ફેસબુક 20 કરોડ લોકોનું તેમના પ્રેમ સાથે કરાવશે મિલન, પણ કેવી રીતે?

ઇમેજ સ્રોત, FACEBOOK
પોતાના 20 કરોડ સિંગલ યૂઝર્સને ધ્યાનમાં રાખીને ફેસબુક જલદી એક ડેટિંગ એપ લાવી રહી છે.
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે કેલિફોર્નિયામાં આયોજિત કંપનીની વાર્ષિક F8 કૉન્ફરન્સને સંબોધિત કરતાં ભવિષ્યની નવી યોજનાઓ વિશે જણાવ્યું જેમાં ફેસબુક ડેટિંગ એપનો પણ ઉલ્લેખ થયો.
કૉન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ મેચ-મેકિંગ ફીચરને બનાવતા સમયે ગોપનીયતા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને જલદી તેને લૉન્ચ પણ કરવામાં આવશે.
ઝકરબર્ગે કહ્યું કે ફેસબુક પર 20 કરોડ લોકો છે જેમણે ફેસબુક પ્રોફાઇલ પર પોતાને સિંગલ ગણાવ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
"જો આપણે ખરેખર અર્થપૂર્ણ સંબંધ જોડવા માટે સંવેદનશીલ છીએ તો શક્ય છે કે આ એપ્લીકેશન આપણા દરેક માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે."
હાલ ડેટિંગ એપ્લીકેશનના નામે યુવાનોમાં ટિન્ડર ખૂબ લોકપ્રિય છે, જે યૂઝર્સની પ્રોફાઇલ ઇન્ફોર્મેશન ફેસબુકમાંથી લે છે.

ઑનલાઇન ડેટિંગ

ઇમેજ સ્રોત, FACEBOOK
કૉન્ફરન્સમાં ઝકરબર્ગે ફેક ન્યૂઝનો નિવેડો લાવવા માટે કંપની દ્વારા કરવામાં આવતા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેટિંગ એપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ ફીચરને બનાવતા સમયે એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે કે જે લોકો તેના પર એકબીજા સાથે જોડાય, તેઓ સાચા અને મજબૂત સંબંધ માટે જોડાય, ન માત્ર મજાક મસ્તી માટે.
તેમણે કહ્યું કે તેને બનાવતા સમયે જે સૌથી પહેલી વસ્તુ મગજમાં છે તે એ છે કે તેમાં પ્રાઇવસી અને સુરક્ષામાં કોઈ ખામી ન રહે.

કેવાં ફીચર હશે અને કેવી રીતે એપ કામ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ડેટિંગ ટૂલ ફેસબુક એપ્લીકેશનમાં જ હશે પરંતુ તે વૈકલ્પિક હશે.
જો તમે તેનો ઉપયોગ કરવા માગો છો તો સૌથી પહેલાં તમારે તેના માટે પૂરી પ્રોફાઇલ ભરવી પડશે. તેમાં ડરવાની જરૂર નથી કારણ કે આ જાણકારીઓ તમારી ફેસબુક ફીડમાં દેખાશે નહીં.
આ સાથે જ તમે ડેટિંગ ટૂલનો ઉપયોગ કરી રહ્યો છો તે અંગેની માહિતી પણ તમારા ફેસબુક ફ્રેન્ડને મળશે નહીં.
આ ડેટિંગ ટૂલ માત્ર એ લોકોને પરસ્પર જોડશે કે જેઓ તમારા સોશિયલ નેટવર્ક પર ફ્રેન્ડ નહીં હોય.
પરંતુ જે લોકો આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હશે અને જો તેમની પ્રાધાન્યતા તમારી સાથે મેળ ખાય છે, તો તે તમને તમારી પ્રોફાઇલ પર દેખાશે.

શું શું દેખાશે?

ઇમેજ સ્રોત, Getty Images
ડેટિંગ ટૂલનો ઉપયોગ કરતી વ્યક્તિનું માત્ર નામ, તસવીર, ક્યાં રહે છે અને બેઝિક જાણકારીઓ જ જોવા મળશે જેનાથી પસંદ-નાપસંદની ખબર પડશે.
તેમાં તમારી પસંદગી સાથે જોડાયેલી ઇવેન્ટ્સ અને ગ્રુપની પણ જાણકારી મળશે.
જો તમને આ ગ્રુપમાં કોઈ એવી વ્યક્તિ મળી જાય જેની સાથે તમારી રુચિ મેળ ખાય છે તો તમે તેની સાથે વાતચીત આગળ વધારી શકો છો.
જો સામે વાળી વ્યક્તિ પણ રુચિ બતાવે છે તો એક પ્રાઇવેટ ચેટ બૉક્સ ખુલી જશે.

મિશ્ર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, TWITTER
કૉન્ફરન્સ દરમિયાન ઝકરબર્ગે પ્રાઇવસી અને સેફ્ટીના મુદ્દાઓની આસપાસ જ વાત કરી. ડેટિંગ એપને લઇને પણ લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી.
કેટલાક યૂઝર્સે આ એપને બિન-જરૂરી ગણાવી છે.
એક યૂઝરે લખ્યું, 'કોઈએ ફેસબુક ડેટિંગ એપ બનાવવા કહ્યું ન હતું. હાલના મામલાઓને ધ્યાનમાં રાખીને આ બિનજરૂરી લાગે છે.'
જોકે, હજુ સુધી તેને લૉન્ચ કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ઝકરબર્ગે જલદી તેને લૉન્ચ કરવાની વાત કરી છે.
ભલે આ એપ હજુ લૉન્ચ થઈ નથી પરંતુ તેની અસર પ્રતિયોગી એપ પર જોવા મળી રહી છે.
ઝકરબર્ગની ઘોષણા બાદ ટિન્ડર સાથે જોડાયેલી કંપનીઓના શૅર 20 ટકા સુધી ઘટી ગયા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












