ઈરાનનાં એકમાત્ર ઑલિમ્પિક મેડલવિજેતા મહિલાએ કેમ દેશ છોડ્યો?

ઇમેજ સ્રોત, EPA
ઈરાનનાં એકમાત્ર મહિલા ઑલિમ્પિક પદક વિજેતા કિમિયા અલીઝાદેહે દેશ છોડવાનો નિર્ણય કર્યો છે.
21 વર્ષનાં કિમિયાએ આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે કે તેઓ ઈરાનમાં પાખંડ, જૂઠાણાં, અન્યાય અને ચાપલૂસીનો ભાગ બનવા નથી માગતા.
કિમિયાએ પોતાને ઈરાનની સતામણીનો ભોગ બનતી લાખો મહિલાઓમાંથી એક હોવાનું જણાવ્યું છે.
અત્યારે તેઓ ક્યાં છે, એ બાબતે તેમણે કોઈ જાણકારી નથી આપી, પરંતુ ઈરાની મીડિયા મુજબ તેઓ ટ્રેનિંગ માટે નેધરલૅન્ડ્સમાં હોય તેવી સંભાવના છે.
તેમણે 2016ના રિયો ઑલ્પિમિકમાં તાઇક્વૉન્ડોમાં કાંસ્ય પદક જીતીને ઈરાન માટે ઇતિહાસ સર્જ્યો હતો.
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે ઈરાનના અધિકારીઓએ તેમની સફળતાને પ્રૉપોગૅન્ડાના સ્વરૂપમાં દર્શાવી.
કિમિયાએ ઈરાન છોડવાનો નિર્ણય એવા સમયે લીધો છે, બીજી બાજુ ઈરાનમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે.
બુધવારે યૂક્રેનના એક યાત્રી વિમાનને ભૂલથી મિસાઇલ મારવા અને બે દિવસ સુધી આ વાતને છુપાવીને રાખવાના વિરોધમાં ઈરાનમાં લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સિવાય ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ સર્જાઈ છે.

અધિકારીઓએ કર્યું અપમાન

ઇમેજ સ્રોત, Getty Images
કિમિયાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "હું ઈરાનની સતામણીનો ભોગ બનેલી લાખો મહિલાઓમાંથી એક છું જે વર્ષો સુધી દેશ માટે રમતી રહી. અધિકારીઓએ જે કહ્યું હું તેને માનતી રહી. દરેક આદેશનું પાલન કર્યું, પરંતુ તેમના માટે અમારામાંથી કોઈ પણ મહત્ત્વ નથી ધરાવતું. અમે તેમના માટે માત્ર એક હથિયાર છીએ જેને તેઓ વાપરી શકે છે."
કિમિયા અલીઝાદેહે વધુમાં લખ્યું છે કે "સરકાર તેમની સફળતાને રાજકીય રીતે ઉપયોગ કરતી રહી, પરંતુ અધિકારીઓ તેમને અપમાનિત કરતા રહ્યાં."
તેમણે કહ્યું કે અધિકારી તેમનાં પર કૉમેન્ટ કરતા કે, "કોઈ મહિલાએ માટે પોતાના પગને સ્ટ્રૅચ કરવા એ સવાબ (પુણ્ય)નું કામ નથી."
કિમિયા અલીઝાહેદે એ વાતને નકારી છે કે તેમને યુરોપમાં કોઈ આકર્ષક પ્રસ્તાવ મળ્યો છે અને તેમણે એ પણ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ ઈરાન છોડીને ક્યાં જઈ રહ્યાં છે.
ગત અઠવાડિયે જ્યારે કમિમિયાનાં ગાયબ થવાના સમાચાર આવ્યા હતા, ત્યારે ઈરાનના લોકોએ કહ્યું હતું કે આ તેમના માટે ઝાટકો છે.
ઈરાનના રાજનેતા અબ્દુલકરીમ હુસેનઝાદેહે કિમિયા જેવાં મહત્ત્વપૂર્ણ માનવ સંસાધનના દેશ છોડીને ચાલ્યા જવા માટે અયોગ્ય અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.
ગત ગુરુવારે ઈરાનની સમાચાર એજન્સી ઇસનાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું, 'ઈરાની તાઇક્વૉન્ડોને ઝાટકો. કિમિયા અલીઝાદેહ નેધરલૅન્ડ્સમાં વસી ગયાં.'
આ અહેવાલમાં એ પણ કહવાયું છે કે 'અલીઝાદેહને આશા છે કે તેઓ 2020ના ટોકિયો ઑલિમ્પિકમાં ભાગ લેશે, પરંતુ ઈરાનના ઝંડા હેઠળ નહીં.'
ઈરાન છોડવાની જાહેરાત કરતાં કિમિયાએ ભવિષ્યમાં ક્યાં રહેશે એ વિશે તો કંઈ ન કહ્યું, પરંતુ એમ જરૂર કહ્યું કે તેઓ જ્યાં રહેશે ત્યાં ઈરાનનાં દીકરી બનીને રહેશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












