ તપાસપંચના આ ચોથા અહેવાલમાં આપવામાં આવી છે. તે મુજબ એસ્કોમમાં ગુપ્તા પરિવાર દ્વારા કંપનીમાં એક્ઝિક્યુટિવની નિમણૂક કરવામાં આવી હતી.
એસ્કોમના સંચાલક મંડળમાં પોતાના માણસોની નિમણૂકનો હેતુ "એસ્કોમની અસ્કયામતોનો ઉપયોગ ગુપ્તા પરિવારના લાભાર્થે કરવાનો હતો," એવું ઝોન્ડો પંચના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
એસ્કોમના કંગાળ વહીવટને કારણે દક્ષિણ આફ્રિકાના નાગરિકો છેક 2008થી વીજળીની અછતનો સામનો કરી રહ્યા છે. એસ્કોમને નુકસાનીમાંથી બહાર લાવવા માટે કરદાતાઓના પૈસા વડે આર્થિક સહાય કરવામાં આવી હતી.
દેશમાં કાયદાનું પાલન કરાવતી એજન્સીઓએ એસ્કોમના ચીફ એક્ઝિક્યુટિવ માત્શેલા કોકો અને ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસર અનોજસિંહ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવી જોઈએ, એવી ભલામણ પંચે કરી છે.
જોકે, આ બન્ને પણ તેમણે કશું ખોટું કર્યાનો ઇનકાર કરી ચૂક્યા છે.
એસ્કોમે જણાવ્યું છે કે તે તપાસપંચના અહેવાલને આવકારે છે અને "આ અહેવાલની સમીક્ષા થાય, તેને સમજવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા એક પ્રોજેક્ટ ટીમની રચના કરવામાં આવી છે."

"જોરદાર વિશ્વાસઘાત"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ન્યાયમૂર્તિ ઝોન્ડોએ શાસક આફ્રિકન નેશનલ કૉંગ્રેસ પાર્ટી માટે સૌથી વધુ આકરા શબ્દો વાપર્યા છે. દક્ષિણ આફ્રિકાના ઘણા નાગરિકો કરે છે તેવો સવાલ તેમણે પણ કર્યો છે કે સરકારી માલિકીની કંપનીઓમાં આવો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો ત્યારે સરકાર શું કરતી હતી?
આ અહેવાલમાં સવાલ કરવામાં આવ્યો છે કે "તેઓ બધું જાણતા હતા, પરંતુ રાષ્ટ્રપ્રમુખ ઝુમા અને તેમના દોસ્ત ગુપ્તા પરિવારને અટકાવવાની હિંમત તેમનામાં ન હતી? તેઓ આ બધું નજરઅંદાજ કરી રહ્યા હતા?"
આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં જેકબ ઝુમાએ પ્રસ્તુત અહેવાલનાં તારણો બાબતે કોઈ પ્રતિભાવ આપ્યો નથી, પરંતુ તપાસપંચના અગાઉના અહેવાલોને ફગાવતાં તેમણે જણાવ્યું હતું કે તપાસપંચનાં તારણોનું મૂલ્ય એ જે કાગળ પર લખવામાં આવ્યા છે તેના જેટલું પણ નથી.
પુરાવા આપવાની પંચની સૂચનાનો ઇનકાર કરતાં જેકબ ઝૂમાએ જણાવ્યું હતું કે તપાસપંચનું વલણ પક્ષપાતભર્યું છે. જેકબ ઝુમાને અદાલતના આદેશના ઉલ્લંઘન બદલ ગયા જુલાઈમાં જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
જેકબ ઝુમાને સપ્ટેમ્બરમાં મેડિકલ પરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ડિસેમ્બરમાં હાઈકોર્ટે તેમને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ઝુમાએ હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. તેથી તેઓ પેરોલ પર મુક્ત છે.
દક્ષિણ આફ્રિકાના ઘણા નાગરિકોને જેની શંકા હતી તેને તપાસપંચના આ અહેવાલે સમર્થન આપ્યું છે. ઝુમા અને તેમના સાથીઓ વર્ષો સુધી ભ્રષ્ટાચારનો ઇનકાર કરતા રહ્યા છે. વાસ્તવમાં આ અહેવાલ એક અર્થમાં લોકોની શંકાનું સામૂહિક સમર્થન છે.
આ અહેવાલને પગલે લોકોમાં ઊંડા વિશ્વાસઘાતની લાગણી પેદા થઈ છે. અશ્વેત લોકોમાં એવી લાગણી છે કે રંગભેદની નિર્દયતા પછી તેમણે જેમનામાં વિશ્વાસ મૂક્યો હતો એ લોકોએ તેમનું ભલું કરવાને બદલે ખુદનાં ખિસ્સાં ભર્યાં છે.
ઝોન્ડો તપાસપંચનો આખરી અહેવાલ જૂનમાં આવવાની અપેક્ષા છે. તેના તારણો ભલે ગમે તે હોય, પરંતુ એ અહેવાલ દક્ષિણ આફ્રિકામાં વિકસી રહેલી લોકશાહી માટે નિર્ણાયક ક્ષણ હશે તે નક્કી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












