ચંડીગઢ વિવાદાસ્પદ વીડિયો મામલો : કેવી સાવધાની રાખવાથી ગોપનીયતાની કરી શકાય સુરક્ષા?

ચંડીગઢ વિવાદાસ્પદ વીડિયો મામલો

શનિવારે મોડીરાત્રે ચંડીગઢ પાસે મોહાલીમાં આવેલી એક ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓનો કથિત વીડિયો વાઇરલ થયો હોવાના દાવા બાદ વિવાદ વધી રહ્યો છે. આગામી શનિવાર સુધી યુનિવર્સિટી કૅમ્પસ વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રશાસને ગર્લ્સ હૉસ્ટેલના વૉર્ડનને પણ સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી યુવતી અને શિમલામાં રહેતા તેના એક મિત્રનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં યુનિવર્સિટીનાં એક વિદ્યાર્થિની કબૂલ કરતા જોવા મળે છે કે તેમણે નહાતી વખતે સાથી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવ્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ મહિલાઓ આ પ્રકારના ઑનલાઇન ક્રાઇમ અને પ્રાઇવસીના ઉલ્લંઘનથી પોતાને કેવી રીતે બચાવી શકે. તેની ચર્ચાએ જોર પકડ્યું છે. મહિલાઓ પોતાના તરફથી પણ કેટલીક સાવચેતી રાખીને આ સમસ્યાઓથી બચી શકે છે.

આ સંદર્ભમાં સાયબર સિક્યૉરિટી ઍક્સપર્ટ જીતેન જૈન સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહેતી વખતે ધ્યાનમાં રાખવાની સલાહ આપે છે.

લાઇન

શું કરવું, શું ન કરવું

લાઇન
  • સૌપ્રથમ સોશિયલ મીડિયા પર તમારા અંગત ફોટો/વીડિયો પોસ્ટ કરવાનું ટાળો.
  • તમારી અંગત પળો કોઈને પણ ફિલ્માવવાની મંજૂરી ન આપો.
  • તેમ છતાં પણ જો તમે ફોટો કે વીડિયો પોસ્ટ કરવા માગતા હોવ તો ઍકાઉન્ટને સાર્વજનિક ન રાખો.
  • સૅટિંગ્સ એવી રાખો કે માત્ર તમારા મિત્રો અથવા તો સાથે જોડાયેલા લોકો જ તમારા ફોટો કે વીડિયો જોઈ શકે. અજાણ્યા લોકો સુધી તે પહોંચવું ન જોઈએ.
  • ટ્વિટર પર એવી સૅટિંગ્સ છે કે લોકો તમારી પરવાનગી સિવાય તમને ફૉલો ન કરી શકે. પરંતુ સામાન્ય રીતે લોકો એમ કરતા નથી. સૅટિંગ્સને વધુ ખાનગી રાખીને ઍકાઉન્ટ વધુ સુરક્ષિત બનાવી શકાય છે.
લાઇન

જો અંગત વીડિયો સોશિયલ મીડિયા પર આવે તો શું કરવું?

ચંડીગઢ વિવાદાસ્પદ વીડિયો મામલો

ઇમેજ સ્રોત, iStock

લાઇન
  • સુપ્રીમ કોર્ટના વકીલ વીરાગ ગુપ્તાનું કહેવું છે કે આ પ્રકારના કિસ્સામાં આઈપીસીની કલમ 354સી અને આઈટી ઍક્ટ 66ઈઈ હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે.
  • આઈટી ઍક્ટ 66ઈઈ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ જાણીજોઈને કોઈ અંગત ફોટોગ્રાફ કૅપ્ચર કરે છે અને તેને પ્રકાશિત કે ટ્રાન્સફર કરે છે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ અને બે લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
  • જો કોઈ વ્યક્તિનો અંગત વીડિયો સામે આવે છે, તો સૌથી પહેલા ફરિયાદ દાખલ કરો.
  • જે પ્લેટફૉર્મ પર આ વીડિયો કે ફોટો ફેલાવવામાં આવી રહ્યા હોય ત્યાંથી તેને હઠાવવા માટે પણ અપીલ કરી શકાય છે. જોકે, ત્યાં કેટલા સમયમાં કાર્યવાહી થાય છે, તે અંગે કોઈ નિશ્ચિત માળખું નથી. કેટલાક કિસ્સામાં કેન્દ્ર સરકાર ચાર કલાકમાં ફોટો કે વીડિયો દૂર કરાવી શકે છે. કેટલાક કિસ્સામાં તે 48 કલાક લે છે, તો કેટલાક કિસ્સામાં એક મહિનાથી પણ વધારે સમય લાગી શકે છે.

વર્ષ 2020માં 'બૉયઝ લૉકર રૂમ' વિવાદ સમયે આરએસએસના વિચારક કે. એન. ગોવિંદાચાર્યએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે "ફેસબુક જેવી સોશિયલ મીડિયા ઍપ્લિકેશન્સ નકલી સમાચાર અને ગુનાહિત સામગ્રી સાથે વ્યવહાર કરવામાં અસફળ સાબિત થઈ શકે છે. તેમણે સ્થાનિક ફરિયાદ અધિકારીની માહિતી આપવી જોઈએ. જેથી તેમનો સીધો સંપર્ક કરી શકાય."

જોકે, આ અરજીના જવાબમાં ફેસબુકે જણાવ્યું હતું કે "બૉયઝ લૉકર રૂમ જેવા ગ્રૂપ ફેસબુક સામેથી હઠાવી શકતું નથી. કારણ કે તે આઈટી ઍક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની વિવેકાધીન શક્તિઓ અંતર્ગત આવે છે."

એવામાં આ કંપનીઓ કોઈ કન્ટેન્ટ કે ઍકાઉન્ટ ત્યારે જ હઠાવે છે જ્યારે તેના માટે કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવે અથવા તો કોર્ટનો આદેશ હોય.

line

કેવી રીતે ફેક ઍકાઉન્ટ ઓળખી શકાય

ચંડીગઢ વિવાદાસ્પદ વીડિયો મામલો

ઇમેજ સ્રોત, Getty Images

મોટા ભાગના કિસ્સામાં એવું પણ થતું હોય છે કે કોઈ ફેસબુક ઍકાઉન્ટમાં યુવતીની તસવીર લાગેલી હોય છે, પરંતુ તે ઍકાઉન્ટ કોઈ યુવકનું હોય. આ રીતે નકલી નામ અને તસવીરો સાથે પણ ફેસબુક ઍકાઉન્ટ બનેલા હોય છે.

જિતેન જૈન જણાવે છે, "આ પ્રકારના ઍકાઉન્ટ ઓળખવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટને સ્વીકારતા પહેલાં સામેવાળાનું ઍકાઉન્ટ સારી રીતે જોઈ લેવું જોઈએ."

જિતેન જૈન પ્રમાણે, "ફેક ઍકાઉન્ટમાં તમામ ફોટો એક સાથે અપલોડ કરાયેલા હોય છે. તે ત્રણ-ચાર ગ્રૂપ્સમાં જોડાયેલું હોય છે અને 10-15 ફ્રેન્ડ્ઝ હોય છે. ઘણી વખત આ પ્રકારના ઍકાઉન્ટમાં અલગ-અલગ છોકરીઓની તસવીરો હોય છે. તસવીરો આપત્તિજનક હોઈ શકે છે."

જિતેન જૈન કહે છે કે એમ પણ હોઈ શકે છે પ્રોફાઇલ પિક્ચર કોઈ યુવતીની હોય છે પરંતુ ગૅલેરીમાં તેની એક પણ તસવીર હોતી નથી અને કોઈ પોસ્ટ પણ કરવામાં આવી હોતી નથી. આ પ્રકારના ઍકાઉન્ટથી બચવું જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન