ગુજરાત બજેટ 2022 : બજેટમાં લોકોને શું મળ્યું, સામાન્ય વર્ગના લોકો શું માને છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુરુવારે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પોતાનું પહેલું તથા 14મી વિધાનસભાનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું.

ગુજરાત રાજ્યનું ગયા વર્ષના બજેટ રૂપિયા 2.27 લાખ કરોડનું હતું, હવે તે રૂપિયા 2.44 લાખ કરોડ સુધી પહોંચ્યું છે.

કનુ દેસાઈ
ઇમેજ કૅપ્શન, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું આ વખતનું બજેટ રજૂ કર્યું હતું.

અર્થશાસ્ત્રીઓ પ્રમાણે આ વખતના બજેટમાં 7.49 ટકાનો વધારો થયો છે, પરંતુ કેટલા લોકોને ફાયદો થશે તેના વિશે ઘણા લોકોએ પોતાની વાત બીબીસી સમક્ષ મૂકી.

મોટા ભાગના લોકોને લાગે છે કે આ બજેટમાં કોઈ ખાસ જોગવાઈઓ નથી, તેમાંય ખાસ તો આરોગ્ય ક્ષેત્રે જે પ્રકારે લોકોની અપેક્ષા હતી, તેવી જોગવાઈ જોવા મળી નથી.

ખેડૂતો પણ માને છે કે દિવસે વીજળી આપવાની વાત સિવાય તેમના માટે આ બજેટમાં કંઈ નથી. કેન્દ્ર સરકારની યોજનાઓ પ્રમાણે ખેડૂતોની આવક બમણી કરવા માટે કોઈ જ નક્કર જોગવાઈ જોવા મળી નથી, તેવું ઘણા ખેડૂતોનું માનવું છે.

તો મુસ્લિમ અને આદિવાસી સમુદાયના પણ ઘણા લોકો 'આ બજેટ તેમના માટે નથી' તેવું માની રહ્યા છે. એક અંદાજ પ્રમાણે માત્ર 0.033 ટકા રકમ જ મુસ્લિમ સમુદાય માટે ફાળવવામાં આવી છે, જે અનેક મુસ્લિમ સમુદાયના લોકો પ્રમાણે સરકારની 'સબકા સાથ સબકા વિકાસ'ની વાતને ખોટી ઠેરવે છે.

બીબીસીએ બજેટ અંગે અનેક લોકો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ આ બજેટની અમુક મુખ્ય જોગવાઈઓ વિશે શું માને છે.

line

શું કહેવું છે ખેડૂતોનું?

બજેટ

ઇમેજ સ્રોત, RAWPIXEL

બજેટમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ખરીફ ઉપરાંત રવી અને ઉનાળા પાક માટે પણ ધિરાણ મળશે.

જોકે આ વિશે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાનું કહેવું છે કે એવું નથી કે આ પ્રકારની ધિરાણનીતિ આ વર્ષે મૂકવામાં આવી છે, આ નીતિ વર્ષોથી અમલમાં છે.

એક બીજા ખેડૂત આગેવાન નાગજીભાઈ ભાયાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "આ જૂની સ્કીમને નવી ચૂંદડી પહેરાવવાની વાત છે. ખેડૂતોને ધિરાણ તો તમામ પાકો માટે મળે છે, પરંતુ સરકારે ખરેખર ખેડૂતની આવક વધે તે દિશામાં કંઇક લાવવાની જરૂર હતી."

તેઓ માને છે કે તેમને આશા હતી કે રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે ફાર્મર પ્રોડ્યુસર ઑર્ગેનાઇઝેશન (FPO) જેવું કંઈક શરૂ કરશે. કેન્દ્ર સરકારે એવા 10,000 FPO શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં નાના ખેડૂતો એક મંડળી બનાવીને પોતાની ખેતપેદાશોને ગુણવત્તાવાળી બનાવીને વેચી શકે. આ માટે સંકલન, સરકારની તૈયારી તેમજ વહીવટી ખર્ચ માટે ખેડૂતને મદદ કરવાની જરૂર હતી, પરંતુ તેવું કંઈ જ થયું નથી.

વીડિયો કૅપ્શન, ડીસાના ખેડૂતોને બટાકાના વાવેતરના સમયે જ ખાતર ન મળતાં રોષ

તેઓ માને છે કે આ બજેટ ખેડૂત માટે સાવ નિરાશાજનક છે, કારણ કે તેની આવક વધે તેવી કોઈ નવી જાહેરાત નથી. 10 વીઘા જમીન પર ખેતી કરતા એક ખેડૂતનો ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે આવો ખેડૂત વર્ષે એક લાખ રૂપિયાથી વધારે નથી કમાઈ શકતો. હવે આટલા પૈસા તો મજૂરી કરનારો એક સામાન્ય માણસ સહેલાઈથી કમાઈ લે છે.

જોકે સરકારે એ પણ જાહેરાત કરી છે કે ગૌશાળા માટે 500 કરોડ રૂપિયા ફાળવશે. જોકે હાલમાં ગૌશાળાની ગાયો માટે, એક ગાય દીઠ 7500 રૂપિયા આપવાની એક યોજના ચાલી રહી છે.

આ યોજના વિશે વાત કરતા વીસાવદાર ગૌશાળા પાંજરાપોળના સંયોજક ભાવેશ શેઠ કહે છે કે, "હાલમાં તો પરિસ્થિતિ એવી છે કે સરકારની જે ચાલુ યોજના છે, તેમાંય અમને નિયમિત રીતે પૈસા નથી મળતા. હાલમાં છેલ્લા ચાર મહિનાથી અમને આ યોજના હેઠળ કોઈ જ ફંડ મળ્યું નથી, આવી પરિસ્થિતિમાં ગૌશાળા માટે કંઈ પણ આયોજન કરવું મુશ્કેલ બની જાય છે."

"સરકારે યોગ્ય સર્વે વગેરે કરીને યોગ્ય રીતે આ પ્રકારની યોજનાઓ અમલ કરવી જોઈએ, જેથી ખરેખર ફાયદો નીચેના માણસ સુધી પહોંચી શકે છે."

line

આદિવાસીઓ માટે શિક્ષણ અને આરોગ્યમાં શું જોગવાઈ?

વિધાનસભા

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN

સરકારે આ બજેટમાં જાહેરાત કરી છે કે રાજ્યનાં ચાર હજાર ગામડાંઓમાં મફત વાઇ-ફાઇ લગાવવામાં આવશે.

આ વિશે બીબીસી ગુજરાતીએ છોટા ઉદેપુરના આદિવાસી નેતા અર્જુનભાઈ રાઠવા સાથે વાત કરી. તેમણે કહ્યું કે આ પ્રકારની જાહેરાતો માત્ર જાહેરાતો જ રહી જાય છે, 4000નો આકંડો ક્યારે પહોંચશે તેની ખબર નથી, પરંતુ તે પહેલાં એવાં અનેક ગામડાંઓ છે જેમાં શિક્ષણ ક્ષેત્રે, તેમાંય અદિવાસીઓ વિસ્તારોમાં ખૂબ કામ કરવાની જરૂર છે.

"હજી પણ એવી અનેક શાળાઓ છે, જેમાં ફૂલટાઇમ શિક્ષકોની ભરતી થતી નથી, શાળાઓની હાલત ખરાબ છે, આવી જગ્યાએ ખર્ચ કરવાની જગ્યાએ ગામડાંઓમાં મફત વાઇ-ફાઇ આપવાની યોજનાથી સૌથી વધુ લાભ તો જે તે કંપનીને મળશે. નહીં કે લોકોને જેમની પાસે પૂરતી સગવડોનો જ અભાવ છે."

તેમણે એ પણ કહ્યું કે છોટા ઉદેપુર વિસ્તારમાં કોરોના સમયે ખબર પડી ગઈ હતી કે આ આદિવાસી જિલ્લો આરોગ્ય ક્ષેત્રે કેટલો પછાત છે. સરકારે આદિવાસી વિસ્તારોની સરકારી આરોગ્ય સેવા સારી થાય તે દિશામાં ખર્ચ કરવાની જરૂર છે.

line

શું કહે છે અર્થશાસ્ત્રી?

બજેટ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

આ બજેટ વિશે વાત કરતા જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે કહ્યું, "હકીકતમાં આ બજેટમાં લગભગ કશું જ નવું નથી. થોડા ઘણા ફેરફારો અને ફાળવણીમાં નાના મોટા વધારા સિવાય કશી જ નવીનતા બજેટમાં દેખાતી નથી.

"રૂપિયા 1000 કરોડની જોગવાઈ ધાત્રી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે વધુ કરી અને નિવાસી શાળાના બાળકો માટેના ખર્ચમાં વધારો કર્યો તે વિના સહેજે કોરોનાપીડિત સામાન્ય વર્ગ માટે રાહતો દેખાતી નથી."

આ બજેટને વધતા જતા ફુગાવા સાથે સરખામણી કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે, "ગયા વર્ષે બજેટ રૂપિયા 2.27 લાખ કરોડનું રજૂ થયું હતું. હવે તે રૂપિયા 2.44 લાખ કરોડનું રજૂ થયું છે. એટલે કે બજેટમાં 7.49 ટકાનો વધારો થયો કહેવાય. ફુગાવાનો દર જો પાંચથી છ ટકાનો ગણવામાં આવે તો વાસ્તવિક વધારો માત્ર દોઢ કે અઢી ટકાનો જ થયો."

તેઓ માને છે કે શિક્ષણ કે આરોગ્ય ક્ષેત્રે ભલે બજેટમાં વધારો થયો હોય, પરંતુ તેની સરખામણી જો ફુગાવા સાથે કરવામાં આવે તો કોઈ વાસ્તવિક વધારો થયો ન કહેવાય.

line

શું માનવું છે મુસ્લિમ સમુદાયનું?

બજેટ

આ બજેટથી લઘુમતીઓ, તેમાંય મુસ્લિમ સમુદાયને કોઈ જ ફાયદો નહીં થાય તેવું ઘણા મુસ્લિમ આગેવાનોનું માનવું છે.

આ વિશે માઇનોરિટી કો-ઑર્ડિનેશન કમિટી, ગુજરાતના ક્ન્વીનર મુજાહીદ નફીસ કહે છે, "સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં લઘુમતીઓના કલ્યાણ માટે ગયા વર્ષનું બજેટ અનુમાન 7161.31 લાખ હતું અને વિભાગની બેદરકારીના કારણે સુધારેલો અંદાજ 4961.31 લાખ થયો. આ વર્ષે સરકાર દ્વારા 8058.67 લાખનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. આ રાશિ કુલ બજેટના માત્ર 0.033 % છે."

"ગુજરાતમાં 11.5 % લઘુમતીઓની વસ્તી છે અને તે ખૂબ જ પછાત છે. આ બાબત જોઈને સ્પષ્ટ થાય છે કે સરકાર લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે અને આ સમુદાયના વિકાસમાં અડચણ ઊભી કરે છે."

તેમના મતે, સરકાર નથી ઇચ્છતી કે લઘુમતી સમુદાય વિકાસ કરે, માઇનોરિટી કો-ઑર્ડિનેશન કમિટી (MCC) આ બજેટને ભેદભાવપૂર્ણ માને છે અને માગ કરે છે કે પછાત સમાજને ઉપર લાવવાની વિશેષ જોગવાઈ મુજબ બજેટના ઓછામાં ઓછા 10% વસ્તી અનુસાર રાજ્ય બજેટમાં ફાળવવામાં આવે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો