સીરિયામાં રશિયાનું વિમાન ક્રેશ: 32ના મૃત્યુ

એન-26 વિમાનની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, આ પ્રતિકાત્મક તસવીરમાં એન-26 વિમાન દર્શાવેલું છે, તેને બે ટર્બોટોપ એન્જિન હોય છે અને તે સૈન્ય અને નાગરિક હેતુ માટે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે

રશિયાનું માલવાહક વિમાન સીરિયામાં તૂટી પડ્યું છે. તેમાં બેઠેલા તમામ 26 મુસાફરો અને 6 કર્મચારીઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું રક્ષા મંત્રાલયે કહ્યું છે.

રશિયન મીડિયાએ મંત્રાલયને એમ કહેતાં ટાંક્યું છે કે, એન-26 પ્લેન સીરિયાના શહેર લેટેકિયાના દરિયા કાંઠા નજીક આવેલા હેમીમિમ એરબેઝ પર લેન્ડિંગ સમયે તૂટી પડ્યું હતું.

રશિયાએ જણાવ્યું કે આ વિમાન પર કોઈ જ હુમલો કરવામાં નથી આવ્યો. મળેલી પ્રાથમિક વિગતો અનુસાર વિમાનમાં આવેલી યાંત્રિક ખામીને કારણે વિમાન તૂટી પડ્યું હોવાની શક્યતા છે.

આ ઘટનાની તપાસ શરૂ થઈ ચૂકી છે.

સાતમી જાન્યુઆરીએ રશિયન દળોએ જણાવ્યું હતું કે, તેમણે હેમીમિન એરબેઝ પર ડ્રોનથી થનારો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો.

આ પહેલાં 31 ડિસેમ્બર 2017ના રોજ વિદ્રોહીઓએ કરેલા મોર્ટાર હુમલામાં હેમીમિમ એરબેઝ પર રહેલા રશિયાના યુદ્ધવિમાનોને નુકસાન થયું હતું.

મંગળવારના ક્રેશ વિશેની માહિતી

રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે પ્લેન મોસ્કોના સમય અનુસાર બપોરે 3 વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજ 5:30 કલાકે) ક્રેશ થયું હતું.

વિમાન રશિયા રનવે થી 500 મીટર (1640 ફૂટ) હવામાં ક્રેશ થયું છે.

આ ઘટનાની તપાસ માટે એક વિશેષ પંચની રચના કરવામાં આવશે.

હેમીમિમ બેઝ શું છે?

રશિયા હેમીમિમ એરબેઝનો ઉપયોગ સીરિયાના વિદ્રોહી જૂથો પર હવાઈ હુમલા કરવા માટે કરે છે. આ હુમલાઓને કારણે જ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના દળો તેમણે ગુમાવેલો અંકુશ પરત મળ્યો છે.

રશિયન હવાઈ હુમલાઓમાં ઘણા નાગરિકોના મૃત્યુ થયાં છે. જોકે રશિયા એમ કહી રહ્યું છે કે, તેમણે માત્ર “આતંકવાદી” વિદ્રોહીઓને જ નિશાન બનાવ્યા છે.

રશિયાના એર ફોર્સે સીરિયામાં કેટલું નુકસાન સહન કર્યું?

રશિયાના તોડી પડાયેલા સુખોઈ-25 વિમાનની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રશિયાના સુખોઈ-25 વિમાનને ઇદલિબમાં 3 ફેબ્રુઆરીએ તોડી પડાયું હતું

રશિયાએ સીરિયામાં તેની લશ્કરી કાર્યવાહી સપ્ટેમ્બર 2015માં શરૂ કરી હતી.

એ સમયે રશિયાએ કહ્યું હતું કે, સીરિયાના રાષ્ટ્રપતિ અસદની વિનંતીના પ્રત્યુત્તરમાં આ કાર્યવાહી કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં સીરિયામાં રશિયાના હવાઈ દળને આટલું નુકસાન ભોગવવું પડ્યું છે:

  • ફેબ્રુઆરી 2018 : એક સુખોઈ-25 યુદ્ધવિમાનને સીરિયામાં વિદ્રોહીઓના અંકુશ હેઠળના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર ઇદલિબ તોડી પાડવામાં આવ્યું હતું. તેમાં પાઇલટ વિમાનમાંથી સુરક્ષિત કૂદી પડ્યા હતા, પરંતુ જમીન પરની લડાઈમાં તેમનું મૃત્યુ થયું હતું.
  • ડિસેમ્બર 2017: હેમીમિમ એરબેઝ પર રહેલા રશિયાના વિમાનોને બોમ્બમારામાં નુકસાન થયું હતું અને રશિયાના બે હવાઈ સૈનિકોનું પણ મૃત્યુ થયું હતું.
  • ડિસેમ્બર 2016: સીરિયાના સોચી હવાઈ મથકેથી ઊડાણ ભર્યા બાદ એક ટીયુ-154 વિમાન, જેમાં આર્મીના સંગીતકારો સહીત 92 લોકો હતાં, તે બ્લેક સીમાં ક્રેશ થયું હતું અને વિમાનમાં સવાર તમામ લોકોનું મૃત્યુ થયું હતું.
  • ઓગસ્ટ 2016: ઇદલિબ પર ઊડી રહેલા એક હેલિકોપ્ટરને વિદ્રોહીઓએ તોડી પાડ્યું હતું, તેમાં બેઠેલા તમામ 5 લોકોનું મૃત્યુ થયું હતું.
  • નવેમ્બર 2015: તુર્કિશ યુદ્ધવિમાનોએ એક સુખોઈ-24ને તોડી પાડ્યું હતું. તેમાં એક પાઇલોટનું મૃત્યુ થયું હતું અને બીજા પાઇલટને બચાવી લેવાયા હતા. આ ઘટના બાદ દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ વ્યાપી ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો