સ્વામીને કારણે ભારત-માલદીવ વચ્ચે ટૅન્શન વધ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
માલદીવના સ્થાનિક મીડિયા અનુસાર ત્યાંના ભારતીય રાજદૂત અખિલેશ મિશ્રાને સમન્સ મોકલાવાયો છે.
માલદીવના સ્થાનિક મીડિયાનું કહેવું છે કે દેશના વિદેશ મંત્રાલયે મિશ્રાને ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વીટને પગલે સમન્સ પાઠવ્યો છે.
સ્વામીએ 24 ઑગસ્ટે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે 23 સપ્ટેમ્બરે માલદીવમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ગડબડ થાય તો ભારતે હુમલો કરી દેવો જોઈએ.
સ્વામીએ આ વાત શ્રીલંકાના પાટનગરમાં કોલંબોમાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશિદ સાથેની મુલાકાત બાદ કહી હતી.
મોહમ્મદ નશિદ દેશવટો ભોગવી રહ્યા છે. તેમણે સ્વામી સમક્ષ માલદીવમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગડબડ થવાની આશંકા વ્યક્ત કરી હતી.
પણ, સ્વામીના આ ટ્વીટને કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

સ્પષ્ટીકરણ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમાર આ ટ્વીટ પર સ્પષ્ટીકરણ આપી ચૂક્યા છે.
તેમણે કહ્યું કે ટ્વીટ સ્વામીના અંગત વિચાર છે અને તેને ભારત સરકારના અધિકૃત મત સાથે ના જોડવા જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, વિવાદ વકરતા સ્વામીએ બે દિવસ બાદ વધુ એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી.
તેમણે 26 ઑગસ્ટના ટ્વીટ અંગે લખ્યું, ''માલદીવની વર્તમાન સરકાર 'જો-તો'વાળા નિવેદનથી વ્યાકુળ શા માટે છે.''
''માલદીવમાં રહેતા ભારતીયો પહેલાંથી જ ભયમાં છે. અમારે અમારા નાગરિકોનું રક્ષણ કરવાનું છે.''
સ્વામીના આ ટ્વીટને માલદીવે ગંભીરતાથી લીધું છે. માલદીવની વર્તમાન સરકાર ચીનની નજીક માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે ભારત સાથે તેમના સંબંધો સારા નથી.
આવામાં સ્વામીના ટ્વીટની અસર આગની માફક ફેલાઈ.
માલદીવની સ્થાનિક ભાષા ધિવેહીના અખબાર 'મિહારુ'માં સમાચાર છપાયા છે કે માલદીવના વિદેશ સચિવ અહમદ સરીરે ભારતીય રાજદૂત અખિલેશ મિશ્રાને બોલાવીને આ અંગે જવાબ માગ્યો છે.

આમને-સામને

ઇમેજ સ્રોત, @AKHILESHIFS
જોકે, અંગ્રેજી અખબાર 'માલદીવ ઇન્ડિપેન્ડન્ટ'ને માલદીવના વિદેશ મંત્રાલયના રાજકીય નિદેશક હિના વલિદે કહ્યું તેમને અત્યાર સુધી સમન્સ મોકલાયા હોવાની સૂચના નથી મળી.
હિના વલિદે કહ્યું કે ભારતીય રાજદૂત અખિલેશ મિશ્રા રવિવારે વિદેશ મંત્રાલય ગયા હતા. તેમણે એવું પણ ઉમેર્યું કે મિશ્રાએ વિદેશ મંત્રી ડૉ. મોહમ્મદ અસીમ તથા અન્ય સાત રાજનીતિજ્ઞો સાથે વાતચીત કરી હતી.
માલેમાં ભારતીય દૂતાવાસના પ્રેસ અધિકારી અર્ચના નાયરે પણ 'માલદીવ ઇન્ડિપેન્ડન્ટ'ને કહ્યું કે તેમને સમન્સની જાણકાર નથી અને સ્થાનિક મીડિયાના આધારે તેઓ કંઈ ના કહી શકે.
જોકે, માલદીવના ઇસ્લામિક સંગઠન જમિયાતુલ સફલે સ્વામીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
સંગઠને મોહમ્મદ નશિદ પર નિશાન તાકતાં કહ્યું કે પોતાના જ દેશના નેતા બીજા રાષ્ટ્રોને હુમલો કરવા ઉકસાવી રહ્યા છે.
જમિયાતે સફલે એક નિવેદનમાં કહ્યું, ''અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે એક સ્વતંત્ર અને સાર્વભૌમિક ઇસ્લામિક રાષ્ટ્રને પોતાના જ લોકો દુશ્મનો સાથે મળીને જોખમમાં મૂકે એને શરિયતમાં મોટું પાપ ગણાવાયું છે.''

ભારત-માલદીવ વચ્ચેના સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં કેટલાય વર્ષોથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો કથળ્યા છે.
જે માલદીવ ક્યારેક ભારતની નજીક માનવામાં આવતું હતું એ જ માલદીવ હવે ચીનના પક્ષે જતું રહ્યું છે.
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ચાલું વર્ષે સૌથી વધુ ખટાશ આવી છે.
આની શરૂઆત માલદીવની સુપ્રીમ કોર્ટે પહેલી ફેબ્રુઆરીએ આપેલા નિર્ણયથી થઈ.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને વિપક્ષના નેતાઓને કેદ કરીને બંધારણ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
કોર્ટે એવો આદેશ પણ આપ્યો હતો કે સરકાર પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશિદ સહિદ તમામ વિપક્ષી નેતાઓને મુક્ત કરે.
જોકે, સુપ્રીમ કોર્ટના આ આદેશને રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
એ સાથે જ યામીને દેશમાં કટોકટીની જાહેરાત કરી દીધી હતી. જે 45 દિવસ સુધી ચાલી હતી.
ભારતે આ કટોકટીનો વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું હતું કે માલદીવમાં તમામ બંધારણીય સંસ્થાઓ કાયમ થવી જોઈએ અને કટોકટીનો તત્કાલ અંત આવવો જોઈએ.

માલદીવને ચીનનો સાથ

ઇમેજ સ્રોત, Getty Images
માલદીવમાં નાટકીય રીતે સર્જાયેલું રાજકીય સંકટ ભારત માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું. આ જ સંકટ વચ્ચે યામીને ચીન, પાકિસ્તાન અને સાઉદી અરેબીયામાં પોતાના દૂતો મોકલ્યા હતા.
એ બાદ ચીને ચેતવણી આપી હતી કે માલદીવની આંતરીક બાબતોમાં કોઈ પણ દેશે હસ્તક્ષેપ ના કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મામલે રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ.
ચીને કહ્યું હતું કે ગમે તે થાય પણ માલદીવના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ના થવું જોઈએ. બીજી તરફ માલદીવના વિપક્ષના નેતા નશિદે એવું ઇચ્છતા હતા કે આ મામલે ભારત મદદ કરે.
તેઓ ભારત તરફથી સૈન્ય હસ્તક્ષેપની પણ આશા સેવી રહ્યા હતા કે જેથી ન્યાયાધીશોને કેદમાંથી મુક્ત કરાવી શકાય. નશિદે અમેરિકા પાસે પણ મદદની માગ કરી હતી.
આ દરમિયાન સમાચાર સંસ્થા રૉયટર્સે એક ચાઇનીઝ વેબસાઇટને ટાંકીને કહ્યું હતું કે બે ચાઇનીઝ યુદ્ધજહાજ માલદીવ પહોંચી ગયા છે. ભારતીય નેવીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
જોકે, ચાઈનીઝ યુદ્ધજહાજની હિંદ મહાસાગરમાં તહેનાતી કોઈ નવી વાત નથી. કારણ કે જિબૂતીમાં પહેલાંથી જ ચાઇનીઝ આર્મીનો બેઝ છે. જોકે, માલદીવમાં ચીનની હાજરી વધતા ભારતને પાછી પાની કરવી પડી હતી.
ચીન માટે માલદીવ સૈન્ય દૃષ્ટીએ પણ ભારે મહત્ત્વ ધરાવે છે. માલદીવ જે દરિયાઈ ઊંચાઈ પર છે એ જોતા વ્યૂહરચનાની રીતે પણ તેનું ભારે મહત્ત્વ છે.
2016માં ચાઇનીઝ કંપનીએ માલદીવનો એક ટાપુ 50 વર્ષ માટે માત્ર 40 લાખ ડૉલરમાં લીઝ પર મેળવ્યો હતો.
ભારત માટે માલદીવ એ રીતે મહત્ત્વનું છે કે એક તો તે અત્યંત નજીક છે. એટલે ત્યાં વધી રહેલો ચીનનો પ્રભાવ ભારત માટે મુશ્કેલી સર્જે એ પણ સ્વાભાવિક છે.
ભારતના લક્ષદ્વીપથી માલદીવનું અંતર માત્ર 700 કિલોમીટર છે.
જ્યારે ભારતના ભૂભાગ અને માલદીવ વચ્ચે 1200 કિલોમીટરનું અંતર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












