અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ: ભાજપ ચુકાદાનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા કરી રહ્યો છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

અમદાવાદમાં શુક્રવારે એક વિશેષ અદાલતે વર્ષ 2008માં થયેલ શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા મામલે ચુકાદો આપતાં 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને જનમટીપની સજા કરી હતી.

આ મામલો એ દિવસે ના માત્ર અમદાવાદ કે ગુજરાતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ ચુકાદાને તટસ્થપણે જોઈ રહેલા ઘણાનું માનવું છે કે તેને ધાર્મિક રંગ આપી તેનો ચૂંટણીલક્ષી રાજકારણમાં લાભ ઉઠાવવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ ચુકાદાને તટસ્થપણે જોઈ રહેલા ઘણાનું માનવું છે કે તેને ધાર્મિક રંગ આપી તેનો ચૂંટણીલક્ષી રાજકારણમાં લાભ ઉઠાવવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે

નોંધનીય છે કે અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

આ ચુકાદાને તટસ્થપણે જોઈ રહેલા ઘણાનું માનવું છે કે તેને ધાર્મિક રંગ આપી તેનો ચૂંટણીલક્ષી રાજકારણમાં લાભ ઉઠાવવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે.

આ આરોપ લાગી રહ્યો છે દેશના સત્તાધારી પક્ષ ભાજપ પર.

શુક્રવારે આવેલા ચુકાદાને લઈને ગુજરાત ભાજપે પોતાના ટ્વિટર હૅન્ડલ મારફતે એક કૅરિકેચર ટ્વીટ કર્યું હતું. જેમાં સંખ્યાબંધ લોકોને ફાંસી લગાવાઈ હોવાનું દૃશ્ય રજૂ કરાયું હતું.

આ સાથે રાષ્ટ્રીય ચિહ્ન દર્શાવાયું હતું. તેમજ મોટા અક્ષરે સત્યમેવ જયતે લખાયેલું હતું. તેમજ લખાયેલું હતું કે, 'આતંક ફેલાવનારાઓને કોઈ માફી નહીં.'

જોકે, આ કૅરિકેચરમાં તમામ વ્યક્તિઓ ચોક્કસ ધર્મ સાથે સંકળાયેલી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેના કારણે ટ્વીટ અંગે વિવાદ થયો હતો.

મામલો બગડતાં ટ્વિટરે આ ટ્વીટ હઠાવવું પડ્યું હતું.

આ મામલે ગુજરાત ભાજપે જણાવ્યું હતું કે જે લોકોને સજા કરાઈ તેમના સમર્થકોએ ટ્વીટ રિપોર્ટ કરાતાં તેને હઠાવી દેવાયો હતો.

જ્યારે ગુજરાત કૉંગ્રેસે આ ચુકાદાનો ભાજપ દ્વારા રાજકીય ફાયદા માટે ઉપયોગ કરાઈ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો.

આ ટ્વીટને કારણે એ મુદ્દે ચર્ચા શરૂ થવા લાગી છે કે શું ખરેખર ભાજપ દ્વારા આ ચુકાદાનો રાજકીય લાભ માટે ઉપયોગ કરાઈ રહ્યો છે?

આ અંગે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીને બીબીસી ગુજરાતીએ તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

તે પહેલાં જાણીએ જાણીએ એ ઘટનાઓ વિશે જ્યાં ભાજપના નેતાઓ દ્વારા અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાનો પોતાના ભાષણમાં ઉપયોગ કરાયો છે.

line

ભાજપે ક્યાં-ક્યાં કર્યો આ ચુકાદાનો ઉલ્લેખ?

વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં ચૂંટણીપ્રચાર દરમિયાન અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં ચૂંટણીપ્રચાર દરમિયાન અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો

વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં ચૂંટણીપ્રચાર દરમિયાન અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, "હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી હતો ત્યારે અમદાવાદમાં બૉમ્બબ્લાસ્ટ થયા. મેં પીડિતોના લોહીથી ભીની માટી ઉઠાવીને શપથ લીધા કે મારી સરકાર આ આતંકવાદીઓને પાતાળમાંથી પણ શોધીને સજા કરશે."

આ ભાષણ જોનાર અને સાંભળનારના મતે નરેન્દ્ર મોદીએ આ ચુકાદાને પોતાની સિદ્ધિ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

બીબીસી હિંદીના એક અહેવાલમાં અમર ઉજાલાના ભૂતપૂર્વ સંપાદક કુમાર ભવેશ ચંદ્ર હરદોઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો હવાલો આપે છે. જેમાં તેમણે કહ્યું હતું કે અમદાવાદ બૉમ્બધડાકામાં જે 38 લોકોને સજા કરી છે તે પૈકી કેટલાક આજમગઢ જિલ્લાના પણ છે, જ્યાંથી હાલ અખિલેશ યાદવ લોકસભાના સાંસદ છે.

કોર્ટના હુકમનો હવાલો આપતાં વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે, "ગુજરાતના આતંકવાદીઓએ સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાઇકલ પર બૉમ્બ મૂક્યા હતા."

તેમણે બનારસના સંકટ મોચન મંદિર અને અન્ય ઘણાં સ્થળોએ બૉમ્બધડાકાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "હું એ વાતથી આશ્ચર્યચકિત છું કે આતંકવાદીઓએ આખરે સાઇકલ જ કેમ પસંદ કરી."

આ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ વિપક્ષ સમાજવાદી પાર્ટી પર આ ચુકાદાને ટાંકીને નિશાન સાધ્યું હતું.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર, "યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અગાઉ પિલિભિત ખાતેની ચૂંટણીરેલીમાં કહ્યું હતું કે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાના કેસમાં જે લોકોને સજા થઈ છે તે પૈકી કેટલાક ઉત્તર પ્રદેશના પણ છે. આ સજા પામેલા લોકો પૈકી એકના સંબંધીઓ અખિલેશ યાદવ સાથે સમાજવાદી પાર્ટીના ચૂંટણીપ્રચારમાં પણ દેખાયા હતા."

કુમાર ભવેશ ચંદ્ર અનુસાર, "હવે ભાજપ મતદારોને ગભરાવી રહી છે કે જો અખિલેશ યાદવ ફરી સત્તામાં આવ્યા તો ગુંડા-બદમાશ અને મુસ્લિમ ફરી વાર સત્તામાં આવી જશે."

જોકે, ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં વિશેષ અદાલત દ્વારા દોષિત ઠરાવાયેલા લોકોમાંથી એક મોહમ્મદ સૈફ નામક વ્યક્તિનું પણ નામ છે. જેઓ મૂળપણે આઝમગઢના રહેવાસી છે.

line

શું આ ચુકાદાનો ભાજપ રાજકીય લાભ માટે ઉપયોગ કરી રહ્યો છે?

અમદાવાદ 2008 શ્રેણીબદ્ધ બૉમ્બબ્લાસ્ટના મુદ્દાનો ભાજપ રાજકીય લાભ લેવા માગે છે?

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, અમદાવાદ 2008 શ્રેણીબદ્ધ બૉમ્બબ્લાસ્ટના મુદ્દાનો ભાજપ રાજકીય લાભ લેવા માગે છે?

ગુજરાત અને દેશના રાજકારણ પર બારીકાઈથી નજર રાખતાં રાજકીય વિશ્લેષક અને પીઢ પત્રકાર પ્રકાશ ન. શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ મુદ્દે સંપૂર્ણપણે સંમત થાય છે.

તેઓ જણાવે છે કે, "ટ્વીટ કર્યાની ઘટનાને અને ટ્વીટનાં તત્ત્વોને ગુજરાતમાં ભાજપ દ્વારા રાજકીય લાભ લેવા માટે ન્યાયતંત્રના આ ચુકાદાનો ઉપયોગ કરાઈ રહ્યો છે તેવું કહેવું ઉતાવળ ગણાશે. પરંતુ એ ચોક્કસ છે કે ઉત્તર પ્રદેશમાં, જ્યાં હાલ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યાં સત્તા પક્ષના ઘણા નેતાઓ દ્વારા આ ચુકાદાનો પોતાનાં ભાષણોમાં ઉપયોગ કરાયો છે."

શાહ આગળ જણાવે છે કે, "આ યાદીમાં સૌથી આગળ પડતું નામ એ વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનું આવે છે."

"વડા પ્રધાન દ્વારા વિપક્ષ પર હુમલો કરવા માટે અને પોતાની સરકારની પ્રશંસા કરવા માટે આ ચુકાદાની વાત પોતાનાં ઘણાં ભાષણોમાં સમાવાઈ છે. તેવી જ રીતે રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ ભાષણમાં તેનો ઉપયોગ કર્યો છે. આ જણાવે છે કે તેઓ મતદારોને આકર્ષવાની રણનીતિના ભાગરૂપે આવું કરી રહ્યા છે. આ ચુકાદાનો ઉપયોગ રાજકીય લાભ લેવા માટે કરાઈ રહ્યો છે તેમાં કોઈ શંકા નથી."

આ સિવાય ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહનું પણ આવું જ માનવું છે.

તેઓ આ સવાલના જવાબમાં કહે છે કે, "ચોક્કસપણે ભાજપ દ્વારા આ ચુકાદાનો ઉપયોગ ઉત્તર પ્રદેશમાં રાજકીય લાભ લેવા માટે થઈ રહ્યો છે."

ઘનશ્યામ શાહ આ વાતને વિભાજનકારી અને દેશદ્રોહી કૃત્ય ગણાવે છે.

તેઓ કહે છે કે, "ચુકાદાની હકીકતોને કોઈ ચોક્કસ ધર્મવિશેષ જોડે જોડીને દર્શાવવું એ ખતરનાક વાત છે. આનાથી ભાજપ અને તેના નેતાઓની વિભાજનકારી માનસિકતા સામે આવે છે."

નિવૃત્ત પ્રોફેસર શાહ ભાજપ પર પ્રહાર કરતાં કહે છે કે, "દેશની એકતા માટે આવાં કૃત્યો કરવાં ખતરનાક છે. અને ભાજપ પાસેથી આ જ અપેક્ષિત હતું. તેઓ દરેક વખત ચૂંટણીમાં છેલ્લી પાટલીએ બેસતા પણ ગભરાતા નથી. આ તેમની પ્રકૃતિમાં જ છે."

ભાજપ દ્વારા વારંવાર આ ચુકાદાનો ચૂંટણીસભામાં ઉપયોગ કેમ ઉલ્લેખ કરાય છે?

આ વાતનો જવાબ આપતાં નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહ જણાવે છે કે, "આ ચૂંટણીમાં તેમની પાસે આર્થિક મોરચે પોતાની સફળતાઓ કે અન્ય ઉપલબ્ધિઓ દર્શાવવા માટે તેમની પાસે કશું ન હોવાનું ભાજપ જાણે છે. તેમજ ભાજપની પ્રકૃતિ એવી જ રહી છે કે જ્યારે તેમની પાસે પોતાની સરકારનાં કામો ગણાવવા માટે કંઈ નથી હોતું તો તેઓ લોકોને ધર્મના નામે વિભાજિત કરી, તેમના મત આકર્ષવાનો પ્રયત્ન કરે છે. કંઈક આવું જ ફાસીવાદી લોકોએ કર્યું હતું. "

line

શું ભાજપ ઉત્તર પ્રદેશમાં મરણિયા પ્રયાસ કરી રહ્યો છે?

વિશ્લેષકો નિર્ણયની ટાઇમિંગ અંગે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્લેષકો નિર્ણયની ટાઇમિંગ અંગે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે

રાજકીય વિશ્લેષક શરત પ્રધાન પણ ભાજપના નેતાઓ દ્વારા અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના નિર્ણયનો પોતાની ચૂંટણીસભાઓમાં એક મહત્ત્વના મુદ્દા તરીકે ઉપયોગ કરાઈ રહ્યો હોવાની વાતને ભાજપ દ્વારા આ નિર્ણયનો રાજકીય લાભ લેવાના પ્રયત્નના ભાગરૂપે જોઈ રહ્યા છે.

તેઓ આ નિર્ણયની ટાઇમિંગ અંગે પણ પ્રશ્ન ઊભા કરે છે.

તેઓ કહે છે કે, "આ પ્રકારના નિર્ણયો કેવી રીતે ચૂંટણીટાણે જ આવી જાય છે અને ભાજપ તેને કેવી રીતે મૅનૅજ કરે છે તે ચર્ચાનો મુદ્દો છે."

આ ચુકાદાનો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ અંગે શરત પ્રધાન કહે છે કે, "આ ચુકાદો અને તેનો રાજકીય રેલીઓમાં ઉલ્લેખ ભાજપને લાભ કરાવશે કે કેમ તે તો 10 માર્ચે ખબર પડશે, પરંતુ આના પરથી એ સંકેત જરૂર મળે છે કે ઉત્તર પ્રદેશમાં આ વખત ભાજપ મુશ્કેલીમાં છે."

"પોતે વડા પ્રધાન દ્વારા સમાજવાદી પાર્ટી પર આક્ષેપ કરવા માટે આ ચુકાદાનો ઉપયોગ કરાય, એ આ વાતનો જ સંકેત આપે છે. આ વાત ભાજપના નેતાઓ ઉત્તર પ્રદેશમાં જીત મેળવવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા હોવાની વાત તરફ ઇશારો કરે છે."

તેઓ બૉમ્બધડાકામાં સાઇકલનો ઉપયોગ અને સમાજવાદી પાર્ટીના ચૂંટણીનિશાનનો સંબંધ સાંકળવાના વડા પ્રધાનના પ્રયાસને હાસ્યાસ્પદ ગણાવે છે.

ઉત્તર પ્રદેશનાં વરિષ્ઠ પત્રકાર સુમન ગુપ્તા પણ અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બબ્લાસ્ટના ચુકાદાના ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપ્રચારમાં ઉપયોગ અંગેનાં કારણો અંગે જણાવે છે કે, "તેનું કારણ એવું હોઈ શકે કે સરકાર પાસે પોતે પાંચ વર્ષ સુધી કરેલાં કામોમાંથી કોઈ એવું કામ નથી જેનાથી લોકો પાર્ટી તરફ આકર્ષાય અને તેમને મત આપે. તેમજ ભવિષ્યનો કોઈ વાયદો પણ એવો નથી જેનાથી તેમને મત મળે. તેથી ઉત્તર પ્રદેશમાં આ ચુકાદાનો હિંદુ-મુસ્લિમ વિભાજન દર્શાવી, પોતાની તરફેણમાં મત આપવા માટે બહુમતી મતદારોને આકર્ષવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી."

line

શું કહે છે ભાજપ - કૉંગ્રેસ?

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ કર્યો અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બબ્લાસ્ટ કેસનો ઉલ્લેખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ કર્યો અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બબ્લાસ્ટ કેસનો ઉલ્લેખ

શું ભાજપ અદાલતના ચુકાદાનો રાજકીય લાભ માટે ઉપયોગ કરી રહ્યો છે અને તે માટે જ કથિતપણે વિવાદાસ્પદ કૅરિકેચર મુકાયું હોવા મુદ્દે સ્પષ્ટતા કરતાં ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આમાં જેણે ગુનો કર્યો એને સજા મળી એ જ સંદેશ હતો. બ્લાસ્ટના જે દોષિતો હતા, એની તસવીરોના આધારે એ સ્કૅચ તૈયાર કરાયો હતો. એમાં કોઈ સમુદાય વિરુદ્ધ કોઈ સંદેશ નહોતો."

ગુજરાત ભાજપના મીડિયા સેલ કન્વીનર યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રૅરેસ્ટ ઑફ રૅર કહી શકાય એવા આ ચુકાદા બાદ તમામ આરોપીઓના ફોટો સમાચારપત્રોમાં છપાયા હતા અને ટીવી પર પણ દર્શાવવામાં આવ્યા હતા."

"એના પરથી જ એક કાર્ટૂન બનાવવામાં આવ્યું અને ફાંસીનો ફંદો બતાવવામાં આવ્યો. આ ચિત્રને ટ્વીટ કરવામાં આવ્યું."

ટ્વીટ ડિલીટ થવા અંગે તેમણે કહ્યું કે, "કેટલાંક અસામાજિક તત્ત્વો કે જે તેમનો સાથ આપે છે, તેમણે આ ટ્વીટ રિપોર્ટ કર્યું એટલે ટ્વીટરે તેને હઠાવી દીધું."

જોકે, બીજી તરફ ગુજરાત કૉંગ્રેસે આ મુદ્દાને ભાજપ દ્વારા અદાલતના નિર્ણયનો રાજકીય લાભ માટે ઉપયોગ કરાઈ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આતંકવાદને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી અને આ વાત કૉંગ્રેસ કરતાં કોઈ સારી રીતે જાણતું નથી."

"કૉંગ્રેસ પાર્ટીએ આતંકવાદના લીધે બે પૂર્વ વડા પ્રધાન ગુમાવ્યા છે. આજે ભાજપ વિવાદાસ્પદ ટ્વીટ કરીને ઉજવણી કરી રહ્યો છે અને કોર્ટના ચુકાદાનો ફાયદો ઊઠાવી રહ્યો છે. આવા ચુકાદાઓનો રાજકીય રોટલો શેકવા ઉપયોગ ન કરવો જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો