કાંશીરામના પંજાબમાં 32 ટકા દલિત વસતિ રાજકીય શક્તિ કેમ ન બની શકી?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસ પાર્ટીએ પંજાબના પ્રથમ દલિત મુખ્ય મંત્રી તરીકે ચરણજિતસિંહની નિયુક્તી કરી અને એ સાથે જ ફક્ત પંજાબ જ નહીં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પણ ગરમી આવી ગઈ છે. અમુક આને માસ્ટરસ્ટ્રોક ગણાવે છે તો અમુક પંજાબમાં દલિતોની શક્તિની વાત પણ કરે છે.
દેશમાં દલિતોને રાજનીતિમાં લાવવાની કાંશીરામની ચળવળનું મૂળ પંજાબ હતું.
બહુજનસમાજ પાર્ટીના સંસ્થાપક કાંશીરામ પંજાબના હોશિયારપુર જિલ્લાના હતા. તેઓએ અહીંથી જ પોતાની રાજકીય સફર શરૂ કરી હતી.
કાંશીરામે પંજાબમાં દલિતોની એકતા માટે ઘણા પ્રયાસ કર્યા અને દલિતોમાં રાજકીય જાગરૂકતા આવે તે માટે પણ તેમણે અથાક પ્રયત્ન કર્યા. પરિણામ એ આવ્યું કે 1996માં તેઓ (કાંશીરામ) ચૂંટણીમાં જીતી ગયા.

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયે એમની પાર્ટીનું શિરોમણી અકાલીદલ સાથે રાજકીય જોડાણ હતું, પરંતુ 1997ની ચૂંટણીમાં બહુજનસમાજ પાર્ટીને માત્ર 7.5 ટકા મત મળ્યા હતા, એ ટકાવારી, વર્ષ 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઘટીને 1.5 ટકા થઈ ગઈ હતી.
સવાલ એ છે કે, પંજાબમાં દલિતોની જનસંખ્યા 32 ટકાની આસપાસ છે, એ વાસ્તવિકતા વચ્ચે, મૂળભૂત રીતે દલિત સમાજનાં જ કાર્યો કરનારી બહુજનસમાજ પાર્ટીને આટલા ઓછા મત શા માટે મળ્યા.
બીજી તરફ, પંજાબમાં જાટ સમુદાયની વસતિસંખ્યા 25 ટકા આસપાસની છે, તોપણ, પંજાબના રાજકારણમાં એમનો આટલો દબદબો કેમ છે?
આ મુદ્દે, મોહાલીના એક અગ્રણી પત્રકાર વિપિન પબ્બીએ બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, એવું એ માટે છે કે, અનુસૂચિત જાતિના લોકો અંદરોઅંદર વહેંચાયેલા છે. એમનો એવો મતલબ છે કે, કેટલાક દલિતો શીખ દલિત અને હિન્દુ દલિતમાં વહેંચાયેલા છે, તો કેટલાક શીખ હિન્દુ દલિતોમાં પણ પેટા સમાજો છે જેમની પોતપોતાની અલગ વિચારધારા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, BADRINARAYAN
પબ્બી જણાવે છે કે, "કદાચ આ જ કારણે કાંશીરામે ઘણી મહેનત કરી છતાં તેઓ દલિતોમાં એકતા ન લાવી શક્યા અને તેમણે પંજાબ છોડીને ઉત્તરપ્રદેશ અને દેશના બીજા પ્રાંત-વિસ્તારોમાં દલિતોની વચ્ચે જઈ એમના માટે કામ કર્યાં."
પંજાબ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રોંકી રામ અનુસાર કાંશીરામે પંજાબના વિભિન્ન દલિત સમાજના લોકોમાં આંતરિક સામંજસ્ય અને એકતા વધારવાના પ્રયાસો જરૂર કર્યા, પરંતુ તેઓ સફળ ન થયા, જ્યારે ઉત્તરપ્રદેશમાં એમનાં જ ઉત્તરાધિકારી માયાવતીને આ જ કામમાં અભૂતપૂર્વ સફળતા મળી.
એમણે જણાવ્યું કે, "1992માં બહુજનસમાજ પાર્ટીને 16 ટકા મત મળ્યા હતા અને એ તેનો સૌથી શ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. પરંતુ સમયાંતરે પાર્ટીનો પ્રભાવ ઘટતો ચાલ્યો અને એનો વિસ્તાર સંકોચાઈને માત્ર પંજાબના દોઆબના કેટલાક વિસ્તાર પૂરતો સીમિત થઈ ગયો."
ઘણા પ્રયાસો કરવા છતાં કાંશીરામ પંજાબમાં બહુજનસમાજ પાર્ટીને દલિતોની પાર્ટી તરીકે સ્થાપી ન શક્યા કેમ કે, ધાર્મિક શીખ, જેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે અને વાલ્મીકિ, આ બંને સમાજના લોકો હંમેશાં પાર્ટીથી દૂર જ રહ્યા.
આંકડા પર નજર કરીએ તો પંજાબની અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ ટકાવારી ધાર્મિક શીખોની છે, જે 26.33 ટકા છે. બીજી તરફ રામદાસિયા સમાજની વસતિ 20.73 ટકા છે, જ્યારે આધી ધર્મીઓની વસતિ 10.17 ટકા તથા વાલ્મીકિ સમાજની 8.66 ટકા વસતિ છે.
બીબીસી પંજાબી સેવાના સંપાદક અતુલ સંગર જણાવે છે કે આઝાદી પછી ઘણાં વરસો સુધી ધાર્મિક શીખો અને વાલ્મીકિઓએ પરંપરાગત રીતે કૉંગ્રેસનું સમર્થન કર્યું હતું.

ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા એ 'માસ્ટરસ્ટ્રોક'?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
હાલના સંજોગોમાં એક પ્રશ્ન સામે આવ્યો છે કે, ચરણજીતસિંહને પંજાબના મુખ્ય મંત્રી બનાવ્યા એ શું કૉંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક હતો? જો કે આ મુદ્દે મતભેદ છે.
અગ્રણી પત્રકાર વિપિન પબ્બી માને છે કે, મોટાં દલિત આંદોલનો અહીંથી જ શરૂ થયેલાં છતાં, હજી પણ દલિત-ઓળખ એ પંજાબમાં કોઈ મોટો મુદ્દો નથી.
તેઓ જણાવે છે કે હાલમાં તો શીખ અને હિન્દુ રૂપે સામાજિક ઓળખ થાય છે; ભલે પછી એ દલિત શીખ હોય કે દલિત હિન્દુ.
પબ્બીના મતાનુસાર, કૉંગ્રેસ દ્વારા કોઈ શીખ દલિતને પંજાબના મુખ્ય મંત્રી બનાવવા એ રાજકીય રીતે કેટલું ફાયદાકારક રહેશે એ કહેવું હાલ તો ઉતાવળ ગણાશે, કેમ કે, હજી તો કેટલાંય કોકડાં ગૂંચવાયેલાં છે.
બીબીસી પંજાબી સેવાના સંપાદક અતુલ સંગરને લાગે છે કે આવું કરીને કૉંગ્રેસે ચોક્કસ 'બૉલ્ડ' નિર્ણય કર્યો છે, કેમ કે આઝાદી પછી આવું પહેલી વાર બન્યું છે. માત્ર જ્ઞાની ઝૈલસિંહ એક જ એવા હતા જે ઓબીસી વર્ગમાંથી હતા અને તેઓ પંજાબના મુખ્ય મંત્રી બનેલા. સાથોસાથ તેઓ એમ પણ જણાવે છે કે, ચન્નીને મુખ્ય મંત્રી બનાવવાનો અર્થ એ નહીં કે હવે બધા દલિતો કૉંગ્રેસનો ઝંડો ઉપાડી લેશે.
સંગર જણાવે છે કે, "દલિત હિન્દુ અને દલિત શીખ અકાલી દલ અને કૉંગ્રેસને સમર્થન આપતા રહ્યા છે, પરંતુ એવામાં, વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ છે ત્યારે, અકાલી દલે એમ કહ્યું કે જો તેઓ જીતી જશે તો દલિતને ઉપમુખ્ય મંત્રી બનાવશે; અને આમ આદમી પાર્ટી તથા ભારતીય જનતા પાર્ટીએ પણ આવી જ ઘોષણા કરી છે. ચન્નીને મુખ્ય મંત્રી બનાવવાના કૉંગ્રેસના પગલાને હાલના સંજોગોમાં ચોક્કસ માસ્ટર સ્ટ્રોક તરીકે જોવાય છે."
પંજાબ વિધાનસભાની કુલ 117 સીટમાંથી 30 સીટ અનુસૂચિત જાતિ માટે અનામત છે. પણ, બીબીસી પંજાબી સેવાના અગ્રણી પત્રકાર ખુશહાલ લાલી કહે છે કે કુલ 50 સીટ એવી છે જે દલિતોના મત પર આધાર રાખે છે. આમ છતાં, આ બેઠકો પર અકાલી દલ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો પણ પ્રભાવ છે.
કેટલાક રાજકીય વિશ્લેષકો એમ માને છે કે ચન્નીને મુખ્ય મંત્રી બનાવવાનું પરિણામ એ પણ આવી શકે કે જાટ શીખ અને ઉચ્ચ હિન્દુ જાતિના લોકોના વૉટ કૉંગ્રેસ તરફી થઈ જાય.
રાજકીય વિશ્લેષક હરતોષસિંહ બલે આની ચર્ચા કરતાં ટ્વિટ કર્યું છે કે બીજાં રાજ્યોની જેમ પંજાબમાં પણ દલિત વૉટબૅન્ક બીજી જાતિઓમાં વહેંચાતી રહી છે. તેઓ માને છે કે રામદાસિયા જાતિના નેતાને મુખ્ય મંત્રી બનાવવા એ કૉંગ્રેસ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે, કેમ કે, પછી, કૉંગ્રેસને ધાર્મિક શીખ જાતિ અને હિન્દુ વાલ્મીકિ સમાજમાં પોતાની શાખ જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ લાગે છે.
તેમણે લખ્યું છે કે, "પંજાબમાં, દલિત વ્યક્તિ મુખ્યમંત્રી બને એ ઘણા સમયથી વિલંબિત હતું. દેખીતું છે કે જ્યારે પોતાની આસપાસ સિદ્ધુ વિ. રંધાવા વિ. અમરિંદર વિ. જાખડ જેવા સંઘર્ષો દેખાતા હોય ત્યારે, મુખ્ય મંત્રી બનેલા ચન્ની એવો કાર્યકાળ બિલકુલ નહીં ઇચ્છતા હોય જેમાં તેઓ પોતાને શક્તિહીન અનુભવે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














