રાજસ્થાન કરૌલીમાં હિંસા: પોલીસ નેત્રેશ શર્માએ તેડેલી આ દીકરી કોણ હતી? - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, કરૌલીથી

રાજસ્થાનના કરૌલી જિલ્લાની પોતાના પરિવારની પ્યારી અઢી વર્ષની નટખટ છે પીહુ. કલેક્ટર કચેરીની નજીકની ઇમારતમાં પહેલા માળે ભાડેના ઘરમાં અમે પહોંચ્યા ત્યારે માતાપિતા પાસે ફુગ્ગો લેવા માટે તે જીદ કરી રહી હતી. જોકે તેને ફુગ્ગો આપ્યો ત્યારે તેણે ફેંકી દીધો અને માતાની ગોદમાં લપાઈને બેસી ગઈ.

પોલીસ કર્મચારી નેત્રેશ શર્માએ આગની જવાળા વચ્ચેથી એક સ્ટૉલમાંથી પીહુને બહાર કાઢી તેની તસવીર વાઇરલ થઈ છે તે તસવીર વિશે તે મોટી થશે ત્યારે શું વિચારશે?

અઢી વર્ષની પીહુને બચાવીને બહાર નીકળતા પોલીસકર્મી નેત્રેશ શર્મા

ઇમેજ સ્રોત, UMESH SHARMA/DAINIK BHASKAR

ઇમેજ કૅપ્શન, અઢી વર્ષની પીહુને બચાવીને બહાર નીકળતા પોલીસકર્મી નેત્રેશ શર્મા

તે તસવીરમાં પાછળ જ તેમનાં માતા વિનીતા અગ્રવાલ પણ આગથી બચવા ભાગતાં દેખાય છે.

બીજી એપ્રિલે નવરાત્રીના પ્રથમ દિવસે વિનીતા પોતાની દેરાણી અને ભાભી સાથે ફૂટાકોટ બજારમાં ખરીદી માટે આવ્યાં હતાં, પણ ત્યાં જ ભાગદોડ મચી ગઈ.

દુકાનદારો ટપોટપ દુકાનો બંધ કરવા લાગ્યા. શટર પર પથ્થરો પડવા લાગ્યા હતા અને બૂમાબૂમ થઈ ગઈ હતી.

એ વખતે પીહુ નિંદરમાં હતી.

સૂતેલી પીહુને ખભે સુવરાવેલી રાખીને વિનીતા એક ઘરમાં ઘૂસી ગયાં. તેમણે પતિ હરિઓમ અગ્રવાલને ફોન કર્યો અને જણાવ્યું કે અહીં ભારે ધમાલ થઈ ગઈ છે. જોકે પોતે ક્યાં છે તે જણાવ્યું નહીં, કેમ કે પોતાને બચાવવા આવે અને તેઓ પણ ફસાઈ જાય એમ તેઓ ઇચ્છતા નહોતાં.

તે વખતની સ્થિતિને યાદ કરતા વિનીતા કહે છે, "ડર તો લાગતો હતો. આવું થશે તેની ખબર જ નહોતી. દીકરી સાવ નાની છે. આવી રીતે વિચારીએ એટલે આંખમાં આસું આવી જાય છે."

પોલીસ આવી અને મા-દીકરીને નેત્રેશ શર્મા તથા અન્ય પોલીસોએ ત્યાંથી બહાર કાઢ્યાં. તે વખતે દૈનિક ભાસ્કરના તસવીરકાર ત્યાં હાજર હતા. તેમણે આ બચાવ કામગીરીની તસવીર લીધી અને તે પ્રગટ થઈ પછી વાઇરલ થઈ ગઈ.

વિનીતા કહે છે, "તેમણે અમને કહ્યું કે અહીંથી જલદી બહાર નીકળી જાવ, કેમ કે છત તૂટી પડશે. બહાર નીકળી તો ચારે બાજુ આગ લાગેલી હતી. તેમણે દીકરીને તેડી લીધી. તેમના કારણે જ હું બહાર નીકળી શકી. હું તેમનો ખૂબ આભાર માનવા માગું છું, કેમ કે તેમના કારણે જ અમે આજે તમારી સામે અહીં બેઠા છીએ."

તે દિવસથી શહેરમાં કર્ફ્યૂ લાગ્યો હતો અને ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું હતું. કર્ફ્યૂમાં વચ્ચે થોડા કલાકની છૂટ મળે છે ત્યારે લોકો ખરીદી કરવા દુકાનો પર ઊમટી પડે છે.

line

કરોડોનું નુકસાન, કેટલાય ઘાયલ

પીહુનાં માતા વિનીતા
ઇમેજ કૅપ્શન, પીહુનાં માતા વિનીતા

કરૌલીની વસતિ એક લાખ જેટલી છે અને તેમાં મુસ્લિમોની સંખ્યા 20 ટકા જેટલી છે.

બીજી એપ્રિલે હિન્દુઓનું નવું વર્ષ હતું તે દિવસે હિન્દુ સંગઠનોએ બાઈક યાત્રા કાઢી હતી. આરોપ એવો છે કે આ યાત્રામાં સામેલ હતી તેવી એક ડીજી ગાડીમાંથી મુસ્લિમો વિશેનું વિવાદાસ્પદ ગીત વાગ્યું હતું.

યાત્રામાં જોડાયેલા લોકોએ બીબીસીને જણાવ્યું કે રેલી હઠવાડા બજારની સાંકડી ગલીમાં પહોંચી ત્યારે ત્યાં "અગાઉથી નક્કી કરાયા પ્રમાણે હુમલો" થયો અને કેટલાંક ઘરોની છત પરથી પથ્થરમારો શરૂ થયો હતો. રેલીમાં સામેલ લોકો પર લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો. તેમાં કેટલાય લોકો ઘાયલ થયા. તે વખતે મચેલી ધમાલની ઘણી તસવીરો અને વીડિયો વાઇરલ થયાં છે.

એ રેલીમાં સેંકડો લોકો જોડાયા હતા. તે દિવસે થયેલી હિંસામાં કેટલીય દુકાનો અને વાહનોમાં આગ લાગી હતી.

કરૌલીના જિલ્લા મૅજિસ્ટ્રેટ આર. એસ. શેખાવતે જણાવ્યું કે આ મામલાની તપાસ માટે "એડિશનલ એસપીના નેતૃત્વમાં એસઆઈટી ટીમ તૈયાર કરવામાં આવી છે. તેમાં તમામ પ્રકારના નિષ્ણાતો છે, તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. ઘટના કેવી રીતે થઈ, શા માટે થઈ એ તપાસનો વિષય છે."

તંત્રના જણાવ્યા અનુસાર બીજી એપ્રિલે હિંસામાં 71 મિલકતોને નુકસાન થયું છે, જેમાં પાંચ મકાનોનો પણ સમાવેશ થાય છે.

પથ્થરમારો અને હિંસા થઈ તેમાં છ પોલીસ સહિત 22 ઘાયલ થયા છે. તેમાં પાંચને ગંભીર ઈજાઓ થઈ હતી. ફૂટાકોટ બજાર અને હઠવાડા બજારમાંથી થયેલી તોડફોડમાં લગભગ સવા બે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ બજારો બહુ સાંકડી ગલીઓમાં છે, જેમાં એક બીજાની અડોઅડ દુકાનો આવેલી છે અને એટલી ભીડ હોય છે તેમાંથી વચ્ચેથી વાહન પસાર કરવું મુશ્કેલ બની જાય.

એક અધિકારીના જણાવ્યા અનુસાર દુકાનોમાં લાખની બનેલી બંગડીઓ હતી એટલે ફાયર બ્રિગેડથી પણ આગ કાબૂમાં આવતી નહોતી. દુકાનો નજીક નજીક હોવાથી એકમાંથી બીજી દુકાનમાં આગ ફેલાવા લાગી હતી.

line

બીજી એપ્રિલે શું થયું હતું?

રાજસ્થાન

ઇમેજ સ્રોત, UMESH SHARMA/DAINIK BHASHKAR

ઘટના વિશે ઘણા સવાલો ઊભા થયા છે, જેના જવાબો મળી રહ્યા નથી. જેટલા લોકોને મળો એટલી જુદી જુદી વાતો સાંભળવા મળે છે.

હઠવાડા બજારમાં રહેતા કાઉન્સિલર મતલૂબ અહમદના બેગમ નૌશિન અહમદના જણાવ્યા અનુસાર, "રેલીમાં જોરશોરથી નારા લાગી રહ્યા હતા કે ટોપીવાલા ભી સિર ઝૂકાકર એક દિન જય શ્રીરામ બોલેગા."

એવો આરોપ છે કે આના નારા કે ગીત રેલીમાં રહેલી એક ડીજે ગાડીમાંથી વાગી રહ્યાં હતાં.

પોલીસ મતલૂબ અહમદને શોધી રહ્યા છે. તેમના ઘરની આસપાસ પોલીસે સેફ્ટી માટેની પટ્ટા લગાવી દીધા છે. એવો આરોપ છે કે અહીંની આસપાસનાં ઘરોમાંથી જ રેલીમાં સામેલ લોકો પર પથ્થરમારો થયો હતો.

નૌશિનનો આરોપ છે કે તેમના પતિને ફસાવવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર તેમના પતિ તે દિવસે ઘાયલોને મદદ કરી રહ્યા હતા.

અમે નૌશિનના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર મહિલાઓ અને બાળકો હતાં. એક બાળકને તાવ હતો, પણ ઘરમાં થર્મોમીટર નહોતું અને દવા પણ ખાલી થઈ ગઈ હતી.

સડક સૂમસામ હતી. ઘરની નીચે ખુરશીઓ પર બે પોલીસવાળા બેઠા હતા. સડક પર થોડી થોડી વારે પોલીસની ગાડીઓ પસાર થવાના અવાજો આવતા હતા.

નૌશિન કહે છે કે બીજી એપ્રિલે સાંજે તે સિલાઈ કરવા બેઠા હતા, ત્યારે તેમણે રેલીમાંથી નારા સાંભળ્યા હતા.

તેઓ કહે છે, "આવા નારાથી કોઈ પણ ઇન્સાનને ખરાબ લાગે છે. આવા નારા ના લગાવવા જોઈએ. તમારો ધર્મ તમારા માટે, અમારો ધર્મ અમારા માટે."

રાજસ્થાન

ઇમેજ સ્રોત, UMESH SHARMA/DAINIK BHASKAR

ડીજે ગાડીના માલિક સોનુ પ્રજાપતિએ બીબીસીને જણાવ્યું કે તે દિવસે રેલીમાં લોકો નાચી રહ્યા હતા, શ્રીરામના નારા લાગી રહ્યા હતા અને "ટોપીવાળું ગીત વાગી રહ્યું હતું."

પ્રજાપતિએ જણાવ્યું કે હિન્દુ સમાજના એક નેતાએ બીજી એપ્રિલ માટે તેમની ગાડીને 5,100 રૂપિયામાં બુક કરી હતી. અમે તે નેતા સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો ફોન સ્વીચ ઑફ હતો.

એક સૂત્રના જણાવ્યા અનુસાર યાત્રામાં જોડાયેલા ઘણા લોકો ધરપકડ થવાના ડરથી ચૂપ છે અને તેઓએ પણ પોતપોતાના ફોન બંધ કરી દીધા છે.

પ્રજાપતિ સાથે કામ કરતા અને ગાડી સાથે ડીજે તરીકે કામ કરતાં રવીન્દ્ર પુનિયાના જણાવ્યા અનુસાર "મુસ્લિમોને ઉશ્કેરવા માટે કોઈ નારા લગાવાયા નહોતા. રેલી શાંતિથી ચાલી રહી હતી."

રવીન્દ્રે જણાવ્યું કે તેમની ગાડીમાં કોઈએ પોતાનો મોબાઇલ લગાવી દીધો હતો, જેમાં ગીત વાગી રહ્યું હતું. તેમને ગીતના શબ્દો યાદ નથી, પણ કહે છે કે ગાડીમાં ધાર્મિક ગીતો વાગી રહ્યાં હતાં.

બીજી એપ્રિલે તોફાનોમાં આ ગાડીને પણ નુકસાન થયું છે અને તેનાથી સોનુ પ્રજાપતિને પાંચથી છ લાખનું નુકસાન થયું છે.

તે દિવસે સોનુ અને રવીન્દ્ર બંને પથ્થરો અને લાકડીના મારથી બચવા માટે ગાડીની અંદર કેબિનમાં છુપાઈ ગયા હતા. પોલીસ આવી તે પછી બંને ત્યાંથી નીકળી શક્યા હતા.

આજે પણ તે ગાડીને પોલીસ થાણે રાખવામાં આવી છે.

line

ઘાયલોની કહાણી

ડીજે ગાડીના માલિક સોનુ પ્રજાપતિ
ઇમેજ કૅપ્શન, ડીજે ગાડીના માલિક સોનુ પ્રજાપતિ

તે દિવસે રેલીમાં જોડાયેલા અને ઘાયલ થયેલામાં 70 વર્ષના મદનમોહન સ્વામી પણ છે. તેઓ પોતાને ભાજપના કાર્યકર ગણાવે છે.

તેઓ કહે છે કે એક ગાડીમાં પોતે બેઠા હતા અને પથ્થર ગાડીની આગલા કાચ પર આવીને વાગ્યો હતો. તેનો એક ટુકડો તેમને હોઠ પર વાગ્યો. તે પછી પથ્થરમારો જોરશોરથી શરૂ થયો હતો.

તેઓ જેમ તેમ કરીને ગાડીમાંથી બહાર નીકળ્યા તો તેમના પર લાકડીઓનો મારો થયો હતો અને તેમાં તેમને ડાબા ખભે તથા પીઠ પર ઈજાઓ થઈ છે.

મદનમોહન સ્વામીનો આરોપ છે કે તેમના પર મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હતો. તેમની તબિયત હવે સારી છે અને તેમને હૃદયરોગ હોવાથી તેની તપાસ માટે દિલ્હી ગયા છે.

રાજસ્થાન

રેલીમાં સામેલ મદનમોહન સ્વામીનો દાવો છે કે રેલીમાં મુસ્લિમોની ઉશ્કેરણી થાય તેવું કોઈ ગીત વાગતું નહોતું.

યાત્રામાં આરએસએસ સાથે જોડાયેલા કેસરસિંહ નરુકા પણ હતા. તેમણે કહ્યું કે ડીજે પર ટોપી જેવું કોઈ ગીત તેમણે સાંભળ્યું નથી અને કહ્યું કે "એક હી નારા, એક હી નારા, જય શ્રીરામ, જય શ્રીરામ એ ગીત ડીજે પર વાગી રહ્યું હતું."

તેઓ પણ યાદ કરતાં કહે છે કે કઈ રીતે રેલી પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.

નરુકાના જણાવ્યા અનુસાર યાત્રામાં "હિન્દુ સમાજના કાર્યકરો, આરએસએસ, બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હતા."

પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ડીજે ગાડીમાં કોઈ વિવાદિત ગીત વાગતું હતું કે કેમ તેની તપાસ થઈ રહી છે.

તેમણે કહ્યું કે આયોજકોને યાત્રા માટે કેટલીક શરતો સાથે મંજૂરી અપાઈ હતી, પરંતુ ડીજે માટેની પરમિશન નહોતી. એવી પણ શરત હતી કે ગુનાખોરીનું બૅકગ્રાઉન્ડ ધરાવનાર કોઈ રેલીમાં સામેલ થવા જોઈએ નહીં.

line

તબાહી

રાજસ્થાન

બીજી એપ્રિલની હિંસામાં સંજય સોનીની દુકાન સહિત ડઝન દુકાનો અને ઘર ખાખ થઈ ગયા છે. હિંસા થઈ ત્યારે સંજય સોનીના ઘરમાં તેમનાં પત્ની અને ત્રણ સંતાન હતાં.

તેઓ કહે છે કે પોતે ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં આગ લાગી ગઈ હતી.

તેઓ કહે છે, "પોલીસને બોલાવીને મેં મારાં સંતાનોને તેડીને બહાર કાઢ્યાં. રજાઈમાં બાળકોને વીંટાળીને બહાર કાઢ્યા જેથી બાળકોને ઈજા ન થાય."

સંજય સોની
ઇમેજ કૅપ્શન, સંજય સોની

આજે તેઓ બેઘર થઈ ગયા છે. તેમણે બે-ત્રણ દિવસ પડોશીના ઘરે જ વિતાવી અને ત્યાં જ તેમણે ભોજન લીધું હતું.

તેઓ ખાખ થઈ ગયેલી દુકાનો અને ઘર કોના છે તે બતાવીને કહે છે - "નેમીચંદજી, આગળ હરિચરણજી, ત્યાં પેલી યુનૂસ બેંગલ સ્ટોર છે, આબિદ બેંગલ સ્ટોર અને તેની ઉપર તેમનું ઘર હતું તે પણ તબાહ થઈ ગયું છે."

"કોણે આ કર્યું તે ખબર નથી. આમાં હિન્દુ અને મુસ્લિમ બંનેની દુકાનો ખાખ થઈ છે. બંને પક્ષોને નુકસાન થયું છે."

તોફાનીઓ અને પોલીસ વચ્ચે સંપર્ક થઈ હોવાની વાત મીડિયામાં આવી હતી અને તેના કથિત વીડિયો વિશે કરૌલીના એસપી શૈલેન્દ્રસિંહે બીબીસીને કહ્યું કે, "10-20 સેકન્ડના આ વીડિયો ક્લિપના આધારે સમગ્ર ઘટનાક્રમ વિશે નક્કી ના કરી શકાય."

line

ઘટનાના પડઘા

પત્રકાર ઉમેશ શર્મા
ઇમેજ કૅપ્શન, પત્રકાર ઉમેશ શર્મા

પથ્થરમારો અને આગ લાગી તે પછી થોડા વખત બાદ જ સ્થાનિક દૈનિક ભાસ્કરના પત્રકાર ઉમેશ શર્મા ત્યાં પહોંચ્યા હતા.

તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ ઘાયલોને હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. કેટલીય મોટર સાઇકલ રસ્તામાં નુકસાન પામીને પડી હતી. ત્રણથી ચાર લોકો દુકાનોમાં ઘવાયેલા પડ્યા હતા. બધા લોકો ગભરાયેલા હતા અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા.

વીજળીના તારમાં તણખા ઝરતા હતા, કેમ કે લાઇટ ચાલુ હતી એટલે લાઈટ બંધ કરાવી દેવાઈ.

અગાઉ બનેલી આવી ઘટનાઓ વિશે વાત કરતાં ઉમેશ શર્મા કહે છે, "2006માં પણ તોફાનો થયાં હતાં અને 2012-13માં પણ એક વાર રમખાણ થયાં હતાં. પરંતુ આટલા મોટા પાયે નહોતા થયા. આ વખતે બહુ મોટું નુકસાન થયું છે. આટલો સમય સુધી કર્ફ્યૂ પણ ક્યારેય લાદવો પડ્યો નહોતો."

તેઓ કહે છે કે કરૌલી જિલ્લો હંમેશાં ભાઈચારા માટે જાણીતો રહ્યો છે. અહીં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાઈચારો છે. આગ લાગી ત્યારે તેનાં કેટલાંય ઉદાહરણો મળ્યાં. હિન્દુ સ્ત્રી અને પુરુષ જીવ બચાવવા એક મુસ્લિમના ઘરમાં છુપાઈ ગયાં હતાં અને મુસ્લિમો હિન્દુઓના ઘરમાં છુપાયા હતા."

"આપણે કોઈ સમાજનું નામ નહીં લઈએ, પણ કેટલાક અસામાજિક તત્ત્વોએ માહોલ બગાડવાની કોશિશ કરી છે અને પોલીસ તેમની સામે કાર્યવાહી કરી રહી છે."

જોકે તેમનું કહેવુ છે કે આ ઘટનાને કારણે બે કોમ વચ્ચેના સંબંધો પર "આંશિક અસર તો પડશે જ."

"જેમને નુકસાન થયું છે તે ગરીબ લોકો છે. તે લોકોનો સામાન હતો, પણ મોટા ભાગના મકાનો હિન્દુઓના છે. બંને કોમને સરખું નુકસાન થયું છે."

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં આવા બનાવો બની રહ્યા છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો