તમે પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી તો નથી ગયા ને?

ઇમેજ સ્રોત, BBC3
- લેેખક, રાધિકા સંઘાણી
- પદ, બીબીસી થ્રી
પોતાની જાત સાથે પ્રેમ થવો મુશ્કેલ છે, ખૂબ જ મુશ્કેલ....
આપણે બીજા લોકોના પ્રેમમાં તો સહેલાઈથી પડી જઈએ છીએ પરંતુ દર્પણની સામે ઊભા રહીને જે ચહેરો તમને દેખાય છે તેની સાથે પ્રેમ થવો સહેલું નથી.
આપણે એ પણ જાણીએ છીએ કે પોતાની જાત સાથે પ્રેમ થવો જોઈએ. પરંતુ આપણે તેમાં સફળ થઈ શકતા નથી.
ક્યારેક આપણા ચહેરાની બનાવટ તો ક્યારેક ખોટા લીધેલા નિર્ણય પોતાની જાતને નફરત કરવા પર મજબૂર કરી દે છે.
આપણે આપણી કાયાથી પણ નફરત કરવા લાગીએ છીએ. આપણી નબળી આત્મશક્તિથી ડરીએ છીએ.
તમને આ પણ વાંચવું ગમશે
આપણને તો એ વાતથી પણ નફરત થઈ જાય છે કે આપણે પોતાને જ પસંદ કરતા નથી.
આ વાતો ઘણી વખત સમજની બહાર હોય છે. સહેલાઈથી ખબર નથી પડતી, પણ વાસ્તવિકતાની ખૂબ નજીક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
એવી કોઈ વ્યક્તિ નથી જે આ વાતોથી ઇન્કાર કરી શકે. જે એ કહી શકે કે તેની અંદર અસુરક્ષાની ભાવના નથી.
જાન્યુઆરી મહિનામાં આ મુશ્કેલીઓ વધી જાય છે. લાંબી રાત, નવું વર્ષ, ઘણા એવા વાયદા જે આપણે પોતાને કરીએ છીએ અને પછી વિચારવા લાગીએ છીએ કે શું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે તેને પૂરા કરી શકીશું?
આ પ્રકારના વિચાર પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધારે જોવા મળે છે.
વર્ષ 2016માં 48 દેશોની લાખો મહિલાઓ તેમજ પુરુષો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું.
તેમાં જાણવા મળ્યું હતું કે પુરુષ મહિલાઓની સરખામણીએ ખુદ પર વધારે ભરોસો કરે છે.
એ જાણવું જરૂરી છે કે જ્યાં સુધી આપણે આપણી જાત સાથે પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી આપણે બીજા લોકોને પણ પ્રેમ ન કરી શકીએ.
તમને જણાવીએ કેટલાક એવા રસ્તાઓ વિશે જે તમને તમારી સાથે પ્રેમ કરવા મજબૂર કરી દેશે.

પોતાની જાત સાથે મિત્રતા કરો

ઇમેજ સ્રોત, Alamy
ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ લિંડા બ્લૅર જણાવે છે કે આપણે આપણી જાત સાથે મિત્રતા કરવી જોઈએ.
પોતાની સાથે જ વાત કરો.
તેઓ સલાહ આપે છે, "જે રીતે આપણે આપણા મિત્રોનું ધ્યાન રાખીએ છીએ, એ જ રીતે પોતાનું ધ્યાન પણ રાખવું જોઈએ."
વિચારી લો કે કોઈ દિવસ ઓફિસમાં તમારો દિવસ સારો વીત્યો નથી. તેના કારણે તમે તમારી જાતથી નફરત કરવા લાગો છો.
તમને લાગે છે કે તમે કોઈ કામ સારી રીતે કરી શકતા નથી.
એ સમયે એવું વિચારો કે જો તમારા કોઈ મિત્ર આ જ પરિસ્થિતિમાં તમારી સામે આવ હોત તો તમે તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે શું કહ્યું હોત?

ઇમેજ સ્રોત, Getty Images
બસ, એ જ રીતે પોતાનો આત્મવિશ્વાસ વધારો અને પોતાના માટે નવા રસ્તાની શોધ કરો.
જ્યારે આપણને અસુરક્ષાની ભાવના ઘેરવા લાગે છે તો આપણે આપણી ખામીઓ પર નજર ફેરવવા લાગીએ છીએ.
આપણે આપણા મનમાં જ આપણી નકારાત્મક છબી ઘડવા લાગીએ છીએ.
આપણે આપણી સરખામણી એ લોકો સાથે કરવા લાગીએ છીએ કે જેઓ આપણા કરતા ખૂબ જ વધારે સફળ છે.
આ તમામ વાતો આપણને વધારે નિરાશ કરવા લાગે છે.
આપણે એ સમજવાની જરૂર છે કે આ દુનિયામાં કોઈ પરફેક્ટ હોતું નથી. આપણા એ મિત્રો પણ નહીં કે જેઓ દિવસ-રાત સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરતા રહે છે.

હોશિયારીથી કરો સોશિયલ મીડિયાનો ઉપયોગ

ઇમેજ સ્રોત, WEIBO
જો ઉસ્મરે ઘણા એવા પુસ્તકો લખ્યાં છે કે જે 'સેલ્ફ હેલ્પ' પર આધારિત છે.
તેમનાં એક પુસ્તકનું નામ છે 'ધિસ બુક વિલ મેક યુ ફિયરલેસ.'
ઉસ્મર કહે છે કે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાની સરખામણી કરે છે. વર્ષ 2016માં લગભગ બે હજાર યુવાઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું.
તેમાં એ વાત સામે આવી હતી કે સોશિયલ મીડિયાના ભારે વપરાશને કારણે માનસિક તણાવ વધે છે.
આપણે સોશિઅલ મીડિયાનો ઉપયોગ હોશિયારીથી કરવો જોઈએ.
તાજેતરમાં થયેલા એક સંશોધનના અનુસાર આખા દિવસ દરમિયાન પાંચ કલાક કરતા વધારે સમય ફેસબુકને આપવો જોઈએ નહીં.
સોશિઅલ મીડિયા પર આપણે આપણી તુલના બીજા સાથે કરવાથી પણ બચવું જોઈએ.

પોતાના શરીરથી પ્રેમ કરો

ઇમેજ સ્રોત, Thinkstock
પોતાની જાતથી નફરત કરવાના કારણોમાં પોતાના શરીર પ્રત્યે ઓછું આકર્ષણ સૌથી મોટું કારણ છે.
આ વલણ મહિલાઓમાં વધારે જોવા મળે છે.
બ્રિટનમાં માત્ર 20 ટકા મહિલાઓને લાગે છે કે તેઓ પોતાના શરીરથી ખુશ છે. ડવ સેલ્ફ એસ્ટીમ સ્ટડીમાં આ વાત સામે આવી છે.
આ સંશોધન માટે 13 દેશોની 10 હજાર 500 મહિલાઓ સાથે વાત કરવામાં આવી હતી.
આ સંશોધન દરમિયાન મહિલાઓએ માન્યું હતું કે શરીર પ્રત્યે અંસતોષને લીધે તેઓ પોતાની અંદર રહેલી અન્ય ખૂબીઓને પણ અવગણવા લાગે છે.

પોતાના વખાણ લખો

ઇમેજ સ્રોત, Getty Images
પોતાની જાત સાથે પ્રેમ કરવાની પ્રક્રિયામાં જ ઉસ્મર જણાવે છે કે આપણે એ વાતોને લખીને રાખવી જોઈએ કે જે લોકો આપણા વખાણ કરતા સમયે કહે છે.
તેઓ કહે છે, "કોઈ તમારા વખાણ કરે, તો જ્યારે પણ તમને સમય મળે તેને લખી લો."
"તે વખાણ ભલે ઓછા શબ્દોમાં હોય પરંતુ થોડા સમય બાદ તમને લાગશે કે તમારી પાસે પોતાની જાત સાથે પ્રેમ કરવા લાયક ઘણા શબ્દો એકત્ર થઈ ગયા છે."
ઉસ્મર કહે છે કે સામાન્યપણે આપણે આપણી નકારાત્મક વાતોને જ યાદ રાખીએ છીએ.
તેના કારણે જો આપણી પાસે એવા શબ્દો છે કે જે આપણને સારી ભાવનાનો અનુભવ કરાવી શકે તો આપણે તેમને સંભાળીને રાખવા જોઈએ.

તમારા મહત્ત્વને સમજો

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપણે આપણા મહત્ત્વને સમજીએ. પોતાની જાતને સપોર્ટ કરીએ.
તેનો મતલબ છે કે આપણે આપણી જરૂરિયાતોને ઓળખીએ અને તેના માટે પ્રયાસ કરીએ.
ઉસ્મર કહે છે, "જ્યારે તમે કોઈ લક્ષ્ય મેળવી ન શકો તો જરૂરી નથી કે તમે નિરાશ થઈ જાવ. હંમેશા પોતાની જાતને દોષ આપવો સારી વાત નથી."
એ ચીજોની પસંદગી કરો જેનાંથી તમને ખુશી મળે. એ વસ્તુઓ ન કરો કે જેને તમે સમજો છો કે તમારે તે કરવું જોઈએ.
એક છેલ્લી સલાહ એ છે કે પોતાની લિસ્ટ બનાવો જેનું નામ હોય 'હું આ કરવા ઇચ્છું છું'.
એ લિસ્ટ ન બનાવો કે 'મારે આ કરવું જોઈએ'.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












