હાર્દિક પટેલે ભાજપના નેતાઓને આમંત્રણ કેમ આપ્યું? કર્યો ખુલાસો

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના ઘરે યોજાયેલા કાર્યક્રમમાં સાધુ-સંતો ઉપરાંત કૉંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

હાર્દિક પટેલની કૉંગ્રેસ સાથેની નારાજગી અને ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ હોવાથી આને નિષ્ણાતો શક્તિપ્રદર્શન પણ ગણાવે છે.

કાર્યક્રમ બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં હાર્દિકે કૉંગ્રેસ પક્ષ સાથેની નારાજગી અને ભાજપના નેતાઓને અપાયેલા આમંત્રણ અંગે વાત કરી હતી.

હાર્દિક પટેલના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત કૉંગ્રેસના નેતઓ
ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત કૉંગ્રેસના નેતઓ

ભાજપના નેતાઓને અપાયેલાં આમંત્રણ અંગે વાત કરતાં હાર્દિકે પત્રકારોને જણાવ્યું હતું, "જ્યારે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજો ત્યારે સૌને આમંત્રિત કરવા પડે છે. અમે પારિવારિક-સામાાજિક જીવનમાં છીએ. આ જીવનમાં અમે પદ નહીં પ્રેમ મેળવ્યો છે. એટલે અમારી જવાબદારી બને છે કે અમે સૌને આમંત્રિત કરીએ. "

કૉંગ્રેસ પક્ષ સાથેની નારાજગી અંગે પ્રશ્ન પુછાતાં હાર્દિકે જણાવ્યું, " મારા પરિવારમાં કોઈ નુકસાન કરી રહ્યું હોય તો મારે એને કહેવું પડશે કે સાથે મળીને કામ કરો. મારો પક્ષ છે. હું પક્ષનો ભાગ છું. હું ઇચ્છું છું કે અમારો પક્ષ આગળ વધે, લોકોની સેવા કરે. થોડી નારાજગી હોય, થોડી ચર્ચાઓ થાય, એ ચર્ચાઓનું સામાધાન બહુ જલદી થઈ જશે એનો મને ભરોસો છે. કેમ કે આ ગાંધીનો પક્ષ છે, સરદારનો પક્ષ છે. આશા રાખું છું કે જલદી આનું નિરાકરણ આવી જશે."

જોકે, કૉંગ્રેસ પક્ષ સાથેની તેમની નારાજગી ખતમ થઈ ગઈ કે કેમ એ અંગે સ્પષ્ટતા પુછાતાં હાર્દિકે જણાવ્યું, "ખતમ થઈ જશેને! બેસી જઈશું તો ખતમ થઈ જશે. તેઓ આવ્યા છે. એમણે પહેલ કરી છે તો બિલકુલ અમે બેસીને વાતચીત કરીશું. "

આ દરમિયાન હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિરમગામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કૉંગ્રેસનાં તમામ પદાધિકારીઓ તરફથી હાર્દિકના પિતાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. "

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હાર્દિકની કૉંગ્રેસ અંગે નારાજગી વિષે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું, "આ વાત તદ્દન ખોટી છે. હાર્દિક સતત સોનિયા ગાંધીનાં માર્ગદર્શન હેઠળ પાર્ટી માટે કામ કરતા આવ્યા છે. તાજેતરમાં જ તેઓ પાંચ રાજ્યોની યોજાયેલી ચૂંટણીમાં પ્રચાર માટે પણ ગયા હતા."

તેમણે વધુમાં કહ્યું, "ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ગુજરાત કૉંગ્રેસમાં હાર્દિકનું મહત્ત્વ છે. ગુજરાતમાં કૉંગ્રેસનો જે 125+ બેઠકોનો લક્ષ્યાંક છે. તે હાંસલ કરવામાં હાર્દિક મદદ કરશે."

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના પિતા ભરત પટેલનું ગત વર્ષે કોરોનામાં નિધન થયું હતું.

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે વિરમગામસ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રામધૂન, સુંદરકાંડ સહિત અનેક આયોજનો કરાયાં હતાં.

આ કાર્યક્રમમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિત સ્થાનિક ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિનાં હાર્દિક પટેલના જૂના સાથીદાર અલ્પેશ કથીરિયા પણ 'પાસ'ના કાર્યકરો સાથે ઉપસ્થિત હતા.

આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. જોકે, આમાંથી કોઈ હાજર રહ્યું નહોતું.

line

કૉંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી અને વિવાદ

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, TWITTER/HARDIKPATEL

હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી ગુજરાત કૉંગ્રેસ સામે પોતાની નારાજગી અવારનવાર મીડિયાની સામે આવીને જણાવતા રહ્યા છે.

તેમણે અવારનવાર પ્રદેશના નેતાઓ અને કૉંગ્રેસના મોટાં માથાં દ્વારા તેમને કામ ન કરવા દેવાતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે અમુક સમય જ બાકી છે ત્યારે હાર્દિકની કૉંગ્રેસ પ્રત્યેની નારાજગીનો અર્થ ઘણા જાણકારો અને વિશ્લેષકો તેમની ભાજપમાં સામેલ થવાની મહેચ્છાના સંકેત તરીકે પણ ગણાવી રહ્યા છે.

હાર્દિક પટેલને જ્યારે પુછાયું કે જગદીશ ઠાકોર સાથે તેમને અણબનાવ છે કે કેમ? તો આ વાતના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "મારે કોઈની સાથે કોઈ તકલીફ કે અણબનાવ નથી."

"ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી સાથે નારાજગી હોય તો તેનો અર્થ એ નથી કે હું કૉંગ્રેસ છોડી દેવા કે મારું કદ પાર્ટીમાં વધે તે માટે પ્રયત્ન કરી રહ્યો છું. પરિવાર હોય ત્યાં નાનું-મોટું થયા કરે."

line

કેસરી ખેસ અને ભાજપમાં જોડાવા બાબતે શું કહ્યું?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "જેની સાથે સ્પર્ધા હોય તેમનાં વખાણ કરવાનો અર્થ એ નથી કે હવે તેમની સાથે ભળી જવાનું છે."

જ્યારે પત્રકારોએ તેમને પોતાની વૉટ્સઍપ પ્રોફાઇલમાં તસવીર બદલી નાખી હોવાની વાત અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે આના જવાબમાં કહ્યું કે, "બધા લોકો પાંચ-છ દિવસે પોતાનો ફોટો બદલે છે. તો હું બદલું એમાં કોઈ મોટી વાત નથી."

અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક ભાજપમાં સામેલ થવાની વાત અંગે કહ્યું હતું કે, "મારી કૉંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની વાતો પાછલા ઘણા સમયથી સમાચારસંસ્થાઓ સૂત્રોને આધારે ચલાવી રહી છે. પરંતુ હાલના સંજોગો અનુસાર ભાજપમાં સામેલ થવાની વાત ક્યાંય આવતી નથી. પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે આવો રાજકીય નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાશે તો તેની જાણ કરીશ."

"જો રાજ્યના હિત અને તેની જનતા માટે આવા કોઈ પણ નિર્ણય લેવો પડે તો લોકો સામે આવીને જરૂર એ વાત મૂકીશ."

line

જગદીશ ઠાકોરે કહ્યું, "બેસીને વાત કરીએ"

જગદીશ ઠાકોર

ઇમેજ સ્રોત, FACEBOOK/JADISH THAKORE

હાર્દિક પટેલની નારાજગી અને ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે બુધવારે સાંજે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પત્રકારપરિષદ યોજી હતી.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, પત્રકારપરિષદમાં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે તેમણે હાર્દિકનું ટ્વીટ જોયું હતું. જેમા હાર્દિકે કેટલાક લોકો તેમને કૉંગ્રેસમાંથી કાઢી મૂકવા ઇચ્છતાં હોવાનું જણવ્યું હતું.

તેમણે કહ્યું, "ટ્વીટ જોઈને મેં તરત હાર્દિકને ફોન કર્યો હતો. મેં કહ્યું હતું કે તમે નારાજ હોવાની વાત મને મીડિયા પાસેથી જાણવા મળી. આપણે બેસીને તમારી તકલીફો બાબતે વાત કરીએ."

તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ જ્યારે હાર્દિકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યા હતા. ત્યારે મેં ફોન પર તેમની સાથે વાત કરી હતી.

જગદીશ ઠાકોરનું કહેવું છે કે હાર્દિકે પિતાની શ્રદ્ધાંજલિનો અવસર પતે એ પછી ચર્ચા કરવાની વાત કરી હતી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો