ત્રણ મર્ડરની એ કહાણી જેણે આખા દેશને હચમચાવી મૂક્યો

ઇમેજ સ્રોત, RALPH FAMILY
ચેતવણી: આ ઘટનાનું વર્ણન કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
13 એપ્રિલ 1973 ના એ દિવસની શરૂઆત ક્લાઇવ અને એલ્સી રાલ્ફ માટે બીજા સામાન્ય દિવસોની જેમ જ થઈ હતી.
મિ. રાલ્ફ એક ટ્રક ડ્રાઈવર હતા. મિસીસ રાલ્ફ બાર મેઈડ હતાં.
તેઓ વોર્સસ્ટર શહેરની ગીલમ સ્ટ્રીટ પર પોતાના સંતાનો ડૉન (ઉંમર: ચાર વર્ષ), પૉલ (ઉંમર: બે વર્ષ) અને દીકરી સામંથા (ઉંમર: નવ મહિના) સાથે રહેતાં હતાં.
ડેવિડ મેકગ્રેવી મિ. રાલ્ફનો મિત્ર હતા અને તેમના ઘરે ભાડે રહેતો હતા.
મિ. રાલ્ફને કામના લીધે ઘણીવાર બહાર રહેવાનું થતું અને મિસીસ રાલ્ફને પણ ઘણીવાર સાંજની શિફ્ટમાં કામ કરવાનું થતું.
આવા સમયે ડેવિડ આ દંપતીને કામકાજમાં મદદરૂપ બનતા.
તેને બાળકો સાથે સારું ફાવતું હતું અને લાગતું હતું કે તેમની સંભાળ લેવામાં તેને આનંદ આવતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સાંજે મિ. રાલ્ફ તેમનો છેલ્લો ફેરો કરીને પોતાની પત્નીને લઈને ઘરે પાછા ફરવાના હતા.
મેકગ્રેવીએ પાંચ થી સાત બિયર પી લીધી હતી અને રોઈ રહેલી સાંમથાને તે શાંત કરી શકતો નહોતો.

તમે આ વાંચ્યું કે નહીં?
પાછળથી એણે કહ્યું કે એણે બસ સામંથાના મોં પર હાથ દબાવીને રાખ્યો હતો અને બસ વાત ખતમ થઈ ગઈ. નવ મહિનાની સામંથા મરી ચૂકી હતી.
ત્યારબાદ, મેકગ્રેવી પોતાની સાથે જ રૂમમાં રહેતા પૉલ પાસે ગયો અને વાયર વડે તેનું ગળું દબાવી ગૂંગળાવીને મારી દીધો.
પછી તે ડૉન પાસે ગયો અને તેનું ગળું કાપી નાંખ્યું. પછી, સામંથા પાસે જઈને મારી-મારીને તેની ખોપરી તોડી દીધી.
પછી તે ભોયરામાં ગયો. ત્યાંથી કોદાળી જેવું હથિયાર લીધું અને તેના વડે ઘા મારીને બાળકોના મૃતદેહને વિકૃત કરી દીધા.
પછી તેણે નાનકડા મૃતદેહોને બેક ગાર્ડનમાં લઈ જઈને ત્યાં બે ઘર વચ્ચેની લોખંડની વાડ પર ઠોકીને લટકાવી દીધા અને ત્યાંથી નીકળી ગયો.
લોહીથી લથપથ બેડરૂમ

ઇમેજ સ્રોત, PA
જ્યારે મિ. અને મિસીસ રાલ્ફ ઘરે પરત આવ્યાં ત્યારે બાળકોને ઘરે જોયાં નહીં. ઘરનો બેડરૂમ લોહી-લોહી થઈ ગયો હતો.
ભાડુઆત ક્યાંય દેખાતો નહોતો. તેમણે પોલીસ બોલાવી.
પોલીસ કૉન્સ્ટેબલ બૉબ રીસ એ કમનસીબ વ્યક્તિ હતી જેમણે ગાર્ડનમાં પોતાની ટોર્ચ મારી અને એ ભયાવહ નજારો જોયો.
તેના બે કલાકની અંદર લેન્સડોન રોડ પર ફરી રહેલા મેકગ્રેવીને પકડી લેવામાં આવ્યો.
પોતાને પકડવામાં આવતાં મેકગ્રેવીએ પહેલાં તો કહ્યું, "આ શું ચાલી રહ્યું છે?"


તેણે મર્ડર અંગે કંઈ પણ જાણતો હોવાનો ઇનકાર કર્યો.
પણ પોલીસ સ્ટેશન પર તેણે બાળકોને માર્યા હોવાનું કબૂલી લીધું.
પોલીસ ઑફિસરને તેણે એ તો કહ્યું કે હત્યા તેણે કેવી રીતે કરી પણ એ ન કહ્યું કે શા માટે કરી.
એણે આ વાત પછી ક્યારેય જણાવી નહીં. મિ. રાલ્ફનો જૂનો મિત્ર એવો મેકગ્રેવી આવેશમાં આવીને કામ કરનારો યુવાન હતો.
તેણે એકવાર એક છોકરીને મળ્યાના એક અઠવાડિયાની અંદર પ્રપોઝ કર્યું હતું.
તે ડ્રિંક કર્યા પછી ઝડપથી આવેશમાં આવી જતો પરંતુ તે હત્યા પણ કરી શકે એવો અણસાર તેણે ક્યારેય આપ્યો ન હતો.
તેનો ઉછેર એક આર્મી પરિવારમાં થયો હતો.
તેના પિતાએ યૂકે અને જર્મનીમાં જુદી-જુદી પોસ્ટ લેતા, આથી તેણે વારંવાર સ્થળાંતર કરવાનું થતું. તે રૉયલ નેવીમાં જોડાયો.
ત્યાં તેણે એક્વાર કચરાપેટીને આગ લગાવી દીધી અને તેને કાઢી મૂકવામાં આવ્યો.
તેના તે સમયના સહકાર્યકરો તેને એક ઘમંડી વ્યક્તિ માનતા.
હંમેશાં પોતાની વાતને જ આખરી ગણાવવાનું તેનું વલણ હતું.

રૉયલ નેવી બાદ તે વોર્સસ્ટરમાં પોતાના માતાપિતા સાથે રહેવા આવ્યો.
અહીં તેણે થોડા સમય માટે એક શ્રમિક, રસોઈયા અને ફેક્ટરી વર્કર તરીકે નોકરી કરી.
તેની દારૂ પીવાની આદત અને ઘમંડી સ્વભાવને કારણે તેણે વારંવાર નોકરી ગુમાવવી પડી.


1971માં નવા વર્ષની પૂર્વસંધ્યાએ તેની ફિયાન્સીએ તેની સાથેનો સબંધ તોડી નાંખ્યો.
ત્યારબાદ, તેને તેના માતાપિતા સાથે બોલાચાલી થઈ અને 20 વર્ષનો મેકગ્રેવી રાલ્ફ પરિવારના ઘરે રહેવા આવી ગયો.
તે અઠવાડિયાના 6 પાઉન્ડ જેટલું ભાડું આપતો અને ઘણીવાર રસોઈ કરી આપતો તથા બેબીસિટીંગ પણ કરતો.
મર્ડર વખતે જ્યુડી લીઝમુન અને તેમના પતિ રોજર એ જ રોડ પર છેલ્લાં ત્રણ વર્ષોથી રહેતાં હતાં.
જ્યુડી સીટી સેન્ટરમાં નોકરી કરતા અને કામે જતી વખતે રોજ રાલ્ફના ઘર પાસેથી પસાર થતા.
તેમણે મિસીસ રાલ્ફને અગાઉ પોતાનાં બાળકોની સાથે જોયા હતા.

'કોઈ માણસ આટલો... આટલો ઘાતકી કેવી રીતે હોઈ શકે?'

ઇમેજ સ્રોત, TRINITY MIRROR / MIRRORPIX / ALAMY STOCK PHOTO
જ્યુડી લીઝમુન કહે છે, "શનિવારે સવારે હું રોજની જેમ લગભગ 7 વાગે વહેલી ઊઠી અને પડદો ખોલીને જોયું તો મારા ફ્રન્ટ ગાર્ડનમાં મારી નજર સામે બે પોલીસ ઑફિસર ઊભા હતા અને સ્નીફર ડોગ આસપાસ કંઈક સૂંઘી રહ્યા હતા.
"હું ચમકી ગઈ. મને ખબર નહોતી કે શું બન્યું હતું. હું કામે જવા રોજની જેમ બહાર નીકળી અને પોલીસને પૂછ્યું કે અહીં શું કરો છો."
"પોલીસે કહ્યું કે તે કોઈ હથિયાર શોધી રહ્યા છે પણ તેણે બીજું કાંઈ કહ્યું નહીં."
"હું ચાલીને ગીલમ સ્ટ્રીટ પર આગળ જવા ગઈ પણ પોલીસે રસ્તો બ્લૉક કરી દીધો હતો."
"હું છેક રાત્રે ઘરે પાછી આવી રહી હતી ત્યારે પડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે અહીં મર્ડર થયું હતું."
"પહેલાં મને એક મર્ડર અને તે બાળકનું મર્ડર હોવા અંગે જાણવા મળ્યું."
"પછી લોકો કહી રહ્યા હતા કે એકથી વધારે મર્ડર થયાં છે પણ મને કાંઈ પાકું જાણવા મળ્યું નહીં."
"મેં રોજરના કામથી ઘરે પાછા આવવાની રાહ જોઈ. તેમના આવ્યા બાદ મેં તેમને આ વાત જણાવી."

"છેવટે બીજા દિવસે અમે ન્યૂઝ પેપરમાં વાંચ્યુ ત્યારે ખ્યાલ આવ્યો કે અહીં ત્રણ મર્ડર થયાં હતાં."
"ત્રણેય મર્ડર બાળકોનાં હતાં. અમને સખત આંચકો લાગ્યો હતો. કોઈને સમજ પડતી નહોતી કે શું બોલવું."
"તમે ઘરની પાસેથી પસાર થાવ તો એ ક્ષણ ધ્રુજાવી દે તેવી હતી."
"બાળકોને પાડોશીની તારની વાડ પર લટકાવી દેવામાં આવ્યાં હતાં."
"આ કેટલું ખરાબ હશે તેની કલ્પના પણ કરી શકાય એમ નથી."
"આજે પણ હું જ્યારે એ જ પ્રકારની વાડ પાસેથી પસાર થાવ છું ત્યારે મને આ ઘટના યાદ આવે છે. આ બહુ દારુણ ઘટના હતી."
"તેમને કતલ કરેલાં પ્રાણીઓની જેમ લટકાવવામાં આવ્યાં હશે. મને થયું, 'કોઈ માણસ આટલો... આટલો ઘાતકી કેવી રીતે હોઈ શકે?"

'આ એક ભયાનક દ્રશ્ય હતું'

ઇમેજ સ્રોત, TRINITY MIRROR / MIRRORPIX / ALAMY STOCK PHOTO
હાલ 79 ની ઉંમરે પહોંચેલા એલેક મેકેઈ તે સમયે 'બર્મિંગઘમ ઈવનીંગ મેલ' ના રિપોર્ટર હતા.
તેઓ વોર્સસ્ટર પોલીસ સ્ટેશન પર રાખવામાં આવેલી ન્યૂઝ કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ પ્રેસકર્મીઓને ગીલમ સ્ટ્રીટ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
એલેક કહે છે, "હું ત્રણ નાનાં બાળકોનો પિતા હતો. મારાં બાળકો એ ત્રણ બાળકોથી થોડાં મોટાં હતાં."
"ઘટના અંગે જાણકારી આપીને પોલીસે મને છેક ઍલીવે સુધી આવવાનું આમંત્રણ આપ્યું."


"મેં જોયું કે બે ઘરોની વચ્ચેની વાડ પર તાડપત્રી ઢાંકવામાં આવી હતી."
"આ એક ભયાનક દ્રશ્ય હતું. મને એ સવારે મારા ઘરે ગાદલામાં સૂતેલા મારા બાળકો યાદ આવી ગયા."
"મેકગ્રેવીની ધરપકડ કરી લેવામાં આવી હતી. અમને એ વાતની ખબર હતી."
"પણ અમે તે કહ્યું નહીં કારણ કે કોઈ નજરે જોનાર સાક્ષી કે આ અંગેની કોઈ જાણકારી અમને મળી જાય તો તે દ્વારા અમે પબ્લિસીટી મેળવી શકીએ."
"આખરે જ્યારે આ વાત લોકો સુધી પહોંચી ત્યારે વોર્સસ્ટરનું વાતાવરણ એકદમ ધ્યાન ખેંચે તેવું બની ગયું."
"જે ભયંકરતાથી બાળકોની હત્યા કરવામાં આવી હતી. એનાથી દેશ આખો ચોંકી ઉઠ્યો હતો."
"હજી આજે પણ હું વોર્સસ્ટરના તે વિસ્તારમાંથી પસાર થાવ છું ત્યારે શનિવારની એ સવારની યાદ મને ફરી ઘેરી વળે છે."
આ કેસની તપાસનું નેતૃત્વ કરનાર ડિટેક્ટીવ ચીફ સુપ્રિટેન્ડન્ટ રોબર્ટ બુથે ત્યારે કહ્યું હતું કે તેઓ લોકો સામે ઘટનાનું બહુ સચોટ વિવરણ કરી શકવા સક્ષમ નહોતા.

રોબર્ટ બુથે કહ્યું, "એ બહુ ભયાનક હતું. તેમની હત્યા ઘાતકી... અત્યંત ઘાતકી રીતે કરવામાં આવી હતી."
જેલમાં રહેતાં મેકગ્રેવીને છોડવાની વાત આવી તો 1997 થી લઈને 2010 સુધી વોર્સસ્ટરના મેમ્બર ઑફ પાર્લામેન્ટ રહેનાર માઈક ફોસ્ટરે પોતાના કાર્યકાળ દરમ્યાન આ વાત વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપ્યો.
તેમનું માનવું છે કે હત્યારો જેલમાં જ રહેવો જોઈએ.
"લોકો હજી પણ આ ઘટનાને એવી રીતે યાદ કરે છે જાણે કે તે હજી ગઈકાલે બની હોય."
"હત્યાનું ઘાતકીપણું અને જે રીતે તેણે હત્યા બાદ બાળકોના મૃતદેહને રહેંસી નાંખ્યા તેને લોકો ભૂલી શકતાં નથી."
"તેની ભયાનકતાને લીધે લોકોના મનમાં ઘટના અંગેનો ખયાલ વધુ બગડતો જાય છે.
"સમગ્ર યૂકે માં આ પ્રકારના અન્ય ડઝન જેટલા કેસમાં લોકોનો આ જ અભિપ્રાય છે."
"મુર્સ મર્ડર, સોહમ મર્ડર પણ આ જ પ્રકારના કેસ છે. જ્યારે લોકો તેની વિગતો જાણે છે ત્યારે તેની ભયાનકતાથી તેમને તરત આંચકો લાગે છે."

પડી ભાંગ્યુ જીવન

ઇમેજ સ્રોત, TRINITY MIRROR / MIRRORPIX / ALAMY STOCK PHOTO
પોલીસે જ્યારે તેમને આ સમાચાર આપ્યા ત્યારે એલ્સી રાલ્ફ 23 વર્ષના હતા. આ ઘટનાથી તેમનું જીવન પડી ભાંગ્યુ.
પોલીસ સ્ટેશનમાં જ્યારે તેમને આ ઘટનાનો પૂરો ખ્યાલ આવ્યો ત્યારે દવા આપીને તેમને શાંત પાડવા પડ્યા.
તેમનાં બાળકોને જોવા જવા દેવાની મંજૂરી પણ તેમને આપી શકાઈ નહીં.
મનોચિકિત્સકોને મેકગ્રેવી તેની ઉપર મુકદમો ચલાવી શકાય તેટલા પ્રમાણમાં માનસિક રીતે સ્થિર વ્યક્તિ લાગ્યો.
તેણે કોઈ બચાવ રજૂ ન કર્યો, કોઈ ખુલાસા કર્યા નહીં. તેને ગુનેગાર ઠેરવવામાં આવ્યો. તેને ઓછામાં ઓછી 20 વર્ષની આજીવન કેદની સજા થઈ.

મુકદમા બાદ મિસીસ રાલ્ફ પોતાનું નામ એલ્સી યુરી રાખીને આ વિસ્તારમાંથી બીજે રહેવા જતા રહ્યા.
તેઓ કહે છે, ઘણીવાર તેમને ખબર જ નથી પડતી કે આ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું અને તેમણે બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
તેમનાં લગ્ન તૂટી ગયાં અને ત્યારબાદ તેમણે બીજા કોઈ બાળકને જન્મ આપ્યો નહીં.
તેમનું માનવું છે કે પેરોલ બોર્ડનો રિપોર્ટ ભલે કહે કે મેકગ્રેવી ખાસ્સા પ્રમાણમાં બદલાઈ ગયો છે પણ જો તે છુટી ગયો તો બીજી હત્યા પણ કરશે.
તેઓ કહે છે, "શું આ ઘટના પેરોલ બોર્ડમાંથી જ કોઈની સાથે બની હોત તો શું આ માણસને છોડવા અંગે વિચારત? ક્યારેય નહીં."
"તો મારે આ માણસને જેલમાં રાખવા માટે લડત આપવી પડે એવું કેમ? આ માણસ ફરી આવું કંઈક નહીં કરે એમ કહી શકાય નહીં."
"આ ઘટનાએ મારું જીવન બરબાદ કરી દીધું. તેને છુટવા કેમ દેવો જોઈએ?"
1973માં થયેલી આ હત્યા પાછળ શું ઈરાદો હતો એ ક્યારેય જાણી શકાયું નહીં અને હત્યારાએ ક્યારેય આનો પસ્તાવો પણ વ્યક્ત કર્યો નહીં.
જેલમાં 45 વર્ષ પસાર કર્યા બાદ ડેવિડ મેકગ્રેવી જેલમાંથી મુક્ત થઈને ફરી એકવાર બહારની દુનિયામાં કદમ મૂકી રહ્યા છે.
આ એક એવો ક્રાઈમ હતો જેણે એક પરિવારને બરબાદ કરી દીધો અને દેશમાં દહેશત ફેલાવી દીધી.
આ હત્યાની બિહામણી વાતો સાંભળીને વોર્સસ્ટર શહેરના લોકો આજે પણ રોષભરી પ્રતિક્રિયા આપે છે.

હત્યાની ઘટનામાં ક્યારે શું બન્યું?

એપ્રિલ 1973 - ડેવિડ મેકગ્રેવીએ ત્રણ બાળકો પૉલ, ડૉન અને સામંથાની વોર્સસ્ટરની ગીલમ સ્ટ્રીટ ખાતેના તેમના ઘરમાં હત્યા કરી.
જુન 1973 - મેકગ્રેવી ને આજીવન કેદની સજા થઈ.
1994 - મેકગ્રેવીને ખુલ્લી જેલ (કેટેગરી 'ડી') માં ટ્રાન્સફર કરવામાં આવ્યો. ત્યારબાદ ફરીવાર બંધ જેલ (કેટેગરી C)માં લાવવામાં આવ્યો.
2007 - પેરોલ માટેની એક યાચિકા નામંજૂર કરવામાં આવી.
2009 - મેકગ્રેવીને બંધ જેલમાં જ રહેવાનું કહેવામાં આવ્યું. તેના રક્ષણ માટેના એક અનામી ઓર્ડરને માન્ય રાખવામાં આવ્યો.
2013 - પેરોલ અંગે નવમી વાર સમીક્ષા શરૂ થતા અનામી ઓર્ડરનો અમલ હટાવી લેવામાં આવ્યો.
2016 - પેરોલ બોર્ડે મેકગ્રેવીને છોડવા અંગે વિચારણા કરવાની વાતને પુષ્ટિ આપી. તે મહિનામાં પાછળથી તેની અરજી નામંજૂર કરવામાં આવી.
2018 - મેકગ્રેવીને જેલમાંથી મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












