અમદાવાદ બ્લાસ્ટ કેસ : 'ભાઈ ડૉક્ટર બનવાનો હતો પરંતુ ઍપ્રનને બદલે કફનમાં આવ્યો' અમદાવાદ બ્લાસ્ટના મૃતકના પરિવારજનની વ્યથા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમે ભાવનગરના હતા. અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટના સમાચાર સાંભળ્યા એટલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મેડિકલના વિદ્યાર્થી મારા ભાઈને ફોન કર્યો. તેણે કહ્યું કે તે હૉસ્પિટલમાં છે અને બધું બરાબર છે. અમે નિશ્ચિંત થઈ ગયા. બે કલાકમાં અમને ફોન આવ્યો કે સિવિલ હૉસ્પિટલમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં તમારા ભાઈનું મૃત્યુ થયું છે." આ શબ્દો છે મિત અંધારિયાના.

શુક્રવારે વિશેષ અદાલતે વર્ષ 2008માં અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ કેસના 38 આરોપીઓને ફાંસી તથા 11ને જનમટીપની સજા ફટકારી હતી, જ્યારે 28ને છોડી મૂકવામાં આવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુક્રવારે વિશેષ અદાલતે વર્ષ 2008માં અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ કેસના 38 આરોપીઓને ફાંસી તથા 11ને જનમટીપની સજા ફટકારી હતી, જ્યારે 28ને છોડી મૂકવામાં આવ્યા છે

70 મિનિટનો એ ઘટનાક્રમ ગુજરાતના ઇતિહાસમાં પ્રકરણ માત્ર ન હતું, પરંતુ તેનાથી અનેક પરિવારોની જિંદગી વિખેરાઈ ગઈ અને ક્યારેય પૂર્વવત્ ન બની શકી.

શુક્રવારે વિશેષ અદાલતે વર્ષ 2008માં અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના 38 આરોપીઓને ફાંસી તથા 11ને જનમટીપની સજા ફટકારી હતી, જ્યારે 28ને છોડી મૂકવામાં આવ્યા છે.

મિત અંધારિયા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મિત અંધારિયાનો ભાઈ અમદાવાદ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો હતો

અમદાવાદ બ્લાસ્ટ કેસની 20 તથા સુરત બ્લાસ્ટ કેસની 15 એફઆઈઆરને મર્જ કરીને કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસનો ચુકાદો આવતાં 13 વર્ષ કરતાં વધુનો સમય નીકળી ગયો હતો.

અમદાવાદના બીજા દિવસે સુરતમાં પણ બ્લાસ્ટ કરવાનો ઇરાદો હતો, પરંતુ સર્કિટમાં ફોલ્ટ થવાને કારણે વિસ્ફોટ થયા ન હતા અને સતત બીજા દિવસે મોટી કરુણાંતિકા સર્જાતાં અટકી જવા પામી હતી.

તા. 26 જુલાઈ, 2008ના અમદાવદમાં 20 અલગ-અલગ જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે લગભગ 200 લોકો ઘાયલ થયા હતા.

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ભટકલ ભાઈઓ સહિત અન્ય કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમાંથી અમુકે પાકિસ્તાનમાં આશરો લીધો હોવાનું ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે.

line

'ઍપ્રનને બદલે કફનમાં જોયો'

મૃતક સંકેત અંધારિયા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મૃતક સંકેત અંધારિયા મેડકલના વિદ્યાર્થી હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મીત અંધારિએ કહ્યું, "ભાવનગરમાં મારા પિતા ધંધો કરતા. હું ખૂબ જ નાનો હતો, ત્યારે મારા પિતાને કૅન્સર થયું હતું. તેમની બીમારીમાં બધા પૈસા વપરાઈ ગયા. છતાં તેમને બચાવી ન શકાયા. એ સમયે મારોભાઈ સંકેત બારમા ધોરણમાં ભણતો હતો. તેણે ખૂબ જ મહેનત કરી અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો."

એ દિવસને યાદ કરતાં મિત કહે છે, "પિતાના અવસાન પછી અમારી સ્થિતિ ખાસ સારી ન હતી. અમારાં સગાં અમને મદદ કરતાં હતાં. મારો ભાઈ સંકેત અમદાવાદ હૉસ્ટેલમાં રહેતો. તે ભણવા માટે બીજાનાં પુસ્તક લાવતો હતો, જેથી કરીને ખર્ચ ઓછો થાય."

"તા. 26 જુલાઈ 2008ના દિવસે ભાવનગરમાં અમારા ઘરે કેટલાંક સગાં ભેગાં થયાં હતાં. એ સમયે સમાચાર આવ્યા કે અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટ થયો છે."

"આ સાંભળીને ચિંતા થતા અમે મિતને ફોન કર્યો, ત્યારે એણે કહ્યું હતું કે આવતા મહિને મારી ઇન્ટરનલ પરીક્ષા છે. એની તૈયારી કરી રહ્યો છું, અત્યારે હૉસ્પિટલમાં છું. આ સાંભળીને અમને ધરપત થઈ."

"જોકે, બે કલાકમાં જ ફોન આવ્યો કે બ્લાસ્ટમાં ઘાયલ લોકોને સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા. ત્યારે ટ્રૉમા સેન્ટરમાં મદદ કરવા માટે મારો ભાઈ પહોંચ્યો હતો. એવા સમયે બ્લાસ્ટ થયો, જેમાં મારા ભાઈનું મૃત્યુ થયું છે."

બ્લાસ્ટનું કાવતરું ઘડનારાઓએ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ બ્લાસ્ટ થાય, તે પછી તેમને નજીકમાં આવેલી સિવિલ તથા એલજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે, એવું અનુમાન કર્યું હતું. આથી, પીડિતોને ઘટનાસ્થળેથી લઈને હૉસ્પિટલો સુધી લઈ જવાના સમયનો અંદાજ મૂકીને બંને હૉસ્પિટલમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી કરીને તંત્રમાં અંધાધૂંધી ફેલાઈ તથા સેવાભાવીઓમાં ફફડાટ અને અસલામતીની ભાવના ઊભી થાય.

પોતાની વાતને આગળ વધારતાં સંકેત કહે છે, "એ સમયે હું 15 વર્ષનો હતો. મારાં માતા ઉપર જાણે આભ ફાટી પડ્યું. અમને એમ હતું કે બે-ત્રણ વર્ષમાં મારો ભાઈ ભણી લેશે અને ડૉક્ટર બની જશે, એટલે અમારી ઉપર આવી પડેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પણ અમે તેને ઍપ્રનના બદલે કફનમાં જોયો. શું તેની ભૂલ એટલી જ હતી કે તે બ્લાસ્ટપીડિતોને મદદ કરવા માટે ગયો."

અમદાવાદ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન નામના ઉગ્રવાદી સંગઠને સ્વીકારી હતી. જેની સ્થાપના કરવામાં યાસીન ભટકલે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેના બે ભાઈ રિયાઝ તથા ઇકબાલ પણ આ ઉગ્રવાદી સંગઠન સાથે જોડાયેલા છે. 2018માં યાસીનને ઝડપી લેવામાં ભારતીય સુરક્ષાબળોને સફળતા મળી હતી, જોકે અન્ય બે હજુપણ ફરાર છે.

અંધારિયા પરિવારની જેમ જ અમદાવાદના અગ્રવાલ પરિવારની જિંદગી એ સાંજે બદલાઈ ગઈ હતી. પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો અને અગાઉથી જ સંઘર્ષ કરી રહેલા પરિવાર પર વધુ એક આપત્તિ આવી પડી.

line

'પુત્ર-પત્ની પરથી ઘાત ટળી, પણ...'

મુરારીલાલ અગ્રવાલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા હતા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મુરારીલાલ અગ્રવાલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા હતા

મુરારીલાલ અગ્રવાલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા હતા. તેમના દીકરા પવન પણ ભણતર છોડીને લારી ચલાવીને પાંચ ભાઈ-બહેનના પરિવારનું ભરણપોષણ કરવામાં મદદરૂપ થતા.

એ દિવસને યાદ કરતા પવન કહે છે, "હું ખોખરા વિસ્તારમાં લારી ચલાવતો હતો, ત્યારે સાંજે મારી ઉપર ફોન આવ્યો કે હાટકેશ્વર વિસ્તારમાં બૉમ્બ ધડાકો થયો છે અને મારા પિતા તેમાં ઘાયલ થયા છે. હું મોટરસાઇકલ લઈને ઘરે પહોંચ્યો. ત્યારે ખબર પડી કે મારા પિતાને એલજી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હું મારાં માતાને લઈને હૉસ્પિટલે પહોંચ્યો."

"હૉસ્પિટલમાં ભારે અફરાતફરીનો માહોલ હતો. મેં અને મારા માતાએ પિતા અંગે પૂછપરછ શરૂ કરી. અચાનક જ ત્યાં પણ બ્લાસ્ટ થયો. હું મારાં માતાને બચાવવા ત્યાંથી નીકળીને ઘરે પહોંચ્યો. હૉસ્પિટલે પહોંચીને જોયું તો પોલીસે બધું કૉર્ડન કરી લીધું હતું."

"મને મારા પિતાનો મૃતદેહ બીજા દિવસે મળ્યો. મેં મારું બાઇક શોધ્યું તો તેના બે ટુકડા થઈ ગયા હતા."

પોતાની વાતને આગળ વધારતા પવન કહે છે, "મારા પિતાની ઇચ્છા નાની બહેનનાં ધામધૂમથી લગ્ન કરાવવાની હતી. એ માટે અમે બંને મહેનત કરતા ને પાઈ-પાઈ ભેગી કરતા હતા. પરિવારના મોભીનું મૃત્યુ થવાથી અમે વિખેરાઈ ગયા. નાની બહેનના સાદાઈથી લગ્ન કરવાનો અફસોસ આજે પણ મારાં માતા કરે છે."

પવન ઉમેરે છે કે આજે અમે થોડા સુખી છીએ, પરંતુ અમારી આ સ્થિતિ જોવા માટે પિતા હયાત નથી.

બ્લાસ્ટ થોડો મોડો થયો હોત તો? એ સમયે પવન ત્યાં હોત તો? એ સમયે પવન તથા તેમના માતા ત્યાં હોત તો? જેવા અનેક સવાલ આજે પણ અગ્રવાલ પરિવારના મગજમાં આવે છે અને ઘાત ટળી હોવાનું અનુભવે છે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો