ભારતના સવર્ણો વિદેશમાં દલિતો સાથે ભેદભાવ રાખે છે?

    • લેેખક, મેરિલ સેબેસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

દલિત કાર્યકરો અને વિદ્વાનો પશ્ચિમમાં જાતિ ભેદભાવને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલિત કાર્યકરો અને વિદ્વાનો પશ્ચિમમાં જાતિ ભેદભાવને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

તાજતેરમાં અમેરિકાના બે રાજ્યો કોલોરાડો અને મિશિગને 14 એપ્રિલને ડૉ. બી. આર. આંબેડકર ઇક્વિટી ડે (સમતા દિવસ) જાહેર કર્યો હતો. આ અગાઉ કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં પણ એપ્રિલ મહિનાને દલિત હિસ્ટ્રી મંથ યાને કે દલિત ઇતિહાસ મહિના તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર દલિતોના સન્માનીય નેતા છે, જેમને તેમની નીચી ગણાતી જ્ઞાતિને કારણે બહુ જ સહન કરવું પડ્યું હતું.

ભારતના બંધારણમાં અને દેશની અદાલતોમાં લાંબા સમયથી નિમ્ન ગણાતી જ્ઞાતિઓ અને દલિતોને ઐતિહાસિક રીતે શોષણનો ભોગ બનેલા જૂથ તરીકે સ્વીકાર્યા છે. તેમને અનામતનો લાભ અપાયો છે અને ભેદભાવ વિરોધી કાયદાથી રક્ષણ પણ અપાયું છે.

દલિત કર્મશીલો અને શિક્ષણશાસ્ત્રીઓ હવે પશ્ચિમમાં ખાસ કરીને અમેરિકામાં પણ આ અન્યાયને સ્વીકારવામાં આવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ દેશોમાં ઇન્ડિયન સમુદાય હંમેશાં પોતાને "આદર્શ લઘુમતી" તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કરે છે - ઉત્સાહી, કુશળ ઇમિગ્રન્ટ્સ જે તે દેશની મુખ્ય ધારામાં સહજતાથી ભળી જવાની કોશિશ કરે.

"આંબેડકરે કહ્યું હતું કે હિન્દુઓ બીજા દેશોમાં વસાહતી તરીકે જશે તે પછી જ્ઞાતિની સમસ્યા વૈશ્વિક બનવાની છે." અને એવું જ હવે અમેરિકામાં થઈ રહ્યું છે એમ અમેરિકાસ્થિત નાગરિક અધિકારો માટે કામ કરતી સંસ્થા આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના રામ કૃષ્ણ ભૂપતિ કહે છે.

દલિત કર્મશીલો કહે છે કે દાયકાઓથી યુનિવર્સિટી અને ટેક્નોલૉજી કંપનીઓમાં સવર્ણ વર્ગના લોકોએ પક્ષપાત કર્યો છે તેની તરફ ધ્યાન અપાયું નથી. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી હવે દલિતો બોલતા થયા છે.

line
નેપાળી મૂળના શિક્ષણશાસ્ત્રી પ્રેમ પરિયારે જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં જાતિને સમજાવવા માટે ઇસાબેલ વિલ્કર્સનના પુસ્તકમાંથી ઘણીવાર રૂપકનો ઉપયોગ કરતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળી મૂળના શિક્ષણશાસ્ત્રી પ્રેમ પરિયારે જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં જાતિને સમજાવવા માટે ઇસાબેલ વિલ્કર્સનના પુસ્તકમાંથી ઘણીવાર રૂપકનો ઉપયોગ કરતા હતા

સપ્ટેમ્બર 2020ના રોજ NPRના શૉ રફ ટ્રાન્સલેશનમાં એક કર્મચારી, જેનું નામ સેમ કોર્નેલિયસ છે તે એવું જણાવે છે કે તેના સાથી કર્મચારીએ તેની પીઠને થપથપાવાની કોશિશ કરી હતી, જેથી જાણી શકે કે તેણે બ્રાહ્મણો પહેરે છે તેવી જનોઈ પહેરી છે કે નહીં.

શૉમાં આ પાત્ર કહે છે, "એ લોકો તમને તરવા આવવાનું કહેશે, ખબર છે? 'અરે, ચાલો તરવા જઈએ' - કેમ કે તમે શર્ટ ઉતારો ત્યારે ખબર પડી જાય કે કોણે જનોઈ પહેરી છે, કોણે નહીં."

અન્ય લોકો એ ભયની અને અકળામણની વાત પણ કરે છે, જેમાં પાર્ટીમાં એક ભારતીય બીજા ભારતીયને સીધા જ એક બીજાની જ્ઞાતિ પૂછી લે છે.

વંચિત વર્ગોના કર્મશીલોની કામગીરી તથા "સુરક્ષિત ઑનલાઇન" મંચોને કારણે હવે અભિવ્યિક્તિને મોકળાશ મળી રહી છે અને હાલના વર્ષોમાં આ મુદ્દે વધારે મુક્ત રીતે વાતો થવા લાગી છે.

બ્લૅક લાઇવ મેટર્સ - અશ્વેતોનું જીવન પણ અગત્યનું - ઝુંબેશ જ્યોર્જ ફ્લોઇડ અને બ્રેઓન્ના ટેલરના મોત પછી ચાલી તેની પણ અસર પડી છે એમ આસિસ્ટન્ટ પ્રોફેસર સોન્યા થોમસ કહે છે. તેમણે મેઇનની કોલ્બી કૉલેજમાં જ્ઞાતિ ભેદભાવ સામે લડત આપી છે.

સાઉથ એશિયન અમેરિકન્સ હવે એવું વિચારતા થયા છે કે તેમના પોતાના સમુદાયમાં પણ અશ્વેત લોકો સાથે જે ભેદભાવ થાય છે તે કેવી રીતે જ્ઞાતિવાદ સાથે સંબંધિત છે.

સોન્યા થોમસ કહે છે કે છેલ્લા એક દાયકા દરમિયાન એક પરિવર્તન આવ્યું છે કે, કેટલાક સવર્ણ લોકો પણ સદીઓથી મળેલા આ વિશેષાધિકારની વાતથી વિચલિત થવા લાગ્યા છે.

પુલિત્ઝર સેન્ટરના ફંડથી બનેલી સિરીઝ કાસ્ટ ઇન અમેરિકા બનાવનારા ફિલ્મમેકર કવિતા પિલ્લઈ કહે છે કે "આપણે બધા એ કથા જાણતા હોઈએ છીએ કે કઈ રીતે આપણા માતા પિતા માત્ર એક સૂટકેસ અને થોડાં ડૉલર લઈને અહીં આવ્યાં હતાં, પરંતુ આપણે એ સમજતા નથી કે ભારતમાં કઈ રીતે પેઢીઓ સુધી જ્ઞાતિના વિશેષાધિકારને કારણે આપણા વાલીઓને સાનુકૂળતા થઈ હતી અને દેશમાં આવીને પણ વધારે સારું કામ કરી શક્યા હતા."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કર્મશીલો કહે છે કે અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયામાં 2020ના વર્ષમાં એક આઈટી કંપની સિસ્કો સામે દાવો દાખલ થયો તે એક અગત્યની ઘટના બની હતી. આ કંપનીના બે સવર્ણ જ્ઞાતિના લોકોએ પોતાની સાથે કામ કરતા દલિતને હેરાન કર્યો હતો, તેની વિરુદ્ધ આ કેસ થયો હતો.

આંબેડકર ઍસોસિએશન ઑફ નોર્થ અમેરિકા (AANA)એ બીબીસીને જણાવ્યું કે "પશ્ચાદભૂમિમાં રહીને જે પ્રયાસો થઈ રહ્યા હતા, તેને આ કેસને કારણે શ્રદ્ધેયતા આવી."

સિસ્કોનો કેસ જાહેરમાં આવ્યો તે પછી દલિત અધિકારો માટેના સંગઠન ઇક્વૉલિટી લૅબ્સે એક હોટલાઇન શરૂ કરી હતી. આ હોટલાઇન પર ગૂગલ, ફેસબૂક, એપલ સહિતને સિલિકોન વેલીની ટેક કંપનીઓમાં કામ કરતા 250થી વધારે વર્કરોએ ભેદભાવ અને અન્યાય થયાની ફરિયાદ કરી હતી.

ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના વર્કર્સના યુનિયને સિસ્કો કેસને સમર્થન આપ્યું હતું.

ઇક્વૉલિટી લૅબ્સના સ્થાપક થેન્મોઝી સુંદરરાજને બીબીસીને કહ્યું કે "પહેલી વાર એવું થયું કે કે કોઈ અમેરિકન કંપનીએ આપણા દેશની બહાર સ્વીકાર્યું કે જ્ઞાતિએ નાગરિક અધિકારોની સમસ્યા છે અને તેમાં સરકારે કાયદો કરવાની જરૂર છે."

2021માં એક અન્ય ખટલો ચાલ્યો હતો, જેમાં હિન્દુ સંસ્થા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) સામે આરોપ હતો કે દલિત કામદારોને મંદિરના બાંધકામ માટે લાવવામાં આવ્યા હતા, પણ તેમનું શોષણ થતું હતું અને તેમને લઘુતમ કરતાંય ઓછું વેતન અપાતું હતું.

એ જ વર્ષે કેલિફોર્નિયા યુનિવર્સિટી, ડેવીસ, કોલ્બી કૉલેજ, હાર્વર્ડ યુનિવર્સિટી અને કેલિફોર્નિયા ડૅમોક્રેટિક પાર્ટી દ્વારા તેમની નીતિઓમાં જ્ઞાતિના અન્યાય સામે રક્ષણ આપવાની વાતને સામેલ કરી હતી.

જાન્યુઆરી 2022માં એક સીમાચિહ્નરૂપ ઝુંબેશ શરૂ થઈ હતી, જેમાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીએ પ્રથમ વાર તેમની નીતિમાં જ્ઞાતિને પણ સંરક્ષણાત્મક કૅટેગરીમાં સામેલ કરી હતી. આવું કરનારી તે સર્વપ્રથમ મોટી યુનિવર્સિટી હતી.

કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓએ ઝુંબેશ ચલાવી તેને કેલિફોર્નિયાના શ્રમ યુનિયનોએ પણ સમર્થન આપ્યું હતું તે "ગૅમચેન્જર" સાબિત થયું, કેમ કે યુનિયન દ્વારા જ્ઞાતિ સમાનતાના મુદ્દાને કામદારોના અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો એમ સુંદરરાજનનું કહેવું છે.

આ રીતે કામદાર સંગઠનો દ્વારા સમર્થન મળવાને કારણે વૈશ્વિક સ્તરે જ્ઞાતિ સમાનતાની ચર્ચા વધશે તેમ લાગે છે.

line

અમેરિકામાં જ્ઞાતિની સમજ

યુએસમાં જાતિ ભેદભાવ સામેની લડાઈમાં સિસ્કો કેસ એક મહત્ત્વનો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુએસમાં જાતિ ભેદભાવ સામેની લડાઈમાં સિસ્કો કેસ એક મહત્ત્વનો હતો

ભૂપતિ જણાવે કે "વંશમાં ત્વચાનો રંગ મુખ્ય આધાર છે પરંતુ જટિલ જ્ઞાતિવાદની વ્યવસ્થા અમેરિકનોને સમજાવવી વધારે મુશ્કેલ છે."

તેઓ કહે છે, "જન્મથી જ તમારી જ્ઞાતિ નક્કી થઈ જાય છે. તેના કારણે હિન્દુ વ્યવસ્થામાં તમારો દરજ્જો ક્યાંનો રહેશે તે નક્કી થઈ જાય છે".

મૂળ નેપાળના શિક્ષણશાસ્ત્રી પ્રેમ પેરિયાર કેલિફોર્નિયા રાજ્યની નીતિ પરિવર્તન કેન્દ્રમાં છે. તેઓ જ્ઞાતિને સમજાતાં કહે છે, "જ્ઞાતિ એ હાડપિંજર છે, જ્યારે રેસ એ ત્વચા છે". તેમણે આ વાક્ય ઇઝાબેલ વિલ્કરસન્સના પુસ્તકમાંથી લીધું છે.

વિલ્કરસન્સે 2020માં કાસ્ટ: ધ ઓરિજિન ઑફ અવર ડિસકનેક્ટ્સ નામે પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે વંશીય ભેદભાવ અને જ્ઞાતિ ભેદભાવના ઇતિહાસને વર્ણવ્યો છે. પેરિયારને લાગે છે કે આના કારણે અમેરિકામાં જ્ઞાતિના ભેદભાવને સમજાવવાનું સરળ બન્યું છે.

પેરિયારને એવો અનુભવ થયો છે કે તેમણે વિભાગમાં સવર્ણ ફેકલ્ટી સાથે આની વાત કરવાની કોશિશ કરી તો તેમણે અવગણના કરી અને કહ્યું કે "આ તો ભારતીય સમસ્યા તેની અમેરિકાની યુનિવર્સિટીમાં શા માટે ચર્ચા કરવી?"

વગ ધરાવતી જ્ઞાતિ દ્વારા આ રીતે જ્ઞાતિ ભેદભાવની વાત ટાળવાની વાત જાણીતી છે એમ થોમસ કહે છે. તેમણે પોતાના અભ્યાસમાં ખ્રિસ્તી ધર્મમાં કેવી રીતે જ્ઞાતિ અને લિંગભેદ હોય છે તેનો પણ અભ્યાસ કર્યો છે.

તે લોકોને એવું લાગે છે કે "વિશેષાધિકારોની" વાત કરીશું તો એવું લાગશે કે અમેરિકામાં આવીને તેમણે સ્થાન હાંસલ કર્યું છે તે તેમની મહેતનને કારણે નથી. અમેરિકામાં હિન્દુ અને મુસ્લિમની જેમ દક્ષિણ એશિયન લોકો પણ લઘુમતીમાં છે.

કેલિફોર્નિયા સ્ટેટને આ વિશે પત્ર લખનારા અને હાર્વર્ડમાં સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર અજંતા સુબ્રમણિયમ કહે છે કે જ્ઞાતિનો ભેદભાવ માત્ર હિન્દુ સમાજમાં છે એવું નથી, પણ તે દરેક દક્ષિણ એશિયન પ્રદેશમાં પ્રવર્તે છે.

તેમણે લખ્યું છે કે "એટલું જ નહીં, ભેદભાવનો ભોગ બનેલા લોકોમાંથી પણ ઘણા પોતે હિન્દુઓ છે."

line

જમણેરી હિન્દુ જૂથોનો પડકાર

જમણેરી ભારતીય-અમેરિકન જૂથો ઘણીવાર યુ.એસ.માં યથાસ્થિતિમાં ફેરફાર સામે ડાયસ્પોરાને એકત્ર કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમણેરી ભારતીય-અમેરિકન જૂથો ઘણીવાર યુએસમાં યથાસ્થિતિમાં ફેરફાર સામે ડાયસ્પોરાને એકત્ર કરે છે

અમેરિકામાં હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવી જમણેરી સંસ્થાઓ ઊભી થઈ છે તેમણે આ પ્રકારની ઝુંબેશમાં અમેરિકામાં ઊભી ના થાય તે માટે પ્રયાસો કર્યા છે.

કેલિફોર્નિયા રાજ્યની નીતિ અને સિસ્કોના કેસ સામે ફાઉન્ડેશને વિરોધ કર્યો હતો અને ઉલટાનું તેને જ "ભેદભાવપૂર્ણ" ગણાવીને કહ્યું હતું કે આ "હિન્દુ અમેરિકન્સના અધિકારોનો" ભંગ છે.

વર્ગીઝ કે. જ્યોર્જે પોતાના પુસ્તક ઓપન એમ્બ્રેસમાં લખ્યું છે કે ઇન્ડિયન અમેરિકન સમુદાય એવું કથાનક ઊભું કરવા માગે છે કે "ભારતીય હોવાનો મતલબ હિન્દુ હોવું છે અને હિન્દુ હોવાનો મતલબ ભારતીય હોવું છે".

ભારતમાં સત્તા પર રહેલા શાસક પક્ષની નીતિ સાથે આ વિચારસરણી મેળ ખાય છે, જેમાં વૈશ્વિક હિન્દુ ઓળખ ઊભી કરવાની વાત છે, પણ તેમાં જ્ઞાતિના ભેદભાવને દૂર કરવાનો પ્રયાસો નથી.

આ ફેડરેશન સહિતની ઘણી ઇન્ડિયન અમેરિકન સંસ્થાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચારનું કામ કર્યું છે અને વડા પ્રધાન ભારતીય ડાયસ્પોરાને "વ્યૂહાત્મક ઍસેટ" સમાન ગણાવે છે.

ભારતમાં ભાજપનું જોર વધ્યું તે પછી આવા જૂથોને જોર મળ્યું છે અને તેમના દ્વારા કાનૂની પ્રયાસો સહિત યથાસ્થિતિ જાળવી રાખવા માટેની કોશિશ અમેરિકામાં થઈ રહી છે એમ ભૂપતિનું કહેવું છે.

સુંદરરાજન કહે છે કે આમ છતાં જ્ઞાતિ સમાનતા એ વૈશ્વિક જાગૃતિ અને નાગરિક-માનવીય અધિકારો માટે અગત્યની બાબત બની રહી છે. તેઓ કહે છે, "જ્ઞાતિના ભેદભાવનો ભોગ બનેલા લોકો ઇન્સ્ટિટ્યૂટ્સને આ બાબતમાં જાગૃત કરે અને તેમને જણાવે કે કઈ રીતે તેઓ પોતાને ત્યાં પરિવર્તન લાવે અને સૌને તક મળે તેવું સ્થળ બનાવે તેમ ઇચ્છીએ છીએ."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો