પ્રશાંત કિશોરે રાજકીય દળ બનાવવાની વાત પર શું કહ્યું?
બિહારની રાજધાની પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પોતાની આગામી યોજના અંગે વિસ્તારથી વાત કરી છે. પ્રશાંત કિશોર ભાજપ, તૃણમૂલ કૉંગ્રેસ, જેડીયુ જેવા પક્ષો માટે કામ કરી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું છે કે બિહારને અગ્રીમ બનાવવા માટે એક નવા વિચાર અને પ્રયાસની જરૂર છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું, "મારું માનવું છે કે એવો કોઈ દાવો કરી શકે એમ નથી કે એક જ વ્યક્તિ આને અમલમાં લાવી શકે. હું એવું માનું છું કે જે લોકો બિહારના મુદ્દાને સમજે છે અને જેનામાં આ મુદ્દાઓના ઉકેલની ક્ષમતા છે, એ તમામ લોકો એક સાથે આવે અને સૌ સાથે પ્રયાસ કરવાની જરૂર છે."
રાજકીય દળની સ્થાપના કરવાની વાત પર પ્રશાંત કિશોરે જણાવ્યું કે આજે તેઓ કોઈ પણ રાજકીય દળની જાહેરાત કરવાના નથી.
તેમણે કહ્યું, "હું આજે કોઈ રાજકીય પક્ષ નથી બનાવી રહ્યો. પણ જે લોકોને હું સંબોધી રહ્યો છું, મારો પ્રયાસ છે કે હું એ સૌને મળું. આગામી ત્રણ-ચાર મહિનામાં હું આમાંથી મોટા ભાગના લોકોને મળવાનો છું. "
"ગુડ ગવર્નન્સના વિચારને બિહારની ધરતી પર લાવવા માટે જેની જરૂરિયાત છે, એ અંગે હું તેમને મળવાનો છું. આ સંબંધે જ ગત ત્રણ દિવસમાં મેં 150 લોકો સાથે મુલાકાત કરી છે. મારી આ પ્રથમ જાહેરાત છે કે આગામી ત્રણચાર મહિનાની અંદર 17-18 હજાર લોકોને મળવાનું મારું લક્ષ્ય છે."
તેમણે એવું પણ કહ્યું કે જો આ સૌ લોકો મળીને કોઈ પક્ષ બનાવે તો એ માત્ર પ્રશાંત કિશોરનો જ પક્ષ નહીં હોય.
પ્રશાંત કિશોરે એવું પણ જણાવ્યું કે તેઓ પશ્ચિમ ચંપારણથી 3000 કિલોમીટરની પદયાત્રા શરૂ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાત : એક વર્ષમાં બમણી થઈ નિકાસ, દસ લાખ કરોડને પાર પહોંચી શકે છે આંકડો

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતે નિકાસ મામલે ગત વર્ષનો પોતાનો જ કીર્તિમાન તોડી નાખ્યો છે, રાજ્યમાંથી વર્ષ 2021-22માં ફેબ્રુઆરી માસ સુધીમાં રાજ્ય દ્વારા 8.37 લાખ કરોડ રૂપિયાનાં માલ અને ઉત્પાદનોની નિકાસ કરાઈ છે. ગત વર્ષે આ આંકડો 4.48 લાખ કરોડ હતો.
નિષ્ણાતોનું અનુમાન છે કે માર્ચ માસના આંકડા ગણતરીમાં લેવાશે ત્યારે કુલ નિકાસનો આંકડો દસ લાખ કરોડને પાર પહોંચી શકે છે.
આ અગાઉ ભારતમાં સૌથી મોટું નિકાસકાર રાજ્ય મહારાષ્ટ્ર હતું. પરંતુ વર્ષ 2020-21થી ગુજરાત પ્રથમ સ્થાને આવી ગયું છે.
ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ, ડાયમંડ, સિરામિક્સ, કૉટન યાર્ન, વનસ્પતિજન્ય ફેટ, ટેક્સટાઇલ્સ, ઑઇલ સીડ, મશીનરી, ઇજનેરી ઉત્પાદનો અને બ્રાસ પાર્ટ જેવાં ઉત્પાદનોને કારણે રાજ્યને વિદેશી હૂંડિયામણની સારી આવક થઈ છે.

ખાનગી સંસ્થાઓના નોન-ટેક કોર્સની ફી રેગ્યુલેટ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર રાજ્યમાં ખાનગી શિક્ષણ સંસ્થાઓ દ્વારા નોન-ટેકનિકલ કોર્સ માટે લેવાતી ભારે-ભરખમ ટ્યુશન ફી અને તેના કારણે રાજ્ય સરકાર પર પડતા સ્કૉલરશિપના બોજાને કારણે હવે આ સંસ્થાઓ દ્વારા ઉઘરાવાતી ફી રેગ્યુલેટ કરાશે તેવો નિર્ણય લેવાયો છે.
ગુજરાત સરકારનો શિક્ષણવિભાગ આર્ટ્સ, કૉમર્સ અને અન્ય નોન-ટેકનિકલ શાખાઓની ફી ટેકનિકલ અંડરગ્રૅજ્યુએટ અને પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ જેમ કે મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને અન્ય સંસ્થાઓ માટે ફી રેગ્યુલેટરી સમિતિ દ્વારા નક્કી કરાયેલાં ધારાધોરણો અનુસાર રેગ્યુલેટ કરવા જઈ રહ્યો છે.
નોંધનીય છે કે જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા આ તમામ કોર્સ માટે ઉઘરાવાતી ફીમાં ભારે તફાવત જોવા મળે છે. આ મુદ્દો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિવાસી વિકાસ વિભાગ દ્વારા ધ્યાને લવાયો હતો.

ઇમરાન ખાન વિરુદ્ધ ઈશનિંદાના મામલાથી પાર્ટીનાં નેતા ચિંતિત

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ માનવાધિકારમંત્રી તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)નાં નેતા શિરીન મઝારીએ સંયુક્ત રાષ્ટ્રને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ દાખલ થયેલ ઈશનિંદા મામલામાં દખલ કરવાની માગ કરી છે. પાકિસ્તાનના અંગ્રેજી અખબાર 'ડૉન' અને 'એક્સપ્રેસ ટ્રિબ્યૂને' આ સમાચાર ભારપૂર્વક છાપ્યા છે.
ગત મહિને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાઉદી અરેબિયાની મુલાકાત ગયા હતા. આ મુલાકાતમાં શહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિમંડળ વિરુદ્ધ મદીનામાં નારાબાજી થઈ હતી. નારાબાજીનો આરોપ ઇમરાન ખાનના સમર્થકો પર છે.
આ મામલે પાકિસ્તાનની ફૈસલાબાદ પોલીસે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈના નેતાઓ સહિત અન્ય 100 લોકો સામે ઈશનિંદાનો મામલો દાખલ કર્યો છે.
શિરીન મઝારીએ કહ્યું કે જ્યારથી ઇમરાન ખાન સરકારને 'યોજના અંતર્ગત' સત્તા પરથી હઠાવવામાં આવી છે અને શહબાઝ શરીફના નેતૃત્વવાળી સરકાર સત્તા પર આવી છે, ત્યારથી પાકિસ્તાન ગંભીર રાજકીય સંકટ સામે ઝઝૂમી રહ્યું છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












